માતાની મહત્તા : બોધવચન – રર
September 17, 2021 Leave a comment
માતાની મહત્તા : બોધવચન – રર
બોધ : એકવાર વિશ્વવિજેતા નેપોલિયન બોનાપાર્ટને કોઇકએ પૂછયું હતું કે કોઈ દેશની ઉન્નતિમાં સૌથી મોટો ફાળો કોનો હોય છે ? નેપોલિયને તરત જ જવાબ આપ્યો કે “ માતાનો ‘. કોઈપણ માણસના જીવન પર માતાના લાલનપાલન અને શિક્ષણની છાપ સ્થાયી રૂપે ચોક્કસ પડે છે. સિંહની સાથે રમનાર બાળક ભરત શકુંતલાની દેખરેખ નીચે વનમાં ઉછર્યો હતો. રાજા ગોપીચંદની માતાએ એમને વૈભવવિલાસ છોડીને ત્યાગી બનવાની સલાહ આપી હતી અને આગ્રહપૂર્વક ભર્તુહરિના શિષ્ય બનાવી પુછય પ્રયોજનમાં વાળી દીધા હતા. મદાલસાએ પોતાના ત્રણ પુત્રોને સાધક બનાવ્યા. તેમને શરૂઆતથી શ્રેષ્ઠ સંસ્કાર આપ્યા અને એમનું ચિંતન ઉત્કૃષ્ટ બનાવ્યું. તેમના પતિ મહારાજ ત્રતુધ્વજની ઇચ્છાને માન આપીને તેમણે પોતાના ચોથા પુત્ર અલર્કને રાજા બનાવ્યો. પોતે એવા જ ચિંતનનો વિકાસ કરીને ગર્ભાવસ્થામાં જ બાળકને એવા સંસ્કાર આપ્યા.
શ્રેષ્ઠ માતા, શ્રેષ્ઠ સંતાનઃ
રામકૃષ્ણ પરમહંસના માતા એકવાર કલકત્તા આવ્યા અને સ્નેહવશ થઇને થોડો સમય પુત્રની પાસે રહ્યાં. દક્ષિણેશ્વર મંદિરની માલકણ રાસમણિએ એમને ગરીબ તથા સન્માન કરવા યોગ્ય માનીને જાતજાતની કીંમતી ભેટો આપી. તેમણે એ બધાનો અસ્વીકાર કર્યો અને રાસમણિનું માન રાખવા ખાતર માત્ર એક ઈલાયચી જ લીધી. ત્યાં હાજર રહેલા લોકોએ કહ્યું કે આવી નિસ્પૃહ માતા જ પરમહંસ જેવા પુત્રને જન્મ આપી શકે છે.
વીર પ્રસવિની :
ચિત્તોડના રાજકુમાર એક ચિત્તાનો પીછો કરી રહ્યા હતા. તે ચિત્તો ઝાડીમાં સંતાઈ ગયો હતો. રાજકુમાર પોતાના ઘોડાને ઝાડીની આસપાસ દોડાવતા હતા. પરંતુ સંતાઈ ગયેલા ચિત્તાને બહાર કાઢવામાં તેમને સફળતા મળતી નહોતી.
એ ખેતરના ખેડૂતની પુત્રી આ દશ્ય જોઈ રહી હતી. એણે રાજકુમારને કહ્યું, “ ઘોડો દોડાવવાથી અમારૂ ખેતર બગડે છે. તમે ઝાડના છાંયે બેસો, હું ચિત્તાને મારીને તમારી પાસે લાવું છું. ” તેણી એક મોટો દંડો લઈને ઝાડીમાં પેઠી અને મલ્લયુધ્ધમાં ચિત્તાને પછાડી નાખ્યો. એને ઘસડીને તે બહાર લાવી અને રાજકુમાર આગળ નાખ્યો.
આ પરાક્રમ જોઇ રાજકુમાર દંગ થઇ ગયો. એમણે છોકરીના પિતાને વિનંતી કરીને તે છોકરી સાથે લગ્ન કરી લીધાં. પ્રખ્યાત યોધ્ધો હમીર એ છોકરીની કૂખે જન્મ્યો હતો. સંતાન એની માતા જેવું જ પેદા થાય છે.
સુભદ્રાની કુખે અભિમન્યુનો જન્મ થયો હતો. અંજનીએ હનુમાનને જન્મ આપ્યો હતો. શ્રેષ્ઠ માતાઓ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને અનુરૂપ શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપે છે. હિરણ્યકશ્યપુ રાક્ષસને ઘેર પ્રહલાદ જેવા ભક્તનો જન્મ થયો. એ નારીની – પ્રહલાદની ધાર્મિક માતા કયાધૂની યોગ્યતાનું પ્રમાણ છે.
આંધળા ગાયક કે.સી.ડે તથા એમની સ્વાવલંબી માતા :
કલકત્તામાં જન્મેલા કે.સી.ડેની આંખો દોઢ વર્ષની ઉંમરમાં જ જતી રહી. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે પિતાજી મૃત્યુ પામ્યા. વિધવા માતાએ જાતે જ એમને થોડું ઘણું ભણાવ્યા. તે મજુરી કરવા જતી ત્યારે ડેને સાથે લઈ જતી. તેને બાળકના ભવિષ્યની ચિન્તા થતી હતી, પરંતુ તેણે ધીરજ ના ગુમાવી. શાળાકીય શિક્ષણના બદલે તેણે પુત્રને સુસંસ્કાર આપીને સ્વાવલંબી બનાવ્યો. સંગીતમાં પુત્રની અભિરૂચિ જોઇને એણે તેને સંગીતનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી. પોતે મહેનત કરીને પુત્રને માટે સાધનો લાવતી. રૂચિને લીધે ડે એ કેટલાય સંગીતકારોની સેવા કરીને એમની પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. યુવાન થતાં પહેલાં જ એમણે સંગીતમાં પ્રવીણતા મેળવી. તૂટ્યા – ફૂટ્યાં વાદ્યોની મદદથી તેઓ ઘેર અભ્યાસ કરતા હતા.
થોડા દિવસોમાં એમની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ. નાના મોટા સંગીતના જલસાઓ પછી ફિલ્મ કંપનીઓ તેમને બોલાવવા લાગી. એમનો કંઠ મધુર હતો. એમણે લગભગ એક ડઝન કંપનીઓમાં પાશ્વગાયક તરીકે ગીતો ગાયાં. જે ફિલ્મોમાં એમણે ગીતો ગાયાં હોય તે જોવા લોકો તૂટી પડતા. આનો યશ તેઓ હંમેશાં પોતાની માતાને આપતા. અંતિમ સમય સુધી તેમણે માતાની ખૂબ સેવા કરી.
પુત્ર માટે ઝેર પી લીધુંઃ
જાપાનીઓને રશિયા સાથેના યુદ્ધમાં એક નદી આડે આવી. પુલ બનાવવાનું કામ મુશ્કેલ હતું. સેનાને સામે કિનારે લઇ જવા માટે એક હજાર નાગરિકોની લાશોનો પુલ બનાવવાનો હતો કે જેની ઉપર થઈને સેના સામે કિનારે જઇ શકે. આ માટે નાગરિકોની ભરતી કરવામાં આવી. એક હજારને બદલે ચાર હજાર નામ આવ્યાં. આ નામોમાં એક છોકરો પણ હતો. તેને ભરતી થવાની ઉતાવળ હતી, પણ તેની માતા બિમાર હતી. તે એકનો એક જ હતો. આથી તેને મંજુરી ન મળી. માતાને લાગ્યું કે પોતે આડે આવી રહી છે. આથી તેણે ઝેર પી લીધું અને છોકરાને મોકલતી વખતે કહ્યું, “ શરીરની માને બદલે રાષ્ટ્રમાતાની સેવા કરવી વધારે જરૂરી છે, તે પ્રસન્નતાપૂર્વક જા. ”
સ્વાભિમાની માતાઃ
અમીનિયાના સર્વોચ્ચ સેનાપતિ સીરોજ ગ્રિથનું વ્યક્તિત્વ એમની માતાએ ઘડ્યું હતું. વિધવા નોર્વિન ગ્રીક કપડાં સીવીને ગમે તે રીતે પોતાનાં બાળકોનું ભરણપોષણ કરતી હતી. તેના મોટા પુત્ર ઝિથે પોતાની જાતે ગરીબીના લીધે સ્કૂલમાં ફી માફી માટે અરજી કરી દીધી. તે મંજુર પણ થઈ ગઈ.
ગ્રિથની માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એણે તેનો અસ્વીકાર કર્યો અને લખ્યું, “ અમે લોકો મહેનત કરીને ગુજરાન ચલાવીએ છીએ, તો પછી ફી કેમ ન આપી શકીએ ? અમારી ગણતરી ગરીબોમાં કરાવવી અમને મંજુર નથી. અમારૂ સ્વાભિમાન કહે છે કે અમે ગરીબ નથી. સ્વાવલંબી બનીને ગમે તે પરિસ્થિતિનો સામનો કરી લઇશું. ”
સ્વાભિમાની માતાએ પોતાના બાળકને આવો જ ચારિત્રવાન બનાવ્યો. માતાના આવા સંસ્કારથી તે સર્વોચ્ચ સેનાપતિ બન્યો.
ગર્જિએફને માતાની શિખામણ :
દાર્શનિક ગુર્જિએફે પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારી માતાએ મરતી વખતે કહ્યું હતું, “ કોઈની ઉપર તને ગુસ્સો આવે તો એની અભિવ્યક્તિ ચોવીસ કલાક પહેલાં ના કરીશ. “મેં આ વાત ગાંઠે બાંધી લીધી અને તેનું આજીવન પાલન કર્યું. “ એવા અનેક પ્રસંગો આવ્યા જેમાં મને ક્રોધ આવ્યો હતો, પણ પાછળથી ખબર પડી હતી કે એમાં તથ્ય થોડું અને ભ્રમ વધારે હતો. ક્રોધનાં પરિણામોનો વિચાર કરવાની તક મળતી રહેવાથી એનો અમલ ના કર્યો અને જેઓ શત્રુ લાગતા હતા તેઓ આજીવન મિત્ર બનીને રહ્યા. માતાની આ શિખામણે જ મને આ સ્થિતિ સુધી પહોંચાડ્યો છે એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી.”
પ્રતિભાવો