પરિવારના માધ્યમથી આત્મવિકાસ, બોઘવચન -૩
September 13, 2021 Leave a comment
૧.૩ – પરિવારના માધ્યમથી આત્મવિકાસ
બોધ : પરિવાર સંસ્થાનું ગઠન કામ – કૌતુક, ભોજન વ્યવસ્થા કે રહેઠાણ માટે જ કરવામાં આવતું નથી. આટલી સગવડો તો ધર્મશાળામાં પૈસા ચૂકવવાથી ખૂબ સરળતાથી મળી શકે છે. એમાં ખર્ચ પણ ઓછું આવે અને જવાબદારીઓથી મુકત પણ રહી શકાય. આમ છતાં દરેક બુદ્ધિમાન મનુષ્ય પરિવારના અનુશાસનમાં બંધાવા ઈચ્છે છે. કારણ કે પરિવારના માધ્યમથી મનુષ્ય આત્મકલ્યાણ તરફ પણ આગળ વધે. તેનામાં સામાજિકતા, નાગરિકતા અને સૌથી મહત્ત્વનો વિશ્વમાનવનો કલ્યાણકારી ભાવ જાગૃત થાય.
અનેક સર્વેક્ષણોને આધારે એવું જોવામાં આવ્યું છે કે અમેરિકા જેવા સમૃધ્ધ રાષ્ટ્રમાં ૮૦ ટકા લોકોને ઉંધવા માટે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. તેમાંથી અડધાથી વધુ લોકોના માનસિક તણાવનું કારણ તેમના પારિવારિક જીવનમાં સ્નેહ, સદ્ભાવ, આત્મીયતા વગેરેનો પૂર્ણ અભાવ માનવામાં આવ્યો છે. અંત : કરણની પવિત્ર સ્નેહની ભૂખને શાંત ન કરી શકતાં, તેઓ નશો કે ઘેનનો આશ્રય લે છે. તેથી ત્યાંના સમાજવિજ્ઞાનીઓ ભારતીય સમાજ વ્યવસ્થાને શ્રેષ્ઠ માનવા લાગ્યા છે કે જ્યાં આંતરિક આત્મીયતાની મદદથી અભાવની વચ્ચે પણ સ્નેહ અને સંતોષ છલકતાં રહે છે.
ભરતજીનું સૌજન્ય :
ભરતને રાજગાદી મળતી હતી પણ તેમણે અનીતિથી મળેલી એ રાજગાદીનો અસ્વીકાર કરી દીધો. રામની જેમ જટા ધારણ કરી ઘરમાં જ વનવાસીની જેમ રહ્યા. સિંહાસન ઉપર રામની જ ચરણપાદુકાઓની સ્થાપના કરી.
આવી આત્મીયતાથી ઓતપ્રોત ત્યાગ અને કર્તવ્યની પારિવારિકતાએ જ રામના પરિવારને લોકો માટે આરાધ્ય બનાવી દીધો હતો. રામ અને ભરત બંને ચરિત્રનું પોતપોતાના સ્થાને આગવું મહત્ત્વ છે. એક મર્યાદાનું પાલન કરનારા મર્યાદા પુરુષોત્તમના રૂપે પૂજાય છે, તો બીજા એમની કુટુંબ પ્રત્યેની નિષ્ઠા, ઉત્કૃષ્ટતા અને આત્મીયતા જેવા સગુણોના કારણે પૂજાય છે. સમસ્ત રામ પંચાયતના પૂજ્ય ગણાય છે.
ભાઈ ભાર નથી હોતો :
એક મહાત્મા એક પહાડી ઉપર ચઢી રહ્યા હતા. એ વખતે દશ વર્ષની એક છોકરી પણ પોતાના બે વર્ષના ભાઈને લઈને પહાડીનો ઢાળ ચઢી રહી હતી. મહાત્માએ કહ્યું, ” બેટી, તું આટલો ભારે બોજ ઊંચકીને કેવી રીતે ચડી શકીશ ?” છોકરીએ તરત જ જવાબ આપ્યો, ” મહારાજ, આ બોજ નથી, મારો ભાઈ છે. ” જ્યાં પ્રેમ હોય, ભાવના હોય ત્યાં કોઈ કામ ભારે લાગતું નથી. જો ભાવના ન હોય તો જીવન જ ભારરૂપ લાગવા માંડશે. સાચે જ પરિવાર ભાવનાના વિકાસનું માધ્યમ છે.
કાગાવાનો વિશાળ પરિવાર :
જાપાનના એક છોકરા કાગાવાએ ભણ્યા પછી પીડિતોની સેવા કરવાને જ પોતાનું જીવન લક્ષ્ય બનાવ્યું અને સેવાકાર્ય કરવા માંડ્યો. પછાત અને ખરાબ ટેવોમાં સપડાયેલા બિમાર લોકોના મહોલ્લાઓમાં તેઓ જતા અને આખો દિવસ એમની સેવા કરતા. પેટ ભરવા માટે તેમણે બે કલાકનું કામ શોધી કાઢ્યું. એક વિદુષી છોકરીને તેમનું આ કામ ખૂબ ગમી ગયું. તે પણ તેમની સાથે ખભેખભો મિલાવી કામ કરવા લાગી. લગ્ન એક શરતે કરવામાં આવ્યું કે તેઓ વાસના માટે નહીં, પણ સમાજસેવા માટે મૈત્રી ખાતર લગ્નના બંધનમાં બંધાશે. તે છોકરીએ પણ પોતાનું પેટ ભરવા બે કલાકનું કામ શોધી કાઢ્યું. હવે બંને ભેગાં મળી કામ કરતાં હતાં, તેથી બમણું કામ થવા લાગ્યું. ઉદાર લોકો તેમના કામમાં મદદ કરવા લાગ્યા. તેથી તેમનું કાર્યક્ષેત્ર ખૂબ વધી ગયું. સરકારે આખા જાપાનના પછાત લોકોને સુધારવાનું કામ એમને સોંપ્યું. કાગાવા પ્રત્યે જાપાનના લોકોની શ્રધ્ધા એટલી બધી વધી ગઈ કે તેમને” જાપાનના ગાંધી” કહેવા લાગ્યા. તેમણે સાચા અર્થમાં પોતાને વિશ્વમાનવ સાબિત કરી દીધા.
સમાજને સમર્પિત કાર્નેગી :
એન્ડ્રયુ કાર્નેગીના પિતા સ્કોટલેન્ડના એક વણકર હતા. માતા ઘરકામ પરવારીને એક ધોબી અને એક મોચીની દુકાને કામ કરવા જતી હતી. એમ કરવાથી જ ઘરખર્ચ નીકળતું હતું. માતા જયારે નોકરી ઉપર જતી ત્યારે તેનો પિતા પત્નીને નવોઢા હોય તે રીતે વિદાય આપતો. નાનો એન્ડ્રયુ આ જોતો ત્યારે એના ઉપર તેની ઊંડી છાપ પડતી. એની પાસે એક જ ખમીસ હતું. માતા તે રોજ ધોતી અને ઈસ્ત્રી કરી આપતી.
વધારે ભણવાનો મેળ પડ્યો નહીં. પરિવારના આત્મીયતાના સંસ્કાર તેની ઉપર પડ્યા હતા. થોડા મોટા થતાં તારઘરમાં નોકરી સ્વીકારી લીધી. તેમાં આગળ અભ્યાસથી પરીક્ષા પાસ કરતાં તારબાબુ બની ગયા. આવક વધતાં એક ફાર્મ માટે થોડી જમીન ખરીદી. તેમાં ખેતી ઉપરાંત એક તેલનો કૂવો નીકળ્યો તેથી તે ધનિક બની ગયા. વિવાહ માટે કેટલાંયે માગાં આવ્યાં, પણ એમણે એવું કહ્યું કે મારી માતા જયાં સુધી જીવશે ત્યાં સુધી હું લગ્ન કર્યા વગર તેની સેવા કરીશ. લગ્ન કરવાથી સમય અને મન બંને વહેંચાઈ જાય. માતાના મૃત્યુ પછી ૫૨ વર્ષની ઉંમરે તેમણે લગ્ન કર્યા. લગ્ન પછી પણ અનાથ બાળકો માટે તથા સાધનહીન લોકોને અભ્યાસ કરવા માટે તેઓ સતત દાન આપતા રહ્યા. એમણે ૧૫૦ કરોડ ડોલર આવાં કાર્યો માટે દાનરૂપે આપ્યા. મરતી વખતે દેવાદાર લોકોના બધા કાગળો બાળી નાખીને તેમને દેવામાંથી મુક્ત કરી દીધા. તેમણે તેમની જાત સાચા અર્થોમાં સમાજને સમર્પિત કરી દીધી હતી
પ્રતિભાવો