ખોટા રિવાજો અને રૂઢિઓથી બચો : બોધવચન -૧૬  

ખોટા રિવાજો અને રૂઢિઓથી બચો : બોધવચન -૧૬  

બોધ : કુરિવાજોનું આક્રમણ લગભગ ગૃહસ્થજીવનમાં જ થાય છે . અવિકસિત બુધ્ધિવાળા લોકો પ્રચલનોને જ સર્વસ્વ માને છે તથા દુરાગ્રહને કારણે તેને છોડી શકતા નથી . વર્તમાન સમયમાં જે પ્રથાઓ બિનઉપયોગી છે તેમને પણ દેખાદેખીથી અપનાવે છે . લગ્નમાં પેટાજ્ઞાતિ તેમજ જ્ઞાતિઓનું બંધન દૂર કરવું જોઈએ . ધૂમધામ ભરેલા લગ્ન સમારંભો આજના સમયમાં યોગ્ય નથી . આજ રીતે મૃત્યુભોજન અને નવા સ્વરૂપે માથું ઉચકી રહેલ જીવનપર્વ ( જીવતીયું ) , ભિક્ષા વ્યવસાય , ઉચનીચના ભેદભાવ , પડદા પ્રથા વગેરે કુરિવાજોથી અનહદ નુકશાન થાય છે . લાંચ રૂશ્વત અને અનીતિનું મૂળ છે – ખોટા ખર્ચાઓ . સમાજહિત તથા રાષ્ટ્રહિતમાં સમજદાર લોકોએ આ બંધ કરવા જોઈએ . બાળલગ્નો બંધ , પરંતુ વિધવા તથા ત્યકતા તથા વ્યાજબી કારણોથી થતા છૂટાછેડાનો ભોગ બનેલ સ્ત્રીઓને ગૃહસ્થજીવનના પુન : સ્થાપનમાં મદદ કરવી જોઇએ .

વીર હમીરનું વિધવા સાથે લગ્ન :

રાજવી હઠીલા હમીરનું રાજસ્થાનના ઈતિહાસમાં આગવું સ્થાન છે . વિવેકબુદ્ધિથી એમને જે યોગ્ય લાગે તે કરતા અને લોકનિંદાથી ડરતા નહીં . તે જમાનામાં કે જ્યારે વિધવા વિવાહ ઉપર પ્રતિબંધ હતો , તે ગેરવ્યાજબી જણાતાં તેમણે વિધવા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ . આ સાંભળીને પરિવારના સભ્યો ગુસ્સે થયા . એમ કરવામાં રાજવંશની આબરૂ નષ્ટ થઇ જાય એવું માનતા હતા . પંડિતો દ્વારા એમને કહેવડાવ્યું કે વિધવા અપશુકનિયાળ હોય છે . એની સાથે લગ્ન કરે તેનું અશુભ થાય છે .

હમીરસિંહે કોઈની પરવા ન કરી . પોતાના નિશ્ચયમાં તેઓ અડગ રહ્યા . કેટલાક સાથીઓ અને સૈનિકોને જાનમાં લઈ ગયા . લગ્ન કરીને આવ્યા ત્યારે પણ વિરોધ થયો .

હમીરસિંહ જ્યારે મેવાડના શાસક બન્યા ત્યારે વિરોધ કરનારા સહયોગી બની ગયા અને નિંદકો પ્રસંશા કરનારા બની ગયા . પંડિતોએ ઘોષણા કરી કે , વિધવા નાસ્તિ અમંગલમ્ ” અર્થાત્ વિધવાવિવાહમાં કોઈ દોષ નથી . આ જોઈને બીજા અનેક લોકોએ તેનું અનુકરણ કરી વિધવાઓનું જીવન પલ્લવિત કર્યું .

મહર્ષિ કર્વેએ પોતે જ ડગલું ભર્યુંઃ

મહર્ષિ કર્વેનારી ઉત્થાનની અનેક યોજનાઓ ઘડતા હતા , પણ નક્કર કામ થઈ શકતું નહોતું . વિધવા સાથે લગ્ન કરવાથી એમને નાત બહાર મૂકવામાં આવ્યા . ખરું – ખોટું સંભળાવનારાઓ સાથે એમને પોતાની વાત રજૂ કરવી પડી . આ રીતે લોકચર્ચાની તક મળી . રૂઢિચુસ્તોનાં મોં સિવાઈ ગયાં અને પ્રગતિશીલ લોકો તેમને સહકાર આપવા આગળ આવ્યા .

મહર્ષિ કર્વેએ નારીશિક્ષણ માટે વિદ્યાલય શરૂ કર્યું . એમાં સુધારાના સમર્થકોએ પોતાની છોકરીઓ મોકલવા માંડી . ગલીએ ગલીએ સમાજસુધારા માટે સભાઓ ભરાતી અને એમાં થતી ચર્ચાઓ નીતિ અને ન્યાયની કસોટીમાંથી પાર ઉતર્યા પછી વિચારશીલ લોકોએ સ્વીકારી .

જો વિચારમંથનનો આવો પ્રસંગ ઊભો ન કરવામાં આવ્યો હોત , તો સુધારણા થઇ શકી ન હોત .

રણચંડી દુર્ગાવતીઃ

દુર્ગાવતીનાં લગ્ન ગઢમંડલાના રાજા દલપતસિંહ સાથે થયાં . લગ્ન થયે બે વર્ષ પણ નહોતાં થયાં કે તેઓ વિધવા બન્યા . કુટુંબીઓ રાજ્ય પર . કબજો જમાવવા ઇચ્છતા હતા , તેથી તેઓ રાણીને સતી થવાની પ્રેરણા આપતા હતા . રાણીએ આ રીતે આત્મહત્યા કરવાનો ઈન્કાર કર્યો અને એમણે બુદ્ધિપૂર્વક રાજ્ય સંભાળ્યું . પડોશીઓ નાના રાજ્યને હડપ કરી જવા ઈચ્છતા હતા . તેથી અવારનવાર હુમલા કરતા હતા . રાણીએ એ બધાને એવા જડબાતોડ જવાબ આપ્યા કે તેમને પાછા વળી જવું પડ્યું .

એક વિશ્વાસઘાતી સરદાર દિલ્હીના બાદશાહને જઈને મળ્યો . એણે ખૂબ મોટી સેના સાથે આક્રમણ કર્યું . રાણી જાતે મોરચો લઈને ગયાં અને પોતાના કરતાં દસગણી મોટી સેનાના હાંજા ગગડાવી નાખ્યા . એ દરમિયાન શત્રુનું એક તીર આંખમાં અને બીજું ગરદનમાં વાગ્યું . બચવાની કોઈ આશા ના રહી ત્યારે રાણીએ દુશ્મનોના હાથે પકડાવું ન પડે એ માટે પેટમાં કટાર ભોંકીને જીવનનો અંત આણ્યો . સતી થવાની આ જ સાચી રીત છે .

જેમણે સ્ત્રી અને શુદ્રોની દૃઢતાથી વકીલાત કરી :

મલયાલમના ક્રાંતિદૂત કુમારન આશાનને માત્ર બે જ ભાવ ગ્રંથો લખ્યા છે . એક ‘ વિચારમગ્ન સીતા ‘ અને બીજો ‘ ચાંડાળ ભિક્ષણી ’ – આ બંને ગ્રંથોમાં ભારતની બે મુખ્ય સમસ્યાઓ પર તર્ક , ન્યાય , વ્યવહાર , પરિણામ , નિરાકરણ વગેરેની ચર્ચા કરી છે . તે સમસ્યાઓ પૈકી એક અડધી વસ્તી સ્ત્રીઓની છે અને બીજી તે ચોથા ભાગની અસ્પૃશ્યોની છે . એમને નાગરિક અધિકારોથી વંચિત રાખીને દેશ કઈ રીતે લકવાના દર્દીની જેમ નિષ્ક્રીય અને નિષ્ઠભ બની ગયો છે તેની ઉપર વેધક પ્રકાશ પાડ્યો છે . તેમણે સિધ્ધ કર્યું છે કે આ દૂષણો રહે તો ભારત દેશને ધાર્મિક , આધ્યાત્મિક , ન્યાયપ્રિય અને પ્રગતિશીલ કહી શકાય નહીં .

કુમારન આશાનનાં આ પુસ્તકોએ એમના જમાનામાં મલયાલમ સમાજમાં એક પ્રકારની હલચલ મચાવી દીધી હતી . એના પરિણામે અનેક વિચારશીલ લોકો એ દૂષણો દૂર કરવા આગળ આવ્યા હતા અને સારી સફળતા મેળવી હતી .

અછૂતોના ઉધ્ધારક ભીમરાવ આંબેડકર :

ડૉ . ભીમરાવ આંબેડકર ઇન્દોર ડીવીઝનના મરૂસ્થાનમાં જન્મ્યા હતા . પરદેશ જઈને તેઓ ડૉક્ટરેટ થયા . બેરીસ્ટર બનીને ભારત પાછા આવ્યા . એમની અધ્યયનશીલતા ગજબની હતી . એમની પોતાની લાયબ્રેરી જોઈને લોકો દંગ રહી જતા .

