હિમાલયમાં પ્રવેશ – આલુનાં ભાલુ, સૂનકારના સાથીઓ
May 22, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – આલુનાં ભાલુ
આજે ગંગોત્રીથી યાત્રીઓની એક અન્ય ટોળીનો પણ સાથ મળ્યો. એ ટોળીમાં કુલ સાત માણસો હતા. પાંચ પુરુષ અને બે સ્ત્રીઓ. અમારો સામાન તો અમારા ખભા પર હતો, પણ પેલા સાતેય જણનો સામાન લઈને એક પહાડી મજૂર ચાલી રહ્યો હતો. તે ગામડિયો હતો અને એની ભાષા પણ બરાબર સમજાતી ન હતી. સ્વભાવનો પણ એ અક્કડ અને ઝઘડુ હતો. ઝાલા ટેકરી બાજુએ જઈ રહ્યા હતા ત્યારે મજૂરે આંગળીના ઇશારે, વિચિત્ર ડરામણી મુખમુદ્રા કરી કોઈ ચીજ બતાવી અને પોતાની ભાષામાં કંઈક બોલ્યો. બધી વાત તો ન સમજાઈ પણ ટોળીનો એક માણસ એટલું સમજી શક્યો – ભાલુ ભાલુ (રીંછ રીંછ). તે એકદમ પેલી બાજુએ જોવા લાગ્યો. એ સમયે ગાઢું ધુમ્મસ છવાયેલું હતું અને કોઈ ચીજ સ્પષ્ટ દેખાતી ન હતી, પણ જે બાજુ પેલા મજૂરે ઇશારો કર્યો હતો ત્યાં કાળાં કાળાં કોઈ જાનવર ફરતાં તેણે જોયાં. તે એકદમ ગભરાઈ ગયો. એણે પૂરા વિશ્વાસથી સમજી લીધું કે નીચે રીંછ ફરી રહ્યાં છે. તે પાછળ હતો. ઝડપી ડગલાં માંડીને તે આગળ સરકી આવ્યો અને અમારી સાથે ચાલવા લાગ્યો. તેના હોઠ સુકાઈ રહ્યા હતા અને તે ડરથી કાંપી રહ્યો હતો. એણે અમને રોક્યા અને નીચે ફરતાં કાળાં જાનવર બતાવતાં કહ્યું કે ત્યાં રીંછ ફરી રહ્યાં છે અને અહીં હવે જાનનું જોખમ છે. અમે બધા જ ડરી ગયા અને શું કરવું તેની સૂઝ ન પડી.
જંગલ ગાઢ અને ભયંકર હતું અને એમાં રીંછ હોવાની શક્યતા હતી. ઉપરાંત પહાડી રીંછની ભયંકરતા વિશે થોડી ઘણી વાતો પરમ દિવસે જ સહયાત્રીઓ પાસેથી સાંભળી હતી, જેઓ બે વર્ષ પહેલાં માનસરોવર ગયા હતા. આ બધાને લીધે ડર વધી રહ્યો હતો. કાળાં જાનવર અમારી બાજુએ આવી રહ્યાં હતાં. ગાઢ ધુમ્મસને લીધે સ્પષ્ટ મુખાકૃતિ તો દેખાતી ન હતી, પણ રંગ અને કદમાં તે રીંછ જેવાં જ હતાં. ઉપરાંત મજૂરે ઇશારાથી રીંછ હોવાની વાત સમજાવેલી, જેથી કોઈ શંકા ન હતી. વિચાર્યું કે મજૂરને જ પૂછીએ કે હવે શું કરવું જોઈએ ? પાછા ફરી જોયું તો મજૂર ભાગી ગયો હતો. કલ્પનાએ અનુમાન લગાવ્યું કે જીવ જોખમમાં જોઈ ક્યાંક ભાગી ગયો હશે અથવા કોઈ ઝાડ પર ચઢી ગયો હશે. અમે પોતાની જાતને એકલી અટુલી તથા નિઃસહાય અનુભવવા લાગ્યા. અમે બધા એક બાજુએ એકબીજાની બિલકુલ નજીક બેસી ગયા. બબ્બે જણની ટુકડીમાં ચારે દિશામાં મોં કરી દીધાં. લોખંડની ખીલીઓ જડેલી લાકડી રીંછના મોંમાં ભોંકી દેવી અને તે જ પળે બધાએ રીંછ પર હુમલો કરી દેવો. અંત સુધી બધા જીવીએ કે મરીએ પણ સાથે જ રહીશું. યોજના મુજબ બધા ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. રીંછ પહેલાં અમારી બાજુ આવતાં દેખાતાં હતાં તે હવે નીચેની તરફ જતાં દેખાયાં. અમે લોકોએ ચાલવાની ઝડપ ઘણી જ વધારી દીધી. બને તેટલી ઉતાવળથી જોખમમાંથી હેમખેમ પાર નીકળી જવાય તેવી બધાની ઇચ્છા હતી. બધાંની જીભને ટે૨વે ભગવાનનું નામ હતું. મનમાં ભયંકર ડર લાગતો હતો. આ પ્રમાણે દોઢ માઇલનો રસ્તો પસાર કર્યો.
ધુમ્મસ થોડું ઓછું થયું. આઠ વાગ્યા હતા. સૂર્યનો પ્રકાશ પણ દેખાવા લાગ્યો. ગાઢ જંગલ પાછળ રહી ગયું. ઘેટાંબકરાં ચરાવનારા પણ નજરે પડવા લાગ્યા. અમે સંતોષનો શ્વાસ લીધો. પોતે જોખમમાંથી ઊગરી ગયાનો આનંદ માણતા થાક ખાવા બેઠા. એટલામાં પેલો મજૂર પણ પાછળથી આવી પહોંચ્યો. અમને ગભરાયેલા જોઈને તેણે ગભરાટનું કારણ પૂછ્યું. સાથી યાત્રીઓએ કહ્યું, “તેં બતાવેલાં રીંછથી ભગવાને અમારો જીવ બચાવ્યો, પણ તેં દગો દીધો. અમને કંઈક રસ્તો બતાવવાને બદલે તું ખુદ જ ભાગી ગયો.” મજૂર મુઝાઈ ગયો. એણે વિચાર્યું કે કંઈક ગોટાળો થયો છે. અમે લોકોએ તેણે ઇશારાથી રીંછ બતાવ્યાં હતાં તે વાત ધીમેથી સમજાવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે શો ગોટાળો થયો છે. તેણે કહ્યું, ‘‘ઝાલા ટેકરીના બટાકા ખૂબ પ્રખ્યાત છે. ત્યાંના જેવો બટાકાનો પાક આ વિસ્તારમાં બીજે ક્યાંય થતો નથી. હું તમને આંગળીના ઇશારે તે પાક બતાવતો હતો. ઝાલાના બટાકા (આલુ – હિંદી શબ્દ) કહ્યું હતું, પણ તમે સમજ્યા રીંછ (ભાલુ -હિંદી શબ્દ). તમે જોયેલાં કાળાં જાનવર તો અહીંની કાળી ગાયો હતી, જે દિવસ દરમ્યાન આ રીતે ચરતી રહે છે. ધુમ્મસને લીધે ગાયો આપને રીંછ જેવી દેખાઈ. અહીં રીંછ હોતાં જ નથી. તે તો ઉપરના ભાગમાં હોય છે. આપ ખોટા ડરી ગયા અને હું તો સંડાસ જવા ઝરણા પાસે ગયો હતો. સાથે હોત તો આપનો ભ્રમ ત્યાં જ દૂર કરી દેત.”
અમે લોકો અમારી જ મૂર્ખાઈ ૫૨ હસવા લાગ્યા અને શરમાઈ ગયા. ખાસ કરીને જે સાથી યાત્રી મજૂરની વાતને ઊંધી રીતે સમજ્યો હતો તે બધાંના ઠપકાનો ભોગ બન્યો. ડર મજાકમાં ફેરવાઈ ગયો. દિવસભર એ જ વાતની ચર્ચા ચાલી. બીકના ગાળા દરમિયાન જેણે જેણે જે કંઈ કહ્યું હતું કે કર્યું હતું તેને ચર્ચાનો વિષય બનાવીને આખો દિવસ ઠઠ્ઠામશ્કરી ચાલતી રહી. બધા એકબીજાને પોતાના કરતાં વધારે ડરી ગયેલો સાબિત કરવામાં ગૌરવ લેતા હતા. રસ્તો સરળતાથી પૂરો થયો. મનોરંજનનો વિષય પણ સારો રહ્યો.
રીંછની વાત, જે એક કલાક સુધી બિલકુલ સત્ય અને જીવન મરણનો પ્રશ્ન જણાતી હતી તે માત્ર એક ભ્રમ જ સાબિત થઈ. વિચારું છું કે આપણા જીવનમાં આવા કેટલાય સંશય ઘર કરી બેઠા હોય છે, જેને લીધે આપણે નિરંતર ડર્યા કરીએ છીએ, પણ અંતે તો તે આપણી માનસિક નબળાઈ જ સાબિત થાય છે. આપણા ભભકા, ઠાઠ, ફેશન અને અવાજમાં સહેજ નબળાઈ જણાય તો લોકો આપણને ગરીબ અને મામૂલી સમજશે તે ડરથી ઘણા લોકો પોતાના ખર્ચા એટલા વધાર્યે જાય છે કે તેમને પૂરા કરવાય મુશ્કેલ બને છે. લોકો શું કહેશે એ વાત ચારિત્ર્યપતન વખતે યાદ આવે તો સારું, પણ બાહ્ય દેખાવમાં કમી વખતે યાદ આવે તો માનવું પડશે કે તે ખાલી ખર્ચાળ અને વ્યર્થ ડર જ છે. સાદગીથી રહીશું તો ગરીબ ગણાઈશું, કોઈ આપણને માન નહિ આપે એવો ભ્રમ દુર્બળ મગજમાં ઉદ્ભવે છે, જેવી રીતે અમારી એક નાની સરખી ગેરસમજથી રીંછની ભ્રમણા થઈ હતી.
અનેક ચિંતા, પરેશાનીઓ, દ્વિધાઓ, ઉત્તેજના, વાસના અને દુર્ભાવના આપણી સામે ઊભી રહે છે. આ સંસાર ઘણો જ દુષ્ટ અને ડરામણો છે. અહીંની પ્રત્યેક ચીજ રીંછની જેમ ડરામણી છે, પણ જ્યારે આત્મજ્ઞાનનો પ્રકાશ થાય છે, અજ્ઞાનનું ધુમ્મસ ચિરાય છે, માનસિક દુર્બળતા ઓછી થાય છે ત્યારે ખાતરી થાય છે કે અમે જેને રીંછ સમજતા હતા તે તો પહાડી ગાય હતી. જેને આપણે દુશ્મન માનતા હતા તે તો આપણી જ મિત્ર હતી, ઈશ્વરનો અંશમાત્ર હતી. ઈશ્વર આપણા પ્રિયપાત્ર છે, તો તેણે રચેલું બધું જ મંગલમય હોવું જોઈએ. એને જેટલા વિકૃત રૂપમાં આપણે ચીતરીએ એટલી આપણને બીક લાગે છે. આ અશુદ્ધ ચિત્રણ જ આપણો માનસિક વહેમ છે, જેવો વહેમ મજૂરના આલુ શબ્દને ભાલુ સમજવાથી ઉદ્ભવ્યો હતો.
પ્રતિભાવો