૭. મહાપુરુષો દ્વારા ગાયત્રી-મહિમાનાં ગાન …, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
મહાપુરુષો દ્વારા ગાયત્રી – મહિમાનાં ગાન
હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. વિવિધ બાબતો સંબંધમાં મતભેદો પણ છે. પણ ગાયત્રી મંત્રનો મહિમા એક એવું તત્ત્વ છે જેનો બધા સંપ્રદાયોએ, બધા ઋષિઓએ. અને બીજા બધાઓએ એક મતથી સ્વીકાર કર્યો છે.
* અથર્વવેદ ૧૯-૦૧-૧માં ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે જેમાં એને આયુ, પ્રાણ, શક્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ આપનારી કહેવામાં આવી છે.
વિશ્વામિત્રનું કથન છે-“ગાયત્રી જેવો ચારે વેદોમાં બીજો મંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, તપ ગાયત્રી મંત્રની એક કળા સમાન પણ નથી.’
ભગવાન મનુ કહે છે-“બ્રહ્માજીએ ત્રણે વેદોના સારરૂપ ત્રણ ચરણવાળો ગાયત્રી મંત્ર બનાવ્યો. ગાયત્રીથી ચઢિયાતો એવો પવિત્ર કરનારો કોઈ બીજ મંત્ર નથી. જે માણસ ત્રણ વર્ષ સુધી નિયમિત ગાયત્રીનો જપ કરે છે તે ઈશ્વરને પ્રાપ્ત કરે છે. જે દ્વિજ બંને સંધ્યાઓમાં ગાયત્રી જપે છે તેને વેદાધ્યયનનું ફળ પ્રાપ્ત થાય છે. બીજી કોઈ સાધના ન કરે તો પણ કેવળ ગાયત્રી જપથી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે સર્પ કાંચળીથી છૂટી જાય છે તેવી રીતે નિત્ય એક હજાર જપ કરનારો પાપોથી છૂટી જાય છે. જે બ્રાહ્મણ ગાયત્રીની ઉપાસના નથી કરતો તે નિંદાને પાત્ર છે.”
યોગીરાજ યાજ્ઞવલ્કય કહે છે કે – ગાયત્રી અને બધા વેદોને એક ત્રાજવામાં તોલવામાં આવ્યા. એક બાજુ ષય અંગો સહિત વેદો અને બીજી બાજુ ગાયત્રીને રાખવામાં આવી. આમ કરતાં ગાયત્રીનું પલ્લું નમેલું રહ્યું. વેદોનો સાર ઉપનિષદો છે, ઉપનિષદોનો સાર વ્યાહૃતિઓ સહિત ગાયત્રી છે. ગાયત્રી વેદની જનની છે, પાપનો નાશ કરનારી છે, એનાથી અધિક પવિત્ર કરનારો બીજો કોઈ મંત્ર સ્વર્ગ કે પૃથ્વીમાં નથી. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ એવો કોઈ મંત્ર થયો નથી અને થવાનો પણ નથી. ગાયત્રી જાણનારો સમસ્ત વિદ્યાઓનો વેત્તા અને શ્રેષ્ઠ ક્ષોત્રિય થઈ જાય છે. જે દ્વિજ ગાયત્રી પરાયણ નથી તે વેદોમાં પારંગત હોવા છતાં પણ શુદ્ર જેવો છે. બીજે કરેલો તેનો શ્રમ વ્યર્થ છે. જે ગાયત્રી નથી જાણતો તે માણસ બ્રાહ્મણત્વથી શ્રુત અને પાપયુક્ત થઈ જાય છે.”
પારાશરજી કહે છે-“સમસ્ત જપ, સૂક્તો તથા વેદમંત્રોમાં ગાયત્રી મંત્ર પરમ શ્રેષ્ઠ છે. વેદ અને ગાયત્રીની તુલનામાં ગાયત્રીનું પલ્લું નીચું નમે છે. ભક્તિપૂર્વક ગાયત્રીને જપનારો મુક્ત થઈને પવિત્ર બની જાય છે. વેદ, શાસ્ત્ર, પુરાણ ઈતિહાસ ભણ્યો હોવા છતાં જે ગાયત્રીને જાણતો નથી, એને બ્રાહ્મણ સમજવો ન જોઈએ.”
