૧૭. સ્ત્રીઓ અનધિકારિણી નથી, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
સ્ત્રીઓ અનધિકારિણી નથી
આ પહેલાંનાં પૃષ્ઠોમાં શાસ્ત્રોના આધારે જે પ્રમાણો આપવામાં આવ્યાં છે, તે દરેક ઉપર વાંચકો વિચાર કરે. પ્રત્યેક વિચારવંતને એ સહજ ખાતરી થઈ જશે કે વેદશાસ્ત્રમાં એવો કોઈ પ્રતિબંધ નથી, જે ધાર્મિક કાર્યોને માટે, સદ્જ્ઞાન ઉપાર્જનને માટે વેદશાસ્ત્રોનું શ્રવણ-મનન કરવાને માટે સ્ત્રીઓને રોકતો હોય ? હિંદુ ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે, વિશ્વધર્મ છે, એમાં એવી કોઈ વિચારધારાને સ્થાન નથી, જે સ્ત્રીઓને ધર્મ, ઈશ્વર, વેદવિદ્યા આદિના ઉત્તમ માર્ગમાંથી રોકીને તેમને અજ્ઞાન દશામાં પડી રહેવા માટે લાચાર બનાવી રાખે. પ્રાણીમાત્ર પર અનંત દયા અને કરુણા રાખનારા ઋષિમુનિઓ એવા નિષ્ઠુર ન હતા, કે ઈશ્વરીય જ્ઞાન જેવા વેદના અધ્યયનમાંથી સ્ત્રીઓને વંચિત રાખે અને તેમને આત્મકલ્યાણના માર્ગે જતાં રોકે ? હિન્દુ ધર્મ ખૂબ જ ઉદાર છે. વિશેષતાથી સ્ત્રીઓને માટે તો એમાં બહુ જ આદર, શ્રદ્ધા તેમજ ઊંચું સ્થાન છે. આવી પરિસ્થિતિમાં ગાયત્રી ઉપાસના જેવા ઉત્તમ કાર્ય માટે તેમને કોણ અનાધિકારી કહી શકે ?
આમ તેમ પાંચ દસ એવા પણ શ્લોકો મળી આવે છે, જે સ્ત્રીઓને વેદશાસ્ત્રનો અભ્યાસ કરતી રોકે છે. પંડિત સમાજમાં એવા શ્લોકો પર વિશેષ ધ્યાન અપાયું છે. શરૂઆતમાં લાંબા સમય સુધી અમારી પણ એવી જ માન્યતા હતી કે સ્ત્રીઓને વેદાધિકાર નથી. પરંતુ જેમ જેમ શાસ્ત્રીય સંશોધનમાં ઊંડો પ્રવેશ કરવાનો અવસર મળ્યો, તેમ તેમ ખબર પડી કે એ પ્રતિબંધક શ્લોકો મધ્યકાલીન’ સામંતશાહી માન્યતાના પ્રતિનિધિ છે. તે સમયમાં આવા પ્રકારના શ્લોકો ગ્રંથોમાં ઘુસાડી દેવામાં આવ્યા હતા. સત્ય સનાતન વેદોક્ત ભારતીય ધર્મની વિચારધારા સ્ત્રીઓ પર કોઈ પ્રતિબંધ મૂકતી નથી. એમાં પુરુષોની માફક સ્ત્રીઓને પણ ઈશ્વર-ઉપાસના અને વેદશાસ્ત્રોનો આશ્રય લઈને આત્મકલ્યાણ કરવાની પૂરેપૂરી છૂટ છે.
પ્રતિષ્ઠિત ગણાતા વિદ્વાનોની એવી જ સંમતિ છે. સાધના અને યોગની પ્રાચીન પરંપરાઓ જાણનાર મહાત્માઓનું કથન પણ એવું જ છે કે, સ્ત્રીઓ પહેલેથી જ ગાયત્રીનો અધિકાર ધરાવે છે. સ્વર્ગીય મહામના માલવીયાજી સનાતન ધર્મના પ્રાણ હતા. એમના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં શરૂઆતમાં સ્ત્રીઓને વેદ ભણાવવાની મનાઈ હતી પરંતુ જ્યારે એમણે પંડિત મંડળીના સહયોગથી જાતે ઊંડી શોધ કરી તો તેઓ પણ એ નિર્ણય પર આવ્યા કે સ્ત્રીઓને માટે કોઈ પ્રતિબંધ નથી. રૂઢિવાદી લોકોની રતીભર પણ પરવા ન કરતાં પોતાના વિદ્યાલયમાં તેમણે સ્ત્રીઓને વેદ ભણાવવાની જાહેર વ્યવસ્થા કરી દીધી. હજુ કેટલાક મહાનુભાવો કહેતા સંભળાય છે કે, “સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી.’ એવા લોકોની આંખો ઉઘાડવા માટે આ પુસ્તકમાં થોડાક દાખલાઓ આપવામાં આવ્યા છે. સંભવ છે કે જ્ઞાનના અભાવે કોઈ વિરોધ કરતા હોય, દુરાગ્રહથી કોઈ વિવાદનો અંત આવતો નથી.
પોતાની જ વાતને સિદ્ધ કરવા માટે હઠ પકડવી એ શોભતું નથી. વિવેકી વ્યક્તિઓનો સદા એ સિદ્ધાંત હોય છે કે, “જે સત્ય હોય તે અપનાવવું.” અવિવેકી મનુષ્ય જ જે અમારું તે જ સત્ય એવું સિદ્ધ કરવા માટે નાહકના વિતંડાવાદ ઊભા કરે છે.
વિચારવાન વ્યક્તિઓએ એકાંત સ્થાનમાં બેસીને પોતાને એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે (૧) સ્ત્રીઓને ગાયત્રી યા વેદમંત્રોનો અધિકાર ન હોત તો પ્રાચીનકાળમાં સ્ત્રીઓ વેદોની મંત્રદૃષ્ટા ઋષિકાઓ કેમ થઈ ? (૨) જો વેદનો અધિકાર તેમને ન હોત તો યજ્ઞ આદિ ધાર્મિક કૃત્યો તથા ષોડષ સંસ્કારોમાં તેમને કેમ સામેલ રાખવામાં આવતી હતી ? (૩) વિવાહ આદિ પ્રસંગોમાં સ્ત્રીઓના મુખથી વેદમંત્રોનું ઉચ્ચારણ કેમ કરાવવામાં આવે છે ? (૪) વેદમંત્રો વગર સ્ત્રીઓ નિત્ય સંધ્યા અને હવન શી રીતે કરી શકે છે ? (૫) જો સ્ત્રીઓને અધિકાર ન હોત તો અહલ્યા, અનસૂયા, અરૂધતી, મૈત્રેયી, મદાલસા આદિ અગણિત સ્ત્રીઓ વેદશાસ્ત્રમાં પારંગત કેવી રીતે હતી ? (૬) જ્ઞાન, ધર્મ અને ઉપાસનાના સ્વાભાવિક અધિકારોથી, સ્ત્રીઓને વંચિત રાખવી એ શું અન્યાય અને પક્ષપાત નથી ? (૭) શું સ્ત્રીઓને આધ્યાત્મિક દૃષ્ટિએ અયોગ્ય ઠરાવવાથી એમનાં સંતાનો ધાર્મિક થશે ? (૮) જો સ્ત્રી પુરુષની અર્ધાગિની છે તો તે અડધું અંગ અધિકારી અને અડધું અનાધિકારી કહેવાય એ કેમ જ બને ?
આ પ્રશ્નો પર વિચાર કરવાથી દરેક નિષ્પક્ષ વ્યક્તિનો અંતરાત્મા જ જવાબ આપશે કે, સ્ત્રીઓ પર ધાર્મિક અયોગ્યતાનો પ્રતિબંધ મૂકવો એ કેટલું અસંગત છે ? એમને પણ પુરુષોની જેમ જ ગાયત્રી આદિનો અધિકાર હોવો જોઈએ. અમે પોતે તો આ જ નિર્ણય પર પહોંચ્યા છીએ. અમને એવી અનેક સ્ત્રીઓનો પરિચય છે જેમણે શ્રદ્ધાપૂર્વક ગાયત્રી માતાની ઉપાસના કરી છે અને પુરુષોની માફક જ સંતોષપૂર્વક પરિણામ પ્રાપ્ત કર્યું છે. કેટલીક વાર તો એમને પુરુષો કરતાં પણ અધિક અને ત્વરિત સફળતા મળી છે. કન્યાઓએ ઉત્તમ વર પ્રાપ્ત કરવા માટે, સધવાઓએ પતિનું સુખ અને સુસંતતિ મેળવવા અને વિધવાઓએ સંયમ અને ધર્મ ઉપાર્જન કરવામાં આશાજનક સફળતા પ્રાપ્ત કરી છે.
આત્મા ન તો સ્ત્રી છે કે ન પુરુષ. વિશુદ્ધ બ્રહ્મજ્યોતિની ચિનગારી છે. આત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવા માટે, જેમ પુરુષને કોઈ ગુરુ અથવા માર્ગદર્શકની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે સ્ત્રીને પણ હોય છે. તાત્પર્ય એ છે કે સાધના ક્ષેત્રમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી.
સાધક “આત્મા” છે. એણે પોતાને એક સ્ત્રી કે પુરુષ ન માનતાં આત્મા માનવો જોઈએ. સાધના ક્ષેત્રમાં બધા આત્માઓ સમાન છે. લિંગભેદને કારણે એમના પર કોઈ અયોગ્યતા લદાવી ન જોઈએ.
