શિષ્ટાચાર અને સન્માન , બોધવચન -૬
September 16, 2021 Leave a comment
શિષ્ટાચાર અને સન્માન
બોધ : પરિવારના દરેક સભ્ય એકબીજા સાથે શિષ્ટાચાર અને સન્માનથી વર્તે, મધુરવાણી વાપરે, કટુ વચન અને અપમાનસૂચક વાર્તાલાપ કોઈ ના કરે, એકબીજાનું અભિવાદન કરે. અપશબ્દો કહેવા, ગુસ્સામાં આવી મારપીટ કરવી તે સભ્ય માણસોને શોભતું નથી.
શિષ્ટાચાર ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય નિધિ :
ભારતીય સમાજમાં શિષ્ટાચારમાં મોટા પ્રત્યે શ્રધ્ધા અને સન્માનની ભાવના, નાના પ્રત્યે સ્નેહની ભાવના તથા વ્યવહારમાં વિનય અને મધુરતાના સમાવેશને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. અથર્વવેદ સૂત્ર ૩/૩૦/૨ માં ઋષિનો આદેશ છે કે, ” પુત્ર પિતાનાં શ્રેષ્ઠ કર્મો અને સંકલ્પોનું અનુસરણ કરે તથા માતા જેવા કોમળ મનવાળો બને. પતિ પત્ની માટે અને પત્ની પતિ માટે મધુર અને શાન્તિદાયક વાણીનો વ્યવહાર કરે. ”
જે આવું વર્તન નથી કરતા તેમને નીચ પ્રકૃતિના ઉધ્ધત વ્યક્તિઓ માનવામાં આવે છે. વાલ્મિકી રામાયણમાં બતાવ્યું છે કે, ” જેઓ માતા – પિતા, બ્રાહ્મણ અને ગુરૂદેવનું સન્માન નથી કરતા તે યમરાજના વશમાં આવી પાપનું ફળ ભોગવે છે. ”
ગૃહસ્થ પોતાના ઘેર કોઈ મહેમાન પધારે ત્યારે મન, વચન, મુખ અને આંખોને પ્રસન્ન રાખવાં, પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવો તથા સગવડ પ્રમાણે સેવા કરવી અને જાય ત્યારે થોડે સુધી મુકવા જવું. આ સબંધે કવિ દુલા ભાયા કાગે સરસ કવિતા લખી છે, જેની પહેલી તથા છેલ્લી પંક્તિ આ મુજબ છે – ‘ એ જી ! તારે મંદિરીયે કોઇ પધારે તો મીઠો આવકાર દેજે, એ જી ! જાય ત્યારે ઝાંપા સુધી વળાવવા જાજે. ‘
અયોધ્યાનું સમતોલન સચવાયુંઃ
કૈકેયી મંથરાની વાતથી લોભાઇ ગઇ. ભરતને રાજય અને રામને વનવાસ એવું માગી બેઠી. રામના વનવાસથી પુત્રવિરહમાં દશરથ મૃત્યુ પામ્યા. ભરતજીને વૈરાગ્ય આવી ગયો. કૌશલ્યા માતા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. પરંતુ આવી સ્થિતિમાં પણ કોઇએ કોઇના સન્માનને આંચ ન આવવા દીધી.
એકબીજાની સન્માનની ભાવનાને લીધે વિકટ પરિસ્થિતિમાં પણ અયોધ્યાનું સમતોલન જળવાઇ રહ્યું. ભૂલ ખાલી ભૂલ જ રહી ગઈ. તેનાથી એકબીજા પ્રત્યેના પ્રેમમાં કોઇ ફેર ન પડ્યો. રામની ગેરહાજરીમાં અને રામ આવ્યા ત્યારે પણ કૌટુંબિક સદ્ભાવ સ્વર્ગીય સુખ આપતો રહ્યો.
