ઉપવાસ અને બ્રહ્મચર્યના સંયમના લાભ, આંદોલન પર એક દૃષ્ટિ

ઉપવાસ અને બ્રહ્મચર્યના સંયમના લાભ, આંદોલન પર એક દૃષ્ટિ ,
સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

ઉપવાસ અને બ્રહ્મચર્યના સંયમના લાભ
(૧) પાચનક્રિયા સુધરે છે, શરીર શુદ્ધ રહે છે અને મન શાંત રહે છે.
(૨) મોટી ઉંમરે પણ વ્યક્તિ તંદુરસ્ત અને વૃદ્ધાવસ્થાથી દૂર રહે છે.
(૩) તન અને મનની શક્તિઓની ભયાનક બરબાદીથી રક્ષણ મળે છે.
(૪) તન ઓજસ્વી તથા મન તેજસ્વી બને છે.
(૫) મનની ચંચળતા દૂર થાય છે, જેથી પ્રભાવશાળી રીતે ધ્યાન થઈ શકે છે. (૬) વ્યક્તિગત જીવનમાં કર્મ પ્રત્યે નિષ્ઠા અને સામાજિક જીવનમાં સેવાની ભાવના વધે છે.
૪.(૨) વિચારસંયમ
(૧) આપણી દરેક પ્રવૃત્તિ કોઈ વિચાર દ્વારા જન્મ લે છે. મનમાં જેવા વિચારો આવે છે એવું જ કર્મ આપણે કરીએ છીએ અને આપણે દરરોજ જેવાં કર્મો કરીશું એવો જ આપણો સ્વભાવ અને સંસ્કાર બનતા જશે. આ આપણા સંસ્કારો જ જીવાત્માને યા તો સ્વર્ગના દિવ્ય પ્રકાશમાં પહોંચાડે છે કે પછી નરકના ગાઢ અંધકારમાં નાખે છે. આપણા વિચારો જ આપણું ભાગ્ય લખે છે. ઈશ્વરની આ સનાતન વ્યવસ્થા છે.
(૨) દેવતાઓના ચિત્રમાં મસ્તકની પાછળ હંમેશાં શ્વેત રંગના પ્રકાશનું ચક્ર દર્શાવવામાં આવે છે. એ તેમના તેજને પ્રગટ કરે છે. દરેક મનુષ્યના મસ્તકની પાછળ પણ આ પ્રકારનું ચક્ર હોય છે. આ ચક્ર આપણા મનના તેજને દર્શાવે છે. જો આપણા વિચારો ગંદા હશે તો આપણું ચક્ર પણ ધૂંધળું અને મેલા રંગનું બની જશે. જેમ જેમ આપણે શુદ્ધ બનતા જઈશું તેમ તેમ ચક્ર પણ શ્વેત બનતું જશે તથા એના અનુસાર આપણું ભાગ્ય પણ શ્વેત બનતું જશે.

(૩) એટલા માટે ઋષિઓ તથા મહાપુરુષોએ વિચારો પર સંયમ રાખવા અંગે ખાસ ભાર મૂક્યો છે. વિચારોને હંમેશાં સ્વચ્છ રાખવાને પુણ્યકાર્ય કહ્યું છે. આથી હે સાધકો,
(૧) દરરોજ સ્વાધ્યાય તથા શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથે સત્સંગ દ્વારા શ્રેષ્ઠ પ્રેરણાઓ પ્રાપ્ત કરતા રહો. (૨) મનમાં હંમેશાં શ્રેષ્ઠ વિચારો રાખો અને મનનું તેજ વધારો.
વિચારસંયમના લાભ – (૧) ધીરે ધીરે વિવેક જાગવા લાગે છે અને મનમાં તેજસ્વિતા આવતી જાય છે. (૨) વ્યવહારમાં શાલીનતા આવે છે, તેથી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે.
૪.(૩) અર્થસંયમ
(૧) મુંડન તથા લગ્ન પ્રસંગે થતી ધામધૂમ, મૃત્યુભોજન માટે વિશાળ પ્રમાણમાં થતું આયોજન અને તેના કારણે બિનજરૂરી વસ્તુઓની આડેધડ ખરીદી વગેરે ખોટા ખર્ચાઓ પાછળ માત્ર બે પ્રેરણાઓ કામ કરે છે – અત્યંત નુકસાનકારક રાજાશાહી પ્રથાની નકલ તથા પોતે અત્યંત ધનવાન છે એવું જગજાહેર કરવાની ઇચ્છા.


