સમયસંયમ, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
May 27, 2022 Leave a comment
સમયસંયમ, સાધના આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સમયસંયમ
જે કામ સાવ બિનજરૂરી અથવા નુકસાનકારક હોય એની પાછળ સમય ગુમાવશો નહિ. એ સમયને ઉપયોગી જ્ઞાનવર્ધક કાર્યોમાં વાપરો. આ સમયસંયમ છે. સમયનો સંયમ શા માટે ? જીવન ટૂંકું છે, જ્યારે પરલોક અને આ લોકને સાધવાનું કામ ખૂબ વિશાળ છે. એટલે સમયનો સદુપયોગ કરવો ખૂબ જરૂરી છે. સૂચનઃ “સમયબદ્ધ જીવન જીવીશ” આ ઇચ્છાને જાગ્રત કરો.
અભ્યાસ
(૧) આળસ તથા પ્રમાદમાં સમય ન ગુમાવો. એ આત્મહત્યા કરવા સમાન છે.
(૨) જે વિચાર અને કર્મ મનને મેલું કરે છે, કુસંસ્કારો પેદા કરે છે એની પાછળ સમયનો નાશ ન કરો. તેને દઢ ચિત્તથી અને સંકલ્પપૂર્વક ત્યાગી દો.
(૩) રાત્રે સૂતા પહેલાં આગામી દિવસ માટે જરૂરી કાર્યો નક્કી કરો.આગામી દિવસે એનું કઠોરતાપૂર્વક પાલન કરો. (૪) બીજાઓને સમય સંબંધી કરેલા વાયદાને સંપૂર્ણ જાગૃતિપૂર્વક નિભાવો.
(૫) આ સમયબદ્ધતાથી આપને ઢગલાબંધ સમય મળશે. આ સમયને પોતાનું તથા બીજાઓનું જ્ઞાન અને કૌશલ્ય વધારવા, અન્ય ઉપયોગી કાર્યોમાં, સેવા તથા શ્રેષ્ઠ કર્મોમાં ખર્ચો. ફરી ધ્યાન આપો કે જીવનનો સમયગાળો ખૂબ લાંબો હોતો નથી.
૫. સેવા (આરાધના)
“પોતાના સમય, શ્રમ, ધન, બુદ્ધિ, શક્તિ અને સાધનોનો એક ભાગ ઉદારતાપૂર્વક બીજાઓના ભલા માટે ખર્ચવો’’- આ સેવા છે. ભજ સેવાયામ્ – સેવા એ જ સાચું ભજન છે. સેવા જ વિરાટ સ્વરૂપ ધરાવતા બ્રહ્મની આરાધના છે. એટલા માટે સેવા દ્વારા જ ઈશ્વરના સામીપ્યનો અનુભવ થઈ શકે છે.
સેવા આધ્યાત્મિકતાનું વ્યાવહારિક સ્વરૂપ છે. તેને સરળ ભાષામાં એમ કહી શકાય કે સેવા કરવાથી જ અધ્યાત્મ સિદ્ધ થાય છે. ‘રામચરિત માનસ’ પણ ‘પરહિત સરિસ ધરમ નહીં ભાઈ’ કહી સેવાને સૌથી ઊંચું સ્થાન આપ્યું છે. એટલા માટે જે સાધક પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરવા ઇચ્છતો હોય તેણે ઉપાસના તથા સાધનાની સાથેસાથે સેવાધર્મને પણ અનિવાર્ય રૂપે સાધવો જોઈએ.
સેવાના સરળ પરંતુ ઉપયોગી ચાર માર્ગ છે : (૧) મંદિરોમાં સેવા (૨) માનવીની સેવા, (૩) દેશની સેવા,(૪) મહાકાળની સેવા. તેને અપનાવો અને પોતાના માટે અધ્યાત્મને સિદ્ધ કરો. સૂચનો :
સેવાના આ ચાર માર્ગો કે નિયમો એક સમાન છે. જ્યારે સેવા કરીએ ત્યારે –
(૧) સેવા કરવાનો અહંકાર ન કરો.
(૨) ‘અહેસાન કરી રહ્યા છો’ એવો દૂષિત ભાવ પેદા ન થવા દો.
(૩) પોતાને કોઈ લાભ થાય એવી ઇચ્છા ન રાખો.
પ્રતિભાવો