હિમાલયમાં પ્રવેશ – ચાંદીના પર્વત, સૂનકારના સાથીઓ
May 21, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – ચાંદીના પર્વત.
આજે સૂકી ટેકરી ૫૨ ધર્મશાળાના ઉપલા માળની ઓરડીમાં ઊતર્યાં હતા. સામે જ બરફથી છવાયેલી પર્વતની ટોચ દેખાતી હતી. બરફ ઓગળીને ધીરે ધીરે પાણી બની રહ્યું હતું અને ઝરણાના રૂપમાં નીચેની બાજુએ વહી રહ્યું હતું. કેટલોક બરફ પૂરો ઓગળ્યા પહેલાં જ પાણી સાથે ભળી જઈ વહેતો હતો, એટલે દૂરથી જાણે ફીણવાળું દૂધ ઉપરથી આવી રહ્યું હોય એવું લાગતું હતું. દેશ્ય ઘણું જ સુંદર હતું, જેને જોઈને આંખોને ઠંડક થતી હતી.
જે ઓરડીમાં મારો ઉતારો હતો ત્યાંથી ત્રીજી ઓરડીમાં બીજા યાત્રાળુઓ ઊતર્યા હતા. એમાં એક છોકરો અને એક છોકરી એમ બે બાળકો પણ હતાં. બંનેની ઉંમર ૧૧-૧૨ વર્ષની હશે. એમનાં માબાપ યાત્રામાં હતાં. આ બાળકોને મજૂરની પીઠ પર ‘કન્ડી’ નામની આ વિસ્તારની પ્રખ્યાત સવારીમાં બેસાડી લાવ્યાં હતાં. બાળકો હસમુખાં અને વાતોડિયાં હતાં. બંનેમાં ચર્ચા થઈ રહી હતી કે સફેદ ચમકતો પર્વત શેનો બનેલો છે ? એમણે ક્યાંક સાંભળ્યું હશે કે પર્વતમાં ધાતુઓની ખાણો હોય છે. બાળકો નિષ્કર્ષ પર આવ્યાં કે પહાડ ચાંદીનો છે. છોકરીને એમાં શંકા થઈ, પણ વિચારી ના શકી કે આ પહાડ ચાંદીનો નથી તો શેનો છે ? પણ એણે એમ વિચાર્યું કે જો પહાડ ચાંદીનો હોય તો કોઈ ને કોઈ વ્યક્તિ એને તોડી તોડીને લઈ જવાનો પ્રયત્ન જરૂર કરે. તે છોકરા સાથે સંમત ન થઈ અને બંને ઝઘડી પડ્યાં. મને આ વિનોદ મનોરંજક લાગ્યો. બાળકો પણ વહાલાં લાગ્યાં. બંનેને બોલાવ્યાં અને સમજાવ્યું કે આ પહાડ પથ્થરનો છે, પરંતુ ઘણી ઊંચાઈ પર હોવાથી તેના પર બરફ જામી ગયો છે. ગરમી પડવાથી આ બરફ ઓગળી જાય છે અને ઠંડી પડતાં પાછો જામી જાય છે. આ બરફ ચળકે છે એટલે આખો પર્વત ચાંદી જેવો દેખાય છે. બાળકોના મનનું સમાધાન થયું, પણ આ સંબંધી ઢગલાબંધ પ્રશ્નો પૂછતાં ગયાં અને એમનાં જ્ઞાનબુદ્ધિના વિકાસ માટે પર્વતની જાણકારી સંબંધિત ઘણી વાતો હું એમને બતાવતો રહ્યો.
વિચારું છું કે બાળપણમાં મનુષ્યની બુદ્ધિ કેટલી અવિકસિત હોય છે કે બરફ જેવી મામૂલી ચીજને ચાંદી જેવી મૂલ્યવાન સમજે છે. મોટી ઉંમરની વ્યક્તિઓ આવું નથી વિચારતી. તે વસ્તુસ્થિતિને ઊંડાણથી વિચારી શકે છે, સમજી શકે છે. જો બાળપણમાં જ આવી સૂઝબૂજ આવી જાય તો વાસ્તવિકતા સમજવામાં બાળકોને કેટલું સરળ પડે !
પણ મારું વિચારવુંય ખોટું જ છે કારણ કે મોટો થઈને ય માનવી સમજદાર ક્યાં બને છે ? જેમ આ બાળકો બરફને ચાંદી સમજતાં હતાં તેવી રીતે ચાંદી કે તાંબાના ટુકડાને, ઇન્દ્રિયોનાં છિદ્રો પર ઉપડી આવતી ચળને, અભિમાનને, તુચ્છ શરીરને મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ન જાણે કેટલું બધું મહત્ત્વ આપી દે છે અને એનાથી એટલી બધી આકર્ષિત થાય છે કે તે જીવનલક્ષ્યને ભૂલીને અંધકારમય બનતા જતા ભવિષ્યની પણ પરવા નથી કરતી. બાળકો રમકડાં સાથે રમવામાં કે કાગળની હોડી વહાવવામાં જેટલાં તલ્લીન હોય છે તેનાથી વધુ આપણું મન ક્ષણિક અને સારહીન સાંસારિક આકર્ષણોમાં તલ્લીન થઈ જાય છે. વાંચવું, લખવું, ખાવું, પીવું છોડીને બાળક પતંગ ચગાવવામાં મશગૂલ બને છે ત્યારે આપણે તેને ધમકાવીએ છીએ, પણ આપણને મોટી ઉંમરનાંને કોણ ધમકાવે ? બરફ ચાંદી નથી એ વાત માનવામાં બાળકોના મનનું તો સમાધાન થયું હતું, પણ તૃષ્ણા અને વાસના જીવનલક્ષ્ય નથી એવી આપણી શંકાનું નિવારણ કોણ કરે ?
પ્રતિભાવો