ઉપાસના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ
March 29, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
ઉપાસના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે ?
આપ આસ્તિક વૃત્તિ ધરાવતી વ્યક્તિ છો , આ જ કારણે આપે આ પુસ્તકને જિજ્ઞાસાવશ પોતાના હાથમાં લીધું છે . એટલા માટે હવે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરું છું કે ઉપાસના આપણા સૌના જીવનની અનિવાર્ય જરૂરિયાત શા માટે છે ?
( ૧ ) તેની આવશ્યકતા એટલા માટે છે કે ઉપાસના વગર આપણે એ ભૂલતા જઈએ છીએ કે ઈશ્વરે આપણને મનુષ્યયોનિમાં શા માટે જન્મ આપ્યો છે . આવું ઉત્કૃષ્ટ જીવન આપવા પાછળ તેનો ઉદ્દેશ શું છે ? આ વાસ્તવિકતાને ભૂલી જવાના કારણે જ આપણે સાચા રસ્તા પરથી વારંવાર ભૂલા પડી જઈએ છીએ અને એવા રસ્તે વળી જઈએ છીએ કે જે આપણને પશુઓ જેવા જીવન તરફ લઈ જાય છે . આ રખડપટ્ટીમાં આપણે આપણું મૂલ્યવાન મનુષ્યજીવન ગુમાવી દઈએ છીએ . એટલા માટે સાચો રસ્તો દેખાડવામાં જે સમર્થ છે એવી ઉપાસનાને , ઈશ્વરની નજીક બેસવાને આપણે અનિવાર્ય કર્મ માનવું જોઈએ . આપણે નિયમિત દરરોજ ઉપાસના કરવી જોઈએ .
( ૨ ) મનુષ્યજન્મ પ્રાપ્ત કરવાનો અર્થ એટલો જ નથી કે આપણે ખાઈપીને મોજમજા કરીએ . આ મૂલ્યવાન શરીર દ્વારા ખૂબ જ મહત્ત્વનાં કાર્યો પણ કરી શકીએ એ માટે ભગવાને એમાં અદ્ભુત ક્ષમતાઓથી ભરેલ બુદ્ધિ અને સંવેદનાઓ ઉપજાવનાર હૃદય નામનું સાધન પણ આપ્યું છે . બીજાં પ્રાણીઓની પાસે આ ભાવસંવેદના નથી . એટલા માટે તેઓ બિચારાં ગમે તે રીતે પેટ ભરીને જીવતાં રહેવા અને પોતાના જેવાં બચ્ચાં પેદા કરવા સિવાય બીજું કંઈપણ કરી શકતાં નથી .
આપણે એવું વિચારીએ કે આપણે પણ શું નિર્બળ પ્રાણીઓની જેમ કેવળ પેટ અને પ્રજનન પાછળ જ પોતાનું જીવન વિતાવી દઈશું ? શું આપણે ઈશ્વરે આપેલ આ અનુપમ , અદ્ભુત અને અમૂલ્ય ભેટને વધુમાં વધુ પૈસા કમાવામાં જ હોમી દઈશું ? શું એટલા માટે આ દુર્લભ મનુષ્યજીવન પ્રાપ્ત કર્યું છે ? આ પ્રશ્નો પર આપણે વારંવાર ગંભીર વિચાર કરવો જોઈએ .
પરંતુ અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ વાત પર વિચાર કરવા , પોતાની ભૂલોને ઓળખવા , પોતાની શક્તિનો સાચો ઉપયોગ જાણવા માટે , મનુષ્યજીવન આપવાનો ભગવાનનો ઉદ્દેશ સમજવા માટે આપણને કોણ વારંવાર જગાડતું અને પ્રેરિત કરતું રહે ? નિત આપણને કોણ પ્રેમપૂર્વક યા વઢીને સમજાવે ?
આવું કરવામાં ઉપાસના સમર્થ છે . એટલા માટે ઉજ્જવળ જીવન તરફ આગળ વધવા માટે ઉપાસનાની અનિવાર્ય જરૂરિયાત છે .
( ૩ ) હવે આપણે જોઈએ કે આ ઉપાસના કેવી રીતે અદ્ભુત પ્રેરણા આપે છે ? “ ૐ નમઃ શિવાય ” મંત્ર નમ્ર અને કલ્યાણકારી જીવન જીવવાનો ઉત્સાહ વધારે છે . “ નમો અરિહંતાણમ્’’ કામ , ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરવા માટે આવાહન કરે છે . શીખધર્મનો “ શબદ’અને ખ્રિસ્તીધર્મની “ સામ ” પ્રાર્થનાઓ જીવનની શુષ્કતાને ઈશ્વરની મધુરતાથી સીંચે છે . એમના દ્વારા પ્રાપ્ત થતી પવિત્રતા અને શાંતિ ધગધગતા મન પર શીતળ મલમ લગાવે છે ત્યારે નીરસ હૃદયમાં કૃતજ્ઞતા અને ઉમંગ વધવા લાગે છે . એટલે જે જીવનને ઉમંગનો રસ્તો બતાવે , એની ઉપર ચલાવે એવી પ્રાર્થના અને ઉપાસના આપણા જીવન માટે અનિવાર્ય છે .
( ૪ ) જેવી રીતે આપણે ગંદકી અને નુકસાનકારક કીટાણુઓથી પોતાના મકાનને બચાવવા અને આનંદ પ્રાપ્ત કરવા માટે એમાં દરરોજ કચરો વાળતા રહીએ છીએ , તેને સ્વચ્છ તથા સુંદર બનાવીએ છીએ , એવી જ રીતે આપણા મનમાં આવતા વિચારોની ગંદકીને અને હ્રદયમાં જાગતી અધમ તથા અનૈતિક ભાવનાઓની દુર્ગંધને દૂર કરવા માટે , મન અને હૃદયને ઈશ્વરની પવિત્રતા અને સુગંધથી ભરી દેવા માટે આપણે નિત ઉપાસનાનો નિશ્ચય કરવો જ જોઈએ.
પ્રતિભાવો