કુટુંબ વિકસાવે છે વિશ્વબંધુત્વની ભાવના, બોધવચન -૫
September 15, 2021 Leave a comment
કુટુંબ વિકસાવે છે વિશ્વબંધુત્વની ભાવના
બોધ : કુટુંબ એક સમાજ છે અને એક રાષ્ટ્ર પણ છે. ભલે કુટુંબ નાનું હોય, પરંતુ સમાજ અને રાષ્ટ્ર સામે જેવી સમસ્યાઓ આવે છે, તેવી જ સમસ્યાઓનો સામનો તેને પણ કરવો પડે છે. કુટુંબને એક સહકાર સમિતિ, એક ગુરૂકુળના રૂપમાં વિકસિત કરવું જોઈએ, જેથી તેનું વાતાવરણ સારું થાય અને પરિજનોને સુસંસ્કારો પણ મળી શકે.
ખલીફા ઉમરની સંવેદના :
ખલીફા ઉમર પોતાના ગુલામ સાથે બહારગામ જઇ રહ્યા હતા. તેમણે એક વૃધ્ધ ડોશીમાને રડતી દેખી. તેમણે ડોશીમાને રડવાનું કારણ પૂછયું. તેણે કહ્યું, ” મારો એક જવાન છોકરો લડાઇમાં માર્યો ગયો છે. હું ભૂખે મરૂં છું, પરંતુ ખલીફા મારી સામે પણ જોતા નથી. ”
ખલીફા ગુલામને લઇને પાછા વળી ગયા અને એક ગુણ ઘઉં ખરીદી ડોશીમાને આપવા માટે ચાલી નીકળ્યા. રસ્તામાં ગુલામે કહ્યું, ” લાવો ગુણ મારી પાસે, હું લઇ લઉ છું. ” ખલીફા બોલ્યા, ” મારાં પાપોનું પોટલું ભગવાનને ઘેર મારે જ ઊંચકીને લઇ જવું પડશે. ત્યાં તું મારી સાથે થોડો આવવાનો છું ?”
ખલીફાએ ઘઉં ડોશીમાને આપ્યા. ડોશીમાએ એમનું નામ પૂછયું તો જણાવ્યું કે, ” મારું નામ ખલીફા ઉમર છે. ” ભાવવિભોર થઇ ડોશીમા બોલ્યાં, પોતાની પ્રજાનાં દુઃખદર્દીને પોતાના કુટુંબનાં દુઃખદર્દ માનીને ચાલવાની આ ભાવના તમને ખલીફાઓનો એક આદર્શ બનાવી દેશે. લોકોની લાખો દુઆઓ તમને મળશે. તમે અમર થઇ જશો. ”
હેરીયટ સ્ટોની પારિવારિક સંવેદના :
અમર લેખિકા હેરિયટ એલીઝાબેથ સ્ટોએ પોતાનું વિશ્વવિખ્યાત પુસ્તક ‘ ટોમકાકાની ઝૂંપડી ‘ કેટલી વિકટ પરિસ્થિતિઓમાં લખ્યું હતું તે બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય જાણકારી તો એટલી જ છે કે આ ક્રાંતિકારી પુસ્તકે અમેરિકામાંથી ગુલામીની પ્રથા નાબુદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણીએ પોતાની ભાભીને પત્રના જવાબમાં લખ્યું હતું, ” ભોજન બનાવવાનું, કપડાં ધોવાનું, કપડાં સીવવાનું વગેરે ઘણાં કામો રહે છે. બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા પડે છે. તેમને ભણાવવાં તથા સાચવવા પડે છે. નાનો છોકરો તો મારી પાસે જ સૂઇ જાય છે. જ્યાં સુધી તે ઊંધી ન જાય ત્યાં કશું જ લખી નથી શકતી. ગરીબી અને કામનો બોજો બહુ જ છે, છતાં પણ પુસ્તક લખવા માટે થોડો સમય બચાવું છું. મને લાગે છે કે ગુલામપ્રથામાં જે લોકોને સતાવવામાં આવે છે તે આપણા બૃહદ પરિવારના જ સભ્યો છે. આ પરિવાર માટે ૧૦-૧૨ કલાક કામ કરું છું, તો એ પરિવાર માટે ૧-૨ કલાક કામ કરવું જોઇએ. ”
હેરિયટ સ્ટોની આ કૌટુંબિક ભાવના પુસ્તકમાં છપાઇ ગઇ. જેણે પુસ્તકમાં વર્ણવેલ | દુઃખો વાંચ્યાં તેઓએ મોટા પરિવારના અંગ હોવાનો અનુભવ કર્યો. આ ભાવનાએ ગુલામી પ્રથાના કલંકને આંસુ વડે ધોઇ નાખ્યું.
સાચી કૌટુમ્બિક ભાવના :
ત્રણ દિવસથી પત્ની અને બાળકોને ભોજન મળ્યું નહોતું. પતિ મહેનત કરવા છતાં એક દિવસનું ભોજન પણ મેળવી ન શક્યો. તે પોતાના ઘરથી ચાલી નીકળ્યો અને આત્મહત્યા કરવાનું વિચારવા લાગ્યો. થોડા જ સમયમાં એ માણસ આ સંસારમાંથી વિદાય લેવાનો હતો. ત્યાં પાછળથી કોઇએ તેના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, ” મિત્ર ! આ મૂલ્યવાન જીવન ખોઇને તને શું મળશે ? નિરાશ થવાથી કોઈ જ ફાયદો નથી. હું ધારું છું કે તારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ જ તને આવું કરવા વિવશ કરી રહી છે. શું તું આ મુશ્કેલીઓને હસતાં હસતાં દૂર નથી કરી શકતો ?”
આત્મીયતાસભર શબ્દો સાંભળીને તે માણસ રડી પડ્યો. ડૂસકાં ભરતાં ભરતાં તેણે પોતાની બધી મુશ્કેલી કહી સંભળાવી. હવે તો સાંભળનારની આંખોમાં પણ આંસુ આવી ગયાં. આ દયાળુ માણસ જાપાનના પ્રસિધ્ધ કવિ શિનિચી ઈગુચી હતા.
યુવકની મુશ્કેલીઓને ભાવુક કવિ શિનીચીને પ્રભાવિત કર્યા. તે દિવસથી એમણે સંકલ્પ કર્યો કે મારી મોટાભાગની કમાણી દુઃખીઓની સેવામાં વાપરીશ.
એ વખતે યુવકને જરૂરી પૈસા આપ્યા. પરંતુ ઘેર આવીને તેમણે એક ગુપ્ત દાનપેટીબનાવી ચાર રસ્તા ઉપર મૂકી. એ પેટી ઉપર લખવામાં આવ્યું હતુ કે, ” જે સજ્જનોને વાસ્તવમાં પૈસાની જરૂર હોય તેઓ એ પેટીમાંથી લઇ શકે છે. જો એ ધનથી કોઇની પણ મુશ્કેલી દૂર થશે તો મને આનંદ થશે. ધન્યવાદ. ” એ પેટી ઉપર કોઇનું પણ નામ લખવામાં આવ્યું નહોતું, કારણ કે શિનીચીને નામ કમાવાની બિલકુલ ઇચ્છા નહોતી. વિશ્વબંધુત્વ જ એમનું લક્ષ્ય હતું.
પ્રતિભાવો