સૂનકારના સાથીઓ – પ્રકૃતિનો રુદ્રાભિષેક
May 22, 2022 Leave a comment
સૂનકારના સાથીઓ – પ્રકૃતિનો રુદ્રાભિષેક
આજે ભોજવાસા ટેકરી પર આવી પહોંચ્યા. કાલે વહેલી સવારે જ ગૌમુખ જવા રવાના થવાનું છે. અહીં વાહનવ્યવહાર નથી. ઉત્તરકાશી અને ગંગોત્રીના રસ્તે યાત્રીઓ મળે છે. ટેકરીઓ પર રોકાણ કરનારાની ભીડ હોય છે, પણ અહીં એવું નથી. આજે બધા મળી અમે છ યાત્રીઓ છીએ. જમવાનું સૌ પોતપોતાની સાથે લાવ્યા છીએ. આ જગ્યા ફક્ત કહેવા પૂરતી જ ભોજન માટે વિશ્રામની જગ્યા છે. ધર્મશાળા છે, પણ નીચેની ટેકરીઓ જેવી સવલતો અહીં મળતી નથી.
સામેના પર્વત પર દૃષ્ટિ નાખી, તો એવું લાગ્યું કે જાણે હિમગિરિ પોતે પોતાના હાથે ભગવાન શંક૨ ૫૨ પાણીનો અભિષેક કરતાં પૂજા કરી રહ્યો છે. દશ્ય ખૂબ જ અલૌકિક હતું. ખૂબ ઊંચેથી એક પાતળી જલધારા નીચે પડી રહી હતી. નીચે કુદરતી મોટાં શિવલિંગ હતાં, જેના પર પાણીની ધાર પડી રહી હતી. પડતાંની સાથે જ પાણીની ધાર છાંટાના રૂપમાં ફેરવાઈ જતી હતી. સૂર્યનાં કિરણો આ છાંટા પર પડી સપ્તરંગી ઇન્દ્રધનુષ્ય બનાવી રહ્યાં હતાં. એમ લાગતું હતું કે જાણે સાક્ષાત્ શિવજી બિરાજ્યા છે. એમના માથા પર આકાશમાંથી ગંગાનું અવતરણ થઈ રહ્યું છે અને દેવો સાત સાત રંગનાં પુષ્પો વરસાવી રહ્યા છે. દશ્ય એટલું મોહક હતું કે જોતાં મન ધરાતું જ ન હતું. ગાઢ અંધકાર છવાઈ ગયો ત્યાં સુધી આ અલૌકિક દૃશ્ય જોયા કર્યું.
સૌંદર્ય તો આત્માની તૃષ્ણા છે, પણ તે કૃત્રિમતાના કાદવમાં ક્યાંથી હોઈ શકે ? આ વન તથા પર્વતોનાં ચિત્રો બનાવી લોકો પોતાના ઘરના દિવાનખંડોમાં લગાડી સંતોષ લે છે, પરંતુ પ્રકૃતિને ખોળે સૌંદર્યનું જે ઝરણું વહી રહ્યું છે તે તરફ આંખ ઉઠાવીને કોઈ જોતું પણ નથી. અહીં આખા રસ્તે સૌંદર્ય જ વેરાયેલું પડ્યું હતું. હિમાલયને તો સૌંદર્યનો સમુદ્ર કહીએ છીએ. એમાં સ્નાન કરવાથી આત્મામાં, અંતઃકરણમાં એક ઝણઝણાટી પેદા થાય છે. આ અભૂતપૂર્વ સૌંદર્યપૂંજમાં ખોવાઈ જવાનું મન થાય છે.
આજનું દૃશ્ય આમ તો પ્રકૃતિનો ચમત્કાર જ હતો, પણ મારી ભાવના આ દશ્યમાં એક અનુભૂતિનો આનંદ લેતી રહી, જાણે સાક્ષાત્ શિવ ભગવાનનાં દર્શન ન થયાં હોય ! આ આનંદની અનુભૂતિથી આજેય અંતઃકરણ ગદ્ગદ થઈ જાય છે. કાશ ! આવા રસાસ્વાદને ટૂંકાણમાં લખી શકવું મારે માટે શક્ય બન્યું હોત તો જે લોકો અહીં હાજર નથી તેઓ વાંચીને પણ કેટલું સુખ મેળવત ? દશ્ય ન માણવા બદલ અફસોસ અનુભવત.
પ્રતિભાવો