૧૫. નારી પર પ્રતિબંધ અને લાંછન શા માટે ?, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 14, 2021 Leave a comment
નારી પર પ્રતિબંધ અને લાંછન શા માટે ?
ગાયત્રી ઉપાસનાનો અર્થ છે ઈશ્વરને માતા માનીને તેના ખોળામાં બેસવું. જગતના જેટલા સંબંધો છે, જેટલી સગાઈઓ છે તે બધામાં માતાની સગાઈ વધારે પ્રેમપૂર્ણ અને અધિક ઘનિષ્ટ છે. પ્રભુને જે દૃષ્ટિએ આપણે જોઈએ છીએ, તે ભાવના મુજબ તે આપણને જવાબ આપે છે. જો જીવ ઈશ્વરના ખોળામાં માતૃભાવનાથી બેસે છે, તો જરૂર ત્યારથી વાત્સલ્યપૂર્ણ જવાબ વાળે છે.
સ્નેહ, વાત્સલ્ય, કરુણા, દયા, મમતા, ઉદારતા, કોમલતા આદિ તત્ત્વો પુરુષના કરતાં નારીમાં વિશેષ પ્રમાણમાં હોય છે. બ્રહ્મનું અડધું વામાંગ, બ્રાહ્મીતત્ત્વ અધિક કોમળ, આકર્ષક અને જલદી દ્વવનારું હોય છે. તેથી અનાદિકાળથી ઋષિલોકો ઈશ્વરની ઉપાસના માતૃભાવે કરતા આવ્યા છે અને તેમણે ભારતીય ધર્માવલંબીને એ સુખસાધ્ય, સરલ અને શીધ્ર સફળ થનારી સાધના પ્રણાલીને અપનાવવાનો આદેશ આપ્યો છે. ગાયત્રી ઉપાસના એ પ્રત્યેક ભારતીયનું ધાર્મિક નિત્યકર્મ છે. કોઈપણ પ્રકારનું સંધ્યાવંદન કરવામાં આવે, તેમાં ગાયત્રીનું હોવું આવશ્યક છે. ખાસ પ્રકારનાં લૌકિક કે પારલૌકિક પ્રયોજનને માટે વિશેષ રૂપમાં ગાયત્રીની ઉપાસના કરવામાં આવે છે. પરંતુ એટલું ન થઈ શકતું હોય તો, નિત્યકર્મની સાધના તો દૈનિક કર્તવ્ય છે. તેને ન કરવાથી ધાર્મિક કર્તવ્યો ન કરવાનું પાપ લાગે છે.
પુત્ર અને પુત્રી બંને માતાનાં પ્રાણપ્રિય સંતાનો છે. ઈશ્વરને નર અને નારી બંને પ્યારાં છે. કોઈના તરફ ન્યાયી માતા પિતા ભેદભાવ રાખતાં નથી કે આ પુત્ર છે ને આ પુત્રી છે. ઈશ્વરે ધાર્મિક કર્તવ્યો અને આત્મકલ્યાણની સાધનાની નર અને નારી એ બંને માટે ગોઠવણ કરી છે. એ સમતા, ન્યાય અને નિષ્પક્ષતાની દષ્ટિએ ઉચિત છે. તર્ક અને પ્રમાણોથી સિદ્ધ જ છે. આ સીધાસાદા સત્યમાં વિઘ્ન નાખવું અસંગત જ ગણાય.
મનુષ્યની સમજણ ભારે વિચિત્ર છે. તેમાં કદી કદી એવી વાતો ઘૂસી જાય છે જે સર્વથા અનુચિત અને અનાવશ્યક હોય છે. પ્રાચીનકાળમાં નારી જાતિનું યોગ્ય સન્માન હતું. પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે સ્ત્રી જાતિને સામૂહિક રૂપમાં વિકારવા યોગ્ય પતિત, ત્યાજ્ય, પાતકી, અનધિકારિણી અને ધૃણિત ઠરાવવામાં આવી. એ વિચારધારાએ નારીના મનુષ્યોચિત અધિકારો પર આક્રમણ કર્યું અને પુરુષની શ્રેષ્ઠતા અને સગવડનું પોષણ કરવા માટે અનેક પ્રતિબંધ મૂકીને તેને શક્તિહીન, સાહસીન, વિદ્યાહીન બનાવીને એટલી નિર્બળ બનાવી દીધી કે તે બિચારીને સમાજને માટે ઉપયોગી થઈ પડવાનું તો આવું જ રહ્યું, પણ આત્મરક્ષાને માટે પણ તે બીજાઓની આશ્રિત થઈ ગઈ. આજે ભારતની નારી પાળેલાં પશુ-પક્ષીઓ જેવી સ્થિતિમાં આવી પડી છે. એનું કારણ પેલી ઊલટી સમજ છે, જે મધ્યકાળની સામંતશાહીમાંથી ઉત્પન્ન થઈ છે. પ્રાચીન સમયમાં ભારતીય નારી પુરુષ સમોવડી હતી. રથના પૈડાં ઠીક હોવાથી સમાજની ગાડી ઉત્તમ રીતે ચાલતી હતી. પણ આજે તો એક પૈડું ક્ષતવિક્ષત થઈ જવાથી બીજું પૈડું પણ લથડી ગયું છે. અયોગ્ય નારીસમાજનો ભાર પુરષોને ખેચવો પડે છે. એ અવ્યવસ્થાથી આપણા દેશ અને જાતિને કેટલી ક્ષતિ પહોંચી છે, તેથી કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
મધ્યકાલીન અંધકારયુગની કેટલીય, વિચિત્રતાઓને સુધારવાને માટે વિવેકશીલ અને દૂરદર્શી મહાપુરુષો પ્રયત્ન કરી રહ્યા છે એ આનંદની વાત છે. સુજ્ઞ પુરુષો એવો વિચાર કરવા લાગ્યા છે. મધ્યકાલીન સંકીર્ણતાની લોઢાની સાંકળથી સ્ત્રીને છોડાવવામાં ન આવે તો આપણા રાષ્ટ્રને તેનું પ્રાચીન ગૌરવ કદી પણ ફરી પ્રાપ્ત થશે નહીં. પ્રાચીન સમયમાં સ્ત્રીઓની જેવી સ્થિતિ હતી તે સ્થિતિએ તેમને પાછી પહોંચાડવાથી આપણું અડધું અંગ વિકસિત થશે અને ત્યારે જ આપણો સર્વાગી વિકાસ થઈ શકશે. આ શુભ પ્રયત્નમાં મધ્યકાલીન કુસંસ્કારો અને રૂઢિઓનું અંધાનુકરણ કરવું એને જ ધર્મ માની બેસનારી વિચારધારાને હવે કોઈ પણ પ્રકારે અટકાવી દેવી જોઈએ.
ઈશ્વરભક્તિ, ગાયત્રીની ઉપાસના જેવી બાબતમાં પણ એવું કહેવામાં આવે છે કે, સ્ત્રીઓને એનો અધિકાર નથી. એ માટે કેટલાંક પુસ્તકોના દાખલાઓ ટાંકવામાં આવે છે કે, સ્ત્રીઓએ વેદમંત્રો બોલવા નહીં. કેમ કે ગાયત્રી પણ વેદમંત્ર છે, તેથી સ્ત્રીઓએ એને અપનાવવો નહીં. આ પ્રમાણો સામે અમારો કશો વિરોધ નથી. કારણ એક સમયમાં ભારત એવી માન્યતામાંથી પસાર થયું હતું. એક જમાનામાં યુરોપમાં તો એમ માનવામાં આવતું કે ઘાસપાંદડાની જેમ સ્ત્રીઓમાં પણ આત્મા નથી અને આ બાબતમાં અહીં પણ આને મળતી જ માન્યતા બાંધી લેવામાં આવી હતી. એમ કહેવાતું હતું કે નિરિદ્રિયાહ્યમન્ત્રાશ્ચ સ્ત્રયોડનૃતમિતિ સ્થિતિઃ | અર્થાત સ્ત્રીઓને ઇન્દ્રિયો હોતી નથી. તે મંત્રથી રહિત અસત્ય સ્વરૂપિણી અને ધૃણિત છે. સ્ત્રીને ઢોર, ગમાર, શુદ્ર અને પશુની માફક મારવાને યોગ્ય ઠરાવનાર વિચારકોનું કહેવું હતું કે
પુશ્ચલ્યાશ્ચલચિત્તાશ્ય નિઃસ્નેહા ચ સ્વભાવતઃ | રક્ષિતા તત્ર તોડવીહ ભર્તૃશ્ચેતા વિકુર્વતે ||
અર્થાત સ્ત્રીઓને સ્વભાવે જ વ્યભિચારિણી, ચંચલ ચિત્તની અને પ્રેમશૂન્ય હોય છે, એમની બહુ જ હોશિયારીથી સંભાળ રાખવી જોઈએ.