આ પ્રથાઓ તથા ઇચ્છાઓ નુકસાનકારક હોવા છતાં ફક્ત એટલા માટે સતત ચાલતી રહે છે કે એકને એવું કરતાં જોઈ બીજી વ્યક્તિ પણ એવું કરવા લાગે છે. ક્યારેક મજબૂરીથી, તો ક્યારેક હરીફાઈની ભાવનાથી. જો એક જણ તે બંધ કરી દે તો બીજાને પણ બંધ કરી દેવાનો ઉત્સાહ જાગૃત થશે.
(૨) આપ આપના ઘરમાં વડીલ છો. આપનો ફેંસલો જ અંતિમ ફેંસલો છે. એટલા માટે સૌથી પહેલાં આપ સાહસ કરો. આપના કુટુંબમાં જ્યારે પણ મુંડન તથા લગ્નનો પ્રસંગ આવે ત્યારે આ ધાર્મિક કાર્યને સાદગીપૂર્ણ રીતે કરવાની જાહેરાત કરી દો. શાંત મનથી પરંતુ દઢ ચિત્તથી જાહેરાત કરો. કુટુંબવાળાઓ તેની ટીકાઓ શરૂ કરશે, પરંતુ તેની ઉપર ધ્યાન ન આપો કે ન કોઈ વિવાદ ખડો કરો. શાંત ન્ તથા મજબૂત મનથી ટકી રહો. થોડા સમયમાં તેઓ શાંત થઈ જશે.
એ ચોક્કસ છે કે એવો નિર્ણય કરવાથી સમાજ આપની નિંદા નહિ કરે કારણ કે તે બરબાદીના બોજથી ત્રાસેલો છે. એ પણ ચોક્કસ છે કે આપના દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી તથા ઉપયોગી પરંપરા દ્વારા બીજા પણ કેટલાક લોકોને પ્રેરણા મળશે. તેઓ પણ આપની જેમ સાહસ કરશે. આ રીતે સદીઓથી ચાલી આવેલી ખોટા ખર્ચાવાળી નુકસાનકારક પ્રથાઓ ધીરે ધીરે લુપ્ત થતી જશે.
આપનું આ પ્રકારનું સાહસ સમાજ માટે પથદર્શક બની જશે (૩) ખોટા ખર્ચાઓથી બચવું તે કંજૂસાઈ નથી. કંજૂસાઈ પણ ખોટા ખર્ચાઓ જેટલી જ નુકસાનકારક છે. નકામી બરબાદીમાંથી બચેલા ધનનો એક ભાગ ઉદારતાપૂર્વક અને નિયમિત રૂપે સેવાના કાર્યોમાં અને સત્કર્મોમાં ખર્ચતા રહો. આપની આ ઉદારતા સમાજ અને ધર્મ માટે જેટલી કલ્યાણકારી અને પ્રેરણાદાયક બનશે તેનાથી અનેકગણી વધારે આપની આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક સાબિત થશે. જો વ્યસન, ફેશન, દુર્વ્યય વગેરેમાંથી ધન બચાવીને અર્થસંયમની સાધનાની ટેવ પાડવામાં આવે તો કુટુંબનાં તથા સમાજનાં શ્રેષ્ઠ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં આર્થિક સાધનો એકઠાં થવા લાગશે.
૪.(૪) સમયસંયમ
(૧) ઈશ્વરે મનુષ્યને સમય અને વિવેકરૂપી બે સૌથી મોટી સંપત્તિ આપીને પૃથ્વી પર મોકલ્યો છે, જેનાથી તે આ સર્વશ્રેષ્ઠ મનુષ્યયોનિનાં કરવા યોગ્ય કાર્યોને સમયમર્યાદાની અંદર પૂરાં કરીને પાછો ફરે. પરંતુ જો આપણે આખો દિવસ કરેલાં કાર્યોની ઈમાનદારીપૂર્વક સમીક્ષા કરીએ, તો આપણને આશ્ચર્ય થશે કે વિવેકને છોડીને આપણે વ્યર્થ કાર્યોમાં અથવા આળસપ્રમાદમાં ખૂબ સમય ગુમાવી દઈએ છીએ. ઈશ્વરે આપેલી આ બે મોટી સંપત્તિઓનો આપણે એવો સદુપયોગ કરી રહ્યા નથી કે જેની આપણી પાસે આશા રાખવામાં આવી હતી.
(૨) મનુષ્યનું આયુષ્ય ખૂબ લાંબું હોતું નથી. જીવવા માટે તેને માત્ર ૬૦થી ૭૦ વર્ષનો નાનકડો સમય મળ્યો છે. એટલા સમયમાં જ પોતાના વિચારો, કર્મ અને સંસ્કારોને સુધારવાના અને સ્વચ્છ કરી લેવાના છે. જીવાત્માની સદ્ગતિ માટે સદ્ભાવોની પૂરતી પૂંજી કમાઈ લેવાની છે. સદ્ભાવોને શ્રેષ્ઠ કાર્યોમાં ઢાળી દુખી, અશક્ત તથા રસ્તો ભૂલી ગયેલા લોકોની સેવા પણ કરી લેવાની છે. એટલા માટે સમયને સાધી લેવો જરૂરી છે.
(૩) વહી ગયેલો સમય ફરી મળતો નથી. એટલા માટે જે લોકો મળેલા સમયનું મહત્ત્વ સમજે છે તેઓ ૬૦-૭૦ વર્ષના ટૂંકા જીવન દરમિયાન એટલું બધું કામ કરી જાય છે કે જે અનેક લોકો ભેગા મળીને પણ કરી શકતા નથી. આઘશંકરાચાર્ય અને શ્રીરામ શર્મા આચાર્યજી તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. જીવનનો અર્થ છે સમય. જેઓ જીવનને પ્રેમ કરતા હોય તેમણે આળસમાં સમય ન ગુમાવવો જોઈએ, કારણ કે આળસથી વધુ ઘાતકી અને વધારે નજીકનો શત્રુ બીજો કોઈ નથી. સમયનો સાચો ઉપયોગ કરો. બિનજરૂરી કાર્યોમાંથી બચાવવામાં આવેલા સમયનું શું કરીએ ? તેને તાત્કાલિક ઉપયોગી કાર્યોમાં ખર્ચી દો, નહિ તો બેકાર ચાલ્યો જશે. એટલા માટે તેને સ્વાધ્યાય દ્વારા શ્રેષ્ઠ વિચારોનો સંગ્રહ કરવામાં, સદ્ગુણોનો અભ્યાસ કરવામાં અને સેવા તથા શ્રેષ્ઠ કાર્યોમાં ગાળો એમાં જ બુદ્ધિમત્તા છે.
૫. સેવા
(૧) ‘પરહિત સરિસ ધરમ નહિ ભાઈ.’ મુશ્કેલીઓ, પીડા તથા અસમર્થતાથી ભરેલું જીવન જીવી રહેલી વ્યક્તિઓના દુખનું નિવારણ કરવાની અને મનુષ્યના માનસિક તથા બૌદ્ધિક પતનનું નિવારણ કરવાની સેવાનું વ્રત લેવું તે ધર્મનું સૌથી ઊંચું સ્વરૂપ છે.
(૨) માનવજીવન ધારણ કરવાનો આ જ ઉદ્દેશ છે. મનુષ્ય ઈશ્વરની દિવ્યતાને ઓળખે અને પોતાની લઘુતાનો સ્વીકાર કરે. ઈશ્વરની ઇચ્છાને સમજે અને નમ્ર બની આ સેવાવ્રતને ધારણ કરે. પોતાના સામર્થ્ય દ્વારા દીનદુખીઓની પીડા દૂર કરે અને રસ્તો ભૂલેલાને જીવન જીવવાનો સાચો રસ્તો ચીંધે એવી સેવા મોક્ષનું દ્વાર છે.
(૩) પ્રભુનો સેવક એ છે કે જે સેવા કરવાનો અહંકાર કરતો નથી અને સેવાની આડમાં સ્વાર્થ સાધતો નથી. એ જ વાસ્તવિક સેવા છે.
ધર્મનું વ્યાવહારિક રૂપ સેવા છે
નીચે જણાવેલ ચાર પ્રકારની સેવાના ધર્મનો નિર્વાહ કરો – ૫.(૧) દેવમંદિરોની સેવા(સાધનોનો સદુપયોગ)
(૧) પોતાનો હોદ્દો તથા પ્રતિષ્ઠાના કારણે દેવમંદિરોની સેવા કરવામાં શરમનો અનુભવ ક્યારે પણ ન કરો. આપ ગમે તેટલા ઉચ્ચ સ્તરના કેમ ન હો, પરંતુ ભગવાન કરતાં તો નાના જ રહેશો. એટલા માટે આનંદપૂર્વક સેવા કરો અને સેવા કર્યા પછી સંતોષ અનુભવો, તો જ માનો કે આપે સેવા કરી છે.
(૨) “ભગવાન મારી માતા છે અને પિતા પણ છે” આ પ્રકારનો શ્રદ્ધાભાવ હોવો જોઈએ. ‘શ્રેષ્ઠ સંતાનો માતૃભક્ત અને પિતૃભક્ત હોય છે.’ આવી આત્મીયતાનો ભાવ હોવો જોઈએ. આવી શ્રદ્ધા અને આત્મીયતા સાથે દેવમંદિરોની સેવા કરો. આ સાચી સેવા છે. આવી સેવા જ ભગવાન સ્વીકારે છે.

