૯. ગાયત્રી-સાધનાથી શ્રી, સમૃદ્ધિ અને સફળતા, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
ગાયત્રી – સાધનાથી શ્રી, સમૃદ્ધિ અને સફળતા
ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્ત્વગુણ વધે છે, એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની પિછાણ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં મિલનસારપણું જેવી અનેક નાની મોટી વિશેષતાઓ ઉન્નત તથા વિકસિત થાય છે. જેનાથી તે ‘શ્રી’ તત્ત્વનો ઉપાસક ગુપ્ત રીતે એક નવા જ ઢાળમાં ઢળાતો જાય છે જેને કારણે એક સાધારણ વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધ થઈ શકે છે.
ગાયત્રી ઉપાસકોમાં મનુષ્યને દુઃખી બનાવનારી ત્રુટિઓ નષ્ટ થઈને મનુષ્ય ક્રમશઃ સમૃદ્ધિ, પૂર્ણતા અને ઉન્નતિ તરફ આગળ વધે એવી વિશેષતાઓ ઉત્પન્ન થાય છે. ગાયત્રી પોતાના સાધકોની ઝોળીમાં સુવર્ણ મુદ્રાઓ નથી ભરતી એ ઠીક છે, પણ સાચું છે કે સાધક દીનહીન ન રહે એમ તો એ કરે જ છે. આ પ્રકારનાં અનેક ઉદાહરણો અમારી જાણમાં છે. તેમાંથી કેટલાંક નીચે આપવામાં આવે છે
હરઈ જિલ્લા છિંદવાડાના પં. ભૂરેલાલજી બ્રહ્મચારી લખે છે, “આજીવિકામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવાને લીધે ધનધાન્યથી પરિપૂર્ણ છું. જે કાર્યમાં હાથ નાખું છું તે સફળ જ થાય છે. અનેક જાતના સંકટોનું નિવારણ આપમેળે જ થઈ જાય છે. આવો તો ગાયત્રી મંત્ર જપવાનો મારો પોતાનો અનુભવ છે.”
ઝાંસીના ૫, લક્ષ્મીકાંત ઝા વ્યાકરણ-સાહિત્યાચાર્ય લખે છે – બાળપણમાં જ મને ગાયત્રી પર શ્રદ્ધા થઈ ગઈ હતી અને આજેય હું એક હજાર મંત્રોનો નિત્ય જપ કરું છું. એના પ્રતાપથી મેં સાહિત્યચાર્ય, વ્યાકરણાચાર્ય, સાહિત્યરત્ન તથા વેદશાસ્ત્રી આદિ પરીક્ષાઓ પાસ કરી તથા ઝાંસીની સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ બન્યો. મેં એક શેઠના ૧૬ વર્ષના મરણપથારીએ પડેલા પુત્રના પ્રાણ ગાયત્રી મંત્રના પ્રભાવથી બચી ગયેલા જોયા છે. જેથી મારી શ્રદ્ધા વિશેષ દૃઢ થઈ ગઈ છે.”
વૃંદાવનના પંડિત તલસીરામ શર્મા લખે છે લગભગ દસ વર્ષ થયાં હશે. શ્રી ઉડિયા બાબાની પ્રેરણાથી હાથરસ નિવાસી લાલા ગણેશીલાલે ગંગાકિનારે કર્ણવાસમાં ચોવીસ લાખ ગાયત્રીનું અનુષ્ઠાન કરાવ્યું હતું. એ વખતથી ગણેશીલાલની આર્થિક દશા દિનપ્રતિદિન ઊંચી જતી ગઈ અને આજે એમની પ્રતિષ્ઠા સમૃદ્ધિ ત્યારના કરતાં ચારગણી છે.”
પ્રતાપગઢના પં. હરનારાયણ શર્મા લખે છે કે ““મારા એક નજીકના સગાએ કાશીમાં એક મહાત્માને ધનપ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. મહાત્માએ ઉપદેશ આપ્યો કે, પ્રાતઃકાળના ચાર વાગે ઊઠીને શૌચાદિથી પરવારીને સ્નાન – સંધ્યા પછી ઊભા રહીને એક હજાર ગાયત્રીના જપ કર્યા કરો.” અને એમ કરવાથી એનું આર્થિક કષ્ટ દૂર થઈ ગયું.
