ધ્યેયપ્રાપ્તિની પ્રતીક્ષા, સૂનકારના સાથીઓ
May 30, 2022 Leave a comment
ધ્યેયપ્રાપ્તિની પ્રતીક્ષા, સૂનકારના સાથીઓ
હલકો ખોરાક લેવાથી ઊંઘ ઓછી આવે છે. ફળ તો દુર્લભ છે, પરંતુ શાકભાજીથી પણ ફળની સાત્ત્વિકતા પ્રાપ્તિ થઈ શકે છે. જો શાકાહાર લેવામાં આવે તો સાધક માટે ચાર-પાંચ કલાકની ઊંઘ પૂરતી છે.
શિયાળાની રાત લાંબી હોય છે. ઊંઘ જલદી પૂરી થઈ ગઈ. મન ચંચળ હતું. આ સાધના ક્યારે પૂરી થશે ? ધ્યેયસિદ્ધિ ક્યારે થશે ? સફળતા ક્યારે મળશે ? એવા વિચારો આવી રહ્યા હતા. વિચારોની મૂંઝવણ પણ એવી વિચિત્ર હોય છે કે જ્યારે તે ઊછળે છે ત્યારે શાંતિની હોડી ડગમગવા લાગે છે. આ વિચારપ્રવાહમાં ધ્યાનથી બેસાતું નથી તેમ જ ભજનકીર્તન પણ થઈ શકતું નથી. ચિત્ત કંટાળવા લાગ્યું. ઠંડી તો પુષ્કળ હતી, પરંતુ ગંગામાતાની ગોદમાં બેસવાનું આકર્ષણ એટલું મધુર હતું કે ઠંડીની પરવા કોણ કરે ? કિનારે જકડાયેલો પથ્થર પાણીમાં ઘણો ઊંડો ધસી ગયો હતો. મારા બેસવાનું આ જ એક પ્રિય સ્થળ હતું. કામળી ઓઢી તેના પર બેસી ગયો. આકાશ તરફ જોયું તો તારાઓએ બતાવ્યું કે હજુ રાત્રીના બે વાગ્યા છે.
ઘણીવાર સુધી બેઠો તો ઝોકાં આવવા માંડ્યાં. ગંગાના ‘કલકલ – હરહર’ શબ્દો પણ મનને એકાગ્ર કરવા પૂરતા હતા. શરીર માટે પારણું કે ઝૂલો પૂરતો છે. બાળકોને પારણામાં સુવડાવી દઈએ એટલે ઊંઘ આવવા લાગે છે. જે પ્રદેશમાં જે સમયે આ દેહ હાજર છે ત્યાંનું વાતાવરણ એટલું સૌમ્ય છે કે જલધારાનો દિવ્ય કલરવ એવા લાગે છે, જાણે મમતાળુ માતા તેના બાળકને હાલરડું ન સંભળાવી રહી હોય ! ચિત્તને એકાગ્ર ક૨વા માટે આ અવાજની લહેરો નાદના અનુસંધાનથી સહેજેય ઓછી ન હતી. મનને વિશ્રામ મળ્યો. તે શાંત થઈ ગયું. ઝોકું આવવા લાગ્યું. સૂવાનું મન થયું. પેટમાં ઘૂંટણ ગોઠવી દીધા. કામળાએ ઓઢવા પાથરવાનાં બંને કામ પૂરા કર્યાં. ઊંઘના હલકાં ઝોકાં આવવાં શરૂ થયાં. એમ લાગ્યું કે નીચે પડેલા પથ્થરનો આત્મા બોલી રહ્યો છે. તેની વાણી કામળાને ચીરતી કાન દ્વારા મારા હૃદય સુધી પ્રવેશ કરવા લાગી. મન નિદ્રાવસ્થામાં પણ તેને ધ્યાનથી સાંભળવા લાગ્યું. પથ્થરનો આત્મા બોલ્યો, “સાધક ! શું તને આત્મામાં રસ નથી કે તું સિદ્ધિની વાત વિચારે છે ? ભગવાનનાં દર્શન કરતાં ભક્તિભાવનામાં ઓછો રસ છે ? ધ્યેયસિદ્ધિથી શું આ યાત્રા ઓછી આનંદદાયક છે ? ફળ કરતાં કર્મનું માધુર્ય ફિક્કું છે ? મિલન કરતાં વિરહમાં શું ઓછી ઝણઝણાટી છે ? તું આ તથ્ય સમજ. ભગવાન તો ભક્ત જોડે ઓતપ્રોત છે. તે મળવામાં ઢીલ કરતો જ નથી. જીવને સાધનાનો આનંદ મેળવવાનો અવસર આપવા જ પોતે પડદા પાછળ છુપાયો છે. ડોકિયાં કરી જોઈ રહ્યો છે કે ભક્ત ભક્તિના આનંદસાગરમાં ડૂબકી મારી રહ્યો છે કે નહિ. ભક્ત આનંદવિભોર થઈ જાય છે તો ભગવાન પણ આવીને તેની સાથે રાસ રમે છે, નૃત્ય કરે છે. સિદ્ધિ એ છે કે જ્યારે ભક્ત પોતે કહે કે મારે સિદ્ધિ નહિ, ભક્તિ જોઈએ. મારે મિલન નહિ, વિરહ જોઈએ. મને સફળતા નહિ, કર્મ જોઈએ. મારે પ્રાપ્તિ નહિ, હાર્દિક ભાવ જોઈએ.’
