વિધિવિધાનને શિથિલ પણ કરી શકાય,સાધના આંદોલન પર એક દૃષ્ટિ
March 30, 2022 Leave a comment
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
વિધિવિધાનને શિથિલ પણ કરી શકાય
પ્રથમ વાર જ લખતાં શીખી રહેલ બાળકો અ , આ , ઇ , ઈ લખવાનો મહાવરો પાડે છે અને ક્યારેક ક્યારેક ઊભી લીટી છોડી દે છે , તો ક્યારેક આડી લીટી છોડી દે છે , છતાં પણ શિક્ષક તેને ખોટું માનતા નથી , કારણ કે શિક્ષક જાણે છે કે દરરોજ અભ્યાસ દ્વારા બાળકો ધીરેધીરે પ્રગતિ કરતાં જશે , બિલકુલ સાચા અને સુંદર અક્ષરો કાઢવા લાગશે , પછી શબ્દ અને વાક્યો પણ લખવામાં સમર્થ બની જશે .
પ્રત્યેક નવી વાત શીખવા માટે આ જ પદ્ધતિ છે . એટલા માટે આરંભથી જ કઠોર નિયમો લાગુ પાડવામાં આવતા નથી . ઉપાસના પદ્ધતિ શીખનારી નવી વ્યક્તિઓ માટે બાળકની જેમ નિયમોને શિથિલ કરવા જરૂરી હોય છે . જેઓ પ્રથમ વાર જ ઉપાસના કેવી રીતે કરવી તે શીખવા ઇચ્છે છે અથવા જેઓ પોતાનાં નોકરીધંધા પાછળ વધારે વ્યસ્ત રહેવાના કારણે ઉપાસના માટે વધુ સમય કાઢી શકતા નથી તેઓ આ શ્રેણીમાં આવે છે . એટલા માટે તેમને શરૂઆતમાં ઉપાસનાના લાંબા વિધિવિધાનથી મુક્ત રાખવા જોઈએ .
ઉપાસનાના વિધિવિધાન માટે મુખ્ય ચાર નિયમો છે , જેમ કે ( ૧ ) નિશ્ચિત સમય ( ૨ ) પવિત્ર જગ્યા ( ૩ ) શુદ્ધ શરીર અને શુદ્ધ કપડાં પહેરી ( ૪ ) ષટ્કર્મ અને દેવપૂજન કરો , પરંતુ નવા ઉપાસકો અને વ્યસ્ત વ્યક્તિઓ માટે આ તથા અન્ય નિયમો નિભાવવા શક્ય નથી . તેઓ પણ ઉપાસના કરી શકે એ માટે તેમને ઉપાસનાનો નાનો અને સરળ માર્ગ બતાવવો જોઈએ , તો જ તેઓ તે અપનાવશે .
ઉપાસનાનો સરળ માર્ગ
ઉપાસનાને સરળ તથા સુલભ બનાવવા માટે કેટલાંક સૂચનો નીચે આપવામાં આવ્યાં છે . ઉપાસનાના સમયને ઓછો કરવામાં તથા તેને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં તો તે મદદરૂપ છે, પરંતુ સાથે સાથે તે ઉપાસનાનાં મૂળ તત્ત્વોને પણ જોડી રાખે છે , એટલા માટે ખેડૂત અને વ્યાપારી વર્ગના લોકો તથા કામકાજમાં અત્યંત વ્યસ્ત રહેતી બહેનો તથા પુરુષોને ઉપરોક્ત ચાર નિયમોમાં આ પ્રમાણે છૂટ આપો –
( ૧ ) સમયબદ્ધતા :- શરૂઆતમાં નિશ્ચિત સમયનું બંધન હળવું રાખો . આપને જયારે નવરાશ મળે ત્યારે ૫-૧૦ મિનિટ યા વધુ ઉપાસના કરો .
( ૨ ) જગ્યાની પવિત્રતાઃ- ઘરમાં , ખેતરના શેઢા પર , દુકાન ચા ઓફિસમાં , પ્રવાસમાં હો ત્યારે બેસવા માટે જમીન , ખેંચ , ખુરશી કે પથારી જે કંઈ માધ્યમ મળી રહે એની ઉપર બેસીને ઉપાસના કરો . શરૂઆતના તબક્કામાં ચોકક્સ જગ્યાના નિયમનું પાલન મોકુફ રાખો .
( ૩ ) શારીરિક શુદ્ધતા : – સંભવ હોય તો સ્નાન કરી લો , ધોયેલાં કપડાં પહેરી લીધા પછી જ ઉપાસના કરી , એ સંભવ ન હોય , તો હાથ , પગ , મોઢું ધોઈ લો અને ઉપાસના કરો .
( ૪ ) ષટ્કર્મ અને દેવપૂજન : – પટ્કર્મ- દેવપૂજનની ક્રિયાઓ મનને શાંત અને એકાગ્ર બનાવે છે , ઈશ્વરનું ચિંતન કરવામાં મદદરૂપ નીવડે છે , પરંતુ આ પદ્ધતિ માટે વધુ સમય અને ચીજવસ્તુઓ જોઈએ . આથી એના બદલે આપ સાધના શરૂ કરતાં પહેલાં ૧-૨ મિનિટ માટે આ બે પ્રયત્નો કરો : –
( ૧ ) પોતાના મનને શાંત કરો .
( ૨ ) ઈશ્વર પ્રત્યે આત્મીયતાનો ભાવ જગાડો .
પછી જ સાધના કરો . આ બે પ્રયત્નો કેવી રીતે કરવા એની રીત આગળ આપવામાં આવી છે . આ રીતે આપ આપની ઉપાસનાને સહજ , સુલભ અને ઓછા સમયની બનાવી શકો છો .
ઉપાસના કરવાની રીત
સગવડતાની દૃષ્ટિએ તથા સાધકની કક્ષાની દૃષ્ટિએ આ પુસ્તકને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે . પ્રથમ ભાગમાં સાધના કરવાનું સરળ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને બીજા ભાગમાં સાધનાનું વિકસિત સ્વરૂપ આપવામાં આવ્યું છે .
એટલા માટે આપ પહેલાં પ્રથમ ભાગમાં બતાવવામાં આવેલ સાધના કરવાની રીત અપનાવો . જ્યારે પ્રથમ ભાગનો અભ્યાસ પાકો થઈ જાય અને સાધના કરવામાં મન લાગવા માંડે ત્યારે આપ બીજા ભાગમાં બતાવવામાં આવેલ પદ્ધતિ પ્રમાણે પોતાની સાધનાને આગળ વધારો , જેમને સાધના કરવાનો અનુભવ હોય તેઓ જ બીજા ભાગ પ્રમાણે ઉપાસના કરે .
આ રીતે આપ સાધનાના એક એક ભાગને ક્રમબદ્ધ રીતે સાધતાં સાધતાં જ્યારે પોતાના વિચારો અને વ્યવહારને પણ સાધવા લાગશો ત્યારે આપની ઉપાસના ‘ સાધના ’ રૂપે વિકાસ પામવા લાગશે . . મનુષ્યજીવન ધારણ કરવાનો ઉદ્દેશ સમજાવા લાગશે અને જીવન જીવવાની કળાનો અભ્યાસ થવા લાગશે .
ઉજ્જવળ જીવનની દિશામાં આપ આગળ વધો . પ્રથમ ખંડમાં રજૂ કરવામાં આવેલી પ્રાર્થના દરરોજ નિયમપૂર્વક કરતા રહો .
પ્રતિભાવો