દાન તથા પુણ્ય, આંદોલન પર એક દૃષ્ટિ
May 29, 2022 Leave a comment
દાન તથા પુણ્ય, આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
દાન તથા પુણ્ય
(૧) દાન તથા પુણ્ય કરવાનો અર્થ છે – “પોતાના ધન, બુદ્ધિ તથા સમયનો એક અંશ અર્પણ કરવો’ અર્થાત્
(૧) પોતાની આવકનો અમુક ભાગ નિયમિત રૂપે લાચારીભર્યું જીવન જીવી રહેલા, અશક્ત તથા દુખી લોકોને મદદ કરવા ખર્ચવો. આ શ્રેષ્ઠ કોટિનું ધનદાન અથવા અંશદાન છે.
(૨) નિયમિત રૂપે પોતાની આવકનો અમુક ભાગ ઉચ્ચ કોટિનું સાહિત્ય ખરીદવા ખર્ચવો. તે સાહિત્ય અજ્ઞાનતાના અંધકારમાં ભટકી રહેલા લોકોને વાંચન કરવા માટે દાનમાં આપો, તેમની સાથે ચર્ચા કરો, સમજાવો. તેમને સમજાવી શકાય તે માટે પોતે એ પુસ્તકોનું ધ્યાનપૂર્વક વાંચન કરો.
આ અત્યંત શ્રેષ્ઠ પ્રકારનો જ્ઞાનયજ્ઞ અથવા જ્ઞાનદાન છે. (૩) પોતાના સમયનો એક ભાગ લોકોને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ બનાવવા તથા સાત્ત્વિક અને પરોપકારી જીવન જીવવાની પ્રેરણા આપવામાં ગાળો. આ ઉચ્ચકોટિનું સમયદાન કહેવાય છે. આ પ્રકારનું પુણ્યદાન જ પરમાત્માને પ્રસન્ન કરે છે તથા તેમની કૃપાને આકર્ષિત કરે છે.
૨. ધર્મઘટ સ્થાપવાની રીત તથા અન્ય કાર્યો
(૧) થોડાં અઠવાડિયાં પછી ધર્મઘટમાં અનાજ અથવા સિલબંધ ગલ્લામાં પૈસા નાખવાની રીતને બદલી નાંખો. તેના માટે બાળકોને પ્રોત્સાહન આપો કે હવે તે આપના ખોબામાં અનાજ આપે, પછી તે પોતાના ખોબામાં લે. પ્રથમ તે પ્રેરણાદાયક વાક્ય બોલે, પછી તે અનાજ અથવા પૈસા અર્પણ કરે, ત્યાર બાદ આપને બોલવા માટે તથા અર્પણ કરવા માટે કહે
(૨) જ્યારે જ્યારે ધર્મઘટ અથવા ગલ્લો ભરાઈ જાય ત્યારે આદરપૂર્વક એ જ બાળક દ્વારા દુખી અશક્ત અથવા કોઈ સેવાભાવી સંસ્થાને અપાવતા રહો.
૩. ધર્મઘટની સ્થાપનાની રીતનું મહત્ત્વ
નાની ઉંમરમાં બાળકો જે બોલે છે, શીખે છે તથા કરે છે તે સંસ્કાર બની જાય છે. તેઓ આખું જીવન તેમાં જ પસાર કરે છે. એટલા માટે તેઓ દરરોજ અને લાંબા સમય સુધી “પહેલાં બીજાને અન્ન, ત્યાર બાદ પોતાને” બોલતાં રહેશે તથા પોતાના નાનકડા ખોબા દ્વારા અનાજનું દાન આપતાં રહેશે, તો તેમનામાં શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થશે અને તેઓ આખું જીવન કરુણામય, ઉદાર હૃદયવાળાં તથા માતૃપિતૃ ભક્ત બની રહેશે.
આજના યુગમાં બાળકો સામાજિક જીવનથી દૂર થઈ રહ્યાં છે તથા પોતાનાં માતાપિતા પ્રત્યે કઠોર અને ક્રૂર બની રહ્યાં છે ત્યારે સદ્ગુણો તથા સર્વ્યવહાર ધરાવતાં બાળકો જોઈને આપ જરૂર સંતોષ અને આનંદનો અનુભવ કરશો.
આ નાનાં દેખાતાં છતાં મહાન ધાર્મિક કાર્યો દ્વારા (૧) આત્મકલ્યાણની,(૨) જનકલ્યાણની, (૩) તથા પોતાનાં બાળકોમાં સંસ્કારોની સ્થાપનાની આ ત્રણે મહાન પ્રક્રિયાઓ એકી સાથે પૂરી થાય છે. આથી આપ આ શ્રેષ્ઠ ધાર્મિક કાર્યનો અવશ્ય પ્રારંભ કરો અને ઓળખીતાઓ તથા સગાસંબંધીઓને સમજાવી તેમને પણ પોતાનાં બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાની પ્રેરણા આપો.
આ ઘરનાં બાળકોમાં સંસ્કારના સિંચનની વાત છે, મોટા બાળકને અનાજ અર્પણ કરતો જોઈને નાના બાળકમાં પણ એવું જ કરવાનો ઉમંગ જાગે છે. આ રીતે દીવાથી દીવાઓ ઝળહળી ઊઠે છે.
દિવસના બાકીના સમયના સાધના-કાર્યક્રમોનુંવિવેચન
૧. મંત્રલેખન
(૧) મંત્રના જાપ ક૨વાની તુલનામાં મંત્રલેખનમાં શરીરના વધારે અવયવો ભાગ લે છે. આંખ, હાથ, શરીર, બુદ્ધિ, મનની એકાગ્રતા, આ સર્વેને સતત જાગૃત રાખવાં પડે છે. મંત્ર લખતી વખતે શ્રેષ્ઠ સાધક તેના અર્થનું પણ ચિંતન કરતો રહે છે. એટલા માટે જપની સરખામણીમાં મંત્રલેખનને દસગણું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
(૨) સમાજમાં હજારો વ્યક્તિઓ એવી છે કે જે ધાર્મિક કાર્યોમાં રસ ધરાવતી હોય છે, પરંતુ ખૂબ જ વ્યસ્ત રહેવાના કારણે નિયમિત રૂપે અડધો અથવા એક કલાક જાપ કરવા માટે કાઢી શકતી નથી. તેઓ સગવડતા અનુસાર મંત્રલેખન કરી શકે છે. તેમને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તેઓ એકાગ્ર મનથી મંત્રલેખન કરી શકે અને પોતાની ધાર્મિક રુચિને જીવંત રાખી શકે છે.
(૩) તેઓ સદ્બુદ્ધિ પ્રદાન કરનાર ગાયત્રી મહામંત્રનું લેખન કરે અથવા પંચાક્ષરી ગાયત્રી મહામંત્ર લખે. જે તેમની પાસે પોતાના ઇષ્ટદેવનો કોઈ મંત્ર હોય, તો તે લખે. જેઓ મંત્ર લખવા ન માગતા હોય તેઓ પોતાના પ્રિય કોઈપણ ભગવાનનું નામ લખે.
મંત્રલેખન કેટલું કરવું જોઈએ ?
(૧) સામાન્ય રીતે ઓછામાં ઓછું ૧૧ લીટીઓમાં મંત્રલેખન કરવું જોઈએ. જેઓ વધુ લખવાની ઇચ્છા ધરાવતા હોય તેઓ વધુ લખી શકે છે.
(૨) કદાચ કોઈ કારણવશ ૧૧ લીટીઓ મંત્રલેખન ન કરી શકો તો પોતાની સગવડતા અનુસાર લીટીઓ નક્કી કરી લો, પછી દ૨૨ોજ એટલી લીટીઓમાં મંત્રલેખન કરો.
(૩) મંત્રનું લેખન પૂરેપૂરી લીટી સુધી કરો. ઉદાહરણ તરીકે ‘રામ’ રામ લખવું હોય તો એક લીટીમાં ૧૬થી વધુ વાર રામ રામ લખીને લીટી પૂરી કરો. આવી ૧૧ લીટીઓ લખો.
મંત્રલેખન ક્યારે કરવું જોઈએ ?
(૧) મન જ્યારે શાંત હોય અને એકાગ્ર હોય ત્યારે મંત્રલેખન કરવું જોઈએ. આ સૌથી મહત્ત્વની શરત છે.
(૨) ક્યારેક પ્રવાસમાં હો તો મંત્રલેખન બુક સાથે લઈ જાઓ, ત્યાં જ્યારે પણ સમય મળે ત્યારે મંત્રલેખન કરો.
(૩) જ્યાં નોકરી અથવા ધંધો કરતા હો ત્યાં પણ મંત્રલેખનની બુક સાથે રાખો. જયારે પણ નવરાશ મળે અને મન શાંત હોય ત્યારે મંત્રલેખન કરો.
૨. દેવદર્શન
દેવદર્શનનું મહત્ત્વ :
(૧) ધ્વજ એ સફેદ, લીલા અને ભગવા રંગથી રંગેલા કપડાને જોડીને સીવેલો માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે. એનું સન્માન દેશના સન્માન બરાબર છે, એનાથી જરાપણ ઓછું નથી. રાષ્ટ્રધ્વજને જોઈને દેશની ગરિમા તથા તેના ગૌરવનો ભાવ જાગૃત થઈ જાય છે.
એ જ રીતે દેવીદેવતાની મૂર્તિ શિલ્પી દ્વારા કંડારવામાં આવેલો માત્ર પથ્થરનો ટુકડો નથી. તે સર્વશક્તિમાન સર્વેશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોઈને સર્વેશ્વરના ગૌરવનું સ્મરણ થવું જોઈએ અને હૃદયમાં શ્રદ્ધા તથા આત્મીયતાનો ભાવ પ્રગટવો જોઈએ.
(૨) દરેક દેવદેવીની મૂર્તિ સર્વેશ્વરની કોઈપણ શક્તિની અભિવ્યક્તિ છે. એટલા માટે તેના તરફ ઈશ્વરનો ભાવ જાળવી રાખતાં
શ્રદ્ધા સહિત દર્શન તથા પ્રણામ કરતા રહો.
શ્રદ્ધાભાવનાની સાથે દેવદર્શન કરવું સાર્થક નીવડે છે.
૨. કલ્યાણકારી પ્રાર્થનાઓ :
માત્ર મોઢાથી રટવામાં આવેલી પ્રાર્થના નકલી તથા બિનઅસરકારક હોય છે. સાચી પ્રાર્થનામાં સાચી આકાંક્ષાઓ હોય છે. એ હૃદયમાંથી નીકળે છે તથા આત્મકલ્યાણ અને સૌના કલ્યાણની ભાવના સાથે કરવામાં આવે છે. એટલા માટે જેઓ વધારે ભાવનાશીલ હોય તેઓ દેવદર્શન તથા પ્રણામ કરે. જપ કર્યા પછી સાચી ભાવના સાથે નીચેનામાંથી કોઈપણ એક કલ્યાણકારી પ્રાર્થના માનસિક રૂપે કરતા રહો –
(૧) “પ્રભુ ! આપનું આ સુંદર મુખ અને મધુર હાસ્ય મને વારંવાર યાદ આવતું રહે તથા તે સુખ અને દુખ બંને સમયે હસતા રહેવાનું સાહસ આપતું રહે.’
(૨) “પ્રભુ ! આપની આંખોમાંથી નીતરી રહેલી કરુણા મને યાદ આવતી રહે. હું દુખીઓ પ્રત્યે ઉદાર બનું. રસ્તો ભૂલેલાઓને આપની ત૨ફ, શ્રેષ્ઠતા તરફ વાળી શકું.”
(૩) “પ્રભુ ! આપનું આ કલ્યાણકારી રૂપ મને યાદ આવતું રહે. મારામાં સૌનું કલ્યાણ વિચારવાનો અને સૌનું કલ્યાણ કરવાનો ઉમંગ જાગતો રહે.”
(૪) “પ્રભુ ! આપનું પ્રકાશમય રૂપ મને યાદ આવતું રહે. હું મારી જાતને પવિત્ર બનાવું અને આપની આભાનો એક અંશ બની રહ્યું.’’ હું જ્ઞાન તથા સેવાની ભાવનાથી ભરેલું જીવન જીવું. જ્ઞાન અને સેવાની ભાવનાથી ભરેલું જીવન જીવવા માટે લોકોમાં પ્રેરણા ભરી શકું.
૩. દેવદર્શનના લાભ –
સાચી રીતે દેવદર્શન ક૨વાથી નીચે જણાવેલ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે.
(૧) મંદિર, મસ્જિદ, ચર્ચ તથા ગુરુદ્વારામાં આસ્તિકતાભર્યું વાતાવરણ રહે છે. એટલા માટે આપણી અંદર સદ્વિચારો અને સદ્ભાવનાઓને સહજ રૂપે પ્રગટવાનો અવસર મળે છે.
(૨) ઈશ્વરની સર્વોચ્ચતાનું જ્ઞાન થવાથી પોતાની લઘુતાનો અનુભવ થાય છે અને પોતાનાં પદપ્રતિષ્ઠાનો ધમંડ ઓછો થાય છે. ધીરે ધીરે વિવેકશીલતામાં વૃદ્ધિ થાય છે.
(૩) વધારે ભાવનાશીલ વ્યક્તિઓમાં દુખી અને અશક્ત વ્યક્તિઓ પ્રત્યે સેવાનો ભાવ જાગે છે.
પ્રતિભાવો