વિશ્વાસપાત્રં ન કિમસ્તિ નારી | દ્વારં કિમેક નરકસ્ય નારી ||
વિજ્ઞાન્મહા વિજ્ઞમોડસ્તિ કો વા | નાર્યા: પિશાચ્ચા ન ચ વંચિતો ચઃ |
પ્રશ્ર વિશ્વાસ કરવા યોગ્ય કોણ નથી ? ઉત્તર નારી.
પ્રશ્ન નરકનું એક માત્ર વાર કર્યું ? ઉત્તર નારી. પ્રશ્ન બુદ્ધિમાન કોણ છે ? ઉત્તર જે નારીરૂપી પિશાચિણીથી ઠગાય નહીં તે.
જ્યારે સ્ત્રીઓના સંબંધમાં આવી માન્યતાઓ ફેલાવવામાં આવી હોય ત્યારે તેમને વેદશાસ્ત્રોથી, ધર્મકર્તવ્યોથી જ્ઞાન-ઉપાર્જનથી વંચિત રાખવાનો પ્રતિબંધ મૂક્યો હોય એ નવાઈની વાત નથી. આ પ્રકારના બીજા પણ અનેક પ્રતિબંધસૂચક શ્લોકો જોવામાં આવે છે.
સ્ત્રીસૂદ્રદ્વિજબન્ધૂનાં ત્રયી ન શ્રરુતિ ગોચરા | ભાગવત
અર્થાત્ સ્ત્રીઓ, શૂદ્રો અને નીચ બ્રાહ્મણોને વેદ સાંભળવાનો અધિકાર નથી.
અમન્ત્રિકા તુ કાર્યેયં સ્ત્રીણામાવૃદશેષતઃ | સંસ્કારાર્થ શરીરસ્ય યથાકાલે યથાક્રમમ્ | મનું. ર/ર૬
અર્થાત સ્ત્રીઓના જાતકર્માદિ બધા સંસ્કારો વેદમંત્રો વિના જ કરવા જોઈએ.
નન્વેવં સતિ સ્ત્રીશૂદ્રસહિતાઃ સર્વે વેદાધિકારિણીઃ |” સાયણ
સ્ત્રી અને શૂદ્રોને વેદનો અધિકાર નથી.
વેદડનધિકારાત્ |” શંકરાચાર્ય
સ્ત્રીઓ વેદની અધિકારિણી નથી.
“અધ્યયનરહિતયા સ્ત્રિયા તદનુષ્ટનમશકયત્વાત્, તસ્માત્ પુંસ એવોપસ્થાનાદિકમ્ | ‘ માધવાચાર્ય
સ્ત્રી અધ્યયનરહિતા હોવાને કારણે મંત્રોચ્ચારણ કરી શકતી નથી તેથી પુરુષે મંત્રપાઠ કરવો.
સ્ત્રીશૂદ્રો નાધીયતામ્ !’
સ્ત્રી અને શૂદ્રોએ વેદ ભણવા નહીં.
ન હૈ કન્યા ન યુવતિઃ |
કન્યાએ કે સ્ત્રીએ પણ ન ભણવા.
આ રીતે સ્ત્રીઓને ધર્મજ્ઞાન, ઈશ્વર-ઉપાસના અને આત્મકલ્યાણથી રોકનારા પ્રતિબંધોને કેટલાક ભોળા મનુષ્યો “સનાતન” માની લે અને એનું સમર્થન કરવા માંડે છે. એવા લોકોએ જાણવું જોઈએ કે, પ્રાચીન સાહિત્યમાં આવો પ્રતિબંધ ક્યાંયે નથી. પરંતુ એમાં તો બધે સ્ત્રીઓની મહાનતાનું વર્ણન છે અને તેને પણ પુરુષોના જેટલા જ સર્વ ધાર્મિક અધિકારો હતા. આ પ્રતિબંધો તો સમય સુધી કેટલીક વ્યક્તિઓની ઘેલછાયુક્ત પ્રવૃત્તિનું પ્રમાણ માત્ર છે. એવા લોકોએ ધર્મગ્રન્થોમાં જ્યાં ત્યાં આવા બેહૂદા શ્લોકો ઘૂસાડી દઈને પોતાની પ્રવૃત્તિને ઋષિપ્રણિત હોવાનું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ભગવાન મનુએ નારી જાતિની મહાનતાનો મુક્તકંઠે સ્વીકાર કરતાં લખ્યું છે કે
પ્રજાનાર્થ મહાભાગાઃ પ્રજાર્હા ગૃહદીપ્તયઃ | સ્ત્રિયઃ શ્રિયશ્ચ ગહેષુ ન વિશેષોડસ્તિ કશ્ચન . || -મનું. ૯/૨૬
યત્પય ધર્મકાર્યાણિ શુશ્રરુપા રતિરુત્તમ | દારાધીનસ્તથા સ્વર્ગઃ પિતૃણામાન્મરશ્ચ હ || -મનું. ૯/૨૮
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમન્તે તત્ર, દેવતાઃ | યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાતત્રાફલા ક્રિયાઃ || મનુ. ૨/૫
અર્થાત સ્ત્રીઓ પૂજાને યોગ્ય છે, મહાભાગ છે, ઘરની દીપ્તિ છે. કલ્યાણકારિણી છે, ધર્મકાર્યોની સહાયિકા છે. સ્વર્ગ સ્ત્રીઓને અધીન જ છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે અને જ્યાં એમનો તિરસ્કાર થાય છે, ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે.
જે મનુ ભગવાનની શ્રદ્ધા નારી જાતિ પ્રત્યે આટલી ઉચ્ચ કોટિની હતી, તેમના જ ગ્રંથોમાં કેટલેક સ્થળે સ્ત્રીઓની પેટ ભરીને નિંદા અને એમની ધાર્મિક સુવિધાનો નિષેધ છે. મન જેવા મહાપુરુષ આવી પરસ્પર વિરોધી વાતો કદી પણ લખે નહીં. જરૂર એ એમના ગ્રંથોમાં પાછળથી દાખલ કરી દેવામાં આવી છે. આ મેળવણીનાં પ્રમાણો પણ મળી આવે છે.
માયા કાપિ મનુસ્મૃતિસ્તદુચિતા વ્યાખ્યાપિ મેધાતિથે: |
સા લુપ્તૈવ વિધેર્વશાત્કવચિદપિ પ્રાપ્યં ન તત્પુસ્તકમ્ ||
ક્ષોણીન્દ્રો મદનો સહારણ સુનો દેશાન્તરરાદાહ્યતે: |
જીર્ણોદ્ધારમચીરત્ તત્ ઈતસ્તપુસ્તકૈલિખિતે ||
-મેઘાતિથિરચિત મમનુષ્ય સ્મૃતેરૂપોદ્ધાતઃ ||
અર્થાત પ્રાચીનકાળમાં કોઈ પ્રમાણિક મનુસ્મૃતિ હતી અને તેની મધ તિથિએ ઉચિત વ્યાખ્યા કરી હતી. દુર્ભાગ્યવશ તે પુસ્તક લુપ્ત થઈ ગયું, કયાંય મળી શક્યું નહીં. ત્યારે રાજા મદને તે પુસ્તકો ઉપરથી જીર્ણોદ્ધાર કરાવ્યો.
દૈત્યા સર્વે વિપ્રકુલેષુ ભૂત્વા, કલૌયુગે ભારતે ષષ્ટ સાહસ્યામ |
નિકાસ્ય કાંશ્ચિન્નવનિર્મિતાના, નિવેશન તત્ર કુર્વતિ નિત્વમ્ | -ગરૂડપુરાણ ૧/પ૯
રાક્ષસ લોકો બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થઈને મહાભારતના છ હજાર શ્લોકોમાંથી અનેક શ્લોકોનો નિકાલ કરી નાખશે અને તેને સ્થાને નવા કૃત્રિમ શ્લોકો દાખલ કરશે. એ જ વાત માધવાચાર્યજીએ આ પ્રમાણે કહી છે
કવચિદ્ ગ્રન્ધાન્ પ્રક્ષિપન્તિ કવચિદન્તરિતાનપિ | કુર્યુ કવચિચ્ચ વ્યત્યાસં પ્રમાદાત્ કવચિદન્યથા ||
અનુત્સન્ના અપિ ગ્રન્થા વ્યાકુલ: ઈતિ સર્વશઃ |
સ્વાર્થી લોકો કેટલાક ગ્રંથોનાં વચનોને પ્રક્ષિપ્ત કરી નાખે છે, ક્યાંક કાઢી નાખે છે, ક્યાંક જાણીબૂઝીને, ક્યાંક પ્રમાદથી બદલી નાખે છે. આમ પ્રાચીન ગ્રન્થો ભારે અસ્તવ્યસ્ત થઈ ગયા છે.
જે દિવસોમાં આ મિશ્રણ થઈ રહ્યું હતું, તે દિવસોમાં પણ સજાગ વિદ્વાન બ્રાહ્મણોએ આવી મેળવણીનો સખત વિરોધ કર્યો હતો. મહર્ષિ હારીતે આ જાતિની વિરુદ્ધની ઉક્તિઓનો ઘોર વિરોધ કરીને લખ્યું છે કે
નશુદ્રસમાઃ સ્ત્રિયઃ | ન હિ શુદ્રયોતૌ બ્રાહ્મણક્ષત્રિય વૈશ્યાઃ જાયન્તે તસ્માચ્છન્દાસા સ્ત્રિયઃ સંસ્કકાર્થો |
હારિત
સ્ત્રીઓ શૂદ્રો સમાન નથી. શૂદ્ર યોનિમાંથી ભલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? સ્ત્રીઓને વેદ દ્વારા સુસંસ્કૃત કરવી જોઈએ.
નર અને નારી એક જ રથનાં બે ચક્રો છે. એક જ મુખનાં બે નેત્રો છે. એકના વિના બીજું અપૂર્ણ છે. બંને અડધાં અંગો મળવાથી એક પૂર્ણાગ બને છે. માનવ પ્રાણીના અવિભક્ત બે ભાગોમાં આ પ્રકારની અસમાનતા, દ્વિધા, ઊંચનીચની ભાવના પેદા કરવી ન જોઈએ. ભારતીય ધર્મમાં સદાય નરનારીને એક અને અવિભક્ત અંગ માનવામાં આવ્યાં છે.
અથૈવાત્મા તથા પુત્ર: પુત્રેણ બુહિતા સમા | મનું ૯/૧૩૦
સંતાનો આત્મા સમાન છે. જેવો પુત્ર તેવી જ પુત્રી, બંને સમાન છે.
ઐતાવાનેવ પુરુષો યજ્જાયાત્મા પ્રજેતિ હ |
વિપ્રાઃ પ્રાહુસ્તથા ચૈતઘો ભર્તા સા સ્મૃતાડ્ન્ગના || મનું. ૯/૪પ
પુરુષ એકલો હોતો નથી. પણ પોતે, પત્ની અને સંતાન મળીને પુરુષ બને છે. વિપ્રો કહે છે જે ભર્યા છે તે જ ભાર્યા છે.
અર્થ અદ્ધૌ વા એષ આત્મનઃ યત્ પત્ની |
પત્ની પુરુષનું અડધું અંગ છે.
આ દૃષ્ટિએ નારીને પ્રભુની વાણી વેદજ્ઞાનથી વંચિત રાખવામાં આવે એ યોગ્ય નથી. બીજા મંત્રોની જેમ ગાયત્રીનો પણ એને પૂરો અધિકાર છે. આપણે ઈશ્વરની ઉપાસના નારીના રૂપમાં ગાયત્રી કરીએ છીએ અને પછી નારી જાતિને ધૃણિત, પતિત, અસ્પૃશ્ય, અનધિકારિણી ઠેરવીએ એ શું યોગ્ય કહેવાય ? આ વાતનો આપણે જાતે જ વિચાર કરવો જોઈએ.
વેદોનું જ્ઞાન સહુને માટે છે. નર નારી બધાને માટે છે. ઈશ્વર પોતાનાં સંતાનોને જે સંદેશ આપે છે એને સાંભળવા પર પ્રતિબંધ મૂકવો એ તો ઈશ્વરનો જ દ્રોહ કરવા જેવું છે. વેદ ભગવાન પોતે કહે છે
સમાને મન્ત્રઃ સમિતિ સમાની સમાનં મનઃ સહચિત્તમેષામ્ |
સમાકં માન્ત્રમભિમન્ત્રયે વઃ સમાનં વો હવિષા જહોમિ || ઋગ્વેદ: ૧૦/૧૯૧/૩
તે સમસ્ત નરનારીઓ ! તમારે માટે આ મંત્રો સમાન રૂપમાં આપવામાં આવ્યા છે તથા તમારો પરસ્પર વિચાર વિનિમય પણ સમાન રૂપમાં થાઓ. તમારી સભાઓ સર્વને માટે સરખા રૂપમાં ખુલ્લી રાખો. તમારું મન અને ચિત્ત સમાન તથા મળેલું થાઓ. હું તમને સમાન રૂપથી મંત્રોનો ઉપદેશ કરું છું અને સમાનરૂપે ગ્રહણ કરવા યોગ્ય પદાર્થ આપું છું.
પ્રતિભાવો