નારીનું શિક્ષણ અને વિકાસ અત્યંત જરૂરી, બોધવચન – ર૬
September 17, 2021 Leave a comment
નારીનું શિક્ષણ અને વિકાસ અત્યંત જરૂરી, બોધવચન – ર૬
બોધ : વિચારશીલ લોકોની એ જવાબદારી છે કે નારીશિક્ષણમાં કોઈ કમી ના રાખે. નારીને સ્વાવલંબી બનાવવી જોઈએ. તે શીલવાન બને તે જરૂરી છે. પરંતુ એટલી સંકોચશીલ પણ ન બને કે જેનાથી વિચારવા, બોલવા અને કાર્ય કરવાની ક્ષમતા જ ખોઈ બેસે. એને ગુલામ ન બનાવવામાં આવે. ગૃહલક્ષ્મીના રૂપમાં એનો વિકાસ કરવામાં આવે અને મુશ્કેલીમાં સાથ આપી શકે.
સુભાષચંદ્ર બોઝની ક્રાંતિકારી મહિલાસેના :
નેતાજી સુભાષચંદ્ર બોઝ મહિલાઓની ઉન્નતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા. એમણે સ્ત્રીઓની ક્રાન્તિકારી સેના તૈયાર કરી હતી. તેઓ કહેતા હતા કે “ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચુ હોવું જોઈએ. ” સાર્વજનિક કાર્યોમાં તેઓ પણ વધારેમાં વધારે હોશિયારીથી ભાગ લઈ શકે એટલા માટે, એમને શિક્ષણ આપવું જોઈએ.
સમાજનાં પૈડાં
ઈઝરાયેલમાં વિમાનચાલક તથા ચીનમાં એજીન ડ્રાયવર મોટે ભાગે સ્ત્રીઓ જ બને છે. બ્રિટન તથા અમેરિકામાં અનેક ઔદ્યોગિક પેઢીઓમાં પુરૂષોની સાથે સાથે સ્ત્રીઓ પણ કામ કરે છે. ધીરે ધીરે અનેક દેશોમાં એમને પુરૂષોની સમકક્ષ કર્તવ્ય તથા અધિકાર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. એ જરૂરી પણ છે, કારણ કે સ્ત્રી અને પુરૂષ સમાજરૂપી ગાડીનાં બે પૈડાં છે. એક વગર બીજાની તથા સમગ્ર સમાજની પ્રગતિ શક્ય નથી.
ફૂલોથી પણ કોમળ અને વજથી પણ કઠોર :
જેરૂસલેમનો એક માણસ સાંજે ઘેર આવ્યો તો એણે જોયું કે તેની પત્ની ઘર નથી, પરંતુ એની ગેરહાજરીના લીધે કોઈ ખાસ મુશ્કેલી ન પડી. ટેબલ પર થાળી તૈયાર હતી. સાથે ટૂંકો પત્ર પણ હતો, જેમાં લખ્યું હતું, “પ્રિય મને સેનામાં બોલાવી લીધી છે, તમે ભોજન કરી લેજો. ” તે ભોજન કરીને બેઠો હતો, ત્યાં જ મોરચા પરથી તેની પત્નીનો ફોન આવ્યો કે, “ નવાં મોજાં પહેરવાનું ન ભૂલતા કે જે મેં તમારા માટે ગૂંથીને તૈયાર કર્યા છે. યુધ્ધ પૂરૂ થયા પછી આપણી મુલાકાત થશે.”
આ કોઈ વાર્તા નથી પણ સત્યઘટના છે, જે ઈઝરાયેલમાં જાણીતી છે. ત્યાંના દરેક યુવાન પતિને ઘણી વખત આ રીતે એકલા રહેવું પડે છે. યુદ્ધના સમય દરમિયાન ત્યાંની યુવાન સ્ત્રીઓ સ્વેચ્છાએ રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક બની ભાગ લે છે.
નથણીનું પ્રદર્શન
એક ગરીબ ખેડૂતે પોતાની પત્નીના બહુ આગ્રહને લીધે એના માટે એક નથણી ઘડાવી આપી. પત્નીને ઉતાવળ હતી કે બધા લોકો એની નથણીની પ્રસંશા કરે. તે સૌથી પહેલી મંદિરના પૂજારી પાસે ગઈ. પગે લાગીને પ્રણામ કર્યા. પૂજારી સમજી ગયો કે આજે બપોરે પ્રણામ કરવાનું શું કારણ છે. પૂજારીએ કહ્યું, “ બેટી, નથણી ઘડાવી આપનારને ધન્યવાદ આપ. પણ ક્યારેક એમને પણ યાદ કરજે કે જેણે તને નથણી પહેરવા નાક આપ્યું છે. ” મહિલા સમજી ગઈ કે મોટાઈ પ્રદર્શનમાં નથી.
વ્યસ્તતાના ફાયદા :
નારીની ઉપેક્ષા કરવાને લીધે જ તેનામાં અનેક દુર્ગુણ વિકસે છે. જો તેના ઉપર ધ્યાન આપી શકાય તથા થોડી જવાબદારી સોંપી સ્વાવલંબી બનાવવામાં આવે તો કોઈ ખરાબ વૃત્તિઓ વિકસવાનો પ્રશ્ન જ ઊઠતો નથી.
