૧૨. જીવનનો કાયાકલ્પ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
જીવનનો કાયાકલ્પ
ગાયત્રી મંત્રથી આત્મિક કાયાકલ્પ થઈ જાય છે. આ મહામંત્રની ઉપાસનાનો આરંભ કરતાંની સાથે જ સાધકને એવું પ્રતીત થાય છે કે, મારા આંતરિક ક્ષેત્રમાં એક નવી હિલચાલ શરૂ થઈ છે. સત્ત્વગુણી તત્ત્વોની અભિવૃદ્ધિ થવાથી દુર્ગુણો, કુવિચારો, દુઃસ્વભાવ વગેરે ઘટવા માંડે છે અને સંયમ, નમ્રતા, પવિત્રતા, ઉત્સાહ, સ્કૂર્તિ, મધુરતા, ઈમાનદારી, સત્યનિષ્ઠા, ઉદારતા, પ્રેમ, સંતોષ, શાંતિ, સેવાભાવ આદિ સદ્ગણોનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જાય છે. પરિણામે લોકો એના સ્વભાવ અને આચરણથી સંતુષ્ટ થઈને બદલામાં પ્રશંસા, કૃતજ્ઞતા, શ્રદ્ધા અને સન્માનનો ભાવ રાખે છે અને વખતોવખત તેને સહાય પણ કરે છે. આ ઉપરાંત આ સદગુણો પોતે એટલા મધુર હોય છે કે જેના હૃદયમાં એમનો નિવાસ થાય ત્યાં આત્મ સંતોષનું પરમ શાંતિદાયક શીતલ ઝરણું સદા વહેતું થાય છે.
ગાયત્રી સાધકના મનઃક્ષેત્રમાં અસાધારણ પરિવર્તન થઈ જાય છે. વિવેક, દીર્ધદષ્ટિ, તત્ત્વજ્ઞાન અને ઋતંભરા બુદ્ધિની અભિવૃદ્ધિ થઈ જવાને લીધે અનેક અજ્ઞાનજન્ય દુઃખોનું નિવારણ થઈ જાય છે. પ્રારબ્ધવશ અનિવાર્ય કર્મફલને લીધે કષ્ટસાધ્ય પરિસ્થિતિઓ પ્રત્યેકનાં જીવનમાં આવતી રહે છે. હાનિ, શોક, વિયોગ, આપત્તિ, રોગ, આક્રમણ, વિરોધ આદિની વિભિન્ન પરિસ્થિતિઓમાં જ્યાં સાધારણ મનોભૂમિના લોકોને મૃત્યુ તુલ્ય કષ્ટ થાય છે, ત્યાં આત્મબળ સંપન્ન સાધક તેના વિવેક, જ્ઞાન, વૈરાગ્ય, સાહસ, આશા, ધૈર્ય, સંતોષ, સંયમ અને ઈશ્વર વિશ્વાસના આધારોએ બધી મુશ્કેલીઓને તરી જાય છે. ખરાબ અથવા સાધારણ પરિસ્થિતિમાં પણ તે આનંદનો માર્ગ શોધી કાઢે છે અને મસ્તી તેમજ પ્રસન્નતામાં જીવન પસાર કરે છે.
જગતમાં સૌથી મોટો લાભ “આત્મબળ” ગાયત્રી સાધકને પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત બીજા પણ અનેક સાંસારિક લાભો થતા જોવામાં આવે છે. બીમારી, કમજોરી, ગૃહકલેશ, મનોમાલિત્ય, કોર્ટ કચેરીઓ, દાંપત્યસુખનો અભાવ, મગજની નિર્બળતા, ચિત્તની અસ્થિરતા, સંતાન સંબંધી દુઃખ, કન્યાના વિવાહની ચિંતા, ખરાબ ભવિષ્યની આશંકા, પરીક્ષામાં ઉત્તીર્ણ ન થવાનો ભય, ખરાબ આદતોનું બંધન વગેરે મુશ્કેલીઓમાં સપડાયેલા અનેક લોકોએ ગાયત્રી માતાની આરાધના કરીને એ બધામાંથી મુક્તિ મેળવેલી છે.
આનું કારણ એ છે કે, દરેક મુશ્કેલીની પાછળ તેમના મૂળમાં આપણી જ ત્રુટિઓ, અયોગ્યતાઓ અને દોષો અવશ્ય હોય છે જ. સત્ત્વગુણની વૃદ્ધિની સાથે આપણા આહારવિહાર, વિચાર, દિનચર્યા, દષ્ટિકોણ, સ્વભાવ અને કાર્યક્ષમતામાં પરિવર્તન થાય છે અને એ પરિવર્તન જ આપત્તિઓના નિવારણનો અને સુખશાંતિની સ્થાપનાનો રાજમાર્ગ બની જાય છે. કેટલીકવાર આપણી ઇચ્છાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ, કામનાઓ એવી હોય છે કે, તે આપણી યોગ્યતા અને પરિસ્થિતિઓ સાથે મેળ ખાતી નથી. મગજ શુદ્ધ થવાથી બુદ્ધિમાન માણસ એ માટે મૃગતૃષ્ણાઓનો ત્યાગ કરીને અકરાણ દુઃખી થવામાંથી અને ભ્રમજાળમાંથી મુક્ત થાય છે. અવશ્યંભાવી, ન ટળનારા પ્રારબ્ધને ભોગવવાનું જ્યારે સામે આવે છે ત્યારે સાધારણ વ્યક્તિ મોટી ચીસ પાડી ઊઠે છે. પરંતુ ગાયત્રી સાધનાથી તેનું આત્મબળ અને સાહસ એટલું વધી જાય છે કે, તે એને હસતાં હસતાં સહન કરે છે.
કોઈ વિશેષ આપત્તિના નિવારણ માટે અને કોઈ આવશ્યકતાની પ્રાપ્તિને માટે પણ ગાયત્રીની સાધના કરવામાં આવે છે. મોટે ભાગે એનું પરિણામ ભારે આશાજનક હોય છે. જ્યાં ચારેબાજુ નિરાશા, અસફળતા, આશંકા અને ભયનો અંધકાર જ છવાયો હોય ત્યાં વેદમાતાની કૃપાથી દૈવી પ્રકાશ ઉત્પન્ન થયો હોય અને નિરાશા આશામાં પલટાઈ ગઈ હોય એવું જોવામાં આવે છે. મોટાં કઠણ કાર્યો પણ સહેલાસટ થઈ ગયેલાં અમે અમારી આંખોએ જોયેલાં હોવાથી અમારો એવો અતૂટ વિશ્વાસ થઈ ગયો છે કે, કદી પણ કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.
ગાયત્રી સાધના આત્મબળ વધારવાનો આધ્યાત્મિક વ્યાયામ છે. એકાદ કુસ્તીમાં જીતવા માટે અને નામના મેળવવા માટે કેટલાક લોકો પહેલવાની અને વ્યાયામની પ્રેકટીસ કરે છે. જો કદાચ કોઈ અભ્યાસી એકાદ કુસ્તીમાં હારી જાય તો પણ એમ ન માની લેવું જોઈએ કે એનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. એ બહાને એનું શરીર તો મજબૂત થઈ જશે ને તે જીવનમાં અનેક વખત કામ આવશે. નીરોગિતા, સૌંદર્ય, દીર્ઘજીવન, કઠોર પરિશ્રમ કરવાની લાયકાત, દામ્પત્યસુખ, સુસંતતિ, વધારે આવક, શત્રુઓથી નિર્ભયતા આદિ કેટલાક લાભો એવા છે કે જે કુસ્તીમાં કોઈને પછાડવા કરતાં ઓછા મહત્ત્વની નથી. સાધનાથી ભલે કોઈ વિશેષ પ્રયોજન પ્રારબ્ધવશાત્ પૂરું ન પણ થાય તો પણ કોઈને કોઈ પ્રકારે સાધનાના પરિશ્રમ કરતાં વધારે લાભ અવશ્ય મળે છે જ.
આત્મા પોતે અનેક રિદ્ધિ સિદ્ધિના કેન્દ્ર છે. જે શક્તિઓ પરમાત્મામાં છે તે જ એના અમર યુવરાજ જેવા આત્મામાં છે. પરંતુ જેમ રાખ છવાવાથી અંગારા મંદ થાય છે, તેમ આંતરિક મલિનતાને લીધે આત્મતેજ કુંઠિત થઈ જાય છે. ગાયત્રીની સાધનાથી મલિનતાનો એ પડદો દૂર થઈ જાય છે અને રાખ ઉડાડી નાખવાથી કેવી રીતે દેવતા પ્રજ્વલિત સ્વરૂપમાં નજરે પડવા લાગે છે, તેવી જ રીતે સાધનાથી આત્મા પણ પોતાની રિદ્ધિ-સિદ્ધિ સાથે જ બ્રહ્મતેજથી પ્રગટ થાય છે. યોગીઓને જે લાભ અનેક કઠણ તપસ્યાને અંતે પ્રાપ્ત થાય છે, તે લાભ ગાયત્રીના ઉપાસકને અલ્પ પ્રયાસથી પ્રાપ્ત થાય છે.
ગાયત્રી ઉપાસનાનો આવો પ્રભાવ આ યુગમાં પણ સમયે સમયે અનુભવવામાં આવે છે. છેલ્લાં પચાસેક વર્ષો દરમિયાન હજારો માણસો આ ઉપાસનાને કારણે આશ્ચર્યજનક સફળતાઓ મેળવી ચૂક્યા છે અને પોતાના જીવનને એમણે ખૂબ ઉચ્ચ અને સાર્વજનિક રીતે કલ્યાણકારક તથા પરોપકારી બનાવ્યું છે. એમની એ ઉપાસનાની સફળતાને લીધે અનેકોએ પ્રેરણા પણ પ્રાપ્ત કરી છે. ગાયત્રી સાધનામાં આત્મોન્નતિનો ઉચ્ચ ગુણ એટલો બધો છે કે તેનાથી કલ્યાણ અને જીવન સુધાર સિવાય અન્ય કોઈ અનિષ્ટની શકયતા જ નથી.
પ્રાચીનકાળમાં મહર્ષિઓએ મોટી મોટી તપસ્યાઓ અને યોગસાધના કરીને અણિમા, મહિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમની ચમત્કારિક શક્તિઓનાં વર્ણનોથી આપણા ઇતિહાસ પુરાણો ભરેલાં પડ્યાં છે. તે તપસ્યા અને યોગસાધના ગાયત્રીના આધારે જ કરવામાં આવતી હતી. આજે પણ અનેક એવા મહાત્માઓ જીવે છે જેમની પાસે દૈવીશક્તિ અને સિદ્ધિઓનો ભંડાર છે. એમનું કહેવું છે કે, ગાયત્રીથી ચડિયાતો એવો યોગમાર્ગમાં સુગમતાપૂર્વક સફળતા મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. સિદ્ધ પુરુષો ઉપરાંત સૂર્યવંશી અને ચંદ્રવંશી સાહુ ચક્રવર્તી રાજાઓ પણ ગાયત્રીના ઉપાસક હતા. બ્રાહ્મણ લોકો ગાયત્રીની બ્રહ્મશક્તિના બળે જગદ્ગુરુ બન્યા હતા અને ક્ષત્રિયો ગાયત્રીના ભર્ગતેજથી ચક્રવર્તી શાસકો બન્યા હતા.
આ સનાતન સત્ય આજે પણ એટલું જ સત્ય છે. ગાયત્રી માતાનો શ્રદ્ધાપૂર્વક આશ્રય લેનાર મનુષ્ય કદી પણ નિરાશ થતો નથી.
પ્રતિભાવો