પથ્થરનો આત્મા આગળ પણ કહેતો ગયો. એણે એમ પણ કહ્યું, “સાધક ! ગંગા પોતાના પ્રિયતમને મળવા કેટલી આતુરતાથી દોડી રહી છે. તેને એ દોડમાં કેટલો આનંદ દેખાય છે ! સમુદ્ર સાથેનું મિલન તો ક્યારનુંય થઈ ચૂક્યું છે, પણ તેમાં તેને રસ નથી. જે આનંદ પ્રયત્નમાં છે, ભાવનામાં છે, વ્યાકુળતામાં છે તે મિલનમાં ક્યાં છે ? ગંગા તે મિલનથી તૃપ્ત થઈ નથી. તેણે મિલનના પ્રયત્નને અનંતકાળ સુધી ચાલુ રાખવાનું વ્રત લીધું છે. તો હે અધીરા સાધક ! તું કેમ ઉતાવળ કરે છે ? તારું ધ્યેય મહાન છે. તારો માર્ગ મહાન છે. તું મહાન છે. તારું કાર્ય પણ મહાન છે. મહાન ઉદ્દેશ્ય માટે મહાન વૈર્ય જોઈએ. બાળકો જેવી ઉતાવળ શા માટે ? સિદ્ધિ ક્યારે મળશે એવું વિચારી મન બાળવાનો શો અર્થ ?’
પથ્થરનો આત્મા વણથંભ્યો બોલ્યે જ જતો હતો. તેણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, ‘મને જો. હું પણ મારી હસ્તીને તે મહાન હસ્તીમાં ભેળવી દેવા અહીં પડ્યો છું. મારા આ સ્થૂળ શરીરને, વિશાળ શિલાખંડને સૂક્ષ્મ અણુ બનાવીને મહાસાગરમાં ભેળવી દેવાની સાધના કરું છું. પાણીની પ્રત્યેક લહેર સાથે અથડાઈને મારા શરીરના થોડાક થોડાક ભાગો તૂટ્યા કરે છે અને તે રજકણ બની સમુદ્ર તરફ વહી જાય છે. આ રીતે મિલનનો ટીપે ટીપે સ્વાદ લઈ રહ્યો છું. ધીરે ધીરે જાતે ઘસાઈ રહ્યો છું. જો ઉતાવળ કરી બીજા પથ્થરોની જેમ જળધારામાં વચ્ચે પડી ગબડવા મંડ્યો હોત તો કદાચ ક્યારનોય મારા લક્ષ્ય સુધી પહોંચી શક્યો હોત, પણ તો પછી આ પ્રેમી માટે ધીમે ધીમે ઘસાવાનો જે આનંદ છે તેનાથી વંચિત રહી ગયો હોત. ઉતાવળ ન કર. ઉતાવળમાં આગ છે, ચીડ છે, અસ્થિરતા છે, નિષ્ઠાની ઊણપ છે, ક્ષુદ્રતા છે. આ દુર્ગુણો સાથે કોણ મહાન બન્યું છે ? કોણ લક્ષ્ય સુધી પહોંચ્યું છે ? સાધકનું પહેલું લક્ષણ છે ધૈર્ય. ધૈર્યની પરીક્ષા જ ભક્તિની પરીક્ષા છે. જે અધીરો બન્યો તે નાપાસ જ થવાનો. લોભ, ભય, નિરાશા તથા આવેશના જે જે અવસરો સાધક સમક્ષ આવે છે તેમાં બીજા કશાની નહિ, પણ ધૈર્યની જ કસોટી થાય છે. તું કેવો સાધક છે કે હજુ તું પહેલો પાઠ પણ શીખ્યો નથી ?’’
પથ્થરના આત્માએ બોલવાનું બંધ કર્યું. મારી તંદ્રાવસ્થા તૂટી. આ સંવાદે મારા અંતઃકરણને હચમચાવી નાંખ્યું. પહેલો પાઠ પણ શીખ્યો નથી અને આવ્યો છે મોટો સાધક બનવા.’’ શરમ અને સંકોચથી માથું ઝૂકી ગયું. જાતને ધિક્કારવા લાગ્યો. માથું ઊંચું કરીને જોયું તો ઉષાની લાલિમાનો ઉદય થઈ રહ્યો હતો. ઊઠ્યો અને નિત્યકર્મની તૈયારી કરવા લાગ્યો.
પ્રતિભાવો