પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ
આખા રસ્તે ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ પસાર કર્યું. આ ઝાડ સીધાં અને એટલાં ઊંચાં થાય છે કે એમને જોઈને પ્રસન્નતા અનુભવાય છે. કોઈ કોઈ ઝાડ ૫૦ ફૂટ જેટલાં ઊંચાં હશે. તે એવાં સીધાં વધ્યાં છે, જાણે ઊભાં ચોંટાડી ન દીધાં હોય ! પહોળાઈ અને મજબૂતાઈ પણ ઘણી છે.
આ સિવાય તેવા૨, દાદરા, પિનબૂ વગેરેનાં વાંકાંચૂકાં ઝાડ પણ પુષ્કળ છે, જે ચારે બાજુ પથરાયેલાં છે. આ ઝાડોની ડાળીઓ ઘણી ફૂટે છે અને બધી જ ડાળીઓ પાતળી હોય છે. થોડાક અપવાદ સાથે આ બધાં ઝાડ ફક્ત ઈંધણ તરીકે બાળવામાં જ કામ લાગે છે. અમુક પૈસાદાર વ્યક્તિઓ આ લાકડાંમાંથી કોલસા પણ બનાવી લે છે. આ ઝાડ જગ્યા વધારે રોકે છે, પણ તેનો ઉપયોગ સાધારણ છે. ચીડ અને દેવદારની જેમ ઈમારતી લાકડા તરીકે કે રાચરચીલામાં આ વાંકાંચૂકાં ઝાડ કામ લાગતાં નથી. એટલા માટે જ આવા ઝાડનો કોઈ ભાવ પૂછતું નથી અને કિંમતમાં પણ તે ઘણાં સસ્તાં હોય છે.
જોઉં છું કે જે વૃક્ષો ઊંચાં વધ્યાં છે તેમણે ગમે તેમ ડાળીઓ વિકસાવી નથી, પણ ઉપરની એક જ દિશામાં સીધાં વધતાં ગયાં છે. અહીંતહીં વળવાનું એ શીખ્યાં નથી. શક્તિને એક જ દિશામાં વાળીએ તો ઊંચે આવવું સ્વાભાવિક છે. ચીડ અને દેવદારનાં વૃક્ષોએ આ જ નીતિ અપનાવી છે અને તેઓ ગર્વિત માથું ઊંચકીને પોતાની નીતિની સફળતા પોકાર્યા કરે છે. બીજી બાજુ વાંકાંચૂકાં ઝાડ છે. તેમનાં મન અસ્થિર અને ચંચળ રહ્યાં, તેમણે શક્તિને એક દિશામાં વાળી નહિ. વિભિન્ન દિશાઓનો સ્વાદ ચાખવા ઇચ્છયું અને એ જોવા ઇછ્યું કે કઈ દિશામાં વધુ મઝા છે ? ક્યાં ઝટ સફળતા મળે છે ? આ ચંચળતામાં તેમણે પોતાની જાતને અનેક દિશામાં વહેંચી નાખી, અનેક શાખાઓ ફેલાવી. નાની નાની ડાળીઓથી ઘેરાવો તો વધ્યો અને તેઓ પ્રસન્ન થયાં કે અમારી આટલી શાખાઓ છે, આટલો વિસ્તાર છે. દિવસો વીતતા ગયા. બિચારાં મૂળ બધી જ શાખાઓ પૂર્ણ વિકસિત થાય તે માટે જરૂરી રસ ચૂસે ક્યાંથી ? પ્રગતિ રોકાઈ ગઈ. ડાળીઓ નાની અને પાતળી રહી ગઈ. ઝાડનું થડ પણ કમજોર રહ્યું અને ઊંચાઈ પણ ન વધી શકી. અનેક ભાગોમાં વહેંચાયા પછી મજબૂતાઈ તો હોય જ ક્યાંથી ? બિચારાં આ દાદરા અને પિનખૂનાં ઝાડ પોતાની ડાળીઓ તો ફેલાવતાં ગયાં, પરંતુ સમજદાર વ્યક્તિઓને આવાં ઝાડની કોઈ કિંમત લાગી નહિ. તેઓ એમને કમજો૨ અને બેકાર માનવા લાગ્યા. અનેક દિશાઓમાં ફેલાવો કરી જલદી જલદી કોઈ દિશામાં સફળતા મેળવવાની એમની ઉતાવળ અંતે બુદ્ધિયુક્ત પગલું સાબિત ન થઈ.
દેવદારનું એક નિષ્ઠાવાન ઝાડ પોતાના મનમાં ને મનમાં વાંકાંચૂકાં ઝાડની ચાલ તથા ચપળતા પર હસ્યા કરે એમાં શી નવાઈ ? આપણી ચંચળતાને કારણે એક નિર્ધારિત લક્ષ્ય પર દેવદારની જેમ સીધા વધી શક્યા ન હોઈએ ત્યારે જાણકારની નજરોમાં આપણે ઊણા ઊતરીએ એ નિર્વિવાદ છે.
પ્રતિભાવો