૧. લોકકલ્યાણના વ્રતી – મહાત્મા બુદ્ધ
June 2, 2022 Leave a comment
લોકકલ્યાણના વ્રતી – મહાત્મા બુદ્ધ
અઢી હજાર વર્ષ જૂની વાત છે કપિલવસ્તુ નગરીના રાજમાર્ગ પર એક વૃદ્ધ ભિખારી જઈ રહ્યો હતો. જરાવસ્થાએ તેની કમરને વાંકીવાળી દીધી હતી, આંખોની જ્યોતિ ઝાંખી કરી દીધી હતી, દાંત પાડી નાંખ્યા હતા અને પગ લથડાતા ચાલે એવા બનાવી દીધા હતા. એ રોટલીના એક ટુકડા માટે બૂમો પાડી રહ્યો હતો, પણ રોટલી આપવાને બદલે કેટલાય તોફાની બાળકો તેની પાછળ પડી ગયાં હતાં અને જુદી જુદી રીતે તોફાન કરીને તેને તંગ કરી રહ્યાં હતાં. એટલામાં એક રાજકીય રથ ચાલતો ચાલતો તેની પાસે અટક્યો અને તેમાંથી દેવકાંતિવાળો યુવા પુરુષ ઊતરીને એ ભિખારીને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો.
તેણે પોતાના સારથિને પૂછ્યું કે આ કોણ છે અને તેની આ દુર્દશા શા માટે થઈ રહી છે? ત્યારે તેને ખબર પડી કે આ એક વૃદ્ધ માણસ છે, જે શરીર અશક્ત થઈ જવાને લીધે જીવિકાનું ઉપાર્જન કરવામાં અસમર્થ થઈ ગયો છે અને ભૂખનું દુઃખ દૂર કરવા માટે આમ-તેમ ખાવાનું માગતો ફરે છે. રાજકુમારને આ એક અનોખું દશ્ય જણાયું, કારણ કે તેણે આજ પહેલાં કોઈ દીન – દુઃખી વૃદ્ધ પુરુષને જોયો ન હતો. તેને અત્યાર સુધી જે વાતાવરણમાં રાખવામાં આવ્યો હતો, તેમાં સુખ અને આનંદદાયક શ્રેષ્ઠ દશ્યો સિવાય તેને ક્યારેય દૈન્ય, કષ્ટ, રોગ-શોકની ઘટનાઓને જોવાની તક મળી ન હતી. આજે સંયોગવશ માર્ગે ચાલતાં આવી જર્જર અને નિકૃષ્ટ અવસ્થામાં પહોંચેલી વ્યક્તિને જોઈને તેની આંખો ખૂલી ગઈ. એ રાજકુમાર ગૌતમ હતા. જે આગળ જતાં મહાત્મા બુદ્ધના નામે પ્રસિદ્ધ થયા.
ગૌતમ શાક્ય વંશના રાજા શુદ્ધોધનના પુત્ર હતા. તેમની માતા મહામાયા તેમને સાત દિવસના મૂકીને મૃત્યુ પામી હતી અને તેમનું લાલન-પાલન સેવકો અને દાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના જન્મ સમયે કોઈ જ્યોતિષીએ કહી દીધું હતું કે, આ બાળક આગળ જતાં જો ઘરમાં રહેતો એક પરાક્રમી સમ્રાટ બનશે અને જો ઘર ત્યાગ કરી જશે તો મોટા ધર્મપ્રચારક અને લોકસેવક સિદ્ધ થશે. આ ભવિષ્ય કથનથી રાજા શુદ્ધોધનનું હૃદય શંકાશીલ થઈ ગયું હતું અને તેમણે એવી વ્યવસ્થા કરી દીધી હતી કે રાજકુમારને સદાય અત્યંત સુખ અને પ્રસન્નતાના વાતાવરણમાં રાખવામાં આવે અને તેમની સામે સાંસારિક દુઃખ, રોગ-શોકની ચર્ચા ભૂલમાંય ન કરવામાં આવે. આ જ કારણે રાજભવનનાં દાસ-દાસીઓ તેમને સદાય આનંદ-પ્રમોદ અને મનોરંજનમાં જ રચ્યાપચ્યા રાખતાં હતાં અને સંસારની વાસ્તવિક અવસ્થાના સંપર્કમાં તેમને ક્યારેય આવવા દેવામાં આવતા ન હતા.
પ્રતિભાવો