તેઓ મહાર ( અછૂત ) જાતિના હતા . અછૂતો પ્રત્યે સવર્ણોનો જે દુર્વ્યવહાર હતો , તે એમને ખટકતો હતો . મંદિર પ્રવેશ તથા કૂવામાંથી અથવા જળાશયમાંથી પાણી ભરવાના પ્રશ્ન તેમણે સત્યાગ્રહો પણ કર્યા હતા . એકવાર રોષને કારણે પોતાને બૌધ્ધ પણ જાહેર કર્યા , પરંતુ તેમની મનોવૃત્તિ અલગતાવાદી નહોતી . પ્રચલિત કુરિવાજોને તેઓ દૂર કરવા ઈચ્છતા હતા .

એમને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે . તેઓ અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન હતા . પાઉન્ડ , ડોલર અને રૂપિયાના વિનિયમના કારણે ભારતને જે માર ખાવો પડતો હતો તેનું રહસ્ય તેમણે છતું કર્યું અને દેશને એ ગોરખધંધામાંથી બચાવીને સાચી આર્થિક નીતિ અપનાવવાનું માર્ગદર્શન આપ્યું . આંબેડકરની દેશભક્તિમાં કોઈને ક્યારેય શંકા થઈ નથી .

સતીપ્રથાના કટ્ટર વિરોધી રાજા રામમોહનરાય :

રાજા રામમોહનરાયે પોતાની ભાભીને સતી થતાં જોયાં હતાં . એમને ખબર પડી ગઇ કે વિધવાના ભરણપોષણની જવાબદારીમાંથી બચવા તથા એમની સપત્તિ પડાવી લેવા માટે કુટુંબીઓએ તે દુખિયારીને સતી થવા માટે તૈયાર કરી હતી . ચિતા ઉપર ચઢતાં તેણી જ્યારે ભયભીત થઇ ત્યારે તેને એમાં ધકેલીને બાળી મૂકી હતી . બાળક રામમોહનરાયે પ્રતિજ્ઞા કરી કે તેઓ આ કુરિવાજો દૂર કરીને જ ઝંપશે . મોટા થઈને તેમણે પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે અથાક પ્રયત્નો કર્યા . આ કુરિવાજ વિરૂધ્ધ વાતાવરણ ઉભું કરવામાં તથા કાયદો પસાર કરાવવામાં એમણે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી અને અંતે તે સફળ થયા .

માલવિયાજીની પરમાર્થવૃત્તિ :

પંડિત મદનમોહન માલવીયાજીએ કેટલાય ધનાઢ્યોના અંતરમાં સતપ્રવૃત્તિઓ માટે ઉદારતા જગાડી હતી . એક વખત રક્ષાબંધનના પવિત્ર પર્વ વખતે બિકાનેર નરેશનો દરબાર ભરાયો હતો . રાજકારે બ્રાહ્મણોની લાઇનમાં માલવિયાજી નાળીયેર લઇને ઉભા હતા . પ્રત્યેક બ્રાહ્મણ નરેશની પાસે જઈને રાખડી બાંધતો અને દક્ષિણાના રૂપમાં એક રૂપિયો પ્રાપ્ત કરીને ખુશ થઇ ઘેર પાછો ફરતો . માલવિયાજીનો નંબર આવ્યો . તેઓ પણ નરેશની પાસે ગયા . રાખડી બાંધીને નાળીયેર ભેટ આપ્યું તથા સંસ્કૃતમાં સ્વરચિત આશીર્વચનો કહ્યાં . જ્યારે નરેશને ખબર પડી કે આ માલવિયાજી છે ત્યારે તેઓ ખૂબ ખુશ થયા . માલવિયાજીએ વિશ્વવિદ્યાલયની રસીદબુક તેમની સામે મૂકી . નરેશે તત્કાળ એક હજાર મુદા લખીને સહી કરી દીધી . માલવિયાજીએ સમગ્ર વિશ્વવિદ્યાલયની રૂપરેખા નરેશ સામે મૂકી . એની પાછળ થનારો અંદાજી ખર્ચ તથા સમાજને મળનાર લાભ અંગે પણ ખ્યાલ આપ્યો . એ સાંભળી નરેશ મુગ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આટલા મોટા કાર્યમાં એક હજાર મુદાઓથી શું વિસાત ? એમણે પહેલાં લખેલી રકમ ઉપર બે મીંડાં ચઢાવી દીધાં અને સાથે સાથે પોતાના કોષાધ્યક્ષને એક લાખ મુદ્રાઓ આપવાનો આદેશ કર્યો .

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: