બાળક આવતીકાલનો મહાન નાગરિક બનશે. બોઘવચન – ર૯
September 17, 2021 Leave a comment
બાળક આવતીકાલનો મહાન નાગરિક બનશે. બોઘવચન – ર૯
બોધ : આજનો બાળક આવતીકાલનો સમાજ સંચાલક અને રાષ્ટ્રનેતા બનશે. નાના છોડવા જ વિશાળ વૃક્ષો બને છે તેથી કુશળ માળી નાના છોડની જરૂરિયાત તથા સુરક્ષા પર પૂરતું ધ્યાન આપે છે. ખાતરપાણીની કસર પડવા દેતો નથી. પશુઓ તેને નષ્ટ ન કરી નાખે તેનું પુરતું ધ્યાન રાખે છે. ગૃહસ્થોએ માળીની જેમ જાગૃત રહેવું જોઈએ તથા ઘરરૂપી બાગમાં બાળકોને સુરમ્ય છોડ ગણી કાળજીથી ઉછેરવાં જોઈએ.
શકુંતલાનું શિશુનિર્માણ :
મહર્ષિ કણ્વના આશ્રમમાં ઉછરેલી વિશ્વામિત્રની પુત્રી શકુંતલા અધ્યયનમાં અને આશ્રમની વ્યવસ્થામાં સંલગ્ન રહેતી હતી. એક દિવસ રાજા દુષ્યન્ત એ તરફ નીકળ્યા અને આશ્રમમાં રહ્યા. શકુંતલા સાથે સંસાર માંડ્યો. જેથી તેને પુત્ર થયો જેનું નામ ભરત રાખવામાં આવ્યું. રાજાએ શકુંતલાને રાજ્યમાં નહીં રાખતાં આશ્રમમાં પાછી મોકલી દીધી. આશ્રમમાં આવી તેણે પોતે જ બાળકને એટલો સુયોગ્ય બનાવ્યો કે તે સિંહનાં બચ્ચાં સાથે રમતો હતો. પછીથી તે રાજા બન્યો અને ચક્રવર્તી સમ્રાટ કહેવાયો. ભારતનું નામ એના નામ ઉપરથી જ પડયું છે.
માતાઓની પ્રેરણા તથા પ્રશિક્ષણ :
રાષ્ટ્રપતિ આઈઝન હોવર કહેતા હતા કે, ‘ અત્યારે હું જે કાંઈ છું તે મારી માતાની સ્નેહયુક્ત પ્રેરણા અને પ્રશિક્ષણનું જ ફળ છે. ” તે રીતે જહોન એફ. કેનેડી કહેતા કે, “ મારી માતાના સિધ્ધાંતો, આદર્શો તથા અગાધ સ્નહે મને મારી વર્તમાન સ્થિતિએ પહોંચાડ્યો છે. ”
અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે કહ્યું કે, “ હું જે કાંઈ બન્યો છું અથવા ભવિષ્યમાં કાંઈ બનીશ તેનો યશ અને શ્રેય મારી માતાને છે. “
સિકંદર કહ્યા કરતો હતો કે, “ મારી માતાની આંખનાં આંસુને હું મારા સંપૂર્ણ સામ્રાજ્ય કરતાં પણ વધારે માનું છું. ”
શિવાજી, રાણા પ્રતાપ વગેરેથી માંડીને સ્વતંત્રતા સંગ્રામ ક્રાન્તિકારીઓમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સુધીના બધા જ માતાના પાલવમાં બેસીને જ શાસન, પરાક્રમ તથા ચારિત્ર્યનિષ્ઠાના પાઠ ભણ્યા હતા.
વિલક્ષણ મેઘાવી બાળકો :
ઈતિહાસમાં એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેનાથી ખબર પડે કે માતાપિતા સજાગ હોવાના કારણે કેટલાય મહામાનવો ટૂંકા જીવનમાં પણ અશક્ય લાગે એટલી બધી પ્રગતિ કરી શક્યા હતા.
શિવાજીએ માત્ર ૧૩ વર્ષની ઉંમરે તોરણાનો કિલ્લો જીત્યો હતો. સિકંદરે ૧૭ વર્ષની ઉંમરે શોરોનિયાના યુધ્ધમાં વિજય મેળવ્યો હતો. અકબરે ૧૬ વર્ષની ઉંમરે ગાદી સંભાળી અહલ્યાબાઈએ ૧૮ વર્ષની ઉંમરે રાજય કારભાર પોતાના હાથમાં લીધો. સંત જ્ઞાનેશ્વરે ૧૨ વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી. જગદ્ગુરૂ શંકરાચાર્ય ૧૬ વર્ષની ઉંમરે અનેક શાસ્ત્રાર્થોમાં જીત્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરે ૧૪ વર્ષની ઉંમરે શેક્સપિયરના ‘ મેકબેથ ‘ નાટકનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો હતો. કવિયત્રી તારા દત્ત ૧૮ વર્ષની ઉંમરે વિશ્વવિખ્યાત બની ગઈ હતી. સરોજિની નાયડુએ ૧૩ વર્ષની ઉંમરે તેરસો પંક્તિઓની મર્મસ્પર્શી કવિતા લખીને સાહિત્યક્ષેત્રમાં ચમત્કાર સર્યો હતો.
આમાં આ વિલક્ષણ મેઘાવી બાળકોને મળેલા સંસ્કારોના મહત્વની સાથે સાથે એમના પુરૂષાર્થ, લગન તથા પ્રતિભાને પોષણ આપનાર વાતાવરણને પણ નકારી શકાય નહિ .
એડીસન મહામાનવ કેવી રીતે બન્યા ?:
વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસને નિષ્ઠા અને તત્પરતાથી આજીવન કામ કર્યું. ગ્રામોફોન, ટેપરેકર્ડ, ચલચિત્ર, કેમેરા, વીજળીના બલ્બ વગેરે નાનીમોટી રપ૦૦ શોધખોળોનો એમણે એક કિર્તીમાન સ્થાપ્યો છે. બીજો કોઈ વૈજ્ઞાનિક આટલી બધી શોધખોળ હજુ સુધી કરી શક્યો નથી. તેઓ બાળપણમાં જ બહેરા થઈ ગયા હતા પરંતુ માતાપિતાએ આપેલા શિક્ષણથી તેઓ સ્વાવલંબી અને વૈજ્ઞાનિક બન્યા. દરેક કામને ઈજ્જતવાળું માનવું અને દરેક તકનો સદુપયોગ કરવો એવું શિક્ષણ એમને એમનાં માતાપિતા તરફથી બચપણમાં જ મળ્યું હતું. જેના સહારે સખત પરિશ્રમમાં લાગ્યા રહી તેઓ અનેક સંશોધનો કરી શક્યા. તેઓ જયાં જન્મ્યા તે ન્યુ જર્સી, અમેરિકામાં તેમના નામથી ઓળખાતું એડિસન ટાઉન છે.
સ્વાવલંબનના સંસ્કાર :
ફ્રાન્સના એક માણસે ફૂટપાથ ઉપર બેઠેલા એક ગરીબ છોકરા પાસે ખાસડાં રીપેર કરાવ્યાં અને એને ગરીબ માનીને એક રૂપિયો આપી દીધો. છોકરાએ વધારાના પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે, મારી મહેનત જેટલા જ પૈસા મારે લેવા જોઈએ. મારી માતાએ મને શિખવાડયું છે કે, “ હું જેટલો શ્રમ કરૂં તેનાથી વધારે પૈસા ન લેવા. ” આજ બાળક આગળ જતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ દગોલ બન્યા.
સ્વભિમાની માતા:
કવિ ડેનિયલ નિશાળમાં ગરીબ વિદ્યાર્થીઓને જે ચીજ વસ્તુઓ મળે તે લઈને ઘેર આવ્યા. તે જોઈને માતાએ કહ્યું કે, “ જા, આ બધી વસ્તુઓ પાછી આપી આવ. હું મહેનત મજુરી કરૂ છું અને એમાંથી તારી ફી તથા પુસ્તકો પુરાં પાડી શકું છું. આ સગવડ તો જેઓ અસમર્થ હોય તેમના માટે છે. આપણે અસમર્થ લોકોનો હક ઝૂંટવીના લેવો જોઈએ. ”
હું જૂઠો નથી :
ગાંધીજી એક દિવસે શનિવારે ચાર વાગે ખેલકૂદમાં જવા માટે મોડા પડ્યા. વાદળીયું વાતાવરણ હતું અને ઘડિયાળ હતી નહીં તેથી સમયનો ખ્યાલ ન રહ્યો. હેડમાસ્તરે મોડા આવવાનું કારણ પૂછયું એટલે ગાંધીજીએ સાચી વાત કરી. પરંતુ હેડમાસ્તરને તેમની વાતમાં વિશ્વાસ બેઠો નહીં અને એક આનો દંડ કર્યો. ગાંધીજી રડી પડ્યા. આથી હેડમાસ્તરે કહ્યું કે તારા પિતાજી મોટા માણસ છે, એમના માટે એક આનો દંડ ભરવો તે મોટી વાત નથી. ગાંધીજીએ કહ્યું કે “ હું એટલા માટે રડી રહ્યો નથી. પરંતુ મને જૂઠો માનવામાં આવ્યો એટલા માટે રડી રહ્યો છું. ” હેડમાસ્તરે આ ભોળા અને સરળ હૃદયના બાળકની સત્યનિષ્ઠાથી પ્રભાવિત થઈને દંડ માફ કરી દીધો. બાળપણની આવી નાની નાની બાબતો માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે તે જુઓ. સત્ય બોલવાનું શિક્ષણ મોહનને માતાપિતા પાસે મળ્યું હતું. હરિશ્ચંદ્ર ‘ નાટક જોવાથી એને પોષણ મળ્યું. ગાંધીજીએ પોતાના આખા જીવનને સત્યની પ્રયોગશાળા બનાવીને એ સાબિત કરી આપ્યું કે બચપણના શ્રેષ્ઠ સંસ્કારોનું પરિણામ કેટલું મહાન આવે છે.
પ્રતિભાવો