૧. સૂનકારના સાથીઓ એક સમર્થ સિદ્ધપુરુષના સાંનિધ્ય – શ્રીરામ શર્મા આચાર્ય
May 18, 2022 Leave a comment
સૂનકારના સાથીઓ એક સમર્થ સિદ્ધપુરુષના સાંનિધ્ય – શ્રીરામ શર્મા આચાર્ય
મારા જીવનને આરંભથી અંત સુધી એક સમર્થ સિદ્ધપુરુષના સાંનિધ્યમાં ક્રિયાશીલ રહેવાનો અવસર મળ્યો તેને એક સૌભાગ્ય કે સંજોગ માનું છું. તે મહાન પથદર્શક મને જે જે આદેશ આપ્યા તેમાં મારા જીવનની સફળતા અને લોકમંગલનો ઉચ્ચ હેતુ જ કારણભૂત રહ્યાં છે.
પંદર વર્ષની કુમળી વયે જ તેમની કૃપા વરસવી શરૂ થઈ. સાથોસાથ એક મહાન ગુરુના ગૌરવને છાજે એવા શિષ્ય બનવા મેં પણ એવા જ પ્રયત્નો આદર્યા. એક રીતે એ મહાન સત્તાને મારું જીવન સમર્પી દીધું, આત્મસમર્પણ કરી દીધું. કઠપૂતળીની જેમ જ મારી શારીરિક અને ભાવનાત્મક કાર્યક્ષમતા તેમનાં ચરણોમાં અર્પણ કરી દીધી. જે જે હુકમો મળ્યા તેમને પૂરી શ્રદ્ધાથી શિરોધાર્ય માની તે મુજબ જ કામ કરતો રહ્યો. આ ક્રમ અત્યાર સુધી ચાલુ જ રહ્યો છે. મારાં આ બધાં કાર્યો માટે એક કઠપૂતળીની ઊછળકૂદનું વિશેષણ જ યોગ્ય ગણાય.
પંદર વર્ષ પૂરાં કરી સોળમા વર્ષમાં પ્રવેશતી વખતે જ દિવ્ય સાક્ષાત્કાર થયો. આ પ્રસંગને હું તે દિવ્ય શક્તિમાં સમાઈ ગયો અથવા હું તેનામાં ભળી ગયો એમ મૂલવી શકાય. શરૂઆતમાં ચોવીસ વર્ષ સુધી જવની રોટલી અને છાશના ખોરાક પર અખંડ દીપક સમક્ષ ૨૪ ગાયત્રી મહાપુરશ્ચરણ કરવાની આજ્ઞા મળી. તે સફળતાપૂર્વક પૂર્ણ કરી. ત્યારબાદ દસ વર્ષ સુધી સમાજમાં ધાર્મિક ચેતના ઉત્પન્ન કરવા પ્રચાર, સંગઠન, લેખન, પ્રવચન અને રચનાત્મક કાર્યોની હારમાળા ચાલી. દસ હજારથી વધુ શાખાઓનો ગાયત્રી પરિવાર ઉદ્ભવ્યો. આ વર્ષોમાં એક એવું સંઘતંત્ર ઊભું થયું, જેને હું નવનિર્માણ માટેનો ઉપયોગી પાયો ગણું છું. ચોવીસ વર્ષની પુરશ્ચરણ સાધનાની તપશક્તિ દસ વર્ષમાં જ ખર્ચાઈ ગઈ. વધુ મહાન જવાબદારીઓ ઉઠાવવા નવી શક્તિની જરૂર પડી. આ માટે ફરી વાર આદેશ મળ્યો કે આ શરીરે હજુય જ્યાંથી આત્મચેતનાનો શક્તિપ્રવાહ વહી રહ્યો છે તેવા હિમાલયનાં દિવ્ય સ્થાનોમાં રહીને વિશિષ્ટ સાધના કરવી. અન્ય આદેશોની જેમ આ આદેશને પણ મેં માથે ચડાવ્યો.
સન ૧૯૫૮માં એક વર્ષ માટે હિમાલયમાં તપશ્ચર્યા કરવા પ્રયાણ કર્યું. ગંગોત્રીમાં રાજા ભગીરથના તપસ્થાન પર અને ઉત્તરકાશીમાં પરશુરામના તપસ્થાન પર આ એક વર્ષની સાધના પૂર્ણ કરી. ભગીરથની તપસ્યા ગંગાવતરણ કરાવી શકી હતી અને પરશુરામની તપસ્યા દિગ્વિજયી મહાપરશુ પેદા કરી શકી હતી. નવનિર્માણના મહાન હેતુ માટે મારી આ તપસ્યાનાં થોડાંક પણ ફળ કામ આવશે તો એને મારી સાધનાની સફળતા સમજીશ.
એક વર્ષની તપસાધના માટે ગંગોત્રી જતાં રસ્તામાં ઘણા વિચારો ઉદ્ભવ્યા. જ્યાં જ્યાં રહેવાનું થયું ત્યાં ત્યાં સ્વભાવ અનુસાર મનમાં ભાવભરી લહેરો હિલોળા લેતી રહી. લખવાનું વ્યસન હોવાથી આ અદ્ભુત અનુભૂતિઓ પર લખાતું રહ્યું. આમાંથી કેટલીક એવી હતી, જેમનો રસાસ્વાદ અન્ય વ્યક્તિઓ કરે તો ચોક્કસ એમને લાભ થાય. આ અનુભૂતિઓ એવી હતી, જેમને મારી હયાતી દરમિયાન છપાવવી ઉચિત ન લાગતાં છપાવી નથી. એ દિવસોમાં ‘સાધકની ડાયરીનાં પાનાં’,‘સૂનકારના સાથીઓ’ વગેરે શીર્ષકથી જે લેખ ‘અખંડજ્યોતિ’માં છપાવ્યા તે વાચકોને ઘણા પસંદ પડ્યા. વાત જૂની થઈ ગયેલી હતી, છતાં લોકો અત્યારે પણ વાંચવા ખૂબ જ ઉત્સુક છે. એટલે આ બધા લેખોને પુસ્તકાકારે પ્રકાશિત કરવાનું યોગ્ય માન્યું. તેના ફળસ્વરૂપે આ પુસ્તક છપાયું. બનાવોની હારમાળા ચોક્કસ જૂની છે, પણ તે દિવસોમાંય જે વિચારો તથા અનુભૂતિઓ ઉદ્ભવ્યાં તે શાશ્વત છે, ચિરંજીવ છે. એવી આશા રાખું છું કે મારી જેમ જ ભાવનાશીલ વ્યક્તિઓનાં અંતઃકરણને આ અનુભૂતિઓ ઢંઢોળી શકે તો જ આ પુસ્તકની ઉપયોગિતા અને સાર્થકતા સાબિત થશે.
એક વિશેષ લેખ આ પુસ્તકમાં છે-હિમાલયના હૃદયનું વિવેચન. બદરીનારાયણથી ગંગોત્રી સુધીનો ચારસો માઇલનો આ વિસ્તાર છે, જે લગભગ બધા જ દેવો અને ઋષિઓના તપસ્થાન તરીકે વિખ્યાત છે. આને જ ધરતીનું સ્વર્ગ કહી શકીએ. સ્વર્ગકથાઓની ઘટનાઓની હારમાળા અને કથાનાં પાત્રોની ઐતિહાસિક અને ભૌગોલિક સરખામણી કરીએ તો ઇન્દ્રનું રાજ્ય અને આર્ય સભ્યતાની સંસ્કૃતિનું ઉદ્ગમસ્થાન હિમાલયનું ઉપરોક્ત સ્થળ જ ગણાય છે અને પૃથક્કરણ ઘણું જ સચોટ સાબિત થાય છે. હવે ત્યાં બરફ પડવા માંડ્યો છે. ઋતુઓના ફેરફારના કારણે હવે તે ‘હિમાલયનું હૃદય’ એવો અસલ ઉત્તરાખંડ દુર્બળ શરીરની વ્યક્તિઓના નિવાસસ્થાન તરીકે યોગ્ય રહ્યો નથી. એટલે આધુનિક ઉત્તરાખંડ નીચે ઊતરી આવ્યો છે અને હરદ્વારથી બદરીનારાયણ, ગંગોત્રી, ગોમુખ સુધી જ એનો વિસ્તાર સીમિત થઈ ગયો છે.
‘હિમાલયનું હૃદય’ ક્ષેત્રમાં પ્રાચીન સ્વર્ગની વિશેષતા હયાત છે, તો સાથે સાથે તપસ્યાથી પ્રભાવિત આધ્યાત્મિક ક્ષેત્રો પણ મોજૂદ છે. આપણા પથદર્શક ઋષિઓ ત્યાં રહીને આ અનુપમ ભૂમિમાંથી દિવ્ય ચેતના પ્રાપ્ત કરી રહ્યા છે. થોડા સમય માટે મને પણ ત્યાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એ દિવ્ય સ્થાનો મેં પણ નિહાળ્યાં. એમનું જે દર્શન મેં કર્યું તેનું વર્ણન ‘અખંડજ્યોતિ’માં પ્રકાશિત કર્યું હતું. એ લેખ પણ અનોખો જ હતો. તેનાથી સંસારના એક એવા સ્થળની માહિતી મળે છે કે જેને આપણે આત્મશક્તિનું ધ્રુવકેન્દ્ર કહી શકીએ. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં વિશેષ શક્તિ છે. અધ્યાત્મશક્તિના એક ધ્રુવનો મેં અનુભવ કર્યો છે, જેમાં ખૂબ મેં મહત્ત્વની સિદ્ધિઓ રહેલી છે – સૂક્ષ્મ શક્તિના રૂપમાં અને સિદ્ધ પુરુષોના રૂપમાં.
આ દિવ્ય કેન્દ્ર તરફ લોકોનું ધ્યાન ખેંચાયેલું રહે એ માટે એનો પરિચય હોવો જોઈએ. આ માહિતી આ પુસ્તકના બીજા ભાગ ‘ગંગાનો ખોળો – હિમાલયનો છાંયો’માં આપી છે. બ્રહ્મવર્ચસ, શાંતિકુંજ, ગાયત્રીનગરનું નિર્માણ ઉત્તરાખંડના પ્રવેશદ્વારમાં રાખવાનો આ જ એક હેતુ છે. લોકોએ અહીં આવીને અગમ્ય શાંતિ પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં પણ આનું મહત્ત્વ ખૂબ વધશે તેવી શક્યતા અસ્થાને નથી અને લોકો ભવિષ્યમાં આનાથી આશ્ચર્યચકિત થયા વિના રહેશે નહિ.
પ્રતિભાવો