હિમાલયમાં પ્રવેશ – પીળી માખી, સૂનકારના સાથીઓ
May 22, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – પીળી માખી
આજે જ્યારે અમે લોકો ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શેતુરનાં ઝાડ પર ગણગણાટ કરતી પીળી માખીઓ અમારી પર તૂટી પડી ને અમારા શરીરે ચોંટી ગઈ. છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ છૂટતી ન હતી. હાથ વડે, કપડા વડે, એમને ભગાડી અમેય ભાગ્યા, પણ માખીઓએ ઘણે દૂર સુધી અમારો પીછો કર્યો. ગમે તેમ અથડાતા કૂટાતા લગભગ અડધો માઇલ દોડ્યા ત્યારે પીછો છૂટ્યો. એમના ઝેરીલા ડંખ જ્યાં જ્યાં લાગ્યા હતા ત્યાં ફૂલી ગયું, પીડા પણ થતી હતી.
વિચારવા લાગ્યો કે આ માખીઓને આક્રમણ કરવાનું કેમ સૂઝ્યું ? એનાથી એમને શું મળ્યું ? એમ લાગ્યું કે કદાચ માખીઓ વિચારતી હશે કે આ વનપ્રદેશ અમારો છે. અમારે અહીં રહેવાનું છે. અમારા માટે આ પ્રદેશ સુરક્ષિત રહે, કોઈ બીજો અહીં ઘૂસી ન જાય. એમના આ વિચારથી વિરુદ્ધ અમને ત્યાંથી જતા જોયા એટલે કદાચ તે એમ સમજી હોય કે આ લોકો અમારા પ્રદેશમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. અમારા અધિકારક્ષેત્રમાં પોતાનો અધિકાર સ્થાપી રહ્યા છે એટલા માટે જ પોતાના બળનું પ્રદર્શન કરવા અને હસ્તક્ષેપ માટેની સજા કરવા આક્રમણ કર્યું હશે.
જો આ સાચું હોય તો તે માખીઓની મૂર્ખાઈ છે. આ જંગલ તો ભગવાનનું બનાવેલું છે. માખીઓએ તે નથી વસાવ્યું. એમણે તો ઝાડ પર રહી પોતાનું જીવન ગુજારવું જોઈએ. આખાય વિસ્તારમાં કબજો જમાવવાની એમની લાલસા વ્યર્થ હતી કારણ કે આવડા મોટા પ્રદેશનું તે શું કરે ? એમણે એમ વિચારવું જોઈએ કે આ સમજદારીની દુનિયા છે. બધા લોકો હળીમળીને ઉપયોગ કરે તો સારું. અમે જ્યારે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે વનશ્રીની છાયા, શોભા અને સુગંધનો લાભ લઈ રહ્યા હતા તેમાં માખીઓએ અદેખાઈ શા માટે કરવી જોઈએ ? એમણે નિર્દય બનીને અમને ડંખ માર્યા, કનડગત કરી, પોતાના ડંખ ખોયા અને કોઈ કોઈ તો કચડાઈ પણ ગઈ, ઘાયલ થઈ અને મરી પણ ગઈ. તે જો ક્રોધ તથા અભિમાન ન બતાવત તો એમણે નકામા પરેશાન ન થવું પડત અને અમારી દૃષ્ટિએ મૂર્ખ અને સ્વાર્થી સાબિત ન થઈ હોત. કોઈ પણ રીતે આ આક્રમણ અને અભિમાન મને બુદ્ધિવાળાં ન લાગ્યાં. આ ‘પીળી માખી’ શબ્દ બિલકુલ યથાર્થ પણ એ બિચારી માખીઓને જ શા માટે વગોવવી જોઈએ ? એમને શા માટે મૂર્ખ ગણવી જોઈએ ? આજે આપણે મનુષ્યો જ એ રસ્તે ચાલીએ છીએ. આ સૃષ્ટિનો ઉપયોગ કરવા લાયક અઢળક સામગ્રી પરમાત્માએ બનાવી છે, જે તેનાં બધાં સંતાનોએ હળીમળીને વહેંચીને ખાવા માટે છે, વાપરવા માટે છે, પણ આપણામાંથી દરેક વ્યક્તિ જેટલું હડપ કરી શકે તેટલું કરે છે, બીજા પર કબજો જમાવવા ઉતાવળી થઈ રહી છે. કોઈ એવું નથી વિચારતું કે જેટલું શરીર અને કુટુંબને માટે જરૂરી હોય તેટલું જ વાપરીએ. જરૂરથી વધારે વસ્તુ પર કબજો જમાવી શા માટે વ્યર્થ માલિકીનો બોજ લઈને ફરવું જોઈએ ? આ માલિકી આપણે ક્યાં સુધી ભોગવી શકવાના હતા ?
પીળી માખીઓની જેમ મનુષ્ય પણ અધિકાર ભોગવવામાં સ્વાર્થી બની રહ્યો છે. સંગ્રહ કરવામાં આંધળો બની રહ્યો છે. હળીમળીને ખાવાની નીતિ સમજમાં નથી આવતી. જે કોઈ પોતાના સ્વાર્થમાં અવરોધરૂપ દેખાય તેના પર તે ગુસ્સે થાય છે, પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે અને પીળી માખીઓની જેમ આક્રમણ કરે છે. એક મનુષ્યના આવા વર્તાવથી બીજાને દુઃખ થાય છે એની એને ક્યાં પડી છે ?
પીળી માખીઓ નાના નાના ડંખ મારીને અડધા માઇલ સુધી પીછો કરીને પાછી જતી રહી, પણ માનવીની અધિકાર ભોગવવાની વૃત્તિ, સ્વાર્થ અને અભિમાનમાં ચકચૂર થઈ તેનાથી થતાં આક્રમણોની ભયંકરતા વિશે વિચારું છું ત્યારે પીળી માખીઓની વગોવણી કરવા જીભ ઉપડતી નથી.
પ્રતિભાવો