સ્વચ્છતા અને સજાવટનું ધ્યાન રાખો, બોઘવચન -૯
September 17, 2021 Leave a comment
સ્વચ્છતા અને સજાવટનું ધ્યાન રાખો, બોઘવચન -૯
બોધ : સ્વચ્છતા અને સુવ્યવસ્થા તરફઘરના દરેક સભ્યનું ધ્યાન રહેવું જોઈએ. ગંદકી અને અસ્તવ્યસ્તતાનો વિકાસ ન થવો જોઈએ. અવ્યવસ્થામાં જ ગંદકી અને કુરૂપતા રહેલી છે. એને જ કુસંસ્કારિતા કહેવામાં આવે છે. શરીરને સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ, તેવી જ રીતે વસ્ત્રો, વાસણો, મકાન વગેરે બધી વસ્તુઓની સફાઈ પાછળ ધ્યાન આપવું જોઈએ, જેથી રોગો થાય નહીંઅને મન પ્રફુલ્લિત રહે.
સફાઈ એક લલિતકલા :
મહાત્મા ગાંધી હરિજનના કામને શાનદાર કામ કહેતા હતા. સ્વચ્છતાનો એની સાથે સીધો સંબંધ છે. સ્વચ્છ વસ્તુમાં જ કલાત્મક્તા જોવા મળે છે. તેઓ કહેતા હતા કે કિંમતી મકાન, કિંમતી કપડાં અને સુંદર પુરૂષ જો ગંદો હોય તો બધાયને તેનાથી અરૂચિ થાય છે. આનાથી વિપરિત કાચું મકાન, સાદાં કપડાં અને સામાન્ય વ્યક્તિ પણ જો સાફસૂથરો હોય તો આકર્ષક લાગે છે. એનામાં કલાત્મક્તા લાગે છે.
પહેલાં સફાઈ શીખોઃ
એક અસ્તવ્યસ્ત યુવક સોક્રેટીસ પાસે ગયો અને બોલ્યો, ” મને આધ્યાત્મનું શિક્ષણ આપો. ” તેમણે કહ્યું કે, ” પહેલો પાઠ છે – સફાઈ શીખો. નાહી – ધોઈને વ્યવસ્થિત થઇને આવ. વાળ કાં તો કપાવી નાખ અથવા જો રાખવા જ હોય તો સાફ કરીને તથા તેલ નાખીને ઓળીને આવ. સુસંસ્કારિતાને જ આધ્યાત્મ કહે છે. પહેલાં અસ્વચ્છતાના પ્રત્યક્ષ કુસંસ્કાર દૂર કરે. ત્યારપછી જ બીજા કુસંસ્કારો દૂર કરવાની વાત વિચારી શકાશે. ” સ્વચ્છતા એ પરમાત્માનું સાનિધ્ય છે તથા નિર્મળતા આત્માનો પ્રકાશ છે. આંતરિક સ્વચ્છતાનો આધાર પણ શારીરિક અને બાહ્ય સ્વચ્છતા જ છે.
મહાત્મા બનવાનું સૂત્ર :
ગાંધીજીના આશ્રમમાં સફાઇ અને વ્યવસ્થાનાં કાર્યો દરેકને ફરજિયાત કરવાં પડતાં હતાં. સમાજ પ્રત્યે સમર્પણની ભાવનાવાળો એક બાળક ત્યાં આવ્યો અને રહ્યો. સ્વચ્છતા તથા વ્યવસ્થાનું કામ તેને પણ સોંપવામાં 30 આવ્યું. નિષ્ઠાપૂર્વક તે પોતાનું કામ કરતો. જે બતાવવામાં આવ્યું તેને પોતાના જીવનનું અંગ બનાવી દીધું.
જ્યારે આશ્રમમાં રહેવાનો સમય પુરો થયો ત્યારે તે ગાંધીજીને મળ્યો અને કહ્યું કે, ” બાપુ ! હું તો મહાત્મા બનવાનો ગુણ શીખવા આવ્યો હતો, પણ અહીં તો સફાઈ અને વ્યવસ્થાનાં સામાન્ય કાર્યો જ શીખવા મળ્યાં. મહાત્મા બનવાનાં સૂત્રો ન તો શીખવવામાં આવ્યાં કે ન તો એમનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ”
ગાંધીજીએ એના માથે હાથ ફેરવીને કહ્યું કે, ” બેટા ! તને અહીં જે સંસ્કાર મળ્યા છે તે બધા મહાત્મા બનવાનાં જ સોપાનો છે, જે તન્મયતાથી સફાઈ તથા નાની – નાની બાબતોમાં વ્યવસ્થા બુધ્ધિનો વિકાસ કરાવવામાં આવ્યો એ જ મનુષ્યને મહામાનવ બનાવે છે. ”
ગાંધીજીએ આ રીતે નાના – નાના સગુણોનું મહાત્મય સમજાવીને અનેક લોકસેવકોના જીવનનું ઘડતર કર્યુ, એમનો સાચા નિરભિમાની સેવકોના રૂપમાં વિકાસ કર્યો.
વૈજ્ઞાનિકની પરીક્ષા :
એડીસન મહાન વૈજ્ઞાનિક હતા. ગરીબ માતાના દીકરા હતા. પરંતુ બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની વાત કરતા હતા. માતાએ વિચાર્યુ કે આને કોઈ વૈજ્ઞાનિક પાસે મૂકી દઉં. કારણ કે વિજ્ઞાન ભણાવવાની માતામાં શક્તિ નહોતી.
એક વૈજ્ઞાનિકની પાસે તે એડીસનને લઇ ગઇ અને બધી વાત કરી. વૈજ્ઞાનિકે એડિસનને એક ઝાડુ આપીને પ્રયોગશાળાની સફાઈ કરવાનું કહ્યું. એડિસને ખૂબ ચીવટથી સફાઇ કરી. કોઈ ખૂણામાં સહેજ પણ કચરો રહેવા દીધો નહીં અને સફાઈ પછી દરેક ચીજ યથાસ્થાને ગોઠવી દીધી.
વૈજ્ઞાનિકે આ જોઇને કહ્યું, ” આ બાળકમાં વૈજ્ઞાનિક બનવાના ગુણ છે. આપ એને મારી પાસે મૂકો. આ છોકરો જરૂર વૈજ્ઞાનિક બનશે. ” સફાઈ અને વ્યવસ્થાથી મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની ક્ષમતા વધે છે અને એનાથી જ તેના સ્તરની પણ ખબર પડે છે. દરેક માતાઓએ પોતાના બાળકોમાં આવા ગુણ વિકસાવવા જોઈએ.
પ્રતિભાવો