૨. ગૌતમનું વિચાર-મંથન
June 2, 2022 Leave a comment
ગૌતમનું વિચાર-મંથન એટલે જ જ્યારે અકસ્માત એક દિવસ તેમણે એક જાગ્રસ્ત,દીન-દુખી ભિખારીને જોયો તો તેની બહુ ઊંડી પ્રતિક્રિયા થઈ. અત્યાર સુધી તો તેઓ સંસારના બધા લોકોને પોતાની જેમ જ સુખી અને આનંદ પ્રમોદમાં જીવન વિતાવનાર સમજતા હતા, પણ જ્યારે તેમને અનુભવ થયો કે સંસારનું વાસ્તવિક સ્વરૂપ એવું નથી અને એમાં અગણિત વ્યક્તિ અભાવગ્રસ્ત, કષ્ટપૂર્ણ અને જાત-જાતની વ્યાધિઓથી વ્યાકુળ જીવન વિતાવે છે તો તેમના કોમળ હ્રદયને બહુ મોટો ધક્કો લાગ્યો અને તેઓ આ સમસ્યાનું મનન કરવા લાગ્યા તથા તેના પ્રતિકારનો ઉપાય શોધવા લાગ્યા.
ગૌતમનું હૃદય શરૂઆતની અવસ્થાથી જ બધાં પ્રાણીઓ માટે સંવેદનશીલ હતું તથા તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા ન હતા. આ સંદર્ભમાં એક કથા ખૂબ પ્રસિદ્ધ છે કે એક દિવસ તેમના એક નજીકના સંબંધી દેવદત્