દાન પુણ્ય સાધના આંદોલન પર એક દૃષ્ટિ
April 13, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
દાનપુણ્ય
યોગ્ય દક્ષિણા આપવાથી જ ઉપાસના અને યજ્ઞનું કર્મ સફળ થાય છે. એટલા માટે દાન પુણ્ય દ્વારા જ ઉપાસનાનું સમાપન કરો. પોતાનાં બાળકો પાસે દાનપુણ્ય અપાવી તેમને સંસ્કારવાન બનાવો. દાન જેવું સેવાનું મહાન કાર્ય અહંકારનું વિષ દૂર કરે છે. આથી આગળના અભ્યાસ અંતર્ગત આપવામાં આવેલ પ્રેરણાદાયક વાક્યો યાદ કરી લો, બાળકોને પણ યાદ કરાવી દો.
સૂચનો –
(૧) નમ્રતાપૂર્વક અભ્યાસ કરો.
(૨) સેવાનો સુયોગ માની આ અભ્યાસ કરો.
(૩) પ્રેમપૂર્વક મીઠી વાણીનો ઉપયોગ કરી ઉત્સાહ જગાડી બાળકો પાસે આ અભ્યાસ કરાવો.
અભ્યાસ
(૧) માટીનું એક વાસણ લઈને તેને પીળા રંગથી રંગી તેની ઉપર સ્વસ્તિક બનાવી તેને સુંદર રીતે સુશોભિત કરો. લાકડાનો બાજઠ લો યા ઈંટો ગોઠવી બાજઠ જેવો આકાર બનાવો. તેને પૂજાસ્થાનની બાજુમાં સ્થાપો. આ ધર્મઘટ છે.
(૨) બાજઠની બાજુમાં બીજા વાસણમાં સાફ કરેલું કોઈ પણ અનાજ ભરી રાખો, જેનો આપ સ્વયં ઉપયોગ કરતા હો.
(૩) અર્ધ્ય અર્પણ કર્યા બાદ નાનાં બાળકોમાંથી જે સૌથી મોટું હોય (છોકરો કે છોકરી) તેને પ્રેમપૂર્વક ધર્મઘટ પાસે લઈ જાઓ. ઢાંકણું ખોલો.
(૪) વાસણમાંથી અનાજ બહાર કાઢો. પહેલાં બાળકનો ખોબો ભરો, પછી પોતાનો.
(૫) હવે આપ શ્રદ્ધાપૂર્વક બોલો, “પહેલાં બીજાઓને અન્ન, બાદમાં આપણા માટે’’ આમ કહી પોતાના ખોબામાં રહેલ અનાજને ધર્મઘટમાં નાંખો.
(૬) બાળકને પણ પ્રેમપૂર્વક એવું કહેવા અને કરવા માટે કહો. બાળક પાસે તેના ખોબામાંનું અનાજ ધર્મઘટમાં નંખાવો. બાળક જો ભૂલ કરે, તો તેને પ્રેમપૂર્વક સમજાવો.
(૭) ઢાંકણું બંધ કરો.
આ દાનપુણ્યનું કાર્ય કરી લીધા પછી સવારની ઉપાસનાનો કાર્યક્રમ પૂરો થઈ જાય છે. વધુ માહિતી
(૧) અન્ન અને ધર્મઘટની વ્યવસ્થા સૌથી ઉત્તમ છે, પરંતુ એમાં જો મુશ્કેલીનો અનુભવ થાય, તો બદલામાં રૂપિયાના સિક્કા અને બંધ ગલ્લાનો ઉપયોગ કરી શકાય. એ ગલ્લામાં સિક્કાઓ નાખતાં આપ પણ બોલો અને છોકરા કે છોકરીને પણ એ બોલવા જણાવો, “અમારાં સાધનો પ્રથમ સેવાના કામમાં વપરાય, ત્યાર પછી જ સ્વાર્થના કામમાં વપરાય.
(૨) છોકરા કે છોકરી વચ્ચે કોઈ ભેદ ન રાખો. બાળકોમાં જે સૌથી મોટું હોય તેની પાસે પૈસા યા અનાજ ધર્મઘટમાં નંખાવો. જો નાનાં બાળકો ન હોય, તો જાતે જ આ દાનપુણ્યનો ક્રમ પૂરો કરો.
પ્રતિભાવો