સાદા જીવન ઉચ્ચ વિચાર લાવે સુખ અપાર, બોધવચન – ૮
September 17, 2021 Leave a comment
સાદા જીવન ઉચ્ચ વિચાર લાવે સુખ અપાર
બોધ : દરેક કાર્યમાં ઓછો ખર્ચ કરવો જોઈએ. દરેક સભ્યને પૈસાનું મહત્વ સમજાવવું જોઈએ. વિલાસ અને અહંકારના પ્રદર્શનમાં ધન બરબાદ ન કરવું જોઈએ. લક્ષ્મીને માતા માની તેનો સદુપયોગ કરવો જોઈએ. શૃંગાર અને ઘરેણાં પાછળ સહેજે ય ખર્ચ ન કરવો જોઈએ. સાદાઈમાં જ સજજનતા અને સુસંસ્કારિતા રહેલી છે. ધનનો જેટલો સદુપયોગ થશે તેટલો જ લાભ મળશે.
પોતાના પગ સંકોચી લોઃ
અકબરે દરબારીઓની બુદ્ધિની કસોટી કરવા એક ટૂંકી ચાદર મંગાવી. બધાંને એવો પ્રશ્ન પૂછયો કે ચાદરને લાંબી કર્યા વગર શરીર પૂરેપૂરું કેવી રીતે ઢાંકી શકાય ?
બીજું કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શક્યું નહીં, ત્યારે બીરબલે કહ્યું, હજૂર, પોતાના પગ સંકોચી લઇએ તો આરામથી શરીર ઢાંકીને સૂઈ શકાય. ’
બધાંને આ બુધ્ધિયુક્ત વાત ગમી ગઇ. સાધનો વધાર્યા વગર જરૂરિયાતો ઘટાડીને પણ ગુજરાન ચલાવી શકાય છે. તેથી તો સંતો વિચારો ઉચ્ચ રાખવા અને સાદું જીવન જીવવાનો ઉપદેશ આપે છે. વિલાસ વિકાર ઉત્પન્ન કરે છે, સજ્જનોએ સદા તેનાથી દૂર રહેવું જોઈએ.
ઉદ્યોગપતિ શ્રીરામનો વિવેક :
દિલ્હીના પ્રખ્યાત ઉદ્યોગપતિ લાલા શ્રીરામનું જીવન મહિને રૂા. ૨૫ / – ની નોકરીથી શરૂ થયું. કમાવાની ધગશ અને પ્રમાણિકતાને લીધે તેમની ઉન્નતિ થતી ગઇ અને તેઓ કેટલીય મિલોના માલિક બની ગયા. કરોડપતિ હોવા છતાં તેમણે પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખી અને કમાયેલું ધન સાર્વજનિક સંસ્થાઓ ચલાવવા પાછળ વાપર્યું. તેઓ સાદા જીવન ઉચ્ચવિચારના પ્રખર હિમાયતી હતા.
દ્વિવેદીજીની મિતવ્યયતા :
સરસ્વતીના સંપાદક પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીને માસિક ૨૫ / – રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી હતી. પગાર વધતાં છેલ્લે તેમને ૧૫0 / – રૂપિયા મળતા હતા. તેઓ એટલી બધી કરકસર કરતા કે વધેલા પૈસાથી જરૂરિયાતવાળા અનેક લોકોને તેઓ મદદ કરતા. તેમનું અંગત ખર્ચ ખૂબ ઓછું હતું. એકપણ પૈસો નકામાં કાર્યોમાં વાપરતા નહોતા. વિચારો પણ એટલા ઉંચા હતા કે હિન્દી સાહિત્યના પ્રખર કવિ ગણાતા હતા.
ભગતસિંહની વિવેકશીલતા :
આપણા દેશના મહાન સ્વાતંત્ર્યવીર અને શહીદ ભગતસિંહને ૧00 / -ના પગારવાળી નોકરી હતી.