શંખઋષિનો મત છે-“નરકરૂપી સમુદ્રમાં પડતાને હાથ પકડીને બચાવનારી ગાયત્રી છે. પૃથ્વી અને સ્વર્ગમાં એના કરતાં ચઢિયાતી બીજી કોઈ વસ્તુ નથી. ગાયત્રીને જાણનાર અચૂક સ્વર્ગને મેળવે.
શૌનિક ઋષિનો મત છે-“બીજી ઉપાસના કરે કે ન કરે, ફક્ત ગાયત્રીના જપથી દ્વિજ જીવનમુક્ત થઈ જાય છે અને પારલૌકિક સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે. સંકટના સમયમાં દશ હજાર જપ કરવાથી વિપત્તિનું નિવારણ થાય છે.
અત્રિ ઋષિનું કહેવું છે કે-“ગાયત્રી આત્માને પરમ શુદ્ધ કરનારી છે. એના પ્રતાપથી કઠણ દોષો અને દુર્ગુણોનું નિવારણ થઈ જાય છે. જે મનુષ્ય ગાયત્રી તત્ત્વને સારી રીતે સમજી લે છે તેને માટે જગતમાં કોઈ સુખ બાકી રહેતું નથી.”
મહર્ષિ વ્યાસ કહે છે-“જે પ્રકારે પુષ્પનો સાર મધ અને દૂધનો સાર ઘી છે તે પ્રકારે સમસ્ત વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરેલી ગાયત્રી કામધેનુ સમાન છે. ગંગા શરીરનાં પાપોને નિર્મળ કરે છે. ગાયત્રીરૂપી બ્રહ્મ-ગંગાથી આત્મા પવિત્ર થાય છે. જે ગાયત્રીને છોડીને બીજી ઉપાસના છે, તે પકવાન છોડીને ભિક્ષા માંગનાર જેવો મૂર્ખ છે. કાર્યની સફળતા તથા તપની વૃદ્ધિને ? ગાયત્રીથી શ્રેષ્ઠ એવું બીજું કશું નથી.’
ભારદ્વાજ ઋષિ કહે છે-“બ્રહ્મા આદિ દેવતાઓ પણ ગાયત્રીનો જપ કરે છે, એ બ્રહ્મસાક્ષાત્કાર કરાવનારી છે. અનુચિત કામ કરનારાઓના દુર્ગુણો ગાયત્રીના જપથી છૂટી જાય છે. ગાયત્રીરહિત વ્યક્તિ શુદ્ર કરતાં પણ અપવિત્ર છે.”
ચરક ઋષિ કહે છે “જે બ્રહ્મચર્યપૂર્વક ગાયત્રીની ઉપાસના કરે છે અને આમળાનાં તાજાં ફળોનું સેવન કરે છે તે દીર્ઘજીવી થાય છે.”
નારદની ઉક્તિ છે “ગાયત્રી ભક્તિનું જ સ્વરૂપ છે. જ્યાં ભક્તિરૂપી ગાયત્રી છે, ત્યાં નારાયણનો નિવાસ થાય એમાં કોઈ સંદેહ નથી.’
વશિષ્ઠજીનો મત છે કે-“મન્દમતિ, કુમાર્ગગામી અને અસ્થિરમતિ પણ ગાયત્રીના પ્રભાવથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. તેની સદ્ગતિ નિશ્ચિત છે. જે પવિત્રતા અને સ્થિરતાપૂર્વક સાવિત્રીની ઉપાસના કરે છે તે આત્મલાભ પ્રાપ્ત કરે છે.’
ઉપરોક્ત મતોને મળતા આવે એવા મતો લગભગ બધા ઋષિઓના છે. એનાથી સ્પષ્ટ થાય છે કે, બીજી બધી બાબતોમાં તેમની વચ્ચે મતભેદો હશે છતાં ગાયત્રીની બાબતમાં એ બધામાં સમાન શ્રદ્ધા હતી અને તેઓ પોતાની ઉપાસનામાં એને પ્રથમ સ્થાન આપતા હતા.
વર્તમાન શતાબ્દીના આધ્યાત્મિક તથા દાર્શનિક મહાપુરુષોએ પણ ગાયત્રીના એ મહત્ત્વનો એ જ પ્રકારે સ્વીકાર કર્યો છે. આજનો યુગ બુદ્ધિ અને તર્કનો, પ્રત્યક્ષવાદનો યુગ છે. આ શતાબ્દીની પ્રભાવશાળી ગણમાન્ય વ્યક્તિઓની વિચારધારા કેવળ ધર્મગ્રંથો કે પરંપરાઓ પર આધારિત નથી રહી. એમણે બુદ્ધિવાદ, તર્કવાદ અને પ્રત્યક્ષવાદને એમનાં કાર્યોમાં મુખ્ય સ્થાન આપ્યું છે. એવા મહાપુરુષોને પણ બધી બાજુએથી પરખ કર્યા પછી ગાયત્રી તત્ત્વ સો ટચનું સોનું પ્રતીત થયું છે. નીચે એમાંથી કેટલાકના વિચાર આપવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધી કહે છે-“ગાયત્રી મંત્રનો નિરંતર જપ રોગીઓને સારા કરવામાં અને આત્માની ઉન્નતિ માટે ઉપયોગી છે. ગાયત્રીનો સ્થિર ચિત્તે અને શાંત હૃદયે કરાયેલો જપ આપત્તિકાળનાં સંકટોને દૂર કરવા સમર્થ નીવડે છે.”
લોકમાન્ય તિલક કહે છે- ભારતીય પ્રજા બહુમુખી દાસતાનાં જે બંધનોમાં જકડાયેલી છે, તેમનો અંત રાજનૈતિક સંઘર્ષ કરવાથી થવાનો નથી. એના આત્માની અંદર પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ, જેથી સત્ અને અસતનો વિવેક થાય, કુમાર્ગને છોડીને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે. ગાયત્રી મંત્રમાં એ જ ભાવના વિદ્યમાન છે.’
મહામના માલવીયાજીએ કહ્યું છે- “ઋષિઓએ જે મહામૂલાં રત્નો આપણને આપ્યાં છે, તેમાં એક અનુપમ રત્ન ગાયત્રી છે. ગાયત્રીથી બુદ્ધિ પવિત્ર થાય છે. ઈશ્વરનો પ્રકાશ આત્મામાં આવે છે. આ પ્રકાશથી અસંખ્ય આત્માઓને ભવબંધનમાંથી મુક્તિ મળી છે. ગાયત્રીમાં ઈશ્વર પરાયણતાના ભાવ ઉત્પન્ન કરવાની શક્તિ છે. તેની સાથે જ તે ભૌતિક અભાવો દૂર કરે છે. ગાયત્રીની ઉપાસના ગાયત્રી બ્રાહ્મણોને તો ખાસ આવશ્યક છે. જે બ્રાહ્મણ ગાયત્રીનો જપ નથી કરતો તે પોતાના કર્તવ્ય ધર્મને છોડવાનો અપરાધ કરે છે.’
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે-“ભારત વર્ષને જગાડનાર જે મંત્ર છે તે એટલો સરળ છે કે એક જ શ્વાસમાં એનું ઉચ્ચારણ કરી શકાય છે. તે છે ગાયત્રી મંત્ર. આ પુનિત મંત્રનો અભ્યાસ કરવામાં કંઈ પણ ઊહાપોહ, મતભેદ કે શોરબકોરની જરૂર નથી.”
યોગી અરવિંદ ઘોષે અનેક ઠેકાણે ગાયત્રી જપ કરવાનો નિર્દેશ કર્યો છે. એમણે બતાવ્યું છે કે, ગાયત્રીમાં એવી શક્તિ રહેલી છે કે જે મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે છે. એમણે કેટલાય સાધકોને સાધના માટે ગાયત્રીનો જપ બતાવ્યો છે.
સ્વામી રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ છે “હું લોકોને કહેતો આવ્યો છું કે લાંબી સાધના કરવાની કોઈ અગત્યની નથી. આ એક નાની સરખી ગાયત્રીની ઉપાસના કરી જુઓ. ગાયત્રીનો જપ કરવાથી મોટી મોટી સિદ્ધિઓ મળી જાય છે. આ મંત્ર નાનો છે પણ એની શક્તિ બહુ જ મોટી છે.
સ્વામી વિવેકાનંદનું કથન છે-“રાજા પાસે એવી વસ્તુ માગવી જોઈએ, જે તેના ગૌરવને અનુકુળ હોય. પરમેશ્વર પાસે માગવા જેવી વસ્તુ સદબુદ્ધિ છે. જેના પર પરમાત્મા પ્રસન્ન થાય છે તેને તે બુદ્ધિનું પ્રદાન કરે છે. સદ્ગદ્ધિથી સન્માર્ગ પર પ્રગતિ થાય છે અને સતકર્મથી બધા પ્રકારનું સુખ મળે છે. જે સત તરફ આગળ વધી રહ્યા છે તેને કોઈ વાતની તાણ પડતી નથી. ગાયત્રી સદ્દબુદ્ધિનો મંત્ર છે. તેથી એને મંત્રોનો મુકુટમણિ કહેવામાં આવ્યો છે.’
જગદ્ગુરુ શંકરાચાર્યનું કથન છે-“ગાયત્રી મંત્રના મહિમાનું વર્ણન કરવું મનુષ્યના સામર્થ્યની બહાર છે. બુદ્ધિનું શુદ્ધ થવું એ એટલું મારું કાર્ય છે કે તેની તુલના જગતના બીજા કોઈ કામ સાથે થઈ શકે એમ નથી. આત્મ પ્રાપ્તિ કરવાની દિવ્ય દૃષ્ટિ જે બુદ્ધિથી પ્રાપ્ત થાય છે, તેની પ્રેરણા ગાયત્રી દ્વારા થાય છે. ગાયત્રી આદિમંત્ર છે એનું અવતરણ પાપોનો નાશ કરવા માટે, ઋતુનું અભિવર્ધન કરવા માટે થયું છે.”
સ્વામી રામતીર્થે કહ્યું છે–“રામને પ્રાપ્ત કરવા સૌથી મોટું કામ છે. ગાયત્રીનો અભિપ્રાય બુદ્ધિને કામરુચિમાંથી હટાવીને રામરુચિમાં જોડવાનો છે, જેની બુદ્ધિ પવિત્ર હશે તે જ રામને પ્રાપ્ત કરી શકશે. ગાયત્રી પોકારે છે કે બુદ્ધિમાં એટલી પવિત્રતા હોવી જોઈએ કે એ રામને કામથી વધારે માને.’
રમણ મહર્ષિનો ઉપદેશ છે કે, “યોગવિદ્યામાં મંત્રવિદ્યા બહુ જ પ્રબળ છે. મંત્રોની શક્તિથી અદ્ભુત સફળતાઓ મળે છે. ગાયત્રી મંત્ર એવો મંત્ર છે, જેનાથી આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારના લાભ મળે છે.’
સ્વામી શિવાનંદજી કહે છે–બ્રાહ્મમુહૂર્તમાં ગાયત્રીનો જપ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને હૃદયમાં નિર્મળતા આવે છે, શરીર નીરોગી રહે છે, સ્વભાવમાં નમ્રતા આવે છે. બુદ્ધિ સૂક્ષ્મ બનવાથી દૂરદર્શિતા વધે છે અને સ્મરણશક્તિનો વિકાસ થાય છે. મુશ્કેલ સંજોગોમાં ગાયત્રી દ્વારા દૈવી સહાય મળે છે. એનાથી આત્મદર્શન થાય છે.”
કાલીકમલીવાળા બાબા વિશુદ્ધાનંદજીનું કથન છે કે – “શરૂઆતમાં તો ગાયત્રી તરફ રુચિ પણ થતી નથી. જો ઈશ્વરકૃપાથી થઈ જાય તો તેવો માણસ કુમાર્ગગામી નથી રહેતો. ગાયત્રી જેના હૃદયમાં વાસ કરે છે તેનું મન ઈશ્વરમાં જોડાય છે, વિષય-વિકારોની વ્યર્થતા એને સારી રીતે સમજાવા માંડે છે. અનેક મહાત્માઓ ગાયત્રીનો જપ કરીને સિદ્ધ થયા છે. પરમાત્માની શક્તિ જ ગાયત્રી છે. જે ગાયત્રીની નિકટ જાય છે તે શુદ્ધ બની જાય છે. આત્મકલ્યાણને માટે મનની શુદ્ધિ આવશ્યક છે. મનની શુદ્ધિ માટે ગાયત્રી મંત્ર અદ્ભુત છે. ઈશ્વરપ્રાપ્તિને માટે ગાયત્રી જપને પ્રથમ પગથિયું માનવું જોઈએ.’
દક્ષિણ ભારતના પ્રસિદ્ધ આત્મજ્ઞાની ટી. સુબ્બારાવ કહે છે “સવિતા નારાયણની દૈવી પ્રકૃતિને ગાયત્રી કહે છે. આદિશક્તિ હોવાથી એને ગાયત્રી કહેવામાં આવી છે.” ગીતામાં એનું વર્ણન “આદિત્યવણ તરીકે કરવામાં આવ્યું છે. ગાયત્રીની ઉપાસના કરવી એ યોગનું સૌથી પ્રથમ અંગ છે.”
શ્રી સ્વામી કરપાત્રીજીનું કથન છે કે-જે ગાયત્રીનો અધિકારી છે તેણે નિત્ય નિયમિત એનો જપ કરવો જોઈએ. બ્રાહ્મણોને માટે ગાયત્રી જપ એક આવશ્યક ધર્મકર્યો છે.”
ગીતા ધર્મના વ્યાખ્યાતા સ્વામી વિદ્યાનંદનું કહેવું છે “ગાયત્રી બુદ્ધિને પવિત્ર કરે છે. બુદ્ધિની પવિત્રતા કરતાં જીવનમાં બીજો કોઈ વિશેષ લાભ નથી. તેથી ગાયત્રી એક બહુ જ મોટા લાભની જનની છે.’
ડૉ. રાધાકૃષ્ણનું કહે છે “જો આપણે બધા આ સાર્વભૌમિક પ્રાર્થના ગાયત્રી પર વિચાર કરીશું તો આપણને માલુમ પડશે કે, તે વાસ્તવમાં આપણું કેવું ભલું કરે છે. ગાયત્રી આપણામાં ફરીથી જીવનનો સ્રોત ઉત્પન્ન કરનારી આકુલ પ્રાર્થના છે.”
પ્રસિદ્ધ આર્યસમાજી મહાત્મા સર્વદાનંદજીનું કથન છે – “ગાયત્રી મંત્ર દ્વારા પ્રભુનું પૂજન એ સદાની આર્યોની વાત રહી છે. ઋષિ દયાનંદે પણ એ જ શૈલીનું અનુસરણ કરીને ધ્યાનનું વિધાન તથા વેદોનો સ્વાધ્યાય કેમ કરવો તે બતાવ્યું છે. એમ કરવાથી અંત:કરણથી શુદ્ધિ તથા બુદ્ધિ નિર્મળ થઈને મનુષ્યનું જીવન પોતાને માટે તેમજ બીજાઓને માટે હિતકર થઈ જાય છે. આ શુભ કર્મમાં જેટલા પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેટલા અવિદ્યા અને કલેશોનો હ્રાસ થાય છે. જે જિજ્ઞાસુ ગાયત્રી મંત્ર તરફ પ્રેમ ધરાવે છે અને નિયમપૂર્વક તેનું ઉચ્ચારણ કરે છે, તેને માટે એ મંત્ર આ સંસાર સાગર તરવાની નાવ અને આત્મ પ્રાપ્તિનો માર્ગ છે.”
આર્યસમાજના જન્મદાતા સ્વામી દયાનંદ ગાયત્રીના શ્રદ્ધાળુ ઉપાસક હતા. ગ્વાલિયરના રાજા સાહેબને સ્વામીજીએ કહ્યું હતું કે, ભાગવત-સપ્તાહ કરતાં ગાયત્રી-પુરશ્ચરણ અધિક શ્રેષ્ઠ છે. એમણે જયપુરના સચ્ચિદાનંદ હીરાલાલ રાવળ, ઘોડલસિંહ આદિને ગાયત્રી જપનો વિધિ સમજાવ્યો હતો. મુલતાનમાં ઉપદેશ આપતી વખતે સ્વામીજીએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને કહ્યું કે આ મંત્ર બધાથી શ્રેષ્ઠ છે. ચારે વેદોનું મૂળ આ જ ગુરુમંત્ર છે. પહેલાંના વખતમાં બધા ઋષિમુનિઓ એનો જપ કરતા હતા. સ્વામીજીએ અનેક સ્થળોએ ગાયત્રી-અનુષ્ઠાનોનું આયોજન કરાવ્યું હતું, જેમાં ચાલીસની સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા. એ જપ ૧૫ દિવસ સુધી ચાલ્યા હતા.
થિયોસૉફિકલ સોસાયટીના એક મોટા સદસ્ય પ્રો. આર. શ્રીનિવાસનું કથન છે, “હિંદુ વિચારસરણીમાં ગાયત્રીને સૌથી અધિક શક્તિશાળી મંત્ર માનવામાં આવ્યો છે. એનો અર્થ પણ ખૂબ ઊંચો અને ગૂઢ છે. આ મંત્રના અનેક અર્થ થાય છે અને ભિન્ન ભિન્ન પ્રકારની ચિત્તવૃત્તિવાળા મનુષ્યો પર આનો પ્રભાવ પણ ભિન્ન ભિન્ન પ્રકારનો થતો જોવા મળે છે. આમા દ્રષ્ટ અને અદ્રષ્ટ ઉચ્ચ અને નીચ, માનવ અને દેવ બધાને જ કોઈ એક રહસ્યમય તંતુથી એકત્ર કરવાની શક્તિ જોવામાં, અનુભવવામાં આવી છે. જ્યારે આ મંત્રનો અધિકારી મનુષ્ય ગાયત્રીના અર્થ અને રહસ્ય, મન અને હૃદયને એકાગ્ર કરીને તેનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે, ત્યારે તેનો સંબંધ દશ્ય સૂર્યમાં રહેલી મહાન ચૈતન્ય શક્તિ સાથે સ્થાપિત થઈ જાય છે. તે માણસ ગમે ત્યાં જપ કરતો હોય, પણ તેની ઉપર અને આસપાસના વાતાવરણમાં વિરાટ આધ્યાત્મિક પ્રભાવ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રભાવ જ એક મહાન આધ્યાત્મિક આશીર્વાદ છે. આ કારણોના લીધે આપણા જોએ ગાયત્રી મંત્રની અનુપમ શક્તિનાં આટઆટલાં વખાણ કર્યા છે.’
આ પ્રકારના શતાબ્દીના જાણીતા બુદ્ધિમાન મહાપુરુષોના અનેક અભિપ્રાયો અમારી પાસે સંગ્રહિત છે. એમના પર વિચાર કર્યા પછી એવા નિષ્કર્ષ પર આવવું પડે છે કે ગાયત્રી ઉપાસના એ કોઈ અંધવિશ્વાસ કે અંધપરંપરા નથી, પરંતુ એની પાછળ આત્મોન્નતિ કરાવનાર સંપૂર્ણ તત્ત્વોનું બળ છે. આ મહાન શક્તિને અપનાવવાનો જેમણે જેમણે પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે જ. ગાયત્રીની સાધના કદી નિષ્ફળ જતી નથી.
પ્રતિભાવો