પ્રકૃતિનો રુદ્રાભિષેક – માઈલસ્ટોન, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – માઈલસ્ટોન

ઉત્તરકાશીથી નીકળતાં શરૂઆતના બે દિવસ જેવી મુશ્કેલી પડી હતી તેવી મુશ્કેલી ફરી આજે પડી. ભટવાડી ટેકરી સુધી રસ્તો પહોળો અને દુરસ્ત થઈ રહ્યો હતો, તેથી માઇલદર્શક પથ્થર એ બે દિવસોમાં જોવા ન મળ્યા. રસ્તાનાં મુશ્કેલ ચઢાણ – ઉતરાણ થોડીવારમાં જ થકવી દેતાં હતાં. ગીચ જંગલોનું પ્રાકૃતિક સૌંદર્ય આમ તો ઘણું જ સોહામણું હતું, પણ રોજ રોજ ચોવીસ કલાક એ જ જોતા રહેવાથી શરૂઆતમાં જે આકર્ષણ હતું તે ઘટવા લાગ્યું હતું. સૂનકારમાં એકલાપણું ગમતું નથી. જ્યારે કોલાહલમાં વ્યસ્ત જીવન વિતાવવાનું હોય ત્યારે નીરવ શાંતિ પણ દુઃખદાયક લાગે છે. આ સૂનકાર અને કઠોર પરિશ્રમ જ્યારે મન અને શરીરને થકવી દેતા ત્યારે એક જ જિજ્ઞાસા ઊઠતી : આજે કેટલું ચાલ્યા ? હવે કેટલું બાકી રહ્યું ?

થોડુંક ચાલ્યા બાદ સામે મળનારાને પૂછતા કે હવે આગલું કે વિશ્રામસ્થાન કેટલું દૂર છે ? એનાથી અંદાજ લગાવતા કે હજુ કેટલું ચાલવાનું બાકી છે. કોઈ વટેમાર્ગુ ઘમંડી હોય, જાણવા છતાં ઉપેક્ષા કરતો હોય, કોઈને ખબર ન હોય, કોઈ અંદાજથી જ બતાવતા હોય, તો તેમાં માઈલોનો ફરક હોય છે. આ બધાંને લીધે એકલી વ્યક્તિને સમાધાનકારી જવાબ મળવો મુશ્કેલ હોય છે. પાંચસાત જણના ટોળામાં હસતાં-બોલતાં સહેલાઈથી રસ્તો કાપી શકાય છે, પણ એકલાને માટે તો ઘણું મુશ્કેલ હોય છે. આ મુશ્કેલીઓમાં માઈલનો પથ્થર કેટલો કામ આવે છે તે અનુભવ ભટવાડી ટેકરીથી ગંગોત્રી સુધીની યાત્રામાં થયો. વચ્ચે વચ્ચે માઈલેજ તો અંકિત થયેલા જણાયા નહિ, પણ પહાડોની દીવાલ પર સફેદ ચૂનો લગાવી તેના પર લાલ અક્ષરોથી ૨૫/૭ – આ પ્રકારની નિશાનીઓ જ્યાં ત્યાં દર્શાવેલી હતી આનો અર્થ – એ થયો કે ૨૫ માઈલ ૭ ફર્લીંગ ચાલ્યા. પાછલી ટેકરી પર કેટલા માઈલ થતા હતા, આગળની ટેકરી સુધી કેટલા થશે એવી માહિતી નકશાથી મળતી હતી, જેથી રસ્તાનો ખ્યાલ આવતો રહ્યો. આ સૂનકારમાં માઈલ – ફર્લીંગના આંકડા ઘણા મદદરૂપ હતા. તેમના સહારે રસ્તો કાપતા હતા. એક ફર્લીંગ પૂરો થયા પછી બીજાની આશા રહેતી અને તે આવી જતાં સંતોષ થતો કે આટલી સફળતા મળી. હવે થોડીક જ બાકી છે.

આજે ફરીવાર ગંગોત્રીથી ગૌમુખના રસ્તે માઈલ-ફર્લીંગ આંકૈલા ન હતા. ઉત્તરકાશીથી ચાલતાં શરૂઆતના બે દિવસ પડેલી એવી મુશ્કેલી આજે ફરી વાર પડી. ગંગોત્રીથી ગૌમુખનો ૧૮ માઈલનો રસ્તો ઘણી મુશ્કેલીથી કાપ્યો. એક તો રસ્તો દુર્ગમ હતો અને તેમાંય વળી માઈલ અને ફાઁગદર્શક સાથીઓ અને ભોમિયાનો અભાવ ! આજે આ લીટીઓ લખતી વખતે પણ તે વખતની મુશ્કેલીની યાદ ખૂબ ખૂંચે છે.

વિચારું છું કે માઈલનો પથ્થર આમ તો કેટલો તુચ્છ છે ! એની કિંમત, યોગ્યતા, હસ્તી, બુદ્ધિ બધું જ હાસ્યાસ્પદ છે, પરંતુ તે એક નિર્ધારિત કર્તવ્ય લઈને પોતાની જગ્યાએ ચોંટેલો રહે છે. ત્યાંથી ખસવાનું વિચારતો ય નથી. તેને ફક્ત એક જ નાની વાતની ખબર છે કે ધરાસ ટેકરી આટલા માઈલ, આટલા ફર્લીંગ દૂર છે. બસ, ફક્ત આટલા જ્ઞાન સાથે લોકોની સેવા કરવા ચોંટી રહ્યો છે. આ પથ્થરના ટુકડાની નગણ્ય, તુચ્છ નિષ્ઠા છેવટે કેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે ! મારા જેવા અસંખ્ય પથિકો તેનાથી માહિતી મેળવતા હોય છે અને પોતાની પરેશાનીમાં કંઈક રાહત મેળવે છે.

જો આ નાનો પથ્થરનો ટુકડો માર્ગદર્શન આપી શકે છે, જો માટીનો નાનો સરખો, એક બે પૈસાની કીંમતનો દીવો પ્રકાશ પ્રદાન કરી રાત્રિના ખતરાથી બીજાની જીવનરક્ષા કરી શકે છે, તો શું સેવાભાવી માણસોએ પોતે ઓછું ભણેલા છે, ઓછી બુદ્ધિવાળા છે, ઓછા સમર્થ છે, ઓછા યોગ્ય છે એમ માની બેસી રહેવું જોઈએ ? ઓછાપણું (ઊણપ) દરેક વ્યક્તિમાં છે, પરંતુ દરેક પોતાના ક્ષેત્રમાં પોતાનાથી ઓછા જાણકાર તથા ઓછા સંપન્ન લોકો માટે ઘણું બધું કરી શકે છે. અમુક યોગ્યતા મળી હોત તો અમુક કાર્ય કરત એવી શેખચલ્લીની કલ્પનાઓ કરવા કરતાં પોતાની જે કંઈ યોગ્યતા છે તેનો ઉપયોગ કરી આપણાથી પછાત લોકોને આગળ લાવવા માર્ગદર્શન આપવું યોગ્ય નથી ? માઈલનો પથ્થર ફક્ત ધરાસૂ-ગંગોત્રી વચ્ચેનું અંતર જ જાણે છે, એટલું જ બતાવી શકે છે. એની આટલી સેવા પણ શું ઓછા મહત્ત્વની છે ? ઉત્તરકાશીથી ભટવાડી ટેકરી સુધી મુશ્કેલી રહી અને કાલે ગૌમુખદર્શનનું જે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે તેનાં સુખદ સ્વપ્નોમાં તે પથ્થરોની ગેરહાજરી ખટકી રહી છે.

આપણામાંથી કેટલાય એવા છે જે માઈલસ્ટોનથી વધુ જનસેવા કરી શકે છે. આત્મવિશ્વાસ, નિષ્ઠા અને જે કંઈ તેમની પાસે છે તેની સાથે પોતાના ક્ષેત્રમાં વળગી રહેવાની જો અડગતા પણ હોય તો પોતાની ઉપયોગિતા સાર્થક કરવાની ચોક્કસ તક મળે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: