૨. સૂનકારના સાથીઓ મારો અજ્ઞાતવાસ અને તપસાધનાનો હેતુ – શ્રીરામ શર્મા આચાર્ય
May 19, 2022 Leave a comment
સૂનકારના સાથીઓ મારો અજ્ઞાતવાસ અને તપસાધનાનો હેતુ – શ્રીરામ શર્મા આચાર્ય
તપમાં અપાર શક્તિ છે. આ જગતમાં સૌથી વધુ શક્તિસંપન્ન તત્ત્વનું મૂળ તપમાં જ સમાયેલું છે. સૂર્ય તપે છે એટલે તે સમસ્ત વિશ્વને જીવન પ્રદાન કરનાર પ્રાણભંડારનો માલિક છે. ઉનાળાના ધોમધખતા તાપથી વાયુમંડળ ગરમ થાય છે ત્યારે જ મંગળકારી વરસાદ થાય છે. સોનું પણ તપીને જ સાચું, તેજસ્વી અને કીમતી બને છે. બધી ધાતુઓ જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે દૂષિત અને ભેળસેળવાળી તેમ જ કાચી હોય છે, પરંતુ તેમને કેટલીયવાર ભઠ્ઠીમાં તપાવીએ, ઓગાળીએ અને ગાળીએ છીએ ત્યારે જ તે શુદ્ધ અને કીમતી બને છે. કાચી માટીમાંથી બનેલાં રમકડાં કાચાં હોય છે અને સહેજ ટક્કર લાગતાં જ તે તૂટી જાય છે. ભઠ્ઠીમાં તપાવ્યા બાદ તે મજબૂત અને પાકાં, લાલ રંગનાં બને છે. કાચી ઈંટો ભઠ્ઠામાં તપાવ્યા અને પકવ્યા બાદ પથ્થર જેવી કઠણ થઈ જાય છે. મામૂલી કાંકરા પકવ્યા બાદ ચૂનો બને છે, જેના વડે વિશાળ મહેલો બને છે, જે સેંકડો વર્ષ સુધી ઊભા રહી શકે છે.
મામૂલી અબરખને જ્યારે અગ્નિમાં સો વાર તપાવીએ છીએ ત્યારે તેમાંથી ચંદ્રોદય રસ બને છે. કેટલીયવાર અગ્નિમાં બાળ્યા પછી જ ધાતુઓની મૂલ્યવાન ભસ્મ તૈયાર થાય છે, જેના યોગ્ય ઉપયોગથી દુ:ખદાયક રોગોથી મુક્ત થઈ રોગી અને અશક્ત વ્યક્તિઓ પુનર્જીવન મેળવે છે. સામાન્ય રીતે કાચાં અનાજ, શાક, દાળ વગેરે અપાચ્ય અને અરુચિકર હોય છે, તેમ જ સ્વાદિષ્ટ પણ લાગતાં નથી. રાંધવાની ક્રિયામાં ગરમ થયા બાદ જ તે સુપાચ્ય, રુચિકર અને સ્વાદિષ્ટ બને છે. ધોબીની ભઠ્ઠીમાં ઉકાળ્યા બાદ જ મેલાં કપડાં સ્વચ્છ અને ઊજળાં થાય છે. પેટના જઠરાગ્નિ દ્વારા પચાવેલું અનાજ હાડકાં અને લોહીનું રૂપ ધારણ કરી આપણા શરીરનો ભાગ બને છે. જો આ અગ્નિસંસ્કારની, તપવાની ક્રિયા બંધ થાય તો નિશ્ચિતરૂપે વિકાસનો સમગ્ર ક્રમ જ બંધ થઈ જાય.
પ્રકૃતિ તપે છે એટલે સૃષ્ટિની બધી જ સંચાલનવ્યવસ્થા ચાલે છે. જીવ તપે છે એટલે જ એના ગર્ભમાં સુષુપ્ત પડેલાં પુરુષાર્થ, પરાક્રમ, સાહસ, ઉત્સાહ, ઉલ્લાસ, જ્ઞાનવિજ્ઞાન જેવાં રત્નોની હારમાળા સ્ફૂરે છે. માતા પોતાના અંડકોષ અને ગર્ભને શરીરની ગરમીથી પકવી બાળકને જન્મ આપે છે. જે વ્યક્તિઓએ સુષુપ્તાવસ્થામાંથી આસમાને પહોંચવાની, ખાવા-સૂવા કરતાં કંઈક નવું અને વધારે કરવાની ઇચ્છા રાખી છે તે બધાંએ તપ કરવું જ પડ્યું છે. સંસારમાં અનેક પુરુષાર્થી, પરાક્રમી અને ઇતિહાસનાં પાનાં પર સુવર્ણાક્ષરે અંકિત થયેલા મહાપુરુષોએ કોઈ ને કોઈ રૂપે તપ કરવાં જ પડ્યાં છે. ખેડૂત, વિદ્યાર્થી, મજૂર, વૈજ્ઞાનિક, નેતા, વિદ્વાન, ઉદ્યોગપતિ, કારીગર વગેરેમાં એ લોકો જ સફળ થયા છે, જેમણે કઠોર પરિશ્રમ અને કઠોર તપસ્યાની નીતિ અપનાવી છે. જો એ લોકો આળસ, પ્રમાદ, શિથિલતા તેમ જ વિલાસમાં પડ્યા રહ્યા હોત તો સિદ્ધિઓના શિખરે ન પહોંચ્યા હોત.
બધા પ્રકારના પુરુષાર્થોમાં આધ્યાત્મિક પુરુષાર્થનું મહત્ત્વ સૌથી વધારે છે. જે રીતે સામાન્ય સંપત્તિ કરતાં આધ્યાત્મિક સંપત્તિ વધુ મહત્ત્વની છે તે જ રીતે આધ્યાત્મિક પુરુષાર્થનું મહત્ત્વ વધારે છે. ધન, બુદ્ધિ, બળ વગેરેના આધારે કેટલીય વ્યક્તિઓ ઉન્નતિ કરી સુખી તેમ જ પ્રતિષ્ઠિત બની છે, પરંતુ જેમણે આધ્યાત્મિક બળ મેળવ્યું છે એમણે પેલી વ્યક્તિઓ કરતાં કંઈ કેટલુંય વધારે પ્રાપ્ત કર્યું છે. પિત્તળ તેમ જ સોનામાં તથા કાચ અને રત્નમાં જે અંતર છે તે જ અંતર સાંસારિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ વચ્ચે છે. આ સંસારમાં ધનવાન, શેઠ, અમીર, ઉમરાવ, ગુણવાન, વૈજ્ઞાનિક તથા કલાકાર ઘણા છે, પણ એમની સરખામણી જેમણે સમગ્ર સંસારના હિતને ધ્યાનમાં લીધું છે એવા આધ્યાત્મિક પુરુષાર્થીઓ સાથે ન થઈ શકે. પ્રાચીનકાળમાં પણ બધા સમજુ લોકો, રાજાઓ વગેરે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા કઠોર સાધના માટે નાની ઉંમરમાં જ ઋષિઓના આશ્રમોમાં, ગુરુકુળોમાં મોકલી દેતા, જેથી એ બાળકો મોટા થઈને મહાપુરુષોની હરોળમાં આવે.
સંસારમાં જે જે મહાન કાર્યોસિદ્ધ થયાં છે તેની પાછળ તપશ્ચર્યાની તાકાત ચોક્કસપણે રહેલી છે. આપણો દેશ દેવતાઓ અને નવરત્નોનો દેશ રહ્યો છે. આ ભારતભૂમિ સ્વર્ગથી પણ મહાન ગણાય છે. જ્ઞાન, પરાક્રમ અને સંપત્તિની દૃષ્ટિથી આ દેશ અનાદિકાળથી વિશ્વનો મુગટમણિ રહ્યો છે. ઉન્નતિના શિખરે પહોંચવાનું કારણ અહીંના લોકોની પ્રચંડ તપશ્ચર્યા જ છે. આળસુ, વિલાસી, સ્વાર્થી અને લોભી લોકોને અહીં સદાય તિરસ્કાર જ મળ્યો છે. તપશક્તિની મહત્તાને અહીંના લોકોએ ઓળખી અને તે મુજબ કરવાની તત્પરતા બતાવી ત્યારે જ આ ભારત દેશને જગદ્ગુરુઓ, ચક્રવર્તી શાસકો અને સંપત્તિ મેળવવાનું માન મળ્યું.
આપણા ભૂતકાળના ઇતિહાસ પર નજર કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે ભારતનો બહુમુખી વિકાસ તપશ્ચર્યા પર જ આધારિત રહ્યો છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૃષ્ટિનિર્માણ પહેલાં વિષ્ણુ ભગવાનની નાભિમાંથી નીકળેલ કમળ પર આસન જમાવી સેંકડો વર્ષ મા ગાયત્રીની ઉપાસનાના આધારે તપ આદર્યાં ત્યારે જ તેમને સૃષ્ટિનિર્માણ અને જ્ઞાનવિજ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ મળી. માનવધર્મના ભગવાન મનુએ પોતાની રાણી શતરૂપા સાથે પ્રચંડ તપ આદર્યા બાદ જ પોતાની મહત્ત્વની જવાબદારી પૂરી કરી હતી. ભગવાન શંકર સ્વયં તપરૂપ હતા. એમનું કર્તવ્ય શરૂઆતથી જ તપસાધનાનું રહ્યું. શેષનાગે તપોબળથી જ આ પૃથ્વીને પોતાના માથા પર ઉઠાવી છે. સાત ઋષિઓએ આ માર્ગે જ લાંબા સમય સુધી કર્તવ્યશીલ રહીને એવી સિદ્ધિ મેળવી, જેથી એમનાં નામ સદાયને માટે અજરઅમર થઈ ગયાં. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પોતપોતાના શિષ્યોના કલ્યાણાર્થે તપસાધનાના આધારે જ માર્ગદર્શન આપી રહ્યા હતા.
નવી સૃષ્ટિ રચનાર વિશ્વામિત્ર અને રઘુવંશના રાજાઓને પેઢીઓ સુધી માર્ગદર્શન આપનાર વશિષ્ઠ ઋષિની ક્ષમતા સાધના અને તપમાં જ સમાયેલી હતી. એકવાર રાજા વિશ્વામિત્ર વનમાં પોતાની સેના લઈને ગયા ત્યારે પોતાની પાસે કંઈ ન હોવા છતાં વશિષ્ઠજીએ સમગ્ર સેનાની રહેવાજમવાની આગતાસ્વાગતા કરી, તો વિશ્વામિત્ર આશ્ચર્યચકિત થયા. કંઈક વાંધો પડતાં શસ્ત્રહીન વશિષ્ઠજી અને વિશાળ સેનાધારી વિશ્વામિત્રને ઝઘડો થયો. ભયંકર યુદ્ધ થયું, પરંતુ અંતે રાજા વિશ્વામિત્રે જ પરાજિત થવું પડ્યું. એમણે ‘ધિક્ બલમ્ ક્ષત્રિય બલમ્ બ્રહ્મ તેજો બલમ્ બલમ્’ની ઘોષણા કરી રાજપાટ છોડી દીધાં અને શક્તિની આરાધના માટે પોતાનું શેષ જીવન સમર્પિત કરી દીધું.
ભગીરથ રાજાના નર્કમાં પડી રહેલા પૂર્વજોના ઉદ્ધાર માટે તેમ જ તરસી ધરતીને તૃપ્ત કરવા, જનસમાજના કલ્યાણ માટે ગંગાવતરણની આવશ્યકતા હતી. આ મહાન હેતુ પૂર્ણ કરવા લૌકિક પુરુષાર્થની નહિ, પણ તપશક્તિની જરૂર હતી. ભગીરથ રાજા કઠોર તપસ્યા કરવા વનમાં ગયા અને પોતાની સાધનાથી ગંગાજીને પ્રભાવિત કરીને તેમને પૃથ્વી પર અવતરવા અને શિવજીને તેમની જટામાં ગંગાજીને ઝીલવા તૈયાર કર્યા. આવું કામ સહેલાઈથી થતું નથી. તપશક્તિએ જ આવું ભગીરથ કાર્ય શક્ય બનાવ્યું છે.
ચ્યવન ઋષિ ઘણાં વર્ષોથી એવું કઠોર તપ કરી રહ્યા હતા કે એમના આખા શરીર પર ઊધઈએ રાફડો બનાવ્યો. ઋષિનું આખું શરીર માટીના ઢગલા જેવું થઈ ગયું. રાજકુમારી સુકન્યાએ ઢગલાનાં છિદ્રોમાં બે ચમકતી ચીજો જોઈ તેમાં કાંટા ભોંકી દીધા. આ ચમકદાર ચીજો તો ચ્યવન ઋષિની આંખો હતી. ચ્યવન ઋષિએ પોતાની અંદર રહેલાં સુષુપ્ત કેન્દ્રોને જાગૃત કરી, પરમાત્માના અખૂટ ભંડારમાંથી પોતે કંઈક મેળવવા લાયક બને તે માટે આવું તપ કરેલું. શુકદેવજી જન્મથી જ સાધનામાં વ્યસ્ત રહ્યા. તેઓ એવું માનતા કે માનવજીવનનો સદુપયોગ તૃષ્ણાજન્ય પ્રલોભનો તેમ જ મન બહેકાવતી બાબતોને દૂરથી જ નમસ્કાર કરી બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મતત્ત્વ જેવા આધ્યાત્મિક હેતુઓ માટે જ કરવો જોઈએ.
સાધારણ રાજકુમારની જેમ ધ્રુવે જો મોજમજાનું જીવન વિતાવ્યું હોત તો તે તપસ્વી બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ ‘ધ્રુવ તારો’ બની પોતાની જાતને અમર બનાવી શક્યા ન હોત. તપસ્વી જીવનમાં એમને એવું રાજપાટ મળ્યું કે પિતાની દયાકૃપાથી પણ આવડું મોટું રાજ્ય ન મળ્યું હોત. ધરતી પર વેરાઈ ગયેલા અન્નકણો વીણી પોતાનો નિર્વાહ કરનાર કણાદ ઋષિ, વડના દૂધ પર નિર્વાહ કરનાર વાલ્મીકિ ઋષિ વગેરે ભૌતિક ભોગવિલાસથી વંચિત તો રહ્યા, પણ તેના બદલામાં તેમને જે કંઈ મળ્યું તે મહાન સંપત્તિ કરતાં સહેજેય ઊતરતું ન હતું.
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે એ સમયના લોકોની દુર્ગતિ દૂર કરવા પોતાની તપસ્યાનો બ્રહ્માસ્ત્રના રૂપમાં ઉપયોગ કર્યો. વ્યાપક હિંસા અને આસુરી વાતાવરણને દયા અને અહિંસામાં ફેરવી નાખ્યું. દુષ્ટતાને હઠાવવા દંડ, દમન અને અસ્ત્રશસ્ત્રનો કે લશ્કરની સહાયનો ઉપયોગ તો સમજી શકાય, પણ તપોબળથી અત્યાચારી શાસકોને પૃથ્વી પરથી ધરમૂળથી નાબૂદ કરવામાં ભગવાન પરશુરામની ફરસી અમોઘ શસ્ત્ર સાબિત થઈ. એનાથી જ એમણે મોટા મોટા સામંતો અને સેનાવાળા રાજાઓને હરાવીને એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી બનાવી. અગસ્ત્ય ઋષિનો ક્રોધ બિચારો સમુદ્ર કેવી રીતે જીરવી શકે ? તેઓ ત્રણ જ ઘૂંટડામાં આખા સમુદ્રનું પાણી પી ગયા. દેવો જ્યારે કોઈ પણ રીતે દાનવોને હરાવી ન શક્યા ત્યારે ઇન્દ્ર ભગવાને દધીચિ ઋષિનાં તેજસ્વી હાડકાંનું વજ્ર બનાવી દેવોને ઉગાર્યા.
પુરાતનકાળમાં જેમનામાં તિતિક્ષા તેમ જ મુશ્કેલીઓ સહન કરવાની ક્ષમતા હતી તેઓ જ વિદ્યાને લાયક ગણાતા હતા. આવા લોકોના હાથમાં પહોંચેલી વિદ્યા દ્વારા જ સંસારને લાભ મળતો હતો. આજે લોભી અને વિલાસી વૃત્તિવાળા માટે જ આ વિદ્યા સરળ બની ગઈ છે. પરિણામે વિદ્યાનો દુરુપયોગ પણ ખૂબ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે અભણની તુલનામાં ભણેલા લોકો જ માનવધર્મથી ઘણા દૂર ધકેલાઈ ગયા છે અને તેઓ અનેક પ્રશ્નો ઊભા કરી સંસારનાં સુખશાંતિ માટે પણ ખતરારૂપ બન્યા છે. પ્રાચીનકાળમાં પ્રત્યેક સમજુ વ્યક્તિ પોતાનાં બાળકોને તપસ્વી બનાવવા માટે ગુરુકુળોમાં મોકલતી હતી અને ગુરુકુળોના સંચાલકો ઘણા લાંબા સમય સુધી વિદ્યાર્થીઓમાં સહનશીલતા જાગૃત કરતા હતા. જે વિદ્યાર્થીઓ પ્રારંભિક પરીક્ષામાં સફળ થતા તેમને જ લાયક ઠેરવી વિદ્યા પ્રદાન કરતા હતા. ઉદ્દાલક, આરુણિ જેવા અસંખ્ય વિદ્યાર્થીઓને કડક પરીક્ષાઓમાં પાસ થવું પડ્યું હતું.
ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા ઉત્સુક કેટલીય વ્યક્તિઓ તપસ્વીઓની કૃપાથી ધન્ય બની છે. શૃંગીઋષિ દ્વારા આયોજિત પુત્રપ્રાપ્તિ યજ્ઞ દ્વારા ત્રણ ત્રણ લગ્ન કરવા છતાં પુત્રસુખ નહિ પામનાર રાજા દશરથને ચાર પુત્ર મળ્યા. રાજા દિલીપે લાંબા સમય સુધી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પત્ની સાથે રહી ગાયો ચરાવી એમની કૃપા મેળવી, જેના ફળસ્વરૂપે તેમનો વંશવેલો પાંગર્યો. પાંડુરાજા નિઃસંતાન હતા. વ્યાસજીના આશીર્વાદથી પરમ પ્રતાપી પાંચ પાંડવો ઉત્પન્ન થયા. સ્વ. શ્રી જવાહરલાલ નહેરુની બાબતમાં કહેવાય છે કે તેમના પિતા મોતીલાલ નહેરુ જ્યારે લાંબા સમય સુધી નિઃસંતાન હતા ત્યારે તેમની ચિંતા દૂર કરવા હિમાલય નિવાસી એક તપસ્વીએ પોતાના શરીરનો ત્યાગ કરીને તેમનો મનોરથ પૂર્ણ કર્યો. કેટલાય ઋષિકુમારો પોતાનાં માબાપની પ્રચંડ આધ્યાત્મિક શક્તિ લઈને જ પેદા થયા હતા અને તેમણે બાળપણમાં જ એવાં કાર્યો કરેલાં, જે મોટા માટે પણ અશક્ય હતાં. લોમશ ઋષિના પુત્ર શૃંગી ઋષિએ જ્યારે રાજા પરીક્ષિતને પોતાના પિતાના ગળામાં સાપ નાખતાં જોયા, ત્યારે તરત જ ગુસ્સે થઈ જઈ શાપ આપ્યો કે આ દુષ્કૃત્ય કરનારને સાત દિવસમાં જ સાપ કરડશે. રાજા પરીક્ષિતના સંરક્ષણની કડક વ્યવસ્થા હોવા છતાં ઋષિકુમારનો શાપ હકીકત બનીને જ રહ્યો.
શાપ અને વરદાનોનાં આશ્ચર્યજનક પરિણામોથી આપણા પ્રાચીન ઇતિહાસનાં પાનાં ભરેલાં છે. શ્રવણકુમારને તીર મારવાના દંડ રૂપે શ્રવણના પિતાએ શાપ આપ્યો હતો કે તેઓ પણ પુત્રશોકથી આવી જ રીતે ઝૂરીઝૂરીને મરશે. તપસ્વીના મોંમાંથી નીકળેલું વચન મિથ્યા જતું નથી. દશરથને એ રીતે જ મરવું પડ્યું. પ્રસન્ન થઈ દેવતાઓની જેમ તપસ્વી ઋષિઓ વરદાન પણ આપતા હતા અને દુઃખ, દારિદ્રયથી પીડાતી અનેક વ્યક્તિઓ સુખશાંતિ મેળવી શકતી. ફક્ત પુરુષો જ નહિ, પરંતુ તપસાધના ક્ષેત્રે ભારતની સ્ત્રીઓ પણ પાછળ ન હતી. પાર્વતીએ પ્રચંડ તપ કરી સમર્થ, સંહારક, સમાધિસ્થ શંકરજીને લગ્ન કરવા મજબૂર કર્યા. અનસૂયાએ પોતાની આત્મશક્તિથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નાનાં બાળકોમાં ફે૨વી દીધા હતા. સુકન્યાએ તપ કરીને પોતાના વૃદ્ધ પતિને યુવાન બનાવ્યા. સાવિત્રીએ યમરાજા સાથે સંઘર્ષ કરી પોતાના મૃત પતિ સત્યવાનને સજીવન કર્યો. કુંતીએ સૂર્યનું તપ કરી કુંવારી અવસ્થામાં સૂર્ય સમાન તેજસ્વી કર્ણને જન્મ આપ્યો. ક્રોધિત ગાંધારીએ કૃષ્ણને શાપ આપ્યો કે જે રીતે મારા કુળનો નાશ થયો છે તેવી જ રીતે આંતિરક સંઘર્ષથી તારું કુળ પણ નાશ પામશે. એમનું વચન મિથ્યા ગયું નહિ. બધા યાદવો આંતરિક સંઘર્ષમાં જ નાશ પામ્યા. દમયંતીના શાપથી પારધી જીવતો જ સળગી ગયો. ઈડાએ પોતાના પુત્ર મનુને યજ્ઞ કરવામાં સહાયતા કરી. આ બધાં આશ્ચર્યજનક કાર્યો પાછળ સ્રીતપોબળનો મહિમા છુપાયેલો છે.
દેવોની જેમ દાનવો પણ જાણતા હતા કે તપમાં જ અપાર શક્તિ છે. એમણે પણ પ્રચંડ તપ કર્યાં અને એવાં વરદાન પ્રાપ્ત કર્યો કે જે દેવોને પણ મળી શકેલાં નહિ. રાવણે અનેક વાર પોતાની જાતને હોડમાં મૂકીને કરેલા તપથી શંકરજીને પ્રભાવિત કરી અજેય શક્તિઓનો ભંડાર પ્રાપ્ત કર્યો હતો. કુંભકર્ણે તપ દ્વારા જ છ મહિના જાગવાનું અને છ મહિના સૂવાનું અદ્ભુત વરદાન મેળવ્યું હતું. મેઘનાદ, અહિરાવણ અને મારીચની વિભિન્ન માયાજાળ એમને તપ દ્વારા જ પ્રાપ્ત થઈ હતી. ભસ્માસુરે માથા પર હાથ મૂકના૨ને સળગાવી દેવાની શક્તિ તપ વડે જ મેળવી હતી. હિરણ્યકશ્યપ, હિરણ્યાક્ષ, સહસ્રબાહુ, બલિ વગેરે દાનવોનાં પરાક્રમોનો મૂળ આધાર તપ જ હતું. વિશ્વામિત્ર અને રામચંદ્રજી માટે માથાનો દુઃખાવો સાબિત થયેલી તાડકા, શ્રીકૃષ્ણજીના પ્રાણ લેવા પ્રયત્ન કરનાર પૂતના, હનુમાનજીને ગળી જવાનો પ્રયત્ન કરી સીતાજીને કૌતુક બતાવનાર ત્રિજટા વગેરે દાનવનારીઓ પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ હતી.
આવા દસવીસ નહિ, પણ હજારો લાખો પ્રસંગો ભારતીય ઇતિહાસમાં મોજૂદ છે. તપશક્તિથી શરીરધારી મનુષ્યોએ વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવાં જનકલ્યાણનાં ઉદાહરણો આપ્યાં છે. આ યુગમાં પણ મહાત્મા ગાંધીજી, સંત વિનોબા, મહર્ષિ દયાનંદ, મીરા, કબીર, દાદુ, તુલસીદાસ, સૂરદાસ, રઈદાસ, મહર્ષિ અરવિંદ, મહર્ષિ રમણ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ જેવી આત્મબળસંપન્ન વ્યક્તિઓએ જે કાર્યો કર્યાં છે તે સામાન્ય ભૌતિક સુખોના પુરુષાર્થ દ્વારા ન થઈ શક્યાં હોત. મેં પણ મારા જીવનના પ્રારંભમાં જતપશ્ચર્યાનો આરંભ કર્યો છે. ચોવીસ મહાપુરશ્ચરણોની કઠોર તપસ્યા દ્વારા ઉપલબ્ધ શક્તિનો ઉપયોગ મેં લોકકલ્યાણાર્થે કર્યો છે. ફળસ્વરૂપ અસંખ્ય વ્યક્તિઓ મારી મદદથી ભૌતિક ઉન્નતિ તથા આધ્યાત્મિક પ્રગતિની ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકી છે. અનેકને ભારે વ્યથા, વ્યાધિઓ, ચિંતા તથા પરેશાનીઓથી છુટકારો મળ્યો છે. સાથે જ ધર્મજાગૃતિ અને નૈતિક પુનરુત્થાનની દિશામાં આશાજનક કામ થયું છે. ચોવીસ લાખ ગાયત્રી ઉપાસકોનું નિર્માણ અને ચોવીસ હજાર કુંડોના યજ્ઞનો સંકલ્પ એટલો મહાન હતો કે સેંકડો લોકો કેટલાય જન્મોમાં પણ પૂર્ણ ન કરી શકે તે કામ ફક્ત થોડાક જ દિવસોમાં ઘણા ઉત્સાહથી પૂર્ણ થયું. ગાયત્રી તપોભૂમિનું તથા ગાયત્રી પરિવારનું નિર્માણ તેમ જ વેદ પરનાં પ્રકાશનો એ એવાં કાર્યો છે, જે સાધના તથા તપશ્ચર્યાના પ્રતાપે જ થઈ શક્યાં છે.
ભવિષ્યમાં પણ તપ કરવાનો નિશ્ચય કર્યો છે અને ભાવિ જીવનને તપસાધનામાં જ વિતાવવાનું નક્કી કર્યું છે. હું તપનું મહત્ત્વ સમજી ચૂક્યો છું. સંસારનાં મોટામાં મોટાં પરાક્રમો કે પુરુષાર્થની તુલનામાં સાધનાની કિંમત ઘણી વધારે છે. ઝવેરી કાચનો ટુકડો ફેંકી દઈ સાચા હીરાની સંભાળ રાખે છે. મેં પણ ભૌતિક સુખોને લાત મારીને તપની સંપત્તિ એકઠી કરવાનો નિશ્ચય કર્યો છે એ સાંસારિક પરિજનોને ભલે યોગ્ય ન લાગે, પણ આ નિશ્ચયમાં દૂરંદેશીપણું અને બુદ્ધિમત્તા જ રહેલાં છે.
રાજનીતિજ્ઞો અને વૈજ્ઞાનિકો હાલ જે કંઈ કરી રહ્યા છે તે બધું ફક્ત અગ્નિ ભડકાવનારું તથા નાશ કરનારું જ છે. એવાં શસ્ત્રો બની રહ્યાં છે, જે વિરોધી દેશોને નષ્ટ કરી નાખીને પોતાના વિજયનો ડંકો વગાડે, પરંતુ એવાં શસ્રો કોઈ નથી બનાવતું, જે સળગેલી આગને બુઝાવી શકે, આગ સળગાવનારા હાથોને રોકી શકે અને જેમનાં દિલદિમાગમાં ફક્ત સંહારનો દાવાનળ જ સળગે છે એમાં શાંતિ અને કલ્યાણનો મધુર રસ ફેલાવી શકે. એવાં શાંતિશસ્ત્રોનું નિર્માણ રાજધાનીઓમાં કે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં ન થઈ શકે. પ્રાચીનકાળમાં પણ જ્યારે આવી જરૂર ઊભી થયેલી ત્યારે તપોવનની પ્રયોગશાળામાં તપસાધનાના મહાન પ્રયત્નો દ્વારા જ શાંતિશસ્ત્રો તૈયાર કરાયાં હતાં. વર્તમાનકાળમાં પણ અનેક આત્માઓ આવા પ્રયત્નો માટે આગળ આવી રહ્યા છે.
સંસારને, માનવજાતિને સુખી અને ઉન્નત બનાવવા માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. ઉદ્યોગધંધા, કારખાનાં, રેલવે, તાર, રસ્તા, બંધ, શાળાઓ, દવાખાનાં વગેરેનું ઘણું ઘણું નિર્માણ થતું રહ્યું છે. એનાથી ગરીબી, બીમારી, નિરક્ષરતા અને અસભ્યતા ઓછી થવાની આશા રાખવામાં આવે છે, પરંતુ માનવહૃદયમાં પ્રેમ અને આત્મીયતાનું, સ્નેહ અને સૌજન્યનું, આસ્તિકતા અને ધાર્મિકતાનું, સેવા અને સંયમનું ઝરણું વહેતું કર્યા સિવાય વિશ્વશાંતિની દિશામાં કોઈ કાર્ય થઈ શકશે નહિ.
જ્યાં સુધી સન્માર્ગની પ્રેરણા આપનાર, ગાંધીજી, દયાનંદ, શંકરાચાર્ય, બુદ્ધ, મહાવી૨, નારદ તથા વ્યાસ જેવા આત્મબળસંપન્ન માર્ગદર્શક ન હોય ત્યાં સુધી લોકમાનસને ઊંચે લાવવાના પ્રયત્નો નિષ્ફળ જશે. લોકમાનસને ઊંચે લાવ્યા વિના, પવિત્ર અને આદર્શવાદી ભાવનાઓ ઉત્પન્ન કર્યા વિના ઈર્ષ્યા, દ્વેષ, શોષણ, અપહરણ, આળસ, વ્યભિચાર, પાપાચાર વગેરે દૂર થઈ શકશે નહિ અને ત્યાં સુધી કલેશ, કલહ, રોગ, ગરીબી વગેરેથી માનવજાતને કદીય છુટકારો મળશે નહિ.
લોકમાનસને પવિત્ર, સાત્ત્વિક, માનવતા તથા નૈતિકતાથી પૂર્ણ બનાવવા જે સૂક્ષ્મ આધ્યાત્મિક દિવ્ય તરંગો વહેવડાવવા જરૂરી છે તે ઉચ્ચ કોટિના આત્માઓ દ્વારા વિશિષ્ટ તપસાધનાથી ઉત્પન્ન થશે. માનવતાની, ધર્મ અને સંસ્કૃતિની આ સૌથી મોટી સેવા છે. હાલના જમાનામાં આવા પ્રયત્નોની ખૂબ જ જરૂર છે કારણ કે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ દુષ્ટ અને આસુરી તત્ત્વોનું પલ્લું વધુ ને વધુ નમતું જાય છે. વધુ રાહ જોવામાં અહિત અને અનિષ્ટ થવાની સંભાવના વધશે.
સમયના પોકારે મને આ પગલું લેવા પ્રેરણા આપી. આમ તો જ્યારથી યજ્ઞોપવીત સંસ્કાર (જનોઈ) ગ્રહણ કર્યો ત્યારથી જ નિત્ય નિયમિત છ કલાકની ગાયત્રી ઉપાસના ચાલુ છે, પરંતુ મોટા ઉદ્દેશ્યો માટે જે ઘનિષ્ઠ સાધના અને પ્રચંડ તપોબળની આવશ્યકતા હોય છે. તે માટે એક વર્ષ સુધી ઋષિઓની તપોભૂમિ હિમાલયમાં રહીને ખાસ હેતુસર તપ કરવું જરૂરી લાગ્યું. આ તપસાધના પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ ન હતો.
સ્વર્ગ અને મોક્ષની કોઈ દિવસ લાલચ રહી નથી અને રહેશેય નહિ. અનેકવાર માનવજાતિના કલ્યાણ માટેની પ્રતિજ્ઞા લીધી છે, તો પછી પીછેહઠ શા માટે કરવી ? વિશ્વહિત જ મારું હિત છે એ લક્ષ્ય સાથે તપના ઉગ્ર તાપમાં આ શરી૨ને વધારે તપાવવાનું હાલનું પગલું લીધું છે.
પ્રતિભાવો