શીલ તૂટ્યું – મહાભારતનું યુદ્ધ થયું :
મહાભારતનું યુધ્ધ એકબીજાને સન્માન નહીં આપી શકવાની ભીષણ પ્રતિક્રિયાના સ્વરૂપે જ ઉદ્ભવ્યું હતું. દુર્યોધન રાજ્યસત્તાના અભિમાનના લીધે પાંડવોને સન્માન ન આપી શક્યો. ભીમ સહજ પ્રતિક્રિયા સ્વરૂપે પોતાના બળનો ઉપયોગ કરીને તેનો તિરસ્કાર અને અપમાન કરતો.
દ્રૌપદી સહજ મજાકમાં એ ભૂલી ગઈ કે દુર્યોધનને ‘ આંધળાનાં આંધળાં હોય ‘ એવું કહેવાથી અપમાન લાગશે. દુર્યોધન આથી ઉત્પન્ન દ્વેષને કારણે નારીના શીલનું મહત્ત્વ ભૂલી ગયો તથા દ્રૌપદીનું ભરસભામાં અપમાન કર્યું.
આમ એક પછી એક કારણ જોડાતાં ગયાં અને શિષ્ટાચારની નાની નાની ભૂલોની ચિનગારીઓ ભીષણ જવાળા બની ગઇ અને મહાભારત થયું.
આવેશ કાબૂમાં ન રહ્યો :
ક્યારેક આવેશમાં ભરેલું પગલું એવું હાનિકારક સાબિત થાય છે કે જેની પૂર્તિ થઇ શકતી નથી. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં સિસિલીમાં જન્મેલા આર્કિમીડીઝ તે વખતના અજોડ વૈજ્ઞાનિક હતા. તેમનાં પ્રતિપાદનો તથા શોધખોળોથી એ વખતનો શિક્ષિત વર્ગ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
એક દિવસ સિસિલીના સેનાપતિને આર્કિમીડિઝને મળવાની ઇચ્છા થઇ. તેથી એક સિપાઈ મોકલીને તેમને બોલાવ્યા. એ વખતે આર્કિમીડિઝ રેખાગણિતનો કોઇ ઉકેલ શોધવામાં વ્યસ્ત હતા. તેથી આવવા માટે આનાકાની કરવા લાગ્યા.
આથી પેલો સિપાહી ખૂબ ગુસ્સે થઇ ગયો અને તલવારથી એમનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. તેથી એક એવી જયોત બુઝાઇ ગઇ કે જે ક્યારેક જ જગતમાં પ્રગટ થાય છે અને ચમકે છે.
ઉદંડતાના બદલામાં સૌજન્યઃ
સમર્થ ગુરૂ રામદાસની સાથે એક ઉદંડ માણસ ચાલવા લાગ્યો અને આખા રસ્તે ખરૂ – ખોટું સંભળાવતો રહ્યો. સમર્થ એ શબ્દો ચૂપચાપ સાંભળતા રહ્યા.
જ્યારે નિર્જન રસ્તો પૂરો થયો અને એક મોટું ગામ નજીક આવ્યું ત્યારે સમર્થ ઉભા રહી ગયા અને એ ઉધ્ધત માણસને કહેવા લાગ્યા કે તારે હજુ પણ મને જે કાંઈ ગાળો સંભળાવવી હોય તે સંભળાવી દે, નહીંતર ગામના લોકો મને ઓળખે છે. જો તેઓ આ સાંભળશે તો તારી સાથે ખરાબ વ્યવહાર કરશે તો મને વધારે દુઃખ થશે. એકદમ પેલો માણસ સમર્થના પગમાં પડ્યો અને ક્ષમા માગવા લાગ્યો. સમર્થે તેને પોતાનું આચરણ સુધારવા તથા પરિવારમાં પણ એવી જ શુભ પ્રવૃત્તિઓ ફેલાવવાના આશીર્વાદ આપ્યા કે જેથી ઉદ્ધતાઇના લીધે કુટુંબમાં દુષ્યવૃત્તિઓ ન વિકસે. સંતના આવા સુંદર વર્તનથી તેનું જીવન બદલાઇ ગયું. તેના કારણે પહેલાં જ્યાં એને ગાળો અને તિરસ્કાર મળતાં હતાં તેના બદલે સન્માન મળવા લાગ્યું.
પ્રતિભાવો