સુધારક નારી, બોધવચન – ર૪
September 17, 2021 Leave a comment
સુધારક નારી, બોધવચન – ર૪
બોધ : જ્યારે પણ કુટુંબમાં ઈચ્છિત વાતાવરણની જરૂર પડે છે, ત્યારે નારી એક માતાના રૂપમાં શિક્ષકની પણ ભૂમિકા નિભાવે છે. એના પોતાના કેળવેલા સુસંસ્કારો નારીને પ્રખર અને પ્રતિભાવાન બનાવી દે છે. એની વાણી તથા વિહાર અમોધ શસ્ત્રનું કામ કરે છે.
ગોપીચંદના જીવનનું પરિવર્તનઃ
બંગાળના રાજા ગોપીચંદ યુવાનીમાં અનેક વ્યસનોથી ઘેરાયેલા હતા. એમણે ઘણાં લગ્નો કર્યા અને મદ્યપાનની કુટેવ પાડી.
એમણી માતા હંમેશાં એક જ વાત વિચારતાં હતાં કે છોકરાને કુમાર્ગેથી સન્માર્ગ પર કેવી રીતે વાળવામાં આવે. તેમની માતા ચાહતાં હતાં કે તે તપસ્વી બને અને જનકલ્યાણનાં મહત્વપૂર્ણ કાર્યો કરે. એટલા માટે એમણે પોતે શિક્ષણ આપવાનો અને જીવનના મહાન ઉદેશ્યો સમજાવવાનો પ્રારંભ કર્યો. આ શુભકાર્યમાં એમના મામાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો. ગોપીચંદના મામા ભર્તુહરિ હતા અને તેઓ પહેલેથી જ તપસ્વી બની ગયા હતા. માતા અને મામા બંનેના શિક્ષણનો પ્રભાવ પડ્યો. સાથે સાથે યોગી જાલંધરનાથના સંપર્કમાં આવતાં તેઓ તેમના શિષ્ય પણ બની ગયા.
ગોપીચંદ, ભર્તુહરિ અને જાલંધરનાથની ત્રિપુટીએ દૂર દૂરનાં ક્ષેત્રોમાં પરિભ્રમણ કરી ધાર્મિક વાતાવરણનું નિર્માણ કર્યું. પત્નીનું ઠપકાભર્યું પ્રોત્સાહન : જોધપુરના મહારાજા યશવંતસિંહની રાણી એમના કરતાં પણ વધારે શૂરવીર હતી. રાજા યુધ્ધમાં ગયા હતા અને હારીને પાછા આવ્યા. રાણીએ કિલ્લાના દરવાજા બંધ કરાવી દીધા અને કહ્યું કે મારા પતિ ભાગેડુ ના હોઈ શકે. ભાગેડુ રાજા માટે આ કિલ્લામાં સ્થાન નથી. યશવંતસિંહ રાણીની આ ટકોરને લીધે પાછા યુધ્ધમાં ગયા અને સાહસથી લડી વિજય પ્રાપ્ત કર્યો.
બિલ્વમંગળમાંથી સૂરદાસ :
બિલ્વમંગળ વેશ્યા ચિંતામણિ પર અત્યંત મુગ્ધ હતા. તેઓ પિતાના અગ્નિસંસ્કારમાંથી લોકોની નજર ચૂકવીને સીધા વેશ્યાને ત્યાં જતા રહ્યા. રસ્તામાં નદી આવતી હતી. પરંતુ નદી કઈ રીતે પાર કરે. પાણીમાં એક મડદુ તણાતું આવતું હતું તેની ઉપર બેસી નદી પાર કરી.
મોડી રાત્રે વેશ્યાને ઘેર પહોંચ્યા. વેશ્યાએ એમને ખૂબ જ ધિક્કાર્યા અને કહ્યું, “ જે સડેલી લાશ ઉપર બેસીને આવ્યા એવી જ લાશ તમારી સામે ઉભી છે. આ મળમૂત્રથી ભરેલા શરીરનો મોહ છોડી જીવનનો સાચો માર્ગ અપનાવો. ”
વેશ્યાના સારા ઉપદેશથી પ્રભાવિત થઈ નિંદનીય બિલ્વમંગળ મહાત્મા સૂરદાસ બની ગયા.
મૂર્તિમાન દેવી જેન એડમ્સ :
જેન એડમ્સના પિતા સેનેટર અને મિલમાલિક હતા. એકની એક પુત્રી માટે એમણે અપાર સંપત્તિ સાચવીને રાખી હતી. જેન એડમ્સ પોતાનો સમય શ્રેષ્ઠ પુસ્તકોના વાંચનમાં ગાળ્યો અને પિતાના મૃત્યુ પછી બધી જ સંપત્તિ વેચીને અમેરિકામાં એક ‘ ડલ હાઉસ ‘ માનવસેવા સંસ્થાન બનાવ્યું. એમાં ‘ સસ્તુ ભોજન અને સસ્તુરહેઠાણ ’ એ એનો પ્રત્યક્ષ કાર્યક્રમ હતો.આ બહાને જે હજારો વ્યક્તિઓ ત્યાં આવતી, એમને લોકોપયોગી જીવન જીવવાની પ્રેરણા તે આપતાં, એમના કાર્યની મહત્તા સમજાતાં જલાખો લોકો એમના સહયોગી બની ગયા.
એમણે સ્ત્રીઓ, બાળકો, વિકલાંગો અને રોગીઓની સેવા, સહાયતા માટે અનેક સંસ્થાઓ ચલાવી. “ આંતરરાષ્ટ્રીય મહિલા લીગ ‘ પણ એમની જ સ્થાપેલી સંસ્થા છે. એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એ બધા પૈસા પણ મહિલા લીંગને દાનમાં આપી દીધા હતા. એડમ્સ આજીવન બ્રહ્મચારિણી રહ્યાં. એમને કરૂણાની મૂર્તિ, દેહધારી દેવી માનવામાં આવતાં હતાં.
સેવાભાવી નર્સ કુમારિકાઓ :
યુદ્ધ સમયે ભણેલી નર્સોની જરૂર પડી. કુમારિકાઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી. ઈગ્લેન્ડને પૂરતી સંખ્યામાં ભણેલી નર્સો મળી ગઈ. યુધ્ધ પુરૂ થયા પછી નર્સોને ડોક્ટરોની સહાયિકા માત્ર બનીને રહેવું પડતું હતું. તેઓ પોતાની સ્વતંત્ર પ્રતિભાનો ઉપયોગ કરી શકતી ન હતી.
સાહસિક નર્સ વેનિટે કુશળ નર્સોની એક ટીમ બનાવી અને ઈંગ્લેન્ડની આસપાસના નાના ટાપુઓમાં રહેતા આદિવાસીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી. તેઓ આદિવાસી વિસ્તારમાં જ ત્યાં પ્રસુતિના સંકટમાં ફસાયેલી અનેક અભણ સ્ત્રીઓના પ્રાણ બચાવતા હતાં. તેઓ સાથે સાથે બાળકો અને પુરૂષોની પણ સેવા કરતાં હતાં. આ રીતે ૩૦ ટાપુઓની પ્રતિકુળ પરિસ્થિતિઓમાં રહીને પણ ત્યાંના પછાત લોકોની સેવા કરી. વેનિટ યુનિટની સંખ્યા ૩૦ ની હતી. આ પુણ્યકાર્ય કરવામાં ધીરે ધીરે નર્સોની સંખ્યા ૩૦૦ ની થઈ ગઈ. એમણે અનુભવ કર્યો કે વિલાસી જીવન જીવવાની સરખાવણીમાં એમનું આ સેવાનું પગલું કેટલુ કરૂણાભર્યુ છે ! વેનિટ ૮૦ વર્ષ સુધી જીવ્યાં. તેમણે આ પછાત વિસ્તારની આજીવન સેવા કરી.
અરવિંદ આશ્રમનાં માતાજી :
પેરિસના એક સમૃદ્ધ પરિવારમાં જન્મેલી મીરાના પૂર્વજન્મના સંસ્કાર એવા હતા કે જેને લીધે એમનું મન વિલાસમાં જરાપણ લાગ્યું નહીં. એમના અધ્યયનનો વિષય શરૂઆતથી જ અધ્યાત્મનો હતો. ઉંમરલાયક થતાં એમનું લગ્ન ફ્રાન્સના પ્રખ્યાત દાર્શનિક રિચાર્ડની સાથે થયું. તેઓ પણ તત્વજ્ઞાનના કોયડા ઉકેલવામાં મગ્ન રહેતા હતા. સન્ ૧૯૧૪ માં બન્ને જણ ભારત આવ્યાં અને પોંડિચેરી રહ્યાં. તેઓ અરવિંદના જીવનનું નજીકથી અધ્યયન કરવા અને એમના સત્સંગનો લાભ લેવા જતાં હતાં, થોડા સમય પછી તેઓ પાછા જતા રહ્યા ,
રિચાર્ડ પોતાની પત્ની મીરાના મનોભાવને સમજતા હતા. તેઓ પોતે મીરાને અરવિંદ આશ્રમમાં મૂકવા માટે આવ્યા કે જેથી એમની પ્રગતિની સાથે સાથે અધ્યાત્મક્ષેત્રની પણ સેવા કરી શકે. મીરા પોંડિચેરી આશ્રમમાં હંમેશ માટે રહી ગયાં. અરવિંદ એકાંત સાધનામાં તલ્લીન હતા. મીરાં એમનો સંદેશો સાધકો સુધી પહોંચાડતાં અને સાથે સાથે આશ્રમની વ્યવસ્થા પણ ચલાવતાં. એમનાં સંરક્ષણમાં આશ્રમની ખૂબ પ્રગતિ થઈ. મીરા માતાજીના નામથી પ્રખ્યાત થયાં. તેઓ સાચા અર્થમાં અરવિંદનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.
પ્રતિભાવો