એક આંખ પ્યારની, બીજી સુધારની, બોઘવચન -૩૩
September 23, 2021 Leave a comment
એક આંખપ્યારની, બીજી સુધારની, બોઘવચન -૩૩
બોધ : બાળકોને સ્નેહથી સમજાવવાનો બદલવાનો પ્રયત્ન કરવામાં આવે. એક આંખથી યાર અને બીજી આંખથી સુધારવાળી ઉક્તિ અર્થપૂર્ણ છે. અતિશય લાડમાં મન ફાવે તેમ કરવા દેવાથી બાળક બગડે છે. એમને મારવા કે ડરાવવા તો ના જોઈએ, પરંતુ અયોગ્ય આચરણથી થતું નુકશાન બતાવવું તથા સમજાવવું જોઈએ. શાળાકીય શિક્ષણ ઉપરાંત બાળકોને લોકાચાર શીખવવાની યોગ્ય રીત એમને સારગર્ભિત કથાવાર્તાઓ સંભળાવવી એ છે. જ્ઞાનવૃદ્ધિ માટે પુસ્તકીયા જ્ઞાન પૂરતું નથી. એમને નજીકના વિસ્તારોમાં ફરવા માટે લઈ જવા જોઈએ અને રસ્તામાં આવતી વસ્તુઓ દ્વારા જ્ઞાન વૃધ્ધિ કરવી જોઈએ. જિજ્ઞાસા કરવાની તથા પ્રશ્નો પૂછવાની એમને ટેવ પાડવી જોઈએ, માનસિક વિકાસની સારામાં સારી રીત પ્રશ્નોત્તરીની જ છે. કુસંગમાં બાળકોને રમવા ન દેવા. સારા સ્વભાવના હોય તેવા સાથી તેમને શોધી આપવા જોઈએ. વડીલોની જેમ સાથીઓ પાસેથી પણ બાળકો ઘણું શીખે છે તેથી એ બાબતે સાવધાન રહેવું જોઈએ.
કારણ કે હું મા છું :
સ્નેહ બાળકોનો અધિકાર છે અને માતા પિતાનું કર્તવ્ય. સ્નેહથી માતાપિતા અને બાળકના સંબંધો દૃઢ બને છે. મહારાણી વિક્ટોરિયાની પુત્રી એલિસનો દસ વર્ષનો પુત્ર કોઈક ચેપી રોગનો ભોગ બન્યો. ડોક્ટરોએ કહ્યું કે રોગીથી, એમાંય ખાસ કરીને એના ઉશ્વાસથી દૂર રહેવું, નહિતર એની પાસે રહેનાર માટે જાનનું જોખમ છે. ડૉક્ટરની સલાહ મુજબ બધા લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા. પરંતુ એ બાળકની માતાએ એને પોતાના ખોળામાં જ રાખ્યો. જ્યારે મમતાભર્યા અવાજે છોકરાએ માને કહ્યું કે “ મમ્મી, તું મને પ્રેમ નથી કરતી ? ચુંબન કર્યો કેટલા દિવસ થઈ ગયા ? ” આ સાંભળી માતાએ પ્રેમથી એને ચુંબન કર્યું. આથી તેને પણ રોગ થઈ ગયો અને થોડાક દિવસોમાં પુત્રની સાથે એ પણ મૃત્યુ પામી. લોકોએ કહ્યું કે તમે જાણતાં હોવા છતાં એવું શા માટે કર્યું ? તો એલિસ એમને જવાબ આપતી, “ કારણ કે હું મા છું. ” શાહી કબ્રસ્તાનમાં એલિસની કબર ઉપર હજુ પણ તેણીના અંતિમ શબ્દો લેખલા છે. કારણ કે હું મા છું. ” આ વાંચીને લોકો ભાવવિભોર બની જાય છે.
જાતે અનુભવ કરોઃ
જરૂર પડે ત્યારે સુધારવા માટે શિક્ષણ પણ આપવું પડે છે. રાજકુમારોનો અભ્યાસ પુરો થયો ત્યારે રાજા એમને લેવા આવ્યા, નીકળતી વખતે આચાર્યએ કહ્યું, “ એક બાબત શિખવાડવાની રહી ગઈ છે, તેથી તે શીખતા જાઓ. ” એમણે એક લાકડી મંગાવી અને બંને રાજકુમારોના હાથમાં બે બે લાકડીઓ ફટકારી. રાજકુમારોએ પૂછયું, “ આમાં શું શિખવાડ્યું ? ” આચાર્યે જવાબ આપ્યો કે, “તમારે મોટા થઈને રાજ્ય ચલાવવાનું છે. કોઈ નિર્દોષને દંડ કરવામાં આવે ત્યારે એને કેટલું ખોટું લાગે છે, એ પણ શીખતા જાઓ અને આ બાબત કદી ભૂલતા નહીં.”
સ્વભિમાની સુભાષઃ
સ્કુલનો અભ્યાસ પુરો કર્યા પછી સુભાષચંદ્ર બોઝે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એ કોલેજના અંગ્રેજ પ્રોફેસરોમાં એક હતા મિસ્ટર સી. એફ. ઓટન. એમને એક ખરાબ ટેવ હતી. તેઓ વાતવાતમાં ભારતીય જીવનની મશ્કરી – મજાક કરતા હતા. એના પ્રત્યે ધૃણા પેદા કરવી અને તેઓ પોતાનો પરમ ધર્મ માનતા હતા. સુભાષચંદ્રને એમનો આ વ્યવહાર સહેજ પણ પસંદ ન હતો. તેઓ તેમની આ ટેવ છોડાવવા માગતા હતા. એક દિવસે એમને મોકો મળી ગયો. રોજની જેમ એટન સાહેબે ભારતીય જીવનની મશ્કરી કરવાનું શરૂ કર્યું. પહેલાં તો સુભાષચંદ્ર ચૂપ બેસી રહ્યા. સાંભળતાં સાંભળતાં એમને પોતાના દેશનું અપમાન સહન કરવાનું અસહ્ય થઈ પડ્યું. તેઓ ગુસ્સે થઈને પોતાની બેઠક ઉપરથી ઉભા થયા. ઝડપથી આગળ વધ્યા અને એ ગોરા પ્રોફેસરના ગાલ ઉપર તમાચો મારતાં કહ્યું, “ હજુ પણ ભારતીયોમાં સ્વાભિમાન જીવંત છે. જે કોઈ આ હકીકત ભૂલી જઈ એને પડકાર ફેંકશે, તેને આ રીતે માર ખાવો પડશે. ”
વાર્તાઓ દ્વારા આ બાળકો ઐતિહાસિક પુરૂષો બન્યાઃ
ઈતિહાસમાં એવાં સેંકડો ઉદાહરણો મળે છે, જેમાં સાધારણ બાળકોનું વ્યક્તિત્વ વાર્તાઓ દ્વારા મહાનતામાં પરિણમ્યું. પંચતંત્રવાળા મંદબુધ્ધિના અયોગ્ય રાજપૂત્રોના પિતા નિરાશ થઈ ગયા હતા. બધા જ ઉપાયો કરવા છતાં રાજપૂત્રોને કોઈપણ રીતે યોગ્ય બનાવી શકાયા નહિ. અંતિમ પ્રયત્નરૂપે રાજયમાં ઢઢેરો પિટાવવામાં આવ્યો કે “ જે કોઈ માણસ રાજપૂત્રોને શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારશે અને તેમને બધી રીતે યોગ્ય બનાવશે તેને મોં માગ્યું ઈનામ આપવામાં આવશે. ” ત્યારે વિષ્ણુ શર્મા નામના એક વિદ્વાન તપસ્વીએ રાજપૂત્રોને રાજનીતિ, ધર્મ અને શિક્ષણમાં નિષ્ણાત બનાવવાનું કામ સંભાળ્યું. તેમણે થોડાક જ સમયમાં જાનવરો તથા પક્ષીઓની રસપ્રદ વાર્તાઓ સંભળાવીને બુદ્ધિ વગરના એ રાજકુમારોને નીતિ, સદાચાર, ધર્મ, વ્યવહાર ,કુશળતા વગેરેમાં પારંગત બનાવી દીધા.
છત્રપતિ શિવાજી પણ નાનપણમાં ખાસ પ્રતિભાશાળી નહોતા લાગતા. પરિસ્થિતિઓ પણ એવી નહોતી કે ભવિષ્યમાં કંઈક કરી શકે એવી શક્યતા દેખાય. પતિ દ્વારા ઉપેક્ષિત જીજાબાઈ પોતાના પુત્રને લઈને પુનામાં રહેતાં હતાં. બાળક શિવાના પાલનપોષણથી માંડીને તેના શિક્ષણ વગેરેની સંપૂર્ણ જવાબદારી એમના પર હતી. જીજાબાઈએ આ જવાબદારી સરળતાથી નિભાવી શકાય તે માટે એક યોગ્ય માધ્યમ શોધી કાઢયું. તેઓ પોતાના લાડલાને રામાયણ તથા મહાભારતમાંથી હનુમાન, કૃષ્ણ અને અર્જુનના જીવનની વીરતાપૂર્ણ વાર્તાઓ સંભળાવતાં.
બાળક શિવાના મન ઉપર એવા જ બનવાની ધૂન સવાર થઈ અને તેઓ બચપણમાં જ માળવાજાતિનાં પછાત બાળકોને રીંછવાનરોની જેમ એકત્રિત કરવા લાગ્યા. એમને યુધ્ધવિદ્યા શીખવવા લાગ્યા. બાલ્યકાળની પ્રેરણામાંથી જન્મેલી મહત્વાકાંક્ષાના બળે એમણે નાનાજી, બાજી પ્રભુ દેશપાંડે અને સૂર્યાજી જેવા કેટલાંય નરરત્નો શોધી કાઢયાં કે જેમણે આગળ જતાં વિશાળ મોગલ સામ્રાજ્યના બાદશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી.
વર્તમાન યુગના મહામાનવ ગાંધીજી વિષે તો બધાને ખબર છે. એમની માતા પૂતળીબાઈ રામાયણ અને મહાભારતના ચારિત્ર્યનું નિર્માણ કરનારા પ્રસંગો તથા ઘટનાઓ વિશે એમને કહેતાં હતાં. એના પરિણામે જ તેઓ આજીવન ચરિત્ર અને નૈતિકતાને સૌથી વધારે મહત્વ આપતા હતા. સત્ય પ્રત્યે અનન્ય નિષ્ઠા તો મહારાજ હરિચંદ્રનું નાટક જોઈને તથા તેમની વાત સાંભળીને જન્મી હતી. ઈસુ ખ્રિસ્ત અને બુધ્ધના પ્રસંગો વાંચી કે સાંભળીને અહિંસા અને પ્રેમ પ્રત્યે શ્રધ્ધા તથા નિષ્ઠા વધ્યાં હતાં. આ રીતે વાર્તાઓ દ્વારા ઐતિહાસિક પુરૂષોના નિર્માણની અસંખ્ય ઘટનાઓ ભરેલી છે.
બાલ્યકાળના સંસ્કાર :
સુભાષચંદ્ર બોઝ બાળક હતા ત્યારની આ વાત છે. એક દિવસ માતા પાસેથી ઉઠીને તેઓ જમીન ઉપર સૂઈ ગયા. માએ એમ કરવાનું કારણ પૂછયું ત્યારે એમણે કહ્યું, “ આજે મારા સાહેબ કહેતા હતા કે આપણા પૂર્વજો ઋષિમૂનિ હતા તેઓ જમીન ઉપર સૂતા હતા અને કઠોર જીવન જીવતા હતા. હું પણ ઋષિ બનીશ તેથી જ કઠોર જીવનનો અભ્યાસ કરૂ છું. પિતાજી જાગી ગયા. એમણે કહ્યું કે જમીન ઉપર સૂવું એટલું જ પૂરતું નથી. જ્ઞાનસંચય કરવો પડે તથા સેવા પણ કરવી પડે. હમણાં તું તારી મા પાસે સૂઈ જા. પછી મોટો થઈને આ ત્રણેય કામ કરજે. સુભાષે શિક્ષકની જ નહિ, પણ પિતાજીની વાત પણ ગાંઠે બાંધી લીધી. આઈ.સી.એસ. પાસ કર્યા પછી ઓફિસર બનવાનો સમય આવ્યો ત્યારે એમણે કહ્યું કે “ હું તો મારા જીવનનું લક્ષ્ય નક્કી કરી ચૂક્યો છું. મારી માતૃભૂમિની સેવા કરીશ અને મહાન બનીશ. ” બચપણનો નિશ્ચય એમણે જીવનભર નિભાવ્યો. આવા હોય છે મહામાનવ .
પ્રતિભાવો