(૩) સાચી સેવાનાં શ્રેષ્ઠ પરિણામો તરત જ જોવા મળે છે. ભક્તિનું સાચું સ્વરૂપ સમજમાં આવવા લાગે છે. સાચી આસ્તિકતાનો વિકાસ થાય છે, અહંકાર તૂટે છે અને સૌના પ્રત્યે સમતાનો ભાવ જાગે છે.
(૪) દેવમંદિરોની સેવા ક્યારે કરીએ ?
(૧) આપ જયારે પણ દેવદર્શન કરવા માટે જાઓ ત્યારે કરો. જાતે શોધો કે એ સમયે કઈ સેવા કરી શકાય.
(૨) દેવમંદિરોમાં તહેવારની ઊજવણી કરવા માટે અથવા ‘જન જાગૃતિ’ સંબંધી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય ત્યારે ખાસ સહકાર આપો.
૫.(૨) માનવસેવા (દુખનિવારણ)
(૧) માનવશરીર પણ ભગવાનનું મંદિર છે. એટલા માટે દેવાલયની સેવાની જેમ જ શ્રદ્ધા અને આત્મીયતાની સાથે દુખી અને અશક્ત લોકોની સેવા કરવી જોઈએ.
ભગવાને મનુષ્યને સેવાનું જ કર્તવ્ય સોંપ્યું છે. કરુણા તથા ઉદારતા જેવી ઉચ્ચકોટિની ભાવનાઓ સાથે જ્યારે હૃદયમાં સેવાનો ભાવ જાગે છે અને સેવા કરવામાં આવે છે ત્યારે સાધકને ઈશ્વરના સામીપ્યનો અનુભવ થાય છે. પરાઈ વ્યક્તિઓની પીડા જાણનાર તથા સમજનાર જ વૈષ્ણવજન છે, સાચો ભક્ત છે, ભગવાનને પ્રિય છે. ભગવાનની કરુણા અને ઉદારતા એ જ મેળવી શકે છે, જે સ્વયં એવી કરુણા તથા ઉદારતા સાથે દુખી અને અશક્ત વ્યક્તિઓની સેવા કરે છે. આ ઈશ્વરની વ્યવસ્થાને જાણવી જોઈએ અને પોતાના સામર્થ્ય અનુસાર સેવા કરવી જોઈએ, દુખોનું નિવારણ કરવું જોઈએ.
(૨) એટલા માટે અહંકાર રાખી ખિજાઈને સેવાનો ઢોંગ ક્યારેય પણ ન કરો. એ પાપ છે અને બિલકુલ અયોગ્ય છે.
(૩) જ્યારે પણ સેવા કરો અને જેટલી પણ કરો, તે સહૃદયતાપૂર્વક અને નમ્રતાના ભાવથી કરો. કોઈ કારણસર ન કરી શકો, તો ધીરેથી બોલીને અશક્તિ દર્શાવી દો.

૫.(૩) (૧) મદ્રાસમાં સ્વામી વિવેકાનંદજીએ આપેલા પ્રવચનનો ટૂંક સાર અહીં આપવામાં આવ્યો છે તેની ઉપર ધ્યાન આપો – ‘‘આ પૃથ્વી પર માત્ર ભારત જ કર્મભૂમિ છે. અહીં સેવા, સહકાર અને સત્કર્મ કરી
મનુષ્ય ઉચ્ચ દેવયોનિ અથવા મોક્ષ તરફ આગળ વધી શકે છે. બાકીના દેશો ભોગની ભૂમિ છે. એટલા માટે જેમને મોક્ષ તરફ આગળ વધવું હોય તેમણે સારા સંસ્કારોનો વિકાસ કરી પ્રથમ ભારતમાં જન્મ લેવો જોઈએ. ભારત દિવ્ય ભૂમિ છે માટે તેને આ સંસ્કૃતિ સાથે એકરસ થવું પડશે. મોક્ષનો માર્ગ ભારત થઈને જાય છે. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી.’’ સિદ્ધપુરુષ સ્વામી વિવેકાનંદજીની વાણી વિશ્વાસ કરવા પાત્ર છે. એટલે એની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. તેમના આ રહસ્યોદ્ઘાટનથી આપણને ભારતની મહાનતાનું જ્ઞાન થાય છે.
