પ્રકૃતિનો રુદ્રાભિષેક – વાદળો સુધી આવી પહોંચ્યા, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – વાદળો સુધી આવી પહોંચ્યા, સૂનકારના સાથીઓ
આજે વહેલી સવારથી જ વરસાદ ચાલુ હતો. આમ તો પહાડોની ટોચ પર દોડતાં વાદળો રોજ જોતા હતા, પણ આજે તે વાદળો ખૂબ જ નીચે ઊતરી આવ્યાં હતાં. જે ઘાટી પર અમે પહોંચ્યા હતા તે દરિયાની સપાટીથી દસ હજાર ફૂટની ઊંચાઈ પર હતી. વાદળોને અમારી પર હુમલો કરતાં, અમારી જાતને વાદળો ચીરીને પાર કરતા જોવાનું દૃશ્ય મનોરંજક અને આશ્ચર્યજનક હતું. પિંજાયેલા રૂ જેવાં, વરાળથી બનેલાં ઊડતાં વાદળો નિર્ભય બનીને અમારી પાસે આવી રહ્યાં હતાં. પુષ્કળ ધુમ્મસ જેવો એક સફેદ અંધારપટ ચારે બાજુ છવાઈ ગયો. પહેરેલાં કપડાં પર હવાનો ભેજ આવી જતો અને શરીર પણ ભેજવાળું થઈ જતું. જ્યારે વરસાદ વરસતો ત્યારે રૂ જેવાં વાદળાંમાંથી પાણીનાં ટીપાં ઝમી ઝમીને કેવી રીતે નીચે પડે છે તે પ્રત્યક્ષ જોયું.
ઘરે કે ગામમાં અમે વાદળોને જોતા ત્યારે તે ખૂબ જ ઊંચે લાગતાં હતાં. દાદીમા કહેતાં કે જ્યાં વાદળો છે ત્યાં દેવલોક આવેલો છે. આ વાદળો દેવતાઓની સવારી છે, જેના પર બેસી દેવતાઓ ઘડીકમાં અહીં તો ઘડીકમાં બીજે ફર્યા કરે છે અને જ્યાં ઇચ્છે ત્યાં વરસાદ વરસાવે છે. નાનપણમાં કલ્પના કરતો કે મને પણ એકાદ વાદળ પર ચઢવાનું મળી જાય તો જ્યાં ઇચ્છું ત્યાં ફરવા જઈ શકું. તે વખતે મારી નજરે વાદળોની કિંમત ઘણી હતી. વિમાનથી પણ વિશેષ. વિમાન ઉડાડવા માટે તો એને ખરીદવું પડે, ચલાવવું પડે, બળતણ પૂરવું પડે. એ બધાં કામ ખૂબ જ મુશ્કેલ હતાં, પણ વાદળોની બાબતમાં તો કંઈ કરવાનું હતું જ નહિ. બેઠા અને જ્યાં ઇચ્છા થઈ ત્યાં ચાલી નીકળ્યા.
આજે નાનપણમાં કરેલી કલ્પના મુજબ વાદળો પર બેસી ઊડી તો શક્યો નહિ, પણ તેમને અમારી સાથે ચાલતાં જોઈને પ્રસન્નતા થઈ. અમે એટલા ઊંચા ચઢ્યા કે વાદળો અમારી પગચંપી કરવા લાગ્યાં. વિચારું છું કે મોટાં, મુશ્કેલ ધ્યેય ખૂબ જ કપરાં અને અતિ દૂરનાં માલૂમ પડે છે, પણ જેમ અમે પર્વત પર ચઢ્યા તો વાદળો સુધી પહોંચી શક્યા તે જ રીતે માણસ મહેનતથી લક્ષ્યપ્રાપ્તિ કરી શકે છે. જેમ અમે નિરંતર ચઢતાં ચઢતાં દસ હજાર ફૂટ ઊંચે આવી પહોંચ્યા તેવી જ રીતે કર્તવ્યકર્મનો હિમાલય કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રયત્નોથી સર કરી શકે છે.
વાદળોને સ્પર્શ ક૨વો મુશ્કેલ છે, પરંતુ તે પર્વતનાં ઊંચાં શિખરોની બિલકુલ નજીક હોય છે. કર્તવ્યપરાયણતાની ઊંચી માત્રા આપણને વાદળો જેટલા ઊંચા ઉઠાવી શકે છે અને જે વાદળો સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે તે ઊંચા વાદળો જ જાતે ખેંચાઈને આપણી પાસે આવે છે. ઊંચે ઊડવાની પ્રવૃત્તિ આપણને વાદળો સુધી પહોંચાડી દે છે. વાદળોને આપણા સુધી ખેંચાઈ આવવા વિવશ કરી દે છે. વાદળોને સ્પર્શ કરતાં એવી ભાવના જાગતી રહી, પણ બિચારી ભાવના એકલી શું કરી શકે ? એને સક્રિયતાનું આભૂષણ પહેરવાનું ન મળે તો મનના એક તરંગ સમાન જ સાબિત થાય છે.
પ્રતિભાવો