આદર્શ દંપતીઓનાં ઉદાહરણ બોધ : બોધવચન -૧૯
September 17, 2021 Leave a comment
આદર્શ દંપતીઓનાં ઉદાહરણ બોધ : બોધવચન -૧૯
નારી પ્રગતિના માર્ગમાં આવતું રોડું છે એમ માનવું ભૂલભરેલું છે. સાચી વાત તો એ છે કે એના સહયોગથી આત્મિક પ્રગતિ એકદમ સરળ બની જાય છે. શાસ્ત્રોમાં તથા ઇતિહાસમાં જે આદર્શ દંપતીઓ છે એમના જીવનક્રમને જોઇએ તો એક જ નિષ્કર્મ નીકળે છે કે પરસ્પર એકબીજાને સન્માન અને સહયોગ આપીને જ તેઓ સફળ અને અનુકરણીય જીવન જીવી શકયાં હતાં.
બંગાળના નિધન વિદ્વાન પ્રતાપચંદ્ર રાયે પોતાની બધી શક્તિ અને સંપત્તિ કામે લગાડીને મહાભારતના અનુવાદનું કામ હાથમાં લીધું હતું. તેઓ પોતાના જીવનમાં એ પૂર્ણ ન કરી શક્યા. તો તેમની પત્નીએ પોતે સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ અધુરૂ કામ પુરૂં કરી બતાવ્યું. જ્યાં ઉચ્ચ ભાવના, પ્રેમ અને આદર્શો હોય ત્યાં જ આવી સાહસિકતા જોવા મળે છે.
સામ્યવાદના પ્રવર્તક કાર્લ માર્ક્સ પણ કાંઇ કમાઇ શકતા નહોતા. એ કામ એમની પત્ની ‘ જેની ’ કરતી હતી. તે જૂનાં કપડાં ખરીદીને એમાંથી બાળકોનાં કપડાં બનાવતી અને ફેરી કરીને વેચતી હતી. આદર્શો માટે પતિઓને આ રીતે પ્રોત્સાહિત કરવામાં અને સહયોગ આપવામાં પત્નીઓનું ઉચ્ચ સંકલ્પબળ જ કામ કરે છે.
મૈત્રેયી, યાજ્ઞવલ્કયની સાથે પત્ની નહિ, પણ ધર્મપત્ની બનીને રહી હતી. રામકૃષ્ણ પરમહંસની સહચરી શારદામણિ દેવીનું ઉદાહરણ પણ એવું જ છે. સુકન્યાએ ચ્યવનઋષિ સાથે વાસના – વિલાસ માટે નહિ, પરંતુ એમનું મહાન લક્ષ્ય પુરૂ કરવા લગ્ન કર્યુ હતું. જાપાનના ગાંધી કાગાવાની પત્ની દીનદુ : ખીઓની સેવા કરવાના ઉદેશ્યથી એમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી.
સમાન લક્ષ્યવાળાં પતિ – પત્ની :
મહારાષ્ટ્રના જમીનદાર રઘુનાથ ભાઉએ પોતાની પુત્રી સરલાને એમ.એ. સુધી ભણાવી હતી. છોકરીએ મહિલા જાગૃતિ અભિયાન ચલાવવાનો નિશ્ચય કર્યો. એની શરત એવી હતી કે જે મહિલા શિક્ષણના એના કાર્યમાં મદદરૂપ બનશે એની સાથે તે લગ્ન કરશે. સંજોગવશાત્ ઈન્દોરના પ્રેમનાયક એને મળી ગયા. એ બંનેએ ભેગા મળીને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો.
એમના પ્રયત્નોના પરિણામે ૩૦ કન્યા વિદ્યાલયો ખૂલ્યાં, એમાં ૨૨000 કન્યાઓ ભણવા લાગી. આ સિવાય પણ આ દંપતીએ માળવા અને મહારાષ્ટ્રમાં નારી ઉત્થાનનાં બીજાં પણ અનેક કાર્યો કર્યા. આને કહેવાય એકને એક મળીને અગિયાર થાય.
દાસપ્પા દંપતી :
મૈસુરનાં યશોધરા દાસપ્પા દંપતી સ્વરાજ્ય આંદોલનમાં અગ્રણી હતું. રચનાત્મક કાર્યોમાં એમને ભારે રસ હતો. યશોધરાજી કાયદાશાસ્ત્રી હતાં પરંતુ એમણે કદી વકીલાત કરી નહોતી. એમને આગ્રહપૂર્વક વિધાનસભાનાં સભ્ય અને મંત્રી બનાવવામાં આવ્યાં. પરંતુ નશાબંધી બાબતે સરકાર સાથે મતભેદ થવાથી એમણે રાજીનામું આપી દીધું. ત્યારપછી પહેલાંની જેમ જ ગાંધીજીના રચનાત્મક કાર્યો તેઓ બંને કરતાં રહ્યાં.
એમને કેટલીય વાર જેલ જવું પડ્યું. ગાંધીવાદીઓમાં દાસપ્પાને એ વિસ્તારનો ચમકતો હીરો માનવામાં આવે છે. સરકારે યશોધરાજીને પદ્મભૂષણની ઉપાધિથી નવાજ્યાં હતાં.
આજીવન સાચાં સહયોગી રહ્યાં :
કસ્તુરબાનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે મારો સૌથી નિકટનો સાથી જતો રહ્યો. કસ્તુરબાએ ખરેખર આજીવન ગાંધીજીના ગાઢ મિત્ર બનવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ એ પ્રયાસમાં સંપૂર્ણ સફળ રહ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાનો ફિનિક્સ આશ્રમ, અમદાવાદના સાબરમતી આશ્રમ જેટલી સુંદર રીતે ચાલતો હતો, તે જોઈને એમ કહી શકાય કે એમણે બાપુની ઈચ્છાઓને અનુરૂપ પોતાના શરીર, મન અને સ્વભાવને ઘડ્યાં હતાં. વ્યક્તિત્વની દૃષ્ટિએ તેઓ બહુ પ્રભાવશાળી નહોતાં, પણ ભારતીય નારીના સમર્પણના આદર્શને એમણે સંપૂર્ણ રીતે નિભાવ્યો હતો.
ગ્રંથના લીધે નામ અમર :
વાચસ્પતિ મિશ્ર ભારતીય દર્શનના પ્રસિધ્ધ ભાષ્યકાર હતા. એમણે પૂર્વમીમાંસા સિવાય બાકીનાં બધાં દર્શનોનું ભાષ્ય કર્યુ છે. તેઓ પોતાના આ પુણ્ય પ્રયાસમાં લાગેલા હતા. એ સમય દરમિયાન એમની પત્નીએ એક દિવસ સંતાનની ઇચ્છા પ્રગટ કરી.
વાચસ્પતિ ગૃહસ્થ તો હતા, પરંતુ દામ્પત્ય જીવન એમણે વાસના માટે નહીં પણ બે સહયોગીઓની મદદથી ચાલતા પ્રગતિશીલ જીવનક્રમ માટે અપનાવ્યું હતું. એમણે પત્નીને પૂછયું, “ તૂ શા માટે સંતાન પેદા કરવા ઇચ્છે છે ? ” પત્નીને કહ્યું, “ આપણું નામ રહે એટલા માટે. ” વાચસ્પતિ મિશ્ર તે વખતે વેદાંત દર્શનનું ભાષ્ય કરી રહ્યા હતા. એમણે તરત એ ભાષ્યનું નામ ‘ ભામતી ‘ રાખી દીધું. આ નામ એમની પત્નીનું હતું. એમણે પત્નીને કહ્યું, “ લે તારું નામ તો અમર થઈ ગયું. હવે નકામી પ્રસવ વેદના અને સંતાનને ઉછેરવાની ઝંઝટ માથે લઈને શું કરીશ ? ” પત્નીના મનનું સમાધાન થઇ ગયું.
સ્વામી શ્રધ્ધાનંદની ધર્મપત્ની :
સમય સમય પર નારીએ પત્નીના રૂપે પતિને સચેત કરીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. ભારતીય નારી સહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ છે.
આર્યસમાજના પ્રખ્યાત પ્રણેતા સ્વામી શ્રધ્ધાનંદ જ્યારે નવયુવક હતા ત્યારે એમનું નામ મુન્શીરામ હતું. એમને મદ્યપાન, વ્યભિચાર, ઉડાઉપણું વગેરે અનેક ખરાબ ટેવો પડી હતી.
એમની પત્ની શિવાદેવી પોતાનાં કર્તવ્ય તથા જવાબદારી નિભાવતી રહી. પતિના દોષો ઉપર ગુસ્સે થવાને બદલે ધીરજ અને પ્રેમપૂર્વક એમને સમજાવતી અને પ્રભાવિત કરતી. પરિણામે તેમના જીવનનો કાયાકલ્પ થઈ ગયો. તેઓ ઉચ્ચ કોટિના સંત અને લોકસેવક બન્યા, એમાં એમનાં પત્નીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શિવદેવીના સુસંસ્કાર લઇને જન્મેલાં એમનાં સંતાનો પણ ઉચ્ચસ્તરના બન્યાં. ઈન્દ્ર વિદ્યાવાચસ્પતિની પ્રતિભા અને દેશસેવાથી બધા પરિચિત છે.
પ્રતિભાવો