શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪
September 23, 2021 Leave a comment
શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪
પ્રારંભિક કક્ષાનું સામાન્ય શિક્ષણ પૂરું કરતાં પહેલાં જ એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના બાળકને શું બનાવવો છે અથવા બાળકને શામાં રૂચિ છે. તેના આધારે એના આગળના શિક્ષણનો નિર્ણય લેવો જોઈએ. યોગ્ય નિર્ણય ન કરવાને લીધે કરેલી મહેનત તથા ખર્ચલો સમય અને ધન નકામાં જાય છે. એના લીધે પાછળથી કાયમ પસ્તાવું પડે છે. ભોજનની જેમ શિક્ષણના ઉદ્દેશ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બાળકને રમવા કૂદવાની તક આપવી જોઈએ, એને કલાકૌશલ્યની ટેવ પણ પાડવી જોઈએ. લોક વ્યવહાર અને નીતિ તથા સદાચારનું ઉપયોગી જ્ઞાન એને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
વિકસિત દેશોનાં ઉદાહરણ :
ક્યુબા, ઈઝરાયેલ તથા યુગોસ્લાવિયાએ સ્વાવલંબી શિક્ષણને મહત્વ આપ્યું છે. વિશ્વ યુદ્ધ પછી એમને સુયોગ્ય નાગરિકોની જરૂર હતી. આથી ડીગ્રી પ્રધાન શિક્ષણથી દૂર રહીને એમણે રાષ્ટ્રના નવનિર્માણ માટે જરૂરી એવા પ્રગતિશીલ શિક્ષણની વ્યવસ્થા કરી. દરેક યુવાન તથા પ્રૌઢ માણસ માટે એવું ફરજિયાત કરવામાં આવ્યું કે પોતાનું શિક્ષણ પુરૂ કર્યા પછી કમાવાનું શરૂ કરે તે પહેલાં ઓછામાં ઓછી ૧૦૦ ( એક સોહ ) વ્યક્તિઓને સાક્ષર બનાવે તથા એમને નાગરિકતાનું શિક્ષણ આપે. એનાં સારાં પરિણામતરત જ જોવા મળ્યાં.
ચીન અને જાપાનમાં પણ આવા પ્રયોગો કિશોરો તથા યુવકો ઉપર કરવામાં આવ્યા કે જેથી સ્વાવલંબી નાગરિકોનું ઘડતર કરી શકાય. આ બંને દેશો આજે પ્રગતિના શિખરે પહોંચ્યા છે તેનું મૂળકારણ અનૌપચારિક શિક્ષણ જ છે.
ફિશરની લગની :
ફ્રાન્સનાં એક મહિલા પાદરી ફિશર ભારત આવ્યા. અહીંની નિરક્ષરતા જોઇને એમને દુઃખ થયું. બાળકોને ભણાવવાનું કહેતાં તો લોકો માં ફેરવી લેતા. છતાં એમણે નિશ્ચય કર્યો કે પોતાના કામને વળગી રહેવું. થોડાંક જ વર્ષોમાં એનું ચમત્કારિક પરિણામ આવ્યું. છોકરા છોકરીઓનું શિક્ષણ ૪૦ ટકાએ પહોંચ્યું અને એ વિસ્તારમાં ૧૫૦ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી અને એમાં દોઢ હજાર બાળકો ભણવા લાગ્યાં. એમણે બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ ન આપ્યું, પણ તેમને શિષ્ટાચાર તથા લોકવ્યવહારનું શિક્ષણ પણ આપ્યું. એમણે ભણાવેલાં અનેક બાળકોએ આગળ વધી સમાજનિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી.
સ્વામી રામતીર્થે પ્રોફેસર પદ છોડયું :
બી.એ.ની પરીક્ષામાં એક યુવકને નિષ્ફળતા મળી છતાં પણ તે નિરાશ ન થયો. નિરાશ થવાનું તો તે શીખ્યો જ ન હતો. બમણી મહેનત કરીને અભ્યાસ કરવા લાગ્યો. આ વખની પરીક્ષામાં તેણે પરીક્ષકને ચક્તિ કરી દીધા. જૂન મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પેલો યુવક પ્રાંતમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. તેનું નામ હતું તીર્થરામ. જેને દેશવિદેશમાં લોકો સ્વામી રામતીર્થના નામે ઓળખે છે. એમણે પ્રોફેસરની નોકરી છોડીને જગતમાં વેદાંતના શિક્ષણ તથા ઉપદેશોનો પ્રચાર કર્યો. એમનું કહેવું હતું કે શાળાકીય શિક્ષણના બદલે લોકોને વ્યવહારિક આધ્યાત્મનું સિક્ષણ આપવું જોઈએ. પોતાનું ટૂંકુ જીવન એમણે આ માટે જ ગાળ્યું.
કવિવર રવિન્દ્રનાથનું શિક્ષણ :
રવિન્દ્રનાથ ટાગોર જે સ્કુલમાં ભણતા હતા તેનું શિક્ષણ માત્ર નોકરીના કામનું જ હતું. આથી તેમના પિતાએ એમને નિશાળમાંથી ઉઠાડી લીધા. તેઓ એમને જે બનાવવા ઈચ્છતા હતા તેવું શિક્ષણ આપ્યું. પરિણામે એટલા જ સમય અને શ્રમમાં રવિન્દ્રબાબુ વિશ્વવિખ્યાત બની ગયા તથા નોબેલ ઈનામ પણ મેળવ્યું. એમણે પ્રકૃતિ પાસેથી જ પોતાનું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પિતાને બાદ કરતાં તેઓ પોતાની ઉપલબ્ધિઓનું શ્રેય પદ્મા નદી ( બંગલા દેશ ) ના કિનારે વિતાવેલી પોતાની કિશોરાવસ્થાના સમયને આપતા હતા કે જ્યાંથી એમણે નૈસર્ગિક સહચર્ય દ્વારા અમૂલ્ય શિક્ષણ મેળવ્યું હતું.
વૈજ્ઞાનિક એડિસનઃ
શિક્ષકોએ એડિસનની માને સલાહ આપી કે આ મંદબુધ્ધિનો બાળક ભણી શકશે નહીં. માતાએ એડિસનને સ્કુલમાંથી ઉઠાડી લીધો અને એક વર્તમાનપત્ર વેચવાની દુકાને ગોઠવી દીધો. એડિસનનું મગજ શોધખોળ કરવામાં સારૂ કામ કરતું હતું. એણે ઠીકઠાક કરીને એક પ્રેસ બનાવ્યો. તેની ઉપર પોતાનાં વર્તમાનપત્રો પણ છાપવા લાગ્યો. એક દિવસ તાર માસ્તરના છોકરાને રેલવેના પાટા પરથી મરતો બચાવી લીધો. એના આભાર બદલ તાર માસ્તરે એડિસનને તારનું કામ શિખવાડી દીધું. તેણે ગ્રામોફોન શોધ્યું. તે પોતાના કામમાં એટલો બધો મશગૂલ હતો કે પોતાની પત્નીને પણ ઓળખી ના શક્યો. એડિસને કેટલીય શોધખોળો કરી છે અને દુનિયાનો મહાન વૈજ્ઞાનિક ગણાય છે. તે ભણ્યો ઓછું પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં એણે આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત કરી.
શ્રમ – આજીવિકાનું શિક્ષણ સંપાદન :
મનુષ્ય એવી કલા પણ શીખવી જોઈએ કે પોતાની નોકરી છૂટી જાય તો પણ સામાન્ય સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી શકે. કુંતામાતાએ પાંડવોના ઉછેર સમયે એ દિશામાં પહેલેથી જ ધ્યાન રાખ્યું હતું. જે તેમને વનવાસ સમયે કામ લાગ્યું. ભીમે રસોઈયાનું કામ, અર્જુને નૃત્યકારનું અને દ્રૌપદીએ દાસીનું કામ કર્યું. આ રીતે તેમણે વિરાટનગરમાં પોતપોતાનાં કૌશલ્યોને અનુરૂપ કામ મેળવી લીધું હતું. આ રીતે એક વર્ષનો ગુપ્ત વનવાસ પુરો કર્યો.
પ્રતિભાવો