પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગૌમુખનાં દર્શન, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગૌમુખનાં દર્શન, સૂનકારના સાથીઓ
ગંગામાતાનું ઉદ્ગમસ્થાન નિહાળવાની ઘણી જૂની મહેચ્છા આજે પરિપૂર્ણ થઈ. ગંગોત્રી સુધી પહોંચતાં જેટલો દુર્ગમ રસ્તો હતો તેનાથી કેટલોય મુશ્કેલીભર્યો આ ગંગોત્રીથી ગૌમુખ સુધીનો ૧૮ માઈલનો રસ્તો છે. ગંગોત્રી સુધીના રસ્તાની દુરસ્તી તો સરકારના સડક વિભાગના કર્મચારીઓ ઠીક રીતે કરે છે, પણ આ ખૂબ જ ઓરમાયા રસ્તે, જ્યાં ક્યારેક કોઈક લોકો જ જાય છે તેને કોણ સુધારે ? પહાડી રસ્તા દર વર્ષે બિસ્માર બને છે. જો એકાદ બે વર્ષ એમની ઉપેક્ષા કરવામાં આવે તો તે ખૂબ જ ખરાબ થઈ જાય છે. કેટલીક જગ્યાએ તો રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો હતો કે ત્યાંથી પસાર થવું જિંદગી સાથે જુગાર ખેલવા બરાબર હતું. જરાક પગ લપસ્યો કે જિંદગીનો અંત જ આવ્યો સમજો.
જે હિમગિરિમાંથી ગંગાની નાની શી ધારા નીકળી છે તે ભૂરા રંગની છે. ગંગામાતાનું આ ઉદ્ગમસ્થાન હિમાચ્છાદિત ગિરિમુગટોથી અત્યંત સુંદર દેખાય છે. ધારાનું દર્શન એક સાધારણ ઝરણાના રૂપમાં થાય છે. તે છે તો પાતળી, પણ તેનો વેગ ખૂબ જ છે. એવું કહેવાય છે કે આ ધારા કૈલાસ પર્વત પરથી શિવજીની જટામાંથી આવે છે. કૈલાસથી ગંગોત્રી સુધીનો સેંકડો માઈલનો રસ્તો ગંગા પેટાળમાં જ પસાર કરે છે અને તેને કરોડો ટન વજનના બરફના પહાડોનું દબાણ સહન કરવું પડે છે. તેથી જ આ ધારા ઘણી તીવ્ર નીકળે છે. ભાવુક હૃદયની વ્યક્તિઓને આ ધારા માતાની છાતીમાંથી ફૂટતી દૂધની ધારા જેવી જ લાગે છે. આનું પાન કરતાં કરતાં એમાં જ નિમગ્ન થઈ જવાની એક એવી ઉત્કંઠા થાય છે, જેવી ગંગાલહરીના રચયિતા જગન્નાથ મિશ્રાના મનમાં જાગી હતી. સ્વરચિત ગંગાલહરીનો એક એક શ્લોક ગાતાં ભાવાવેશમાં ગંગામૈયાની ગોદમાં કૂદી પડ્યા હતા અને તેમણે જળસમાધિ લીધી હતી. સ્વામી રામતીર્થ પણ આવા જ ભાવાવેશમાં ગંગામૈયાની ગોદમાં કૂદી પડ્યા હતા અને જળસમાધિ લીધી હતી.
મારા ભાવાવેશને મેં આચમન લઈ, સ્નાન કરીને જ શાંત કર્યો. રસ્તામાં ઉમંગો અને ભાવનાઓ પણ ગંગાના પાણીની જેમ હિલોળા લેતી રહી. અનેક વિચારો આવવા લાગ્યા. આ સમયે એક મહત્ત્વપૂર્ણ વિચાર મનમાં આવ્યો, જે લખવાનો લોભ ખાળી ન શક્યો એટલે જ તે લખી રહ્યો છું. વિચારું છું કે અહીં ગૌમુખમાં ગંગા એક નાની શી પાતળી ધારા જ છે. રસ્તામાં હજારો ઝરણાં, નાળાં અને નદીઓ તેમાં ભળતાં ગયાં. એમાંથી કેટલાંક તો ગંગાની મૂળ ધારાથી ઘણાં વિશાળ હતાં. એ બધાંના સંયોગથી ગંગા એટલી મોટી અને પહોળી થઈ છે, જેટલી હરિદ્વાર, કાનપુર, પ્રયાગ વગેરે જગ્યાએ દેખાય છે. એમાંથી મોટી મોટી નહેરો કાઢવામાં આવી છે. ગૌમુખના ઉદ્ગમનું પાણી એમાંથી એકાદ નહે૨ માટે પણ પૂરતું નથી. જો રસ્તામાં તેને બીજાં નદીનાળાં ન મળ્યાં હોત તો કદાચ ૫૦-૧૦૦ માઈલની માટી જ એ ગંગાને સૂકવી દેત અને તેને આગળ વધવાની તક ન આપત. ગંગા મહાન છે, અવશ્ય મહાન છે, કારણ કે તે બીજાં નદીનાળાંને પોતાના સ્નેહબંધનમાં બાંધવામાં સમર્થ થઈ. તેણે પોતાની ઉદારતાનો પાલવ ફેલાવ્યો અને નાનાં નાનાં ઝરણાંને પણ પોતાના બાહુપાશમાં જકડી લઈ છાતીએ વળગાડીને આગળ વધતી ગઈ. તેણે ગુણદોષની પરવા ન કરી અને બધાંયને પોતાના પેટાળમાં જગ્યા આપી. જેના હૃદયમાં આત્મીયતા તથા સ્નેહસૌજન્યની અગાધ માત્રા ભરેલી છે એને પાણીના ભંડારની ખોટ શી રીતે રહે ? દીવો ખુદ સળગે છે ત્યારે તો પતંગિયાં પણ દીવા પર કુરબાન થઈ જવા તૈયાર થાય છે. ગંગા જયારે પરમાર્થના ઉદ્દેશ્યથી સંસારમાં શીતળતા ફેલાવવા નીકળી હોય તો નદીનાળાં શા માટે ગંગાના આત્મામાં પોતાનો આત્મા સમર્પી ના દે ? ગાંધી, બુદ્ધ, ઈસુની ગંગાઓમાં કેટલાય આત્માઓએ પોતાની જાતને કુરબાન કરી દીધી હતી.
ગંગાની સપાટી સૌથી નીચી છે, જેથી અન્ય નદીનાળાંનું ગંગામાં ભળી જવું શક્ય બન્યું. જો ગંગાએ પોતાને નીચી ન બનાવી હોત, સૌથી ઊંચી અને અક્કડ થઈને ચાલતી હોત, પોતાનો સ્તર તથા મોભો ઊંચા રાખ્યા હોત તો પછી નદીનાળાં તુચ્છ-નગણ્ય હોવા છતાં ગંગાના એ અભિયાનને સાંખી ન લેત. ગંગાની ઈર્ષ્યા કરતાં હોત અને પોતાનાં મોં બીજી દિશામાં વાળી લીધાં હોત. નદીનાળાંની ઉદારતા હોય છે ખરી, એમનો ત્યાગ પણ પ્રશંસનીય છે, છતાં તેમના ત્યાગ અને ઉદારતાને ચરિતાર્થ કરવાનો અવસર ગંગાએ પોતે વિનમ્ર બની, સપાટીએ વહીને જ આપ્યો છે. ગંગાની બીજી ઘણીય મહાનતાઓ છે, પણ આ મહાનતા એવડી મોટી છે કે એનું જેટલું અભિવાદન કરીએ તેટલું ઓછું છે.
નદીનાળાં અને ઝરણાંએ પણ પોતાનું અસ્તિત્વ હંમેશને માટે મિટાવી દેવાનું, પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ અને આબરૂ જમાવવાની લાલસાને દફનાવી દેવાનું જે દૂરંદેશીપણું દાખવ્યું છે તે પણ અભિનંદનને પાત્ર છે. તેમણે પોતાનું અસ્તિત્વ ગુમાવી ગંગાની ક્ષમતા, મહત્તા અને આબરૂ વધારી છે. સામૂહિક એકત્રીકરણનું, સાથે મળીમળીને કામ કરવાનું મહત્ત્વ સમજ્યાં છે, તે માટે તેમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સંગઠનમાં જ શક્તિ છે તે બોલીને નહિ, મનથી નહિ, પણ આચરણથી બતાવ્યું. આનું નામ કર્મવીરતા. આત્મત્યાગના આ અનુપમ આદર્શમાં જેટલી મહાનતા છે તેટલું જ દૂરંદેશીપણું પણ છે. જો તે પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખવા અટલ રહ્યાં હોત, પોતાની ક્ષમતાનો યશ પોતાને જ મળવો જોઈએ એવું વિચારતાં હોત અને ગંગામાં ભળી જવાનો ઇનકાર કરતાં હોત તો અવશ્ય તેમનું અસ્તિત્વ અલગ રહ્યું હોત. તેમનાં નામ અલગ જ રહ્યાં હોત, પણ તે કાર્ય સાવ મામૂલી બન્યું હોત અને તેની ઉપેક્ષા પણ થઈ હોત. તે ગણનાપાત્ર પણ ન રહેત. પછી એ ઝરણાંના પાણીને કોઈ પણ વ્યક્તિ ગંગાજળ ન કહેત. તેનું ચરણામૃત માથે ચડાવવાની કોઈનેય લાલચ ન રહી હોત.
ગૌમુખ પર આજે જે જળધારામાં ગંગામૈયાના સ્વરૂપનું મેં દર્શન કર્યું તે તો ખાલી ઉદ્ગમસ્થાન જ હતું. પૂરી ગંગા તો હજારો નદીનાળાંના સંગઠનથી સામૂહિકતાની અહાલેક જગાવતી વહી રહી છે. ગંગાસાગરે તેનું સ્વાગત કર્યું છે. આખી દુનિયા તેને પૂજે છે. ગૌમુખની શોધમાં તો મારા જેવા થોડાક જ રડ્યાખડ્યા યાત્રીઓ પહોંચી શકે છે. ગંગા અને નદીનાળાંના સંમિશ્રણના મહાન પરિણામની સમજ જો બધા જ નેતાઓ તથા અનુયાયીઓમાં આવી જાય, લોકો સામૂહિકતાના, સામાજિકતાના મહત્ત્વને હૃદયંગમ કરી શકે, તો ગંગામૈયા જેવી જ એક પવિત્ર પાપનાશક, લોકોદ્વારક સંઘશક્તિ પેદા થઈ શકી હોત.
પ્રતિભાવો