૮. ગાયત્રી-સાધનાથી સત્ત્વગુણી સિદ્ધિઓ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
ગાયત્રી – સાધનાથી સત્ત્વગુણી સિદ્ધિઓ
પ્રાચીન ઈતિહાસ પુરાણો દ્વારા જાણવા મળે છે કે, પ્રાચીનકાળમાં પ્રાયઃ ઋષિ મહર્ષિ ગાયત્રીના આધાર પર યોગસાધના અને તપશ્ચર્યા કરતા હતા. વશિષ્ઠ, યાજ્ઞવલ્કય, અત્રિ, વિશ્વામિત્ર, વ્યાસ, શુકદેવ, દધીચિ, વાલ્મીકિ, ચ્યવન, શંખ, ક્ષૈત્રેય, જાબાલિ, ઉદ્દદાલક, વૈશપાયન, દુર્વાસા, પરશુરામ, પુલસ્ત્ય, દત્તાત્રેય, અગસ્ત્ય, સનતકુમાર, કણ્વ, શૌનક આદિ ઋષિઓનાં જીવન-વૃત્તાંતો પરથી સ્પષ્ટ થાય છે કે, એમની સફળતાના મૂળમાં ગાયત્રી જ હતી.
થોડા જ સમય પહેલાં એવા મહાત્માઓ થઈ ગયા, તેમણે પણ ગાયત્રીનો આશ્રય લઈને પોતાના આત્મબળ તેમજ બ્રહ્મતેજને પ્રકાશમાન કર્યું હતું. એમનો ઇષ્ટદેવ, આદર્શ સિદ્ધાંત વગેરે ભલે ભિન્ન હતા, પણ વેદમાતા પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા હતી. એમણે શરૂઆતમાં આ મહાશક્તિનું જ દુગ્ધપાન કર્યું, જેથી તેઓ પ્રતિભાયુક્ત મહાપુરુષો થઈ શક્યા હતા.
શંકરાચાર્ય, સમર્થગુરુ રામદાસ, નરસિંહ મહેતા, દાદુ દયાળ, સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામાનંદ, ગોરખનાથ, મછીન્દ્રનાથ, હરિદાસ, તુલસીદાસ, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, યોગી અરવિંદ, મહર્ષિ રમણ, ગૌરાંગ મહાપ્રભુ, સ્વામી દયાનંદ, મહાત્મા એકરસાનંદ આદિ અનેક મહાત્માઓનો વિકાસ ગાયત્રીની મહાશક્તિથી જ થયો હતો.
આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથ માધવ નિદાનના નિર્માતા શ્રી માધવાચાર્ય આરંભમાં ૧૩ વર્ષો સુધી વૃંદાવનમાં રહીને ગાયત્રી પુરશ્ચરણ કર્યું હતું. જ્યારે તેમને કંઈ પણ સફળતા ન મળી ત્યારે નિરાશ થઈને કાશી ચાલ્યા ગયા અને એક અવધૂતની સલાહથી ભૈરવની તાંત્રિક ઉપાસના કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં ભૈરવે પ્રસન્ન થઈને પીઠ પાછળથી તેમને કહ્યું કે, “વર માગો !’ માધવાચાર્યજીએ તેમને કહ્યું કે, “તમે સામે આવો અને દર્શન આપો. ભૈરવે જવાબ આપ્યો “હું ગાયત્રી ઉપાસકની સામે નથી આવી શકતો એ વાતનું માધવાચાર્યને બહુ જ આશ્ચર્ય થયું અને તેમણે તેમને કહ્યું, “જો ગાયત્રી ઉપાસકની સામે તમે આવી શકતા ન હો તો વરદાન તો કેમ આપી શકો ? કૃપા કરીને મને એ તો બતાવો કે મારી અત્યાર સુધીની ગાયત્રી ઉપાસના નિષ્ફળ કેમ ગઈ ?’ ભૈરવે જવાબ આપ્યો “તમારાં પૂર્વજન્મના પાપોનો નાશ કરવામાં જ અત્યાર સુધીની સાધના વપરાઈ ગઈ. હવે તમારો આત્મા નિષ્પાપ થઈ ગયો છે. હવે પછી તમે જે સાધના કરશો તે અવશ્ય સફળ થશે.’ એ સાંભળીને માધવાચાર્યજી પાછા વૃંદાવન આવ્યા અને ફરીથી ગાયત્રી પુરશ્ચરણનો આરંભ કર્યો. અંતે તેમને માતાનાં દર્શન થયાં અને પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ.
શ્રી મહાત્મા દેવગિરિજીના ગુરુ હિમાલયની એક ગુફામાં ગાયત્રી દ્વારા તપ કરતા હતા. એમની ઉંમર ૪૦૦ વર્ષ કરતાં વધારે હતી. તેઓ આસન પરથી ઊઠીને ભોજન, શયન, સ્થાન કે મળત્યાગને માટે પણ ક્યાંય જતા નહીં એ કામોની તેમને જરૂર પણ પડતી નહીં.
નવરાઈની પાસેની રામટેકરીના ગાઢ જંગલમાં હરિહર નામના એક મહાત્માને ગાયત્રીનું તપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. મહાત્માની કુટીર પાસે જવા સાત માઈલનું ગાઢ જંગલ પસાર કરવું પડતું હતું. તે જંગલમાં સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીઓ રહેતાં હતાં. કોઈ માણસ હરિહરનાં દર્શને જાય તો તેને બે ચાર સિંહો અને વાઘનો રસ્તામાં ભેટો થતો. હરિહરબાબાને દર્શને જાઉં છું એટલું જ કહેવાથી તેઓ રસ્તો છોડીને ચાલ્યા જતા હતા.
લક્ષ્મણગઢમાં એક વિશ્વનાથ ગોસ્વામી નામક પ્રસિદ્ધ ગાયત્રી-ઉપાસક થઈ ગયા. એમના જીવનનો અધિકાંશ ભાગ ગાયત્રી ઉપાસનામાં જ પસાર થતો હતો. એમના આશીર્વાદથી સીકરના એક કુટુંબનો ગરીબાઈમાંથી છુટકારો થયો હતો. તે કુટુંબના લોકો આજે પણ પંડિતજીની સમાધિ પર પોતાનાં બાળકોનું મુંડન કરાવે છે.
જયપુર રાજ્યમાં જૈન નામના ગામમાં પં. હરરાય નામના એક નૈષ્ઠિક ગાયત્રી -ઉપાસક રહેતા હતા. એમને એમના મૃત્યુની અગાઉથી જ જાણ થઈ ગઈ હતી. એમણે પોતાનાં પરિજનોને ધાર્મિક ઉપદેશ આપ્યો, વાતચીત કરી અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં સ્વર્ગવાસી થયા.
જૂનાગઢના એક વિદ્વાન પં. મણિશંકર ભટ્ટ પહેલાં યજમાનોને માટે દક્ષિણા લઈને ગાયત્રી અનુષ્ઠાન કરતા હતા. જ્યારે તે દ્વારા અનેક લોકોને ભારે લાભ થતો જોયો ત્યારે તેમણે પોતાનું આખું જીવન ગાયત્રી ઉપાસનામાં જ બહુ જ શાંતિથી પસાર કર્યું.
જયપુર પ્રાંતમાં બૂઢા દેવલ ગામમાં વિષ્ણુદાસજીનો જન્મ થયો. તેઓ આજન્મ બ્રહ્મચારી રહ્યા. એમણે પુષ્કરમાં એક ઝૂંપડી બનાવીને ગાયત્રીની ઘોર તપસ્યા કરી હતી. પરિણામે એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. મોટા મોટા રાજાઓ એમની ઝૂંપડીની ધૂળ માથે ચઢાવતા હતા. જયપુર અને જોધપુરના મહારાજા અનેકવાર એમની ઝૂંપડી પર ગયા હતા. ઉદયપુરના મહારાજા તો અત્યંત આગ્રહ કરીને તેમને પોતાની રાજધાનીમાં લઈ ગયા હતા અને તેમના ગાયત્રી પુરશ્ચરણની શાહી તૈયારીની સાથે ત્યાં પૂર્ણાહુતિ કરાવી હતી. એ બ્રહ્મચારીને વિષે અનેક ચમત્કારિક કથાઓ પ્રસિદ્ધ છે.
ખાતૌલીથી સાત માઈલ દૂર આવેલા ધૌકલેશ્વરમાં મગનાનંદ નામના એક ગાયત્રી સિદ્ધ મહાપુરુષ રહેતા હતા. એમના આશીર્વાદથી ખતૌલીના ઠેકેદારની છીનવાઈ ગયેલી જાગીર પોલિટિકલ એજન્ટ પાછી આપી હતી.
રતનગઢના પં. ભૂધરમલ નામના એક વિદ્વાન બ્રાહ્મણ ગાયત્રીના અનન્ય ઉપાસક થઈ ગયા. તે સંવત ૧૯૬૬માં કાશી આવેલા અને અંત સુધી ત્યાં જ રહ્યા હતા. પોતાના મૃત્યુની જાણ તેમને અગાઉથી જ થઈ ગયેલી હોવાથી એમણે વિશાળ ધાર્મિક આયોજન કર્યું હતું. તેમણે સાધના કરીને અષાઢ સુદ પંચમી, સં. ૧૯૮૨માં શરીરનો ત્યાગ કર્યો હતો. એમના આશીર્વાદથી અનેક માણસો લખપતિ બની ગયા હતા.
અલવર રાજ્યના એક ગામના સામાન્ય પરિસ્થિતિમાં જન્મેલા એક સજ્જનને કોઈ કારણસર વૈરાગ્ય ઊપજ્યો. તેઓ મથુરા આવ્યા અને એક ટેકરા પર સાધના કરવા લાગ્યા. એક કરોડ ગાયત્રી જપ કર્યા પછી તેમને ગાયત્રીનો સાક્ષાત્કાર થયો અને તેઓ સિદ્ધ થઈ ગયા. એ સ્થાન ગાયત્રી ટેકરાને નામે હજુ પણ પ્રસિદ્ધ છે. ત્યાં એક નાનું સરખું મંદિર છે, જેમાં ગાયત્રીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. એમનું નામ બૂટી-સિદ્ધ હતું. તેઓ સદા મૌન રહેતા હતા. એમના આશીર્વાદથી અનેકોનું કલ્યાણ થયું હતું. ધૌલપુર અને અલવરના રાજા તેમના પ્રત્યે ભારે આસ્થા ધરાવતા હતા.
આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ ગુર પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ સરસ્વતીએ ભારે તપશ્ચયપૂર્વક ગંગાને તીરે રહીને ત્રણ વર્ષ સુધી ગાયત્રીના જપ કર્યા હતા. એ અંધ સંન્યાસીએ પોતાના તપોબળથી અગાધ વિદ્યા અને અલૌકિક બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યા હતાં.
માન્ધાતા ઓંકારેશ્વર મંદિરની પાછળની એ ગુફામાં એક મહાત્મા ગાયત્રી જપ કરતા હતા મૃત્યુ સમયે એમના પરિવારની વ્યક્તિઓ હાજર હતી. પરિવારના એક બાળકે પ્રાર્થના કરી કે, “મારી બુદ્ધિ મંદ છે, મને વિદ્યા નથી આવડતી. કંઈ આશીર્વાદ આપતા જાઓ, જેથી મારા દોષો દૂર થઈ જાય.’ મહાત્માજીએ તે બાળકને પોતાની પાસે બોલાવીને કમંડળમાંથી થોડું પાણી તેની જીભ પર મૂક્યું અને આશીર્વાદ આપ્યો કે તું પૂર્ણ વિદ્વાન થઈ જઈશ. આગળ જતાં એ બાળક મહાન પ્રતિભાશાળી વિદ્વાન થઈ ગયો અને ઈદોરમાં ઓંકાર જોષીના નામે પ્રખ્યાત થયો. ઈદોર નરેશ એમનાથી એટલા પ્રભાવિત થયા હતા કે સવારે ફરવા જતી વખતે એમને પોતાની સાથે લઈ જતા.
ચાંદોદ ક્ષેત્ર નિવાસી ગુપ્ત યોગેશ્વર શ્રી ઉદ્ધડજી જોષી એક સિદ્ધ મહાપુરુષ થઈ ગયા. ગાયત્રી ઉપાસનાને લીધે એમની કુંડલિની શક્તિ જાગૃત થઈ અને તે પરમ સિદ્ધ થઈ ગયા. એમની કૃપાથી અનેક મનુષ્યોના પ્રાણ બચી જવા પામ્યા હતા. કેટલાકોને ધન પ્રાપ્ત થયું હતું, કેટલાયે ભારે આફતોમાંથી બચી ગયા હતા. તેઓની ભવિષ્યવાણી સદા સાચી પડતી. એક માણસે એમનું પારખું લેવા માટે દુસ્સાહસ કરેલું. તેને કોઢ થયેલો.
વડોદરાના મંજુસર નિવાસી શ્રી મુકુટરામજી મહારાજે ગાયત્રી ઉપાસનામાં પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓ દરરોજ આઠ કલાક જપ કરતા હતા. એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. દૂર દેશના સમાચારો જાણે આંખોથી જોતા હોય તેવી રીતે સાચોસાચ કહી દેતા હતા. તેની પરીક્ષા કર્યા બાદ તે બધા સાચેસાચા નીકળતા હતા. તેઓ ગુજરાતી એક બે ચોપડી જેટલું જ ભણ્યા હતા. પરંતુ જગતની બધી ભાષાઓ સારી રીતે બોલી તથા સમજી શકતા હતા. વિદેશી લોકો એમની પાસે આવીને પોતાની ભાષામાં તેમની સાથે કલાકો સુધી વાર્તાલાપ કરતા હતા. યોગ, જ્યોતિષ, વૈદક, તંત્ર તથા ધર્મશાસ્ત્રનું એમને પૂરેપૂરું જ્ઞાન હતું. મોટા મોટા પંડિતો એમની પાસે પોતાના મુશ્કેલ પ્રશ્નોના ઉકેલ મેળવવા આવતા હતા. એમણે કેટલીક એવી કરામતો બતાવી હતી જેથી એમના પર લોકોને અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી.
વરસોડામાં એક ઋષિરાજે સાત વર્ષ સુધી નિરાહાર રહીને ગાયત્રી પુરશ્ચરણ કર્યા હતાં. એમની વાણી સિદ્ધ થઈ હતી. પોતે જે કહેતા તે સિદ્ધ થઈ જતું હતું.
કલ્યાણના “સંત” અંકમાં એક હરેરામ નામના બ્રાહ્મણ બ્રહ્મચારીનો પ્રસંગ છે. તેઓ ગંગાની વચ્ચે આવેલી એક ટેકરી પર રહીને ગાયત્રીની આરાધના કરતા હતા. એમનું બ્રહ્મતેજ અવર્ણનીય હતું. આખું શરીર તેજથી ઝગારા મારતું હતું. એમણે પોતાની સિદ્ધિથી અનેકોનાં દુઃખોનું નિવારણ કર્યું હતું.
દેવપ્રયાગના વિષ્ણુદાજી વાનપ્રસ્થીએ ચાંદ્રાયણ વ્રતોની સાથે સવાલક્ષ જપનાં સાત અનુષ્ઠાનો કર્યા હતાં. તેથી એમનું આત્મબળ ખૂબ વધી ગયું હતું. એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. લોકોને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે ઘણે દૂર દૂરથી લોકો પોતાનું દુઃખ દૂર કરાવવા તેમની પાસે આવવા લાગ્યા. વાનપ્રસ્થીજી આ ખેલમાં પડી ગયા. રોજરોજ ઘણો ખર્ચ થવાથી ભંડાર ખાલી થઈ ગયો. પાછળથી એમને ઘણો પશ્ચાત્તાપ થયો. પછી તેઓ મૃત્યુ સુધી એકાંત સાધના કરતા રહ્યા.
રૂદ્ર પ્રયાગના સ્વામી નિર્મલાનંદ સંન્યાસીને ગાયત્રીની સાધનાથી ભગવતીનાં દિવ્ય દર્શન અને ઈશ્વર સાક્ષાત્કારનો લાભ પ્રાપ્ત થયો હતો. એથી એમને અસીમ તૃપ્તિ થઈ હતી.
બિઠુર પાસે ખંડેરાવ નામક એક વયોવૃદ્ધ તપસ્વી એક વિશાળ રાયણના ઝાડ નીચે ગાયત્રી સાધના કરતા હતા. એકવાર એમણે વિરાટ ગાયત્રી યજ્ઞ અને જમણવાર કર્યો હતો. આખો દિવસ હજારો માણસોની પંગતો મંડાતી રહી. રાતે બે વાગે રાંધેલ ખૂટી ગયું અને હજારો લોકો ભૂખ્યા રહી ગયા. ત્યારે ખંડેરાવે સૂચના આપી કે ગંગાજીમાંથી ચાર ડબા પાણી ભરી લાવો અને એનાથી પૂરીઓ તળો. એમ કરવાથી પૂરીઓ ઘીના જેવી સ્વાદિષ્ટ બની હતી. પછી બીજે દિવસે ચાર ડબા ઘી મંગાવીને ગંગાજીમાં પધરાવવામાં આવ્યું હતું.
કાશીમાં જે દિવસોમાં બાબૂ શિવપ્રસાદજી ગુપ્ત દ્વારા “ભારત માતાના મંદિરનો શિલારોપણ વિધિ બાબા ભગવાનદાસ દ્વારા કરવામાં આવ્યો હતો તે સમયે ૨૦૦ દિવસ સુધી એક મોટો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. એમાં વિદ્વાનો દ્વારા ૨૦ લાખ ગાયત્રી જપ કરવામાં આવેલા. યજ્ઞની પૂર્ણાહુતિના દિવસે આસપાસનાં વૃક્ષોનાં સુકાઈ ગયેલાં પાંદડાં ફરી લીલાછમ બની ગયેલા અને એક વૃક્ષમાં તો તુ ન હોવા છતાં પણ ફળ આવી ગયેલાં. આ અવસરે પંડિત મદનમોહન માલવીયજી, રાજા મોતીચંદ્ર, હાઈકોર્ટના જજ શ્રી કનૈયાલાલ અને અન્ય અનેક ગણ માન્ય વ્યક્તિ હાજર હતી. એ બધી જ વ્યક્તિઓએ આ ઘટના નજરે જોઈ અને ગાયત્રીના પ્રભાવને જાતે નિહાળ્યો.
ગઢવાલના મહાત્મા ગોવિદાનંદ ભયંકર સર્પોનું ઝેર ઉતારવાની બાબતમાં ખૂબ જાણીતા હતા. તેઓ કહેતા હતા કે હું ગાયત્રીના જપના પ્રભાવથી જ અનેક રોગોને દૂર કરું છું. આ જ રીતે સમસ્તીપુરના એક ધનવાન પુરુષ શોભાન સાહુ પણ ગાયત્રી મંત્રના પ્રભાવથી ભંયકર ઝેરી વીંછીઓ અને હડકાયા કૂતરાના ઝેરમાંથી લોકોને મુક્ત કરતા હતા. અનેક સાત્ત્વિક સાધકો ફક્ત ગાયત્રી મંત્રથી મંત્રેલા જળથી મોટા મોટા રોગોને દૂર કરી દે છે.
સ્વર્ગીય પંડિત મોતીલાલ નહેરૂનું જીવન જો કે તે સમયના વાતાવરણને કારણે એક જુદા જ કાર્યક્ષેત્રમાં પસાર થયું હતું પણ પાછલા દિવસોમાં તેઓને ગાયત્રી જ સાંભરેલી અને એના જપ કરતાં કરતાં જ તેઓએ દેહ છોડેલો. આથી એમ ચોક્કસ લાગે છે કે ગાયત્રીના સંસ્કાર એકદમ ભુંસાઈ જતા નથી. પરંતુ આગળની પેઢી સુધી પણ પોતાનો પ્રભાવ ટકાવી રાખે છે. પંડીતજીના પૂર્વજો ધાર્મિક પ્રવૃત્તિના અને ગાયત્રીના ઉપાસકો હતા અને એ પૂર્વજોના મંત્ર જપના પ્રભાવથી જ પંડિતજીને મૃત્યુ સમયે ગાયત્રી સાંભરેલી.
અમદાવાદના શ્રી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા ગાયત્રીના શ્રદ્ધાળુ ઉપાસક અને પ્રચારક હતા. એમની ઉંમર ૮૦ વર્ષની હતી. શરીર અને મનમાં સત્ત્વગુણની અધિકતા હોવાથી મહાત્માઓમાં જોવામાં આવે છે એ બધા ગુણો એમનામાં જોવામાં આવતા હતાં.
દીનવાન સ્વામી મનોહરદાસજીએ ગાયત્રીનાં કેટલાંક પુરશ્ચરણો કર્યા છે. એમનું કહેવું છે કે, આ મહાસાધનાથી મને એટલો મોટો લાભ થયો છે કે જેમ કોઈ લોભીને પોતાનું ધન પ્રગટ કરવાનો સંકોચ થાય છે તેમ એ લાભને પ્રગટ કરવાની કોઈ જાતની ઇચ્છા મને નથી થતી.
હટાના શ્રી રમેશચંદ્ર દુબેને ગાયત્રી સાધનાને લીધે અનેકવાર મોટા અનુભવો થયા છે અને એ કારણે એમની નિષ્ઠામાં વધારો થાય છે.
પાટણના શ્રી જટાશંકર નાન્દીની ઉંમર ૭૭ વર્ષથી વધારે હતી. તેઓ છેલ્લાં પચાસ વર્ષોથી ગાયત્રીની ઉપાસના કરતા હતા. કુવિચારો અને કુસંસ્કારોમાંથી મુક્તિ અને દૈવી તત્ત્વોની અધિકતાનો લાભ એમણે પ્રાપ્ત કર્યો હતો અને એને તેઓ જીવનની મોટી સફળતા માનતા હતા.
