પરિવાર સમાજનું અગત્યનું અંગ છે, બોધવચન – ર
September 11, 2021 Leave a comment
પરિવાર સમાજનું અગત્યનું અંગ છે
બોધ : સમાજ એક એવી મૂર્તિ છે જેનું બીજું પરિવાર છે. સમાજ નિર્માણ, સમાજ સુધાર, સપ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો આ બધાની શરૂઆત કુટુંબથી થાય છે. આદર્શ કુટુંબોથી આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થાય છે.
પુષ્ટ એકમોથી બનેલું સમર્થ રાષ્ટ્રઃ
ફ્રાન્સ હોલેન્ડ ઉપર હુમલો કર્યો. તે મોટું તથા સાધનસંપન્ન હોવા છતાં નાનકડા દેશ ઉપર વિજય મેળવી શક્યું નહીં.
આથી તેના શાસક લૂઈ ૧૪ મા એ મંત્રી કોલવર્ટને બોલાવ્યો અને પૂછયું કે આપણું ફ્રાન્સ આટલું મોટું તથા સમર્થ છે, છતાં જીતી કેમ નથી શકતું ? કોલવર્ટ ગંભીર થઈ ગયા. તેમણે નમ્રતાપૂર્વક ધીમેથી કહ્યું કે મહાનતા અને સમર્થતા કોઈ દેશના વિસ્તાર કે વૈભવ ઉપર આધાર રાખતી નથી. તેનો આધાર ત્યાંના નાગરિકોની દેશભક્તિ અને બહાદુરી ઉપર છે. હોલેન્ડના દરેક ઘરમાં સશક્ત નાગરિકોનું ઘડતર થાય છે. આ સાધના તેમને અજેય બનવાનું બળ આપે છે. હોલેન્ડના નાગરિકોની વિસ્તૃત માહિતી જાણ્યા પછી ફ્રાન્સે પોતાનું સૈન્ય પાછું બોલાવી લીધું.
પ્રેમચંદની ઉદાર કૌટુમ્બિક્તા :
મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર તથા વાર્તાકાર છે. તેમનો કોટ ખૂબ જૂનો થઈ ગયો હતો. તેમની પત્ની નવો શિવડાવવાનું કહેતી, તો તેઓ પૈસાની તંગી છે એમ કહીને વાત ટાળી દેતા.
એક દિવસ તેમની પત્નીએ પૈસા આપ્યા અને કહ્યું કે આજે કોટનું કાપડ જરૂર લેતા આવજો, પણ સાંજે તેઓ ખાલી હાથે પાછા ફર્યા. પત્નીએ તેનું કારણ પૂછયું તો તેમણે જણાવ્યું કે, તેમના એક ઓળખીતાની છોકરીનું લગ્ન હતું. તે પૈસા માટે કરગરતો હતો. તેથી મેં વિચાર્યુ કે કોટ તો પછીથી પણ ખરીદી શકાશે, પણ છોકરીનું લગ્ન કદાચ ફરી ન પણ થાય. તેથી મેં તેને પૈસા આપી દીધા. પત્ની તેમની આવી ઉદારતાથી સ્તબ્ધ થઇ ગઇ. પ્રેમચંદે સમજાવ્યું કે તેં તારી જરૂરિયાતો ઓછી કરીને મને પૈસા આપ્યા, તો મેં મારી જરૂરિયાતો ઓછી કરીને વધારે જરૂરવાળાને આપી દીધા. આખરે આપણાં બધાંના કુટુંબોથી તો સમાજ બને છે અને સમાજને આ રીતે ત્યાગથી સુખી અને સમૃદ્ધ બનાવી શકાય છે.
પરિવાર નિર્માણ પહેલાં, પછી સંન્યાસ :
સ્વામી વિદ્યાનંદ પહેલાં ગૃહસ્થ હતા, પરંતુ સાધુબાવાઓના ઉપદેશથી પ્રભાવિત થઈને વિદ્યાનંદે પણ સાધુનો વેશ ધારણ કરી લીધો. તેઓની સાથે તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ જ્યાં જાય ત્યાં સાધુઓની સાથે જ રહેતા. દૂરથી જેઓ જ્ઞાની દેખાતા હતા, તેઓને નજીકથી જોતાં ચોર, ઠગ, વ્યભિચારી, વ્યસની અને ખરાબ પ્રવૃત્તિઓમાં રત રહેતા જોયા. સ્વામીજીને આવા કડવા અનુભવોથી ખૂબ દુ : ખ થયું. તેઓ ઘેર પાછા આવતા રહ્યા. ઘેર આવી પોતાનાં ખેડૂતનાં વસ્ત્રો પહેરી લીધા. કુટુંબની જવાબદારી સંભાળી લીધી અને ખેતી કરવા માંડ્યા. ફુરસદના સમયમાં નજીકનાં ક્ષેત્રોમાં જઈને બાળકો તથા પ્રૌઢોને ભણાવતા અને લોકોને ચારિત્ર્યવાન બનવાની શિખામણ આપતા. તેમણે પોતાના ખેતરમાં જ એક વિદ્યાલય બનાવ્યું. તેમાં પોતાનાં તથા અન્ય બાળકોને જાતે ભણાવતા. પછીથી ગરીબોનાં બાળકો ત્યાં રહીને ભણવા લાગ્યાં. ખેતીમાં પાકતું અનાજ તેમાં જ વપરાઈ જતું. આ રીતે બીજા કેટલાય સહયોગીઓ તેઓએ ઉભા કર્યા અને તેઓને પણ આવાં વિદ્યાલયો સ્થાપવા અને ચલાવવા પ્રેરણા આપતા. તે રીતે ઘણાં વિદ્યાલયો ચાલુ થયાં.
એમણે સંન્યાસ છોડીને કાંઇ ગુમાવ્યું તો નથી ને ? એવો પ્રશ્ન પૂછતાં તેમણે જવાબ આપ્યો કે, ” મેં તો કુટુંબના વિકાસ દ્વારા સમાજના નવનિર્માણની નાનકડી ભૂમિકા ચાલુ કરી છે. ભૂલ તો મેં પહેલાં કરી હતી કે જયારે હું મારી કૌટુમ્બિક જવાબદારી ભૂલીને સાધુસમાજમાં જોડાઈ ગયો હતો. ”
પોતે ખાવાને બદલે પ્રિયજનોને આપવુંઃ
ગુરૂએ શિષ્યને થોડાંક ફળ આપ્યાં. એણે એ ફળો પોટલીમાં બાંધીને ઘેર લઇ જઇ ઘણાં બાળકોમાં વહેંચી દીધાં, પોતે ખાધાં નહીં.
ગુરૂને આ જાણકારી મળી. શિષ્ય બીજા દિવસે આવ્યો ત્યારે ગુરૂએ કહ્યું કે ભગવાને આપેલાં અનુદાનોને જે એનાં સંતાનોને વહેંચી દે છે તે જ તારી જેમ સહદય ગણાય છે. જે પોતે જ ખાઇ જાય છે અને બીજા કોઇને આપતો નથી તે સ્વાર્થી કહેવાય છે. જે રીતે ગઇકાલે મળેલાં ફળો તે બાળકોમાં વહેંચી દીધાં, તેવી જ રીતે ભગવાન તરફથી મળેલાં અનુદાનો લોકોને વહેંચતા રહો. પારિવારિકતાનો આ અભ્યાસતને આદર્શ લોકસેવક બનવામાં બહુ મદદરૂપ બનશે.
પ્રતિભાવો