હિમાલયમાં પ્રવેશ – મૃત્યુ જેવી ભયાનક સાંકડી કેડી
May 20, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – મૃત્યુ જેવી ભયાનક સાંકડી કેડી.
આજે ઘણા લાંબા અંતર સુધી મુશ્કેલ રસ્તા પર ચાલવું પડ્યું. નીચે ગંગા વહી રહી હતી અને ઉપર પહાડ હતો. પહાડની નીચેના ભાગમાં થઈને ચાલવાની એક સાંકડી પગદંડી હતી. એની પહોળાઈ ભાગ્યે જ ત્રણેક ફૂટ હશે. તેના પર થઈને ચાલવાનું હતું. જો એક પગલું પણ આડુંઅવળું પડે તો નીચે ગર્જના કરતી ગંગાના ઊંડાણમાં જળસમાધિ લેતાં સહેજેય વાર ન લાગે. સહેજ દૂર રહી ચાલીએ તો બીજી બાજુ સેંકડો ફૂટ ઊંચો પર્વત સીધો જ ઊભો હતો, જે પોતાની જગ્યાએથી એક ઈંચ પણ ખસવા તૈયાર ન હતો. સાંકડી પગદંડી પર સાચવીને એક એક ડગલું માંડવું પડતું હતું કારણ કે જીવનમૃત્યુ વચ્ચે એક-દોઢ ફૂટનું જ છેટું હતું.
મોતની બીક કેવી હોય છે તેનો અનુભવ જીવનમાં પહેલી જ વાર થયો. એક પૌરાણિક કથા સાંભળી હતી કે રાજા જનકે શુકદેવજીને પોતે કર્મયોગી છે તે સ્થિતિ સમજાવવા માટે તેલનો છલોછલ ભરેલો વાડકો આપી નગરની ચારે બાજુ પ્રદક્ષિણા કરી આવવા કહ્યું. સાથે જ સૂચના આપી કે જો તેલનું એક પણ ટીપું ઢોળાશે તો તમારું મસ્તક ઉડાવી દેવામાં આવશે. શુકદેવજી મૃત્યુના ડરથી ટીપું તેલ ન ઢોળાય તેનું ધ્યાન રાખી ચાલવા લાગ્યા. આખી પ્રદક્ષિણા પૂરી થતાં સુધી એમણે બીજો કોઈ ખ્યાલ રાખ્યો જ નહિ. તેલ સિવાય કંઈ જોયું જ નહિ. રાજા જનકે કહ્યું, “જેવી રીતે મૃત્યુના ભયથી આપે તેલના ટીપાને ઢોળાવા ન દીધું અને સમગ્ર ધ્યાન તેલના વાડકા પર જ કેન્દ્રિત કર્યું એ જ રીતે મૃત્યુભયને હું સદાય ધ્યાનમાં રાખું છું, જેથી કર્તવ્ય – કર્મમાં આળસ ન થાય અને મગજ પણ ફાલતુ વિચારો કરતું અટકે.’’ આ તથ્યનો સ્પષ્ટ અને વ્યક્તિગત અનુભવ આ સાંકડો રસ્તો પાર કરતાં થયો. અમારી સાથે કેટલાય વટેમાર્ગુ હતા. આમ તો રસ્તામાં બધા ટોળટપ્પાં કરતા, ઠઠ્ઠા મશ્કરી કરતાં ચાલતા હતા, પણ જેવી પેલી સાંકડી કેડી આવી કે બધા ચૂપ થઈ ગયા. વાતચીતના બધા વિષય બંધ થઈ ગયા. ન કોઈને ઘર યાદ આવ્યું કે ન બીજું કશું. મગજ બિલકુલ એકાગ્ર હતું અને પ્રશ્ન ફક્ત એક જ હતો કે આગલું ડગલું ઠીક તો ભરાશે ને ? એક હાથથી પર્વતની ધારને પકડીને ચાલતા હતા. આમ તો એને પકડવાનો કોઈ આધાર ન હતો, તો પણ શરીર કદાચ નીચેની બાજુએ ઝૂકે તો પહાડનો ટેકો કંઈક મદદરૂપ થાય એ આશાએ પહાડની ધાર પકડીને ચાલતા હતા. આ રીતે દોઢ-બે માઇલની આ યાત્રા ઘણી મુશ્કેલીથી પૂરી થઈ. હૃદય હર પળે ધડકતું જ રહ્યું. જીવ બચાવવા કેટલી સાવધાનીની જરૂર છે એ પાઠ પ્રત્યક્ષ રીતે આજે શીખ્યો.
આ વિકટ યાત્રા તો પૂરી થઈ, પણ આવી ઘટના અંગે વિચાર આવે છે કે જ્યારે આપણે મૃત્યુ નજીક છે એવું જોઈએ છીએ ત્યારે ફાલતુ વાતો, મૃગતૃષ્ણાઓ બધું જ ભૂલી જઈએ છીએ. જીવનલક્ષ્યની મારી યાત્રા પણ આ યાત્રા જેવી જ રહી છે. પ્રત્યેક ડગલું જોઈ વિચારીને જ મૂકવું પડે છે. જો એકાદ ડગલું પણ આડુંઅવળું મુકાઈ જાય તો માનવજીવનના મહાન લક્ષ્યથી પતિત થઈને આપણે અધઃપતનની ખાઈમાં પડીએ છીએ. જીવન આપણને વહાલું છે, તો તે વહાલને યથાર્થ ક૨વાનો એક જ માર્ગ છે કે આપણે આવી સાંકડી પગદંડીઓ પર પરીક્ષાના સમયે પ્રત્યેક ડગલું જોઈ વિચારીને ભરીએ, આપણી જાતને ઉગારીને જીવનની પેલે પાર જ્યાંથી શાંતિપૂર્ણ યાત્રા શરૂ થાય છે ત્યાં લઈ જઈએ.
માનવજીવન એટલું જ જવાબદારીભર્યું છે, જેટલું આ ગંગા- તટની સાંકડી પગદંડી પર ચાલનારાનું જીવન. એને હેમખેમ પાર કરીને જ સંતોષનો શ્વાસ લઈ શકીએ અને આશા રાખી શકીએ કે હવે તીર્થદર્શન કરી શકીશું. કર્તવ્યપાલનની પગદંડી આવી જ સાંકડી છે. એમાં લાપરવાહી રાખવાથી જીવનલક્ષ્ય કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ ? ધર્મને પહાડની દીવાલ સમજી એને પકડી પકડીને ચાલતાં ચાલતાં આપણે ભયની ઘડીઓમાં ગબડી પડવાથી બચી શકીએ છીએ. સામાન્ય સંજોગોમાં આવી દીવાલનો ટેકો જ આપણા માટે પૂરતો છે. ધર્મની આસ્થા પણ લક્ષ્યપ્રાપ્તિ માટે મુખ્ય ગણાય છે.
પ્રતિભાવો