ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા, બોધવચન -૪
September 14, 2021 Leave a comment
ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા
ગૃહસ્થાશ્રમમાં આત્મશુધ્ધિની સાથે સાથે સમાજને સુયોગ્ય નાગરિક આપવાનો પરમાર્થ પણ જોડાયેલો છે. ઉપયુકત વાતાવરણમાં રહીને મનુષ્ય પ્રસન્ન, સંતુષ્ટ અને નિશ્ચિત બને છે. તેથી મનુષ્ય ચિરકાળથી કુટુંબ બનાવીને રહેતો આવ્યો છે. પારિવારિકતાને આધારે જ તેના પશુતુલ્ય જીવનનો વિકાસ થયો અને સામુહિક વિકાસનો એવો સુયોગ થઈ શકયો કે જેમાં મનુષ્યને સૃષ્ટિનો મુગટમણિ કહેવામાં આવે છે.
પ્રાચીનકાળના ઇતિહાસ ઉપર નજર નાખતાં ખાતરી થાય છે કે થોડાક અપવાદો બાદ કરતાં મોટાભાગના તપસ્વી લોકો ગૃહસ્થ હતા. યોગસાધના તથા વનવાસ વખતે પણ એમની પત્નીઓ સાથે હતી. મુનિઓ ગૃહસ્થ હતા તથા તેમની પત્ની સાથે રહેતા હતા. મહર્ષિઓમાં મુખ્ય એવા સાત ઋષિઓને પણ પત્નીઓ હતી તથા તેમને બાળકો પણ હતાં. દેવોમાં પણ ઘણા ગૃહરથ હતા. ઇશ્વરનાં અવતારોમાં પણ મોટા ભાગના ગૃહસ્થ હતા. ભગવાન રામ અને કૃષણ તથા શંકર ભગવાન ગૃહરથ હતા. જીવનની સુવિધા તો ગૃહસ્થજીવનમાં જ વધે છે. સાથે સાથે કેટલાંય જીવનલક્ષ્યોને પૂર્ણ કરવામાં ખૂબ સહાયતા પણ મળે છે.
સંન્યાસીમાંથી ગૃહસ્થ – વિઠ્ઠલ પંડિત :
વિઠ્ઠલ પંડિત કાશી ગયા. ત્યાં તેમણે સંન્યસ્તની દીક્ષા લીધી અને ત્યાં જ રહેવા લાગ્યા. જ્યારે ગુરૂને ખબર પડી કે તેઓ ઘરની જવાબદારીઓ પુરી કર્યા વગર જ સંન્યાસી થઇ ચૂક્યા છે, તો એમણે સંન્યાસ દીક્ષાને રદ કરી અને ગૃહસ્થપાલનની આજ્ઞા આપી. એમણે કહ્યું, ” ગૃહસ્થને બંધન માની તેનાથી દૂર ન ભાગશો. તેની સાથે જોડાયેલ આત્મપરિષ્કારની બ્રાહ્મણોચિત સાધના કરો તથા યુગની આવશ્યક્તાને અનુરૂપ સંતાન સમાજને આપવાની આવશ્યક્તા અને તેમના નિર્માણની જવાબદારી પૂરી કરો. ”
વિઠ્ઠલ પંડિતે એવું જ કર્યું, જ્ઞાતિવાળાઓએ પંડિતજીને નાત બહાર મૂક્યા અને એમનાં બાળકોને પણ કોઈ કામમાં સામેલ કરતા નહીં. તેમ છતાં વિઠ્ઠલ ૧૮. પંડિત ગુરૂદેવે બતાવેલ ગૃહસ્થાશ્રમના આદર્શોને અનુરૂપ જીવન જીવતા રહ્યા, અને બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપતા રહ્યા. સંત જ્ઞાનેશ્વર સાથે એમના ત્રણ પુત્રો અને મુક્તાબાઈ નામે પુત્રી સહિત ચારેય જણ ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેમના રૂઢિ વિરોધી પ્રયાસોથી દેવસંસ્કૃતિના વિસ્તારના પ્રયાસોમાં સહાયતા મળી.