વૃંદાવનના કાઠિયા બાબા, ઊડિયા બાબા, પ્રજ્ઞાચક્ષુ સ્વામી ગંગેશ્વરાનંદજી ગાયત્રીની ઉપાસનાથી આરંભ કરીને પોતાની સાધનાને આગળ વધારવા સમર્થ થયા છે. વૈષ્ણવ સંપ્રદાયના પ્રાયઃ બધા આચાર્યો ગાયત્રીની ઉપાસના પર ખાસ ભાર મૂકે છે.
નવાબગંજના ૫. બલભદ્રજી બ્રહ્મચારી, સહરાનપુર જિલ્લાના સ્વામી દેવદર્શનજી, બુલંદશહેર પ્રાંતના પરિવ્રાજક મહાત્મા યોગાનંદજી, બ્રહ્મનિષ્ઠ સ્વામી બ્રહ્મર્ષિદાસજી ઉદાસીન, બિહાર પ્રાંતના મહાત્મા અનાસક્તજી, યજ્ઞાચાર્ય પંડિત જગન્નાથ શાસ્ત્રી ઓમ, રાજગઢના મહાત્મા હરિ ઓમ તત્ ગાયત્રી સત આદિ કેટલાય સંત મહાત્માઓ ગાયત્રી ઉપાસનામાં પૂર્ણ મનોયોગથી જોડાયેલા છે. અનેક ગૃહસ્થીઓ પણ તપસ્વી જીવન પસાર કરીને આ મહાન સાધનામાં પ્રવૃત્ત છે. એ માર્ગ પર ચાલીને એમને મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થઈ રહી છે.
અમે પોતે અમારા જીવનના આરંભથી જ ગાયત્રી ઉપાસના કરી છે અને તે અમારા જીવનનો આધાર જ બની ગઈ છે. દોષો, મનોવિકારો, કુવિચારો અને કુસંસ્કારોને દૂર કરવામાં જે થોડી-ઘણી સફળતા મળી છે તે એને જે આભારી છે. બ્રાહ્મણત્વની, બ્રાહ્મી ભાવનાઓની, ધર્મપરાયણતાની, સેવા, સંયમ, સ્વાધ્યાય અને તપશ્ચર્યાની જે થોડી ઘણી પ્રવૃત્તિઓ છે, તે માતાની કૃપાથી જ છે. અનેકવાર વિપત્તિઓમાંથી એણે અમને બચાવ્યા છે અને અંધકારમાં માર્ગ બતાવ્યો છે. સ્વજીવનની આ ઘટનાઓનું વર્ણન બહુ જ વિસ્તૃત છે જેને કારણે અમારી શ્રદ્ધા દિનપ્રતિદિન માતાનાં ચરણોમાં વધતી રહી છે એનું વર્ણન અહીં કરવાનું ઠીક નથી. અમારા પ્રયત્ન અને પ્રોત્સાહનથી જે સજ્જનોએ વેદમાતાની ઉપાસના કરી છે, એમાંથી બધાની આત્મશુદ્ધિ, પાપો તરફ ધૃણા, સત્ત્વગુણની વૃદ્ધિ, સન્માર્ગે શ્રદ્ધા, સંયમ, પવિત્રતા, આસ્તિકતા, સજાગતા તેમજ ધર્મપરાયણતાની પ્રવૃત્તિઓ વધવા પામી છે. એમને બીજા સાંસારિક લાભો થયા હોય કે ન થયા હોય આત્મિક લાભ તો એમને બધા થયા છે જ, જો વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તો એ લાભ એવા મહાન છે કે એમની આગળ ધનસંપત્તિની નાની મોટી સફળતાઓનું કંઈ મહત્ત્વ નથી.
આથી અમે અમારા વાચકોને આગ્રહપૂર્વક અનુરોધ કરીએ છીએ કે તેઓ ગાયત્રીની ઉપાસના કરીને તેનાથી થનારા લાભોના ચમત્કારો જુએ. જે વેદમાતાનું શરણ સ્વીકારે છે, એમના અંતઃકરણમાં સત્ત્વગુણ, વિવેક, સવિચાર અને સત્કર્મો પ્રત્યે અસાધારણ રુચિ જાગૃત થાય છે. એ આત્મજાગૃતિ લૌકિક અને પારલૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ આપનારી છે.
પ્રતિભાવો