૧૬. માલવીયાજી દ્વારા નિર્ણય
March 15, 2021 Leave a comment
માલવીયાજી દ્વારા નિર્ણય
સ્ત્રીઓને વેદમંત્રોનો અધિકાર છે કે નહીં એ પ્રશ્ન ઉપર કાશીના પંડિતોમાં મોટો વિવાદ થયો હતો. હિન્દુ વિશ્વવિદ્યાલયમાં કુમારી કલ્યાણી નામની વિદ્યાર્થીની વેદના વર્ગમાં પ્રવેશ મેળવવા ઇચ્છતી હતી, પરંતુ પ્રચલિત માન્યતાનુસાર વિશ્વવિદ્યાલયે એને દાખલ કરવાનો ઇન્કાર કર્યો. અધિકારીઓનું કહેવું હતું કે શાસ્ત્રોમાં સ્ત્રીઓને વેદનો અધિકાર આપવામાં આવ્યો નથી.
આ વિષય પર પત્ર-પત્રિકાઓમાં ઘણા દિવસ વાદવિવાદ ચાલ્યો. વેદાધિકારના સમર્થનમાં “સાર્વદેશિક પત્રે ઘણા લેખો છાપ્યા અને વિરોધમાં કાશીને “સિદ્ધાંત’ પત્રમાં પણ ઘણા લેખો પ્રસિદ્ધ થયા. આર્ય સમાજ તરફથી ડેયૂટેશન વિશ્વવિદ્યાલયના અધિકારીઓને મળ્યું. દેશભરમાં આ વિષયની પુષ્કળ ચર્ચા થઈ.
અંતે વિશ્વવિદ્યાલયે મહામના મદનમોહન માલવીયાના પ્રમુખપણા નીચે આ પ્રશ્નનો વિચાર કરવા માટે એક કમિટી નીમી. તેમાં અનેક ધાર્મિક વિદ્વાનોને સામેલ કરવામાં આવ્યા હતા. એ કમિટીએ આ બાબતમાં શાસ્ત્રોનું ગંભીર વિવેચન કરીને એવો નિષ્કર્ષ કાઢ્યો કે સ્ત્રીઓને પણ પુરુષોની જેમ વેદાધિકાર છે. આ નિર્ણયની ઘોષણા તા. ૨૨મી ઑગસ્ટ, ૧૯પ૬ને દિને સનાતન ધર્મના પ્રાણસ્વરૂપ ગણાતા મહામના માલવીયાજીએ કરી. તદઅનુસાર કુમારી કલ્યાણીદેવીને હિન્દુ વિશ્વવિદ્યાલયના વેદ વર્ગમાં દાખલ કરવામાં આવી અને શાસ્ત્રીય આધારે નિર્ણય કરવામાં આવ્યો કે વિશ્વવિદ્યાલયમાં સ્ત્રીઓના વેદાધ્યયન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સ્ત્રીઓ પણ પુરુષોની જેમ વેદનો અભ્યાસ કરી શકશે.
મહામના માલવીયાજી તથા એમના સહયોગી અન્ય વિદ્વાનો પણ કોઈ સનાતન ધર્મ વિરોધી હોવાનો સંદેહ કરી શકે એમ નથી. સનાતન ધર્મમાં એમની આસ્થા પ્રસિદ્ધ છે. આવા લોકોએ આ પ્રશ્નનો ઉકેલ કરી દીધો હોવા છતાં જે લોકો વેદાધિકાર નથી એમ કહેતા હોય તેમની બુદ્ધિને કેવા પ્રકારની કહેવી, તેની સમજ પડતી નથી.
૫. મદનમોહન માલવીયા સનાતન ધર્મના પ્રાણ હતા. એમનું શાસ્ત્રજ્ઞાન, એમની વિદ્વત્તા, દૂરદર્શિતા અને ધાર્મિક દઢતા અસંદિગ્ધ હતાં. આવા મહાપંડિતે અનેક પ્રામાણિક વિદ્વાનો સાથે ચર્ચાવિચારણા કરીને સ્ત્રીઓના અધિકારનો સ્વીકાર કર્યો છે, તે નિર્ણય પછી પણ જે લોકો તે બાબતમાં પ્રશ્નો ઊભા કરે છે, તેમના હઠાગ્રહને દૂર કરવા સ્વયં બ્રહ્માજી પણ અસમર્થ છે.
ખેદની વાત એ છે કે લોકો સમયની ગતિને પણ ઓળખતા નથી. હિંદુ સમાજની ઘટતી સંખ્યા અને શક્તિનો પણ ખ્યાલ કરતા નથી ને માત્ર પાંચ-પચીસ કલ્પિત અને ક્ષેપક શ્લોકોને આધારે દેશ અને સમાજનું અહિત કરવા તૈયાર થઈ જાય છે. પ્રાચીનકાળની અને આજની વિદ્વાન સ્ત્રીઓનાં નામ આજે પણ જગતમાં પ્રસિદ્ધ છે. વેદોમાં સંખ્યાબંધ સ્ત્રી ઋષિઓના ઉલ્લેખ મંત્રદષ્ટા તરીકે મળે છે. છતાં એવા માણસો એ તરફ ન જોતાં મધ્યકાળમાં મહાન ઋષિઓના નામે લખેલા કેટલાક સ્વાર્થી લોકોના લખેલાં પુસ્તકોને આધારે સમાજ સુધારના પવિત્ર કાર્યમાં દખલ કર્યા કરે છે. આવા માણસો તરફ ધ્યાન ન આપતાં વર્તમાન યુગના ઋષિ માલવીયાજીની સંમતિનું અનુસરણ કરવું એ જ સમાજસેવકોનું કર્તવ્ય છે.
પ્રતિભાવો