પરંતુ મહિને તેઓ માત્રા ૨૫ / – રૂપિયા જ સ્વીકારતા હતા અને કહેતા, ” મારે પૈસા ભેગા કરવા નથી કે ઉડાડવા પણ નથી. હું માનું છું કે દરેકે સરેરાશ ભારતીય કક્ષાનું જીવન જ જીવવું જોઈએ. ”
નોબેલની કમાણી અનેકગણી થઇ :
આફ્રેડ નોબેલે ડાઈનેમાઈટ જેવી કેટલીય શોધખોળો કરીને પુષ્કળ ધન મેળવ્યું. બચપણની ગરીબી ઝાઝું ટકી નહીં. પોતાની મિલકતમાંથી તેના ભત્રીજાઓને પાંચ – પાંચ હજાર પાઉન્ડ આપીને બાકી વધેલા ૮૫ લાખ ડોલરનું એક ટ્રસ્ટ બનાવી દીધું. એ રકમ વધીને અત્યારે અનેકગણી થઈ ગઇ છે અને એના વ્યાજમાંથી દર વર્ષે છ વિષયોમાં માનવતાની સેવા કરનારા વિદ્વાનોને લગભગ એક એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે.
આ છ વિષયો છે – વૈદકશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને વિશ્વશાન્તિ. નોબેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ડાઈનેમાઈટ તો હાનિકારક વસ્તુ છે, છતાં તેના દ્વારા તમે શું કામ કમાયા ? એમણે જવાબ આપ્યો કે કોઈપણ વસ્તુનો સદુપયોગ કરવાથી જ તે લાભદાયક બને છે અને તેનો દુરૂપયોગ કરવાથી હાનિ થાય છે. ડાઈનેમાઈટથી ડુંગરાઓની તથા ખાણોની મોટી શિલાઓ તોડવા જેવાં કાર્યો લાભદાયક ગણાશે.
મોટાઈના ખેલ ખોટા મોટા
દેખાવા લોકો કેટલાને કેવા કરે છે પ્રપંચ ? લાફો મારીને પણ ગાલ લાલ દેખાડવાનો પ્રસંગ,
મોટા જોડે નાનો જાય, મરે નહીં તો જરૂર માંદો થાય, અનુભવીનું વાક્ય ભૂલી, ખોટો વટ પાડીને મરવા જાય.
પણ તેથી સમાજમાં મોટાઈના ચેપ ખૂબ ખોટા લાગે, એક દિવસમાં લગ્ન પૂર્ણ થતું, હવે ત્રણ દિવસ લાગે,
મોટા દેખાડવા ગરબા ઘુસાડ્યા, પાર્ટીઓ સાથે નાચે, લગ્ન એ રીસેપ્શન ના કહેવાય ? રીપીટ ખોટું કરે.
વરઘોડામાં વટ પાડવા, પોતા ભેગા ભાડુતિયા લાવે, પસાર થવાના રસ્તે ઠેર ઠેર દારુની ડોલોમાંથી પીવે,
દારૂખાનાં ધડાધડ ફૂટે, હિન્દુ સમાજને કોણ બચાવે ? બારમાંને જીવતિયાં પાછાં આવ્યાં, એકને જોઈ બીજા કરે.
પાંચ જણાથી સીમંત ભરાતું, હવે પાંચ હજારને વટાવે, ઘરબાર ખેતર વેચીને પણ, મોટાઈનો ખેલ દેખાડે,
રીતરિવાજોમાં ખોટા ખર્ચા કરનારા, ખોટાં પાપ કરે, અન્ય ધર્મ ખોટા હશે ? આવું ગાંડપણ કેમ ન કરે ?
છપ્પનભોગે દાટ વાળ્યો છે, ભલે હોય સારું તત્ત્વજ્ઞાન, ખાવા મળે, ચોરવા મળે, વાહવાહ મળે, બાકી નથી હનુમાન,
પોતાનાં કરોડો સંતાનો ભૂખ્યાં હોય તો, કેમ ખાય ભગવાન ? કરમાબાઈનો ખીચડો ખાવા દોડતો, ભલે ન કર્યું સ્નાન.
મોટા દેખાવા માણસોએ છોડ્યા નથી ભલા ભગવાન, ધર્મ, સંસ્કૃતિને રાષ્ટ્ર બચાવો, છોડો ખોટા ખોટા ખ્યાલ,
સમાજના ખોટા ખર્ચાઓથી વધી રહ્યો છે, ભ્રષ્ટાચાર, સાદા જીવન ઉચ્ચ વિચારથી, બનશે આપણો દેશ મહાન.
(” સતયુગની વાણી” માંથી )
પ્રતિભાવો