એક શેઠનો પુત્ર વ્યાપારમાં બહુ વ્યસ્ત હતો. ઘર તરફ ધ્યાન આપી શકતો ન હતો. એની પત્ની બહુ રૂપાળી હતી. ઘરમાં કામકાજ ન હતું. આખો દિવસ નવરી, એટલે બેઠાં બેઠાં શણગાર સજ્યા કરે. એક દિવસ તેણીએ દાસીને કહ્યું, કોઈ રૂપાળો યુવક શોધી લાવજે. એના માટે મારૂ મન તડપી રહ્યું છે. ” દાસીએ આ વાત તેના સસરાને કહી દીધી. એના સસરા નવરા બેસવાનું પરિણામ આવું આવે છે તે સમજી ગયા. બીજા જ દિવસથી વહુને ઘર અને વેપારનાં ઢગલાબંધ કામ સોંપી દીધાં. તે સવારે વહેલા ઉઠતી ને છેક મોડી રાત સુધી કામમાં રોકાયેલી રહેતી. દાસીએ સસરાના સંકેત પ્રમાણે સુંદર યુવક શોધી લાવવાની વાત ફરી પૂછી, ત્યારે વહુએ કહ્યું, “ હવે કામમાં મન ચોંટી ગયું છે. તેથી બીજું વિચારવાનો સમય જ નથી મળતો. ” વ્યસ્તતામાં બુદ્ધિ, સ્વાચ્ય, ધન, કૌશલ્ય, પ્રતિભા વગેરે ગુણો વધારવા ઉપરાંત ચારિત્ર્યનું રક્ષણ કરવાનો ગુણ પણ છે.
સર્વોત્તમ આભૂષણ લજ્જા :
નારીનું સ્વભાવિક સ્વરૂપ શીલ છે. તે જ સૌથી મોટું આભૂષણ છે. અરસ્તુને એક કન્યા હતી. તેનું નામ પીથિયા હતું. અરસ્તુના શિષ્ય સિકંદરની રાણીઓ એક દિવસ ગુરૂને ઘેર ગઈ. એમનું આતિથ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ એમણે પીથિયાને પૂછયું, “ ચહેરાને સુંદર બનાવવા માટે શું ચોપડીએ ? ” પીથિયાએ જવાબ આપ્યો, “ લજ્જા. એ સૌથી સુંદર ચીજ છે. એ જો તમે રાખશો તો તમારે બીજુ કંઈપણ લગાડવાની જરૂર નથી. જે શીલવાન હોય તે જ સૌંદર્યવાન છે.
વનસ્થળી તથા હીરાલાલ શાસ્ત્રી :
રાજસ્થાનના હીરાલાલ શાસ્ત્રી એક સામાન્ય શિક્ષક હતા. એમણે નોકરી કરીને પેટ ભરવાના બદલે નારી શિક્ષણને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું અને એક નાનકડા ગામમાં પોતાની જાતે એક નાનુ કન્યા વિદ્યાલય ચલાવવા લાગ્યા. સાચા મનથી ચલાવવામાં આવતા વિદ્યાલયની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. લોકોએ એને ખૂબ સમર્થન આપ્યું. એક છાપરામાં શરૂ થયેલું ‘ વનસ્થળી બાલિકા વિદ્યાલય ‘ દેશની પ્રખ્યાત શિક્ષણ સંસ્થામાંની એક છે. શાસ્ત્રીજી પ્રત્યે લોકોને ખૂબ શ્રધ્ધા જન્મી. લોકસેવકોએ એમને રાજસ્થાનના મુખ્યમંત્રીના પદ પર સ્થાપિત કર્યા. એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટો બહાર પડી. આ મહાન લોકસેવા પાછળ નારી ( બાલિકા ) ની પ્રેરણા અને શુભેચ્છાઓ છુપાયેલી હતી.
બુરખો કાઢી નાખ્યો :
સન ૧૯૩૦ ની વાત છે. મિસરની એક વિચારશીલ મહિલા વિદેશના પ્રવાસે નીકળી અને પોતાના દેશમાં પણ નવજાગરણની હવા ફેલાવવા લાગી. એનું નામ હતું શાનતવી. જ્યારે તેના સ્વાગત માટે બંદર ઉપર ઘણા લોકો આવ્યા, તો એણે બધાની સામે પોતાનો બુરખો સમૂહમાં નાખી દીધો. ત્યાં હાજર રહેલી સેંકડો સ્ત્રીઓએ એનું અનુકરણ કર્યું. ત્યારથી જ બુરખા વિરોધી આંદોલન ઝડપથી ફેલાઈ ગયું.
શ્રમશીલ રાણી :
ધનવાન હોવાથી શું ? પરિશ્રમી જીવનમાં જે આનંદ છે, તે નવરા બેઠાં બેઠાં વૈભવશાળી જીવન જીવવામાં નથી. ઈંગલેન્ડના રાજા એડવર્ડ સાતમાની પત્ની એલેક્ઝાન્દ્રા શરૂઆતથી જ ખૂબ મહેનતુ હતી. નવરા બેસી રહેવાનું એને જરાપણ ગમતું નહોતું. ઘરમાં બધું કામ કરવા માટે નોકરો હતા. તે કયું કામ કરે ? એણે ગરીબો માટે પોતાના હાથે કપડાં શીવવા માંડયાં અને તે પછી તે આજીવન તેમને કપડાં સીવીને વહેંચતી રહી અને પુણ્ય – પરમાર્થની ભાગીદાર પણ બની.
પ્રતિભાવો