પુરુષ કરતાં સ્ત્રીમાં ધાર્મિક તત્ત્વોની માત્રા વધારે હોય છે. પુરુષો પર ખરાબ વાતાવરણ અને વ્યવહારની છાયા વધારે પડે છે, જેથી દોષોનું પ્રમાણ વધે છે. આર્થિક સંબંધમાં રહેવાથી ચોરી તેમજ બેઈમાનીના પ્રસંગો પણ એની સામે આવે છે. પરંતુ સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર સીધું સાદું, સાત્ત્વિક અને સરળ હોય છે. ઘરમાં એને જે કાર્ય કરવાં પડે છે, સેવાની માત્રા અધિક પ્રમાણમાં રહે છે. એ પોતે આત્મનિગ્રહ કરે છે, પણ બાળકો પ્રત્યે, પતિ પ્રત્યે, સાસુ-સસરા પ્રત્યે, દિયર-જેઠ આદિ પ્રત્યે પોતાનો વ્યવહાર સૌમ્ય, સહૃદય, સેવાપૂર્ણ, ઉદાર, શિષ્ટ તેમજ સહિષ્ણુ રાખે છે. એની દિનચર્યા સત્ત્વગુણી હોય છે. તેથી પુરુષો કરતાં એનો અંતરાત્મા વધારે પવિત્ર રહે છે. ચોરી, હત્યા, ઠગાઈ, ધૂર્તતા, શોષણ, નિષ્ક્રુરતા, વ્યસન, અહંકાર, અસંયમ, અસત્ય આદિ દુર્ગુણો ખાસ કરીને પુરુષોમાં જ જોવામાં આવે છે. સ્ત્રીઓમાં આ પ્રકારનાં પાપો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હાલમાં ફેશન-પ્રિયતા, અશિષ્ટતા, કર્કશતા, શ્રમચોરી આદિ નાની નાની બૂરાઈઓ સ્ત્રીઓમાં પણ લાગી છે, પંરતુ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ અનેકગણી સદ્ગણી છે. તેમના દોષો પુરુષોની સરખામણીએ ખૂબ સીમિત છે.
એવી સ્થિતિમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં હોય એ સ્વાભાવિક છે. એમની મનોભૂમિમાં ધર્મનાં અંકુરો જલદી ફૂટી નીકળે છે, તેથી ઘરમાં પૂજા- આરાધના વ્યવસ્થા નિયમિત કરી શકે છે. તે પોતાનાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સારી રીતે સિંચન કરે છે. આ બધું જોતાં મહિલાઓને ધાર્મિક સાધના માટે ઉત્સાહિત કરવાની જરૂર છે. એથી વિરુદ્ધ એમને અનાધિકારી, શૂદ્ર આદિ કહીને એમના માર્ગમાં પથ્થરો ખડકીને તેમને નિરુત્સાહિત કરવી કઈ રીતે ઉચિત છે તેની સમજ પડતી નથી.
મહિલાઓએ વેદશાસ્ત્રો અપનાવ્યાના અને ગાયત્રીની સાધના કર્યાનાં અનેક પ્રમાણો ધર્મગ્રંથોમાં ભરેલાં છે. તેમના તરફ આંખો બંધ કરીને, બે ચાર પ્રક્ષિપ્ત શ્લોકોને પકડી બેસવું અને તેને અધારે સ્ત્રીઓને વેદોનો અધિકાર નથી એમ કહેવું એ કંઈ બુદ્ધિની વાત નથી. સામાન્ય રીતે ધર્મ પ્રત્યે કોઈની પ્રવૃત્તિ ભાગ્યે જ હોય છે. તેમાં વળી કોઈને ઉત્સાહ અને સુવિધા હોય તો તેને અનાધિકારી ઘોષિત કરી તેની ઉપાસનાનો માર્ગ બંધ કરી દેવો એમાં જરા પણ વિવેકશીલતા નથી.
અમે પૂરતી તપાસ, વિચાર, મનન અને શોધ કરીને પૂર્ણ વિશ્વાસથી એ નિર્ણય પર આવ્યા છીએ કે સ્ત્રીઓને પુરુષોના જેટલો જ ગાયત્રીનો અધિકાર છે. તેમણે સંકોચનો તદ્દન ત્યાગ કરીને પ્રસન્નતાપૂર્વક ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. એમ કરવાથી તેમનાં ભવબંધનો કપાશે. જન્મમરણથી ફાંસીમાંથી તેઓ છૂટશે અને તેઓ જીવન મુક્ત અને સ્વર્ગીય શાંતિની અધિકારિણી બનશે. સાથે જ પોતાના પુણ્ય પ્રતાપથી પોતાના પરિજનોના સ્વાસ્થ્ય, સૌભાગ્ય, વૈભવ તેમજ સુખસંતોષમાં દિનપ્રતિદિન વૃદ્ધિ કરવામાં મહત્ત્વપૂર્ણ સહયોગ આપી શકશે. ગાયત્રીને અપનાવનારી સ્ત્રીઓ સાચા અર્થમાં દેવીઓ બને છે. એમનામાં અનેક દિવ્ય ગુણોનો પ્રકાશ થાય છે. તેમજ એ બધે આદરને પાત્ર થાય છે. જે એમનો ઈશ્વરદત્ત જન્મજાત અધિકાર છે.
પ્રતિભાવો