‘સ્વાધ્યાય’ શું છે ? આંદોલન પર એક દૃષ્ટિ
May 29, 2022 Leave a comment
‘સ્વાધ્યાય’ શું છે ? આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સ્વાધ્યાય
૧. ‘સ્વાધ્યાય’ શું છે ?
(૧) “શ્રેષ્ઠ સાહિત્યના અધ્યયન, મનન તથા ચિંતનને સ્વાધ્યાય કહે છે.”
(૨) “પોતાના વિચારોમાં, વ્યવહારમાં, સ્વભાવમાં કયા કયા દોષો છે ? કયા કયા ગુણો છે ? પોતાના મનનાં પડળો ખોલીને આ દોષદુર્ગુણો અને ગુણોને નિષ્પક્ષ દૃષ્ટિએ જોવા એને પણ સ્વાધ્યાય કહે છે.”
૨. સ્વાધ્યાયનું મહત્ત્વ –
જેઓ આત્માની ઉન્નતિની સાચી ઇચ્છા રાખે છે તેમણે નિયમિતરૂપે સ્વાધ્યાય કરવો જોઈએ . સ્વાધ્યાય કરવાથી જ પોતાની જાતનો સુધાર કરવાની ઇચ્છા જાગે છે. દરરોજ પોતાના મનને શ્રેષ્ઠ વિચારોમાં જોડેલું રાખવાથી પોતાની અંદર સૂતેલી શક્તિઓને જાણવાનો, જગાડવાનો તથા ઉપયોગ કરવાનો સંકલ્પ જાગે છે. શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા મળે છે. પોતાના મનને એક જ કાર્યમાં, સ્વાધ્યાયમાં લગાડી રાખવાથી એકાગ્રતા વધે છે. આથી જપ તથા ધ્યાન કરવામાં પણ પ્રગતિ થવા લાગે છે. એટલા માટે દરરોજ સ્વાધ્યાય કરતા રહો.
૩. સ્વાધ્યાય-ચિંતન કરો –
(૧) જે સારા સાહિત્યનું વાંચન કરો તેને સમજો અને તેને સમજીને જ વાંચન કરો. જે વાત સમજમાં ન આવે તેને વારંવાર વાંચો અને તે સારી રીતે સમજાઈ જાય ત્યાં સુધી વાંચતા રહો . ત્યારે જ આપ તેનો સદુપયોગ કરી શકશો. વાંચન કરવાની ગતિ ધીમી રાખવી જોઈએ. આ સ્વાધ્યાય છે.
(૨) શ્રદ્ધાપૂર્વક થોડું વાંચન કરવું અને કરેલા વાંચનનો ઉપયોગ કરવા અંગે વધુ વિચાર કરવો. એવું કરવાથી વાંચન સાર્થક બને છે. આ મનન છે.
(૩) મનન કરવાથી જે વાત સાચી અને કામની લાગે એને પોતાના જીવન સાથે જોડવાનો નિશ્ચય કરો અને એને ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લાવશો એની યોજના બનાવી લો. આ ચિંતન છે.
૪. સવારે આ ક્રમ નિયમિત અપનાવો –
પોતાના સંકલ્પને તાજો રાખવા માટે સવારમાં દરરોજ નીચે જણાવેલ ઉપયોગી ક્રિયાઓ કરતા રહો –
(૧) વહેલી સવારે આંખો ખૂલતાં જ સૂતાં સૂતાં ઈશ્વરનું સ્મરણ કરો અથવા તેમના નામનો ત્રણથી ચાર વખત ઉચ્ચાર કરો. પછી હાથ જોડીને પ્રણામ કરો. જમીન પર પગ મૂકતાં પહેલાં સહેજ ઝૂકીને હાથ વડે ધરતીમાતાને સ્પર્શ કરી માથા પર લગાડીને કહો, “જનની ભારતભૂમિ નમોસ્તુ તે ।’’
(૨) પ્રણામ કરી લીધા પછી પોતાના સંકલ્પને મનમાં આ રીતે યાદ કરો –
“હું અમુક ખોટું કામ નહિ કરું. અમુક સારાં કાર્યો જરૂર કરીશ. પ્રભુ ! મને શક્તિ આપો.’’
(૩) હવે પ્રસન્ન મનથી ઊભા થાઓ. સંકલ્પને મનમાં તા રાખવાથી મનોવૃત્તિ ધીરે ધીરે સુધરવા લાગે છે.
(૪) એ જ રીતે રાત્રે સૂતાં પહેલાં ઈશ્વરને સાક્ષી બનાવી આખા દિવસનાં કાર્યોની સમીક્ષા કરો, નિષ્ઠાપૂર્વક કરેલા પ્રયત્નો માટે આનંદ વ્યક્ત કરો તથા થયેલી ભૂલો માટે પશ્ચાત્તાપનો અનુભવ કરો. પછી બીજા દિવસે સાર્થક જીવન જીવવાની પ્રાર્થનાની સાથે ઈશ્વરનાં ચરણોમાં બધું જ અર્પણ કરી નિદ્રાદેવીના ખોળામાં પોઢી જાઓ.
૫. કાર્યકર્તાઓ ધ્યાન આપે –
(૧) સવારની ઉપરોક્ત ઉપયોગી ક્રિયા માટે બધા લોકોને સમજાવતા રહો અને તે દરરોજ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહો.
(૨) જે વ્યક્તિઓએ એક દુર્ગુણ ત્યાગવાનો અને સદ્ગુણ ગ્રહણ કરવાનો સંકલ્પ લીધો હોય તેમની સાથે આંતરે દિવસે સંપર્ક કરતા રહો. ક્ષેમકુશળ પૂછીને સામાન્ય ચર્ચા કર્યા પછી નમ્રતાપૂર્વક પૂછો કે આપે લીધેલો સંકલ્પ નિભાવો તો છો ને ? મોટાભાગના જવાબ ‘ના’માં અથવા ટાળી દેવાની ભાષામાં મળશે. ત્યારે ગુસ્સે ન થાઓ. એટલી જ નમ્રતા સાથે તેમને સંકલ્પ નિભાવવાનો લાભ “પુણ્ય તથા સ્વર્ગ”ની શબ્દાવલીમાં સમજાવો. “હવે શરૂ કરો” એવું કહીને પ્રોત્સાહન આપો.
(૩) એક દુર્ગુણ ત્યાગો – એક સદ્ગુણ અપનાવો. આને પોતાના વિસ્તારમાં એક વ્યાપક અભિયાન રૂપે ચલાવવામાં જો આપ સફળ થાઓ તો આપની આ સૌથી મોટી સેવા હશે. આથી આપ આ અભિયાન માટે વિશેષ રૂપે સક્રિય બનો.
૪. સંયમ
(૧) સંયમી જીવન – સુખી જીવન લાખો વર્ષ પહેલાં મનુષ્ય આદિમાનવ યુગમાં જંગલોમાં ખૂબ મુશ્કેલીઓ વેઠીને જીવતો હતો. જે મનમાં આવે તે કરતો હતો. જો આજે પણ મનુષ્યને પોતાના મનનું ધાર્યું કરવા દેવામાં આવે, તો આપણને પાછા આદિમાનવ યુગમાં પહોંચવામાં ઝાઝો સમય નહિ લાગે. શું આપણને આ ગમશે ?
એને કોઈપણ વ્યક્તિ પસંદ નહિ કરે. એટલા માટે નદી પર બંધ બાંધવામાં આવે છે, બગીચાના છોડની કાપકૂપ કરવામાં આવે છે તથા પશુઓને લગામ કે નાથ પહેરાવવામાં આવે છે, જેનાથી આ વિશ્વ રહેવા યોગ્ય સુંદર સ્થળ રૂપે જળવાઈ રહે. મનુષ્યના મન પર પણ લગામ રાખવી એટલા માટે જરૂરી છે કે તેનાથી બધા જ મનુષ્યો અને બધાં જ પ્રાણીઓ શાંતિપૂર્વક જીવી શકે અને રહી શકે. આ લગામનું બીજું નામ છે સંયમ. સંયમ સુખી જીવનનો માર્ગ છે.
સંયમ તો એક પ્રકારનું તપ છે. પોતાની ઉપર જાતે જ અંકુશ મૂકવાનો છે. શિષ્ટતાની ઉપેક્ષા કરનાર મનને વિવેક દ્વારા ફોસલાવીને મનાવવાનું છે અને ઉજ્જવળ દિશા તરફ વાળવાનું છે. જીવાત્માની પ્રગતિની ઇચ્છા ધરાવનારાએ સંયમની આ તપસાધનાને જાણવી અને કરવી જરૂરી છે.
(૨) સંયમના ચાર પ્રકાર છે. પ્રત્યેક સંયમની સાથે કોઈ શ્રેષ્ઠ ગુણ કેળવવાનો ઉદ્દેશ જોડાયેલો છે, જેમ કે ઇન્દ્રિયસંયમ-તંદુરસ્ત શરીર, વિચારસંયમ-સ્વચ્છ મન. અર્થસંયમ – આત્મનિર્ભરતા, સમયસંયમ જીવનનો સદુપયોગ અને સભ્ય, સામાજિક વાતાવરણ બનાવવામાં સહકાર. કયા સંયમને કેવી માનસિક સ્થિતિ સાથે સાધવો જોઈએ એ સૌથી વધારે મહત્ત્વની જાણકારી છે, જે દરેક સાધકને હોવી જોઈએ. આગળના પાન પર દરેક સંયમની સાથે આ જાણકારી આપવામાં આવી છે.
૪.(૧) ઇન્દ્રિયસંયમ
જીભ તથા જનનેન્દ્રિય પર સંયમ રાખવા માટે ઉપવાસ અને બ્રહ્મચર્ય આ બે સરળ અભ્યાસ છે.
૪.(૧)-૧. ઉપવાસ
શરીરને આહાર ન આપો, પરંતુ મન આખો દિવસ ખાવાની ચિંતા કરતું રહે છે. આ ઉપવાસ નથી. જીભ ભલે ને અન્ન ચાખે નહિ, પરંતુ આખો દિવસ તીખી કે ગંદી ભાષા બોલતી રહે છે. આ ઉપવાસ નથી.
તો ઉપવાસ શું છે ? (પાંચ નિયમ)
(૧) આગળના પાન પર અભ્યાસખંડમાં બતાવવામાં આવેલ ત્રણ પ્રકારના ઉપવાસમાંથી કોઈ એક ઉપવાસ કરો.
(૨) મનને શાંત રાખો. તેને પવિત્ર વિચારોમાં તથા સ્વાધ્યાયમાં જોડી રાખો.
(૩) નમ્ર તથા મીઠી વાણી બોલો.
(૪) શરીર વડે ઉત્તમ કર્મ કરો.
(૫) આખો દિવસ આનંદમાં રહો.
આ પાંચ નિયમનું પાલન કરવાથી ઉપવાસનું વ્રત પૂરું થાય છે, દેવોને પ્રસન્ન કરે છે અને જીવાત્માનું કલ્યાણ કરે છે.
૪. (૧) ૨. બ્રહ્મચર્ય ઉપવાસ તથા બ્રહ્મચર્યની જોડી છે. એટલા માટે બંનેને એકીસાથે સાધવાં જોઈએ. સાધકે એ સત્યને સ્પષ્ટરૂપે જાણી તથા સમજી લેવું જોઈએ કે બ્રહ્મચર્ય માત્ર જનનેન્દ્રિયનો સંયમ નથી. વિચારો અને ઇચ્છાઓ પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે.
એટલા માટે ઉપવાસ તથા બ્રહ્મચર્ય સાધવાના દિવસે –
(૧) કામવાસના સંબંધી કર્મ કરવું તો દૂર, પરંતુ મનને પણ એવા વિચારોથી અને વાણીને એવા શબ્દોથી તથા ચિત્તને એવી ઇચ્છાઓથી દૂર રાખો.
(૨) અશ્લીલ સાહિત્ય, સમાચાર પેપરો અને ફિલ્મો તરફ વિરક્ત રહો. વૃત્તિને સાત્ત્વિક બનાવી રાખવા માટે આરોગ્ય તથા યોગ અંગેના સાહિત્યનું કે ધાર્મિક સાહિત્યનું અધ્યયન કરો.
(૩) થોડોક સમય શ્રેષ્ઠ વ્યક્તિઓની સાથે અથવા દેવમંદિરમાં પસાર કરો.
(૪) સેવાથી બ્રહ્મચર્ય સધાય છે. એટલા માટે નમ્રતાના ભાવથી સેવાનું કોઈપણ કાર્ય અવશ્ય કરો. આ રીતે બ્રહ્મમાં અર્થાત્ સ્વચ્છ વિચાર, ભાવના અને કર્મમાં વ્યસ્ત રહેવું એ જ સાચું બ્રહ્મચર્ય છે.
(૧) અઠવાડિયામાં એક જ દિવસ નહિ, પરંતુ વધુમાં વધુ દિવસો સુધી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું એ પતિ તથા પત્ની બંને માટે શારીરિક, માનસિક તથા નૈતિક દૃષ્ટિથી લાભદાયક છે. પતિ તથા પત્ની વચ્ચેનો પ્રેમ શરીરોની નિકટતાથી નહિ, પરંતુ મન અને હૃદયની નિકટતાથી સિદ્ધ થાય છે.
પ્રતિભાવો