(૨) આ ભારતભૂમિ અન્ય દેશોથી ભિન્ન છે. કોઈ પણ દેશ પાસે ત્યાગમય, સર્વનું કલ્યાણ કરનારી સંસ્કૃતિ નથી, કોઈની પાસે સિદ્ધો યોગીઓનો આશ્રયદાતા અને દેવસંસ્કૃતિજનક દિવ્યઆત્મા એવો હિમાલય નથી, કોઈપણ દેશ પાસે ક્યારેય પણ ખરાબ ન થતા જળથી છલોછલ ભરાયેલી અને ત્રિલોકને પાવન કરનારી ગંગા નથી. કોઈપણ દેશ પાસે શરીરબળ અને મનોબળથી છલકાતા તથા માતૃભૂમિના રક્ષણ માટે શહીદ થવા માટે આતુર સૈનિકો, યુવકો અને યુવતીઓ નથી. દેશ, ધર્મ અને સંસ્કૃતિની નિઃસ્વાર્થભાવે સેવા કરવા માટે માત્ર ભારતે જ પોતાનાં ઘરબાર તથા સગવડતાઓ છોડી ગામડે ગામડે અને શહેરોની ગલીઓમાં કામ કરતા અસંખ્ય સમાજસેવકો ઉપજાવ્યા છે. આપણી આ માતૃભૂમિ, વિજ્ઞાન, યોગ, શિલ્પ, ગણિત અને સૃષ્ટિના જ્ઞાનની જન્મદાત્રી દિવ્યભૂમિ છે.
(૩) આપણે ભાગ્યશાળી છીએ કારણ કે આ દિવ્યભૂમિ પર આપણે જન્મ લીધો છે, પરંતુ માત્ર જન્મ લેવો જ પૂરતો નથી. સેવા, સહકાર અને સત્કર્મની શરત પૂરી કરવાની બાકી છે. અહીં જન્મ લઈને આ કર્મોથી મોઢું છુપાવતા રહીએ તો એનાથી વધારે મોટી દુર્બુદ્ધિ અને દુર્ભાગ્ય બીજું કયું હોઈ શકે ? ઉચ્ચ દેવયોનિ મેળવવા અથવા મોક્ષ પ્રાપ્ત કરવા માટે હાથમાં આવેલો અવસર એમ જ ગુમાવી દેવો આપણા માટે શું યોગ્ય છે ?
(૪) આજે આપણી સંસ્કૃતિ અને જન્મભૂમિ પર ચારેબાજુથી આક્રમણો થઈ રહ્યાં છે. આર્થિક સ્વતંત્રતા, અખંડતા અને સીમાડાઓ ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. તૃષ્ણા અને વાસનાને ભડકાવનારી પશ્ચિમની ચમકદાર રાક્ષસી સંસ્કૃતિ અજગરની જેમ મોઢું ફાડીને ત્યાગવૃત્તિવાળી દેવસંસ્કૃતિને ગળી રહી છે. બહારથી તો આક્રમણો થઈ રહ્યાં છે, સાથેસાથે ઘરની અંદર પણ માતૃભૂમિના ગૌરવને દેશદ્રોહીઓ અને સંસ્કૃતિદ્રોહીઓ નીચે પટકી રહ્યા છે. હોદ્દો, સત્તા અને ધન મેળવવાનો લોભ સુરસાની જેમ વધતો જાય છે. કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા અને આળસ આપણા સ્વભાવમાં વણાઈ ગયાં છે. આપણે ભૂલતા જઈએ છીએ કે આ દિવ્ય ભારત આપણી માતૃભૂમિ છે.
આપણે ભારતવાસી છીએ, આપણી પોતાની એક સંસ્કૃતિ છે. આ માતૃભૂમિ પ્રત્યે તેનાં બાળકોની પણ કંઈક ફરજ છે. બીજા દેશો આપણી આ માતાને ચૂંથે, નુકસાન પહોંચાડે તો શું ક્રોધ ન આવે ? આપણી માને અગર કોઈ સંસ્કૃતિહીન, વસ્ત્રહીન કરવા લાગે તો શું શરમ ન આવે ? તો ક્યારે આવશે આ ક્રોધ અને આ શરમ ?
ભારતમાં મળેલો આ જન્મ અને આ સમય ખૂબ કીમતી છે. યુગપરિવર્તન બિલકુલ નજીક આવી પહોંચ્યું છે. તેથી આ શરીર અને સમય રહેતાં આપણે ચેતી જઈએ તો સારું છે. માતૃભૂમિ અને દેવસંસ્કૃતિની નિઃસ્વાર્થ ભાવે સેવા કરીને ઉચ્ચ દેવયોનિ અને મોક્ષ તરફ આવો, આપણે ડગ માંડીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: