જેવું આચરણ તેવું અનુકરણ : બોધવચન -૩૧
September 17, 2021 Leave a comment
જેવું આચરણ તેવું અનુકરણ : બોધવચન -૩૧
બોધ : ગૃહસ્થ જીવન જીવનારાઓએ પોતાનો આદર્શ રજૂ કરીને આખા કુટુંબને સજજનતાના બીબામાં ઢાળવું જોઈએ અને સપ્રવૃતિઓમાં જોડવા જોઈએ. સ્નેહ આપવો જોઈએ અને વાડ પણ કરાવવા જોઈએ. પરંતુ સાથે સાથે અનિચ્છનીય બાબતોથી સાવધાન પણ રહેવું જોઈએ. અનૌચિત્યનું વિષવૃક્ષ પોતાના આંગણામાં ન ઉગવા દઈએ એમાં જ ગૌરવ છે. જેથી એમાં સંતાનોનું ભવિષ્ય તથા પોતાનું ભવિષ્ય પણ ઉજજવળ બને છે,
પોતાનાથી શુભ શરૂઆત :
આદર્શોના શિક્ષણની શરૂઆત પોતાનાથી થાય છે. જો પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં સસ્પ્રવૃત્તિઓનો વિકાસ થશે, તો સમાજમાં પણ સ્વસ્થ પરંપરાઓ જન્મશે. શેઠ જમનાલાલ બજાજે ગાંધીજીના સિધ્ધાંતો અને આદર્શો ખૂબ નિષ્ઠાપૂર્વક અપનાવ્યા હતા. એક સભામાં ગાંધીજીએ રાષ્ટ્ર માટે સ્ત્રીઓને ઘરેણાંનો ત્યાગ કરવાનું કહ્યું. આ બાબત જમનાલાલજીને યોગ્ય લાગી. એમણે તરત જ પોતાનાં પત્ની જાનકીદેવીને પત્ર લખ્યો કે બાપુનો આદેશ છે, તેથી ઘરેણાંનો રાષ્ટ્ર માટે ત્યાગ કરો. પતિનો આદેશ માની એમણે એક પછી એક એમ પોતાનાં બધાં ઘરેણા, અરે, સૌભાગ્યના ચિન્હરૂપ મંગલસૂત્ર પણ ઉતારી દીધું. આનો પ્રભાવ બાળકો ઉપર પણ પડ્યો. એમણે પણ પોતાની સુવિધાનાં બધાં સાધનો રાષ્ટ્ર માટે સમર્પી દીધાં.
ગાંધીજીની આદર્શનિષ્ઠા : એકવાર આચાર્ય જુગલકિશોરે ગાંધીજીને પૂછયું, બાપુ, એવું કેવી રીતે શક્ય બન્યું કે જે વ્યક્તિઓ સાધન સગવડો છોડીને કદી કષ્ટભર્યુ જીવન જીવી ન શકે, તેમણે આપના એક ઈશારા પર રાષ્ટ્રના હિત માટે સર્વસ્વનો ત્યાગ કર્યો. આ તો એક ચમત્કાર છે. ” બાપુ ધીમું સ્મિત કરીને બોલ્યા, અરે ભાઈ, એ તો સીધી વાત છે. એ તો જુઓ કે કોણે કહ્યું અને એ લોકોએ ત્યાગ કર્યો. જેણે કહ્યું એણે પોતાના જીવનમાં પણ એ આદર્શો વણી લીધા છે. જેની કથની અને કરણી એક હોય એનું જ લોકો અનુકરણ કરે છે. તેમ છતાં દરેક વ્યક્તિ અપૂર્ણ છે. હું પણ હજુ એ પ્રયોગની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છું. ‘
માતાપિતાની અસાવધાની :
ચક્રવ્યુહ કઈ રીતે ભેદવો તે અર્જુન સુભદ્રાને સમજાવી રહ્યા હતા. છ કોઠાઓનું વેધન કરવાનું શીખવી દીધું ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઈ. પરિણામે માતાના ગર્ભમાં રહેલો અભિમન્યુ એક છેલ્લા કોઠાને વીંધવાનું શીખી ન શક્યો. આ કારણે અભિમન્યુને પ્રાણ ખોવો પડ્યો. માતાપિતાની બેદરકારીનું ફળ સંતાનને ભોગવવું પડે છે.
અવિવેકીઓ પાસેથી વિવેક શીખ્યો : લુકમાનને કોઈકે પૂછયું, “ આપ આવો સરસ વિવેક ક્યાંથી શીખ્યા ? ” લુકમાને જવાબ આપ્યો, “ અવિવેકી લોકો પાસેથી. તેઓ જે કરે છે અને ભોગવે છે એ મેં ધ્યાનથી જોયું છે અને એ ઉપરથી મારી ટેવો મેં સુધારી લીધી. ”
ભિખારી કલાકાર :
એક મચ્છર મધમાખીઓના મધપૂડા ઉપર ગયો અને કહેવા લાગ્યો કે, “ હું મહાન સંગીતજ્ઞ છું. તમારાં બચ્ચાંને સંગીત શીખવવા ઈચ્છું છું. એના બદલામાં મને થોડું મધ આપજો. ” મધમાખીઓની રાણીએ સ્પષ્ટ ઈન્કાર કરતાં કહ્યું, “ જેવી રીતે સંગીતજ્ઞ બનીને તુ અમારે ત્યાં ભીખ માગવા આવ્યો છે એવી રીતે અમારા બચ્ચાં પણ પરિશ્રમ કરવાને બદલે ભીખ માગવા માંડશે. હું એવું ઈચ્છતી નથી એટલે આપની માગણી સ્વીકારતી નથી. ”
સગુણ જુઓ, દોષો નહિ : કોણ શું ગ્રહણ કરે છે તેનો આધાર તેના દૃષ્ટિકોણ
સગુણ જુઓ, દોષો નહિઃ કોણ શું ગ્રહણ કરે છે તેનો આધાર તેના દૃષ્ટિકોણ ઉપર રહે છે. કોઈ જિજ્ઞાસુએ સૉક્રેટિસને પૂછયું, “ દીવાની નીચે અંધારૂ અને ચંદ્રમાના મુખ પર કલંક કેમ છે ? ” સૉક્રેટિસે પેલાને સામું પૂછ્યું કે, “ તમને આવો પ્રશ્ન પૂછતાં પહેલાં એવો વિચાર કેમ ના આવ્યો કે દીવામાં પ્રકાશ અને ચંદ્રમાં જયોતિ કેમ છે ? ” ત્યાં હાજર રહેલા લોકો સમજી ગયા કે આપણો દૃષ્ટિકોણ ઝિંદ્રાન્વેષી નહિ, પણ સગુણ શોધવાનો હોવો જોઈએ. પરિવારમાં બાળકોને શુધ્ધ દૃષ્ટિકોણ રાખવાનો અભ્યાસ કરાવવો જોઈએ. આમ કરવાથી તેઓ ઉચિત અને અનુચિત વચ્ચેનો તફાવત સમજી ઉચિત બાબતો જ ગ્રહણ કરશે.
પ્રતિભાવો