પ્રેમ, શ્રધ્ધા અને શાંતિનો સંગમ ‘ આપણું ઘર ‘ :
એક ગૃહસ્થ સર્વોત્તમ સૌંદર્યની શોધમાં નીકળી પડ્યા. તેઓ એક તપસ્વી પાસે ગયા અને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી. તેમણે જવાબ આપ્યો, ” શ્રધ્ધાં માટીના રોડાને પણ ગણેશ બનાવી શકે છે. ” સંતોષ ન થવાથી તેઓ એક ભક્ત પાસે ગયા. તેમણે કહ્યું, ‘ પ્રેમ જ સુંદર છે. કાળા કૃષ્ણ ગોપીઓને પ્રાણપ્રિય લાગતા હતા. ‘ થોડું સમાધાન થયું ન થયું તો વિચાર કરતાં આગળ ચાલ્યા. યુધ્ધભૂમિમાંથી પાછો આવેલ સશસ્ત્ર સૈનિક મળ્યો. એને પૂછયું, ” સૌંદર્ય ક્યાં હોઈ શકે ?” સૈનિકે જવાબ આપ્યો, ” શાન્તિમાં” .
જેટલા માં એટલી વાતો. નિરાશ ગૃહસ્થ પોતાને ઘેર પાછા આવ્યા. બે દિવસની પ્રતીક્ષાથી બધાં વ્યાકુળ હતાં. પહોંચતાની સાથે બધાં વળગી પડ્યાં. પુત્રીની આંખોમાં આંસુ આવી ગયાં. આત્મીયતાનો, સ્નેહનો, ગહન શ્રધ્ધાનો સાગર ઉમટી પડ્યો. બધાંને અસાધારણ શાન્તિનો અનુભવ થયો.
ગૃહસ્થ ત્રણે સમાધાનોનો સમન્વય પોતાના ઘરમાં જોયો. એમના મોંમાંથી નીકળી પડ્યું, ” હું ક્યાં ભટકી રહ્યો હતો ? શ્રધ્ધા, પ્રેમ અને શાંતિ આ ત્રણેયનાં દર્શન મારા ઘરમાં થાય છે. આ જ સૌથી શ્રેષ્ઠ અને સર્વાધિક સૌંદર્યપૂર્ણ કર્તાની કૃતિ છે. ”
નિસ્પૃહ, પરંતુ કર્તવ્યનિષ્ઠઃ
મિથિલાના પંડિત ગંગાધર શાસ્ત્રી એક વિદ્યાલયમાં ભણાવતા હતા. તેમનો છોકરો ગોવિંદ પણ ત્યાં જ ભણતો હતો. તે પણ પિતાની જેમ શિષ્ટ અને શિસ્તપ્રિય હતો. સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ તેને સ્નેહ અને સન્માન આપતા હતા.
એક દિવસ શાસ્ત્રીજી સાથે ગોવિંદ સ્કૂલે ના ગયો. સ્કૂલ બંધ કરી બધા જવા લાગ્યા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, ” ગુરૂજી, આજે ગોવિંદ કેમ ન આવ્યો ?” શાસ્ત્રીજીએ ભારે હૃદયે જવાબ આપ્યો, ” ગોવિંદને આજે હૃદયરોગનો હુમલો થયો અને તે ત્યાં પહોંચી ગયો, જ્યાંથી કોઇ પાછું આવતું નથી. ’
વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા. આવી દુર્ઘટના છતાં શાસ્ત્રીજી ભણાવવા કેવી રીતે આવ્યા અને મોં પર શોકની લાગણી આવવા દીધા વગર કેવી રીતે ભણાવતા રહ્યા ? પોતાનું આશ્ચર્ય શાસ્ત્રીજી આગળ વ્યક્ત કર્યું. પંડિતજીએ જવાબ આપ્યો, ” મારો એક પરિવાર એ છે અને બીજો પરિવાર તમે. એ પરિવારના બાળકના વિયોગનું દુઃખ તો છે જ અને જો આ પરિવારના બાળકોનો હક છીનવાય તો એક દુઃખ વધી જાય. એટલે જેટલું બની શક્યું એટલે તમારા માટે પણ કર્યું.
પ્રતિભાવો