માતા સંતાનને સારા સંસ્કાર આપે છે, બોધવચન – ર૦
September 17, 2021 Leave a comment
માતા સંતાનને સારા સંસ્કાર આપે છે, બોધવચન – ર૦
બોધ : માતા નવ માસ સુધી કષ્ટ સહન કરીને સંતાનને જન્મ આપે છે તથા સ્વાવલંબી જીવન જીવવા માટે એને યોગ્ય બનાવે છે. તેને સારા સંસ્કારો આપે છે. કોઈપણ દેશ માટે માતા નરરત્નોની ખાણ બનીને સારા નાગરિકો આપે છે. બાળકોનું નિર્માણ નારીઓ જ કરે છે : મેડમ ચ્યાંગડાઈ કહેતાં હતાં, “ ગર્ભાધાનથી લઈને પાંચ વર્ષની ઉમર સુધીમાં બાળકોના સ્વભાવનો મહત્વપૂર્ણા અંશ પુરો. થાય છે. આથી નવા સમાજના નિર્માણની જવાબદારી ખાસ કરીને સ્ત્રીઓના માથે રહે છે. કારણ કે બાળકોનો આ સમય મુખ્યત્વે માતા તથા ઘરમાં રહેતા વડિલોના સાનિધ્યમાં પસાર થાય છે.
માતાને છોડીને સિદ્ધિ કેવી ? :
વૈધવ્યનો ભાર સહન કરીને માતાએ પુત્રનું પાલન કરીને એને મોટો કર્યો. પરંતુ પુત્ર તો પોતાની વૃધ્ધ માતાને નિરાધાર છોડીને તાંત્રિક સાધના દ્વારા સિદ્ધિ મેળવવા ઘેરથી જતો રહ્યો. દેવ શર્મા નામના આ યુવકે પોતાની તાંત્રિક સિધ્ધિઓના બળથી, પોતાનું વસ્ત્ર લઈને જતા બે કાગડાઓને ભસ્મ કરી દીધા અને ગર્વ અનુભવ્યો.
એકવાર એક સગૃહિણીના દ્વારે તે ભિક્ષા માગવા ગયો. પરંતુ ભિક્ષા આપવામાં મોડું થતાં તે ક્રોધિત થઈ ગયો. એ જોઇ ગૃહિણી બોલી, “ મહાત્માજી, આપ શ્રાપ આપવા ઇચ્છો છો, પણ હું કોઇ કાગડો નથી કે બળીને ભસ્મ થઇ જાઉં. જે માતાએ તમને જીવનભર પાળી પોષીને મોટા કર્યા અને નિરાધાર છોડીને મુક્તિ માટે ભટકતા તમે મારું કંઈ જ બગાડી શકવાના નથી. ”
આ સાંભળીને દેવશર્માને ખૂબ આશ્ચર્ય થયું. એણે પૂછયું, “ તમે કઇ સાધના કરો છો ? ” સ્ત્રીએ જવાબ આપ્યો, “ કર્તવ્ય સાધના ”. આ સાંભળી દેવશર્મા તાંત્રિક સાધના છોડીને પોતાની માતાની સેવા કરવા ઘેર પાછો ફર્યો.
માં ની શિખામણ હું કઈ રીતે ભૂલી ગયો :
દક્ષિણ ભારતના પ્રવાસ વખતે એકવાર ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ અને કાકા કાલેલકરનો એક દિવસ સભાઓ અને વિચારગોષ્ઠીઓનો એટલો ભરચક રહ્યો કે એક ક્ષણનો પણ આરામ કરવાની તક ન મળી. મોડી રાતે પાછા ફર્યા. થાકને લીધે આડા પડ્યા તેવા જ ઊંધી ગયા. પ્રાર્થના કરવાનું બિલકુલ ભૂલી ગયા.
ગાંધીજીને ઊંડુ દુ:ખ થયું. એમણે કહ્યું, “ મારૂ મન તો આજે બહુ અસ્વસ્થ છે. હું કાલની પ્રાર્થના સાથી ન કરી શક્યો ? શું સૂવું એટલું જરૂરી હતું કે ભગવાનનું સ્મરણ પણ કરવામાં ન આવે ? ” ઉદાસ મને તેઓ આગળ બોલ્યા કે, “ મારી માતાએ મને શિખામણ આપી હતી કે ભગવાનનું નામ લેવાનું કદી ભૂલીશ નહિ. હું એ શિખામણ કઈ રીતે ભૂલી ગયો તેનું મને દુઃખ છે. બીજું મારી માતાએ કહ્યું હતું કે આળસ અને પ્રમાદથી સદા દૂર રહેજે, કારણ કે એના લીધે હું ભગવાનનું નામ લેવાનું ક્યાંક ભૂલી ન જાઉં. ” તે દિવસે હાજર રહેલા બધા લોકોએ એક બોધપાઠ ગ્રહણ કર્યો કે જીવનસાધનામાં માતાના સંસ્કારોનું ઘણું મહત્વ છે.
જસ્ટીસ નહિ, માઁ નો દીકરો :
કલકત્તાના જસ્ટીસ ગુરુદાસ ચટ્ટોપાધ્યાયનું પાલનપોષણ એમની વિધવા માતાએ ખૂબ મુશ્કેલી વેઠીને કર્યું હતું. એમણે આ બાળકમાં પ્રયત્નપૂર્વક કાર્યનિષ્ઠા ભરી દીધી હતી. શિષ્યવૃત્તિમાંથી જ તેઓ અભ્યાસનું ખર્ચ કાઢતા હતા અને પોતાની યોગ્યતા તથા સજનતાના બળે જસ્ટીસ તથા વાઈસ ચાન્સેલર બન્યા. એમની માતા પોતાના ધાર્મિક કાર્યોની સગવડ ખાતર જૂના ઘરમાં રહેતી હતી.
એક દિવસ એમની માતા કલકત્તા આવી જલસ્નાન કરીને જૂનાં કપડાં પહેરીને સીધી કોર્ટમાં પહોંચી ગઈ. પુત્રે માતાને જોઇ તો અનહદ ખુશ થયા. કચેરીમાંથી ઉઠીને તેઓ દોડ્યા અને માતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ઉભેલા લોકોને પોતાની માતાનો પરિચય કરાવ્યો. તેમણે કહ્યું કે હું આજે જે કાંઈ છું તે મારી માતાના પ્રયત્નોનું અને સંસ્કારોનું ફળ છે.
નારીને સન્માન આપો :
નેપોલિયન બોનાપાર્ટ ટૂઈ લેરિસ નામના પોતાના મહેલના સ્નાનાગારનું સમારકામ કરાવ્યું. મહેલના અધિકારીઓએ ફ્રાન્સના સારા ચિત્રકારો પાસે ત્યાં સુંદર ચિત્રો બનાવડાવ્યાં. સ્નાનાગારની સજાવટ પુરી થઇ ગઇ ત્યારે નેપોલિયન સ્નાન કરવા ગયો. તેણે જોયું તો સ્નાનાગારની દીવાલો ઉપર સ્ત્રીઓનાં ચિત્રો લટકાવેલાં હતાં. તે સ્નાન કર્યા વગર જ પાછો ફર્યો. મહેલના અધિકારીઓને આજ્ઞા આપી કે, “ સ્ત્રીઓનું સન્માન કરતાં શીખો. સ્નાનાગારમાં સ્ત્રીઓનાં વિલાસપૂર્ણ ચિત્રો બનાવીને નારીનું અપમાન ન કરો. જે દેશમાં નારીને વિલાસનું સાધન માનવામાં આવે છે, તે દેશનો વિનાશ થઇ જાય છે. ”
પ્રતિભાવો