પ્રયાગ જિલ્લાના છિતીના ગ્રામનિવાસી પં. દેવનારાયણજી સંસ્કૃત ભાષાના અસાધારણ વિદ્વાન અને ગાયત્રીના અનન્ય ઉપાસક છે. ત્રીસ વર્ષની ઉંમર સુધી અધ્યયન કર્યા પછી તેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. સ્ત્રી અત્યંત સુશીલ તેમજ પતિભક્ત મળી. વિવાહને લાંબો સમય થઈ ગયા પછી પણ સંતાન ન થયું ત્યારે તે પોતાના વંધ્યત્વથી દુઃખી થવા લાગી. પંડિતજીએ એની ઇચ્છા જાણી લઈને સવાલક્ષ જપનું અનુષ્ઠાન કર્યું. થોડા દિવસ પછી એમને એક પ્રતિભાવાન મેધાવી પુત્ર થયો જે હાલ સંસ્કૃત ભાષાની સર્વોચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરવાની તૈયારી કરી રહ્યો છે.
પ્રયાગની પાસે જમુનીપુર ગામમાં રામનિધિ શાસ્ત્રી નામના એક બ્રાહ્મણ વિદ્વાન રહેતા હતા. તે અત્યંત નિર્ધન હતા. પરંતુ ગાયત્રી સાધનામાં એમની ભારે તત્પરતા હતી. એકવાર નવ ઉપવાસ કરીને એમણે નવાહ પુનશ્ચરણ કર્યું. પુનશ્ચરણના છેલ્લે દિવસે મધરાતે ભગવતી ગાયત્રીએ પોતાના દિવ્ય સ્વરૂપે તેમને દર્શન દીધું અને કહ્યું ‘તમારા ઘરમાં અમુક સ્થાને સુવર્ણ મુદ્રાઓથી ભરેલો એક ઘડો છે તે ખોદી કાઢીને તમારી દરિદ્રતા દૂર કરો.” પંડિતજીએ ઘડો બહાર કાઢ્યો અને તેઓ ધનપતિ થઈ ગયા.
ઈન્દોરનિવાસી પંડિતજી કહે છે કે એક માણસ પોતાની પત્ની સાથે લડ્યા ઝઘડ્યા કરતો હતો. થોડા દિવસ સુધી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત જળ પીવાથી એનો સ્વભાવ બદલાઈ ગયો અને ઉતરોત્તર એ પતિપત્નીનો સ્નેહ વધતો ગયો.
વડોદરાના વકીલ રામચંદ્ર કાલીશંકર પાઠક શરૂઆતમાં ૧૦ રૂપિયાની નોકરી કરતા હતા. એ વખતે એમણે એક ગાયત્રી પુરશ્ચરણ કર્યું ત્યારથી એમની રુચિ વિદ્યાધ્યયનમાં લાગી અને ધીરે ધીરે તેઓ કાયદા શાસ્ત્રી બની ગયા. આજે એમની માસિક આવક લગભગ ૫૦૦ રૂપિયાની છે.
મહુવા(કાઠિયાવાડ)ના શ્રી રણછોડલાલભાઈનું કથન છે કે, એક માણસનો છોકરો મૅટ્રિકમાં બે વખત નાપાસ થયો. અંતે એણે દુઃખી થઈને ગાયત્રીમંત્રનો જપ કરાવ્યો અને તેમનો છોકરો તે વર્ષે સારા ગુણ મેળવીને પાસ થયો.
ગુજરાતના મધુસૂદન સ્વામીનું સંન્યાસ લેતા પહેલાનું નામ માયાશંકર દયાશંકર પંડ્યા હતું. તેઓ સિદ્ધપુરમાં રહેતા હતા. શરૂઆતમાં તેઓ રૂ. ૨૫/-ની નોકરી કરતા હતા. એમણે રોજ એક હજાર ગાયત્રી જપથી આરંભ કરીને ચાર હજાર સુધી વધાર્યા. પરિણામે તેમને બઢતી મળી. તેઓ વડોદરા રાજ્ય રેલવેના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટના હોદ્દા સુધી પહોંચ્યા અને એમનો પગાર રૂપિયા ત્રણસોનો થયો. ઉત્તરાવસ્થામાં એમણે સંન્યાસ લીધો હતો.
માંડૂક્ય ઉપનિષદ્ પર કંડિકા રચનારા વિદ્વાન શ્રી ગોડપાદનો જન્મ એમના પિતાના ઉપવાસપૂર્વક સાત દિવસ સુધીના ગાયત્રી જપના ફળ સ્વરૂપ થયો હતો.
પ્રસિદ્ધ સાહિત્યકાર પં. દ્વારકાદાસ ચતુર્વેદી પહેલાં અલહાબાદના સિવિલ સર્જનના હેડકલાર્ક હતા. એમણે વૉરન હેસ્ટિંગ્સનું જીવન ચરિત્ર લખ્યું. તે રાજદ્રોહાત્મક માનવામાં આવ્યું અને એમની નોકરી છૂટી ગઈ. મોટું કુટુંબ અને નિર્વાહનું સાધન ન રહેતાં દુઃખી થઈ જતાં એમણે ગાયત્રીની ઉપાસના કરી અને એ તપસ્યાના પરિણામે એમને પુસ્તક લેખનનું સ્વતંત્ર કાર્ય મળી ગયું. ત્યારથી એમણે ઘણી સાહિત્ય સેવા કરી. એમાંથી તેમને ધનપ્રાપ્તિ થઈ. એમણે દર સાલ ગાયત્રી અનુષ્ઠાન કરવાનો નિયમ બનાવ્યો હતો અને તેઓ નિત્ય જપ કર્યા કરતા.
સ્વર્ગીય પં. બાલકૃષ્ણ ભટ્ટ હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર હતા. તેઓ નિત્ય ગાયત્રીના જપ કરતા અને કહેતા કે “ગાયત્રી જપ કરનારને કોઈ પણ જાતની ખોટ રહેતી નથી. ભટ્ટજી સદા વિદ્યા, ધન અને જનથી ભર્યા ભર્યા રહ્યા.”
પ્રયાગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ક્ષેત્રેશચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ભાણેજ તેમને ત્યાં રહીને ભણતો હતો. ઈન્ટરની પરીક્ષા વખતે તેનું તર્કશાસ્ત્ર બહુ કાચું હોવાથી તે દુઃખી થઈ ગયો. પ્રોફેસર સાહેબે તેને પ્રોત્સાહન આપીને પરીક્ષા આપવા મોકલ્યો અને પોતે રજા લઈને આસન જમાવીને ગાયત્રી જપવા લાગ્યા. અને જ્યાં સુધી તે છોકરો આવ્યો નહિ ત્યાં સુધી સતત જપ કરતા રહ્યા. છોકરાએ આવીને કહ્યું કે આજનું પેપર સારું ગયું અને તે લખતી વખતે મારી ક્લમ જાણે કોઈ પકડીને લખાવતું હોય એમ જ મને લાગ્યું. પછી તે સારા માર્ક પાસ થયો.
અલહાબાદના પં. પ્રતાપનારાયણ ચતુર્વેદીની નોકરી છૂટી ગઈ. ઘણે ઠેકાણે તપાસ કરવા છતાં નોકરી મળી નહીં, ત્યારે તેમણે તેમના પિતાના આદેશ અનુસાર ગાયત્રીના સવાલક્ષ જપ કર્યા. પરિણામે ‘પાયોનિયર પત્રમાં પહેલાંના કરતાં અઢીગણા પગારની નોકરી મળી ગઈ.
કલકત્તાના શા. મોડકમલ કેજરીવાલ આરંભમાં જોધપુર રાજના એક ગામમાં બાર રૂપિયામાં શિક્ષક હતા. એક નાનીસરખી પુસ્તિકાથી આકર્ષિત થઈને એમણે ગાયત્રી જપનો નિત્યક્રમ રાખ્યો. જપ કરતાં કરતાં એમના મનમાં પ્રેરણા થઈ કે મારે કલકત્તા જવું જોઈએ ત્યાં મારી આર્થિક ઉન્નતિ થશે, તેથી તેઓ કલકત્તા પહોંચી ગયા. ત્યાં વ્યાપારના ક્ષેત્રમાં નોકરી કરીને ગાયત્રી જપ કરતા રહ્યા. રૂના વેપારમાં તેમને ઘણો લાભ થયો અને થોડા જ દિવસોમાં તેઓ લખપતિ બની ગયા.
બુલઢાના શ્રી બદ્રીપ્રસાદ વર્મા બહુ જ નબળી આર્થિક સ્થિતિના માણસ હતા. માસિક રૂ. ૫૦ના પગારમાં પોતાના કુટુંબના આઠ માણસોનો તેમને ગુજારો કરવો પડતો હતો. કન્યાવિવાહને યોગ્ય થઈ ગઈ. સારે ઠેકાણે આપવા માટે હજારો રૂપિયાની પહેરામણી આપવી પડે એમ હતું. તેથી તેઓ દુ:ખી રહેતા અને ગાયત્રી માતાનાં ચરણોમાં આંસુ વહેવડાવતા હતા. અચાનક એવો સંજોગ આવ્યો કે એક ડેપ્યુટી કલેકટરના છોકરાની જાન, કન્યાપક્ષ સાથે ઝઘડો થવાથી પાછી જતી હતી. ડેપ્યુટી સાહેબ વર્માજીને ઓળખતા હતા. રસ્તામાં જ તેમનું ગામ આવતું હતું. એમણે વર્માજીને કહેણ મોકલ્યું કે, તમારી કન્યાનું લગ્ન આજે જ અમારા છોકરા સાથે કરી દો. વર્માજી રાજી રાજી થઈ ગયા. એમ.એ. પાસ છોકરો જે નહેર ખાતામાં માસિક રૂ. ૬00નો પગારદાર એજીનિયર છે, તેની સાથે એમની છોકરીનાં લગ્ન માત્ર રૂ. ૧૫૦માં થઈ ગયાં.
દેહરાદૂનનો વસંતકુમાર નામનો વિદ્યાર્થી એક વર્ષે મૅટ્રિકમાં નાપાસ થયો અને બીજે વર્ષે પણ પાસ થવાની તેને આશા પણ નહોતી. ગાયત્રી ઉપાસના કરવાથી તે બીજે વર્ષે સારી રીતે પાસ થઈ ગયો.
સંભલપુરના બા. કૌશલકિશોર માહેશ્વરી અસવર્ણ માતાપિતાથી ઉત્પન્ન થયેલા હોવાથી જ્ઞાતિ બહાર હતા. વિવાહ ન થવાને લીધે એમનું ચિત્ત ભારે દુ:ખી રહેતું હતું. ગાયત્રી માતા આગળ પોતાનું દુઃખ રડીને પોતાનું મન હલકું કરતા હતા. ર૬ વર્ષની ઉંમરે લગ્ન એક સુશિક્ષિત તેમજ ઊંચા ખાનદાન કુટુંબની અત્યંત રૂપવાન અને સર્વગુણ યુક્ત કન્યા સાથે થયાં. માહેશ્વરીજીનાં બીજાં ભાઈબહેનોનાં લગ્ન પણ ઉચ્ચ અને સમૃદ્ધ પરિવારોમાં થયાં અને જાતિ બહિષ્કારના અપમાનમાંથી એમનું કુટુંબ સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયું.
હૃદયનગર જિલ્લા મંડળના પં. શંભુપ્રસાદ મિશ્ર ગાયત્રીના અનન્ય ભક્ત છે. પોતાનાથી અનેકગણા સાધનપૂર્ણ હરીફોને હરાવીને તેઓ ડિસ્ટ્રિકટ બૉર્ડના ચેરમેન ચૂંટાઈ આવ્યા.
બહાલપુરના રાધાવલ્લભ તિવારીનાં લગ્ન થયે ૧૬ વર્ષ વીતી ગયાં છતાં કંઈ સંતાન ન થયું ત્યારે તેમણે ગાયત્રી ઉપાસના કરવા માંડી. પરિણામે તેમને એક પુત્ર તથા એક પુત્રીની પ્રાપ્તિ થઈ.
પ્રાચીનકાળમાં દશરથ રાજાને પુત્રેષ્ટિ યજ્ઞ કરવાથી અને રાજા દિલીપને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં ગાયત્રી ઉપાસના સાથે ગૌ દુગ્ધનો કલ્પ કરવાથી સુસંતતિ પ્રાપ્ત થઈ હતી. રાજા અશ્વપતિને ગાયત્રી યજ્ઞ કરવાથી સંતાન પ્રાપ્ત થયાં હતાં. કુંતીએ પુરુષના સંયોગ વિના જ ગાયત્રી મંત્ર દ્વારા સૂર્યશક્તિને આકર્ષિત કરીને કર્ણને ઉત્પન્ન કર્યો હતો.
દિલ્હીમાં નવી સડક પર શ્રી બુદ્ધરામ ભટ્ટ નામના એક દુકાનદાર છે. એમને ૪૫ વર્ષની ઉંમર સુધી કોઈ સંતાન થયું ન હતું. ઉપાસનાથી એટલી મોટી ઉંમરે તેમને પુત્ર-પ્રાપ્તિ થઈ. તે પુત્ર સુંદર અને તેજસ્વી છે.
ગુરુકુલ વૃંદાવનના એક કાર્યકર્તા સુદામા મિત્રને ઘેર ૧૪ વર્ષ સુધી કંઈ બાળક જન્મે ન હોતું. ગાયત્રી પુરશ્ચરણ કરવાથી એમને ત્યાં એક પુત્ર ઉત્પન્ન થયો અને વંશ ચાલુ રહ્યો.
સરસઈના જીવણલાલ વર્માની ત્રણ વર્ષનો છોકરો સ્વર્ગવાસી થઈ ગયો. એમનું ઘર બાળકવિહોણું થઈ જવાથી ઘરના બધા માણસો ઉદ્વિગ્ન થઈ ગયા. એમણે ગાયત્રીની ખાસ ઉપાસના કરી. બીજે જ મહિને એમની પત્નીને સ્વપ્નમાં દેખાયું કે એમનો બાળક ખોળામાં ચઢી ગયો છે અને જ્યારે તેને છાતીએ લગાડવા ગઈ કે તરત જ તેમના ગર્ભમાં પ્રવેશી ગયો. એ સ્વપ્ન પછી નવ મહિના વીત્યા બાદ જે બાળક જન્મ્યો તે દરેક બાબતમાં મરી ગયેલા પુત્રની પ્રતિમૂર્તિ જ હતો. એ બાળકના જન્મથી એમનો બધો શોક દૂર થઈ ગયો.
વૈજનાથભાઈ રામજીભાઈ ભુલારેને વિદ્વાનો દ્વારા અનેક ગાયત્રી અનુષ્ઠાનોથી આશ્ચર્યજનક લાભ થયા. છ કન્યાઓ પછી એમને પુત્ર થયો. સત્તર વર્ષનો તેમનો જૂનો રોગ સારો થઈ ગયો અને વેપારમાં એ પહેલાં તેમને કદી પણ થયો નહોતો એટલો લાભ થયો.
ડોરી બજારના પ. પૂજામિશ્રનું કથન છે કે, અમારા પિતા પં. દેવીપ્રસાદ એક ગાયત્રી ઉપાસક મહાત્માના શિષ્ય હતા. પિતાજીની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. એમને ચિંતામાં જોઈને મહાત્માજીએ એમને ગાયત્રી ઉપાસના બતાવી. પરિણામે ખેતીમાં સારો લાભ થવા લાગ્યો. નાની સરખી ખેતીની ઊપજમાંથી અમારી હાલત સંતોષકારક થઈ છે અને બચતના રૂ. ૨૦ હજાર બેંકમાં જમા થઈ ગયા છે.
ગુજરાતના ઈડર રાજ્યના વતની પં. ગૌરીશંકર રેવાશંકર યાજ્ઞિકે ૧૨ વર્ષની ઉંમરથી ગાયત્રી-ઉપાસના શરૂ કરી દીધી હતી અને નાની ઉંમરમાં જ ગાયત્રી ૨૪-૨૪ લાખનાં ત્રણ પુરશ્ચરણ કર્યા હતાં. એ પરિશ્રમથી તેમનામાં વિદ્યા, જ્ઞાન તથા અન્ય શુભ સંસ્કારોની વૃદ્ધિ એટલી બધી થઈ ગઈ કે તેઓ જ્યાં ગયા ત્યાં તેમના આદર – સન્માન થવા લાગ્યા અને દરેક કાર્યમાં તેમને સફળતા મળવા લાગી. તેઓના પૂર્વજો પૂનામાં એક પાઠશાળા ચલાવતા હતા. એ પાઠશાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચકોટિનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. પં. ગૌરીશંકરજીએ એવી પાઠશાળા પોતાને ઘેર ચલાવવાનું શરૂ કર્યું અને સાથે સાથે વિદ્યાર્થીઓને ગાયત્રી ઉપાસના કરવાનો ઉપદેશ પણ તેઓ આપવા લાગ્યા. એમણે પાઠશાળામાં જે વિદ્યાર્થી પોતાનું ભોજન ખર્ચ ન કાઢી શકે તેને રોજ એક હજાર ગાયત્રી જપ કરે તો પાઠશાળા તરફથી ભોજન આપવાની વ્યવસ્થા કરી હતી. આને કારણે પૂનાના બ્રાહ્મણો પંડિતજીના કુટુંબને ગુરુગૃહ માનતા અને એ રીતે તેઓની પ્રસિદ્ધિ પુષ્કળ થયેલી.
જબલપુરના રાધેશ્યામ શર્માને ઘરમાં હંમેશાં બીમારીઓ સતાવતી રહેતી. એમની આવકનો મોટો ભાગ વૈદ્યો અને ડૉક્ટરોના ઘરમાં ચાલ્યો જતો હતો. જેવો એમણે ગાયત્રી ઉપાસનાનો આરંભ કર્યો કે તુરત જ બીમારીઓ વિદાય થઈ ગઈ.
સીકરના શ્રી શિવ ભગવાનજી સોમાણી ક્ષયથી સખત બીમાર થયા હતા. એમના સાળા મંગેગામના શિવરતનજી મારુએ એમને માનસિક જપ કરવાની સલાહ આપી. માંદગી ભયંકર હતી અને આઠ-દસ દિવસમાં કશું થઈ જશે. એવો ભય સેવાતો હતો. આવી ભયંકર સ્થિતિમાં સોમાણીજીએ ગાયત્રી માતાનો આશ્રય લીધો અને સારા થઈ ગયા. હાલમાં તેઓ પૂર્વવત પોતાનો કારભાર ચલાવે છે.
ગોવર્ધન પીઠના શંકરાચાર્યજીએ “મંત્ર શક્તિ યોગ’માં લખ્યું છે કે કોલ્હાપુરના રાવસાહેબ મામલતદાર ગાયત્રી મંત્રથી સાપનું ઝેર ઉતારી દે છે.
રોહડા નિવાસી શ્રી નૈનૂરામજીને વીસ વર્ષનો એક જૂનો રોગ હતો. ઘણી દવાઓ કરવા છતાં તે સારો થયો નહીં. આખરે ગાયત્રીની ઉપાસના કરવાથી તે સદંતર દૂર થઈ ગયો.
આવા તો અનેક ઉદાહરણો મળી શકે, જેમાં સાધકો ગાયત્રી ઉપાસનાથી રાજસિક વૈભવ ભોગવતા થઈ ગયા છે.
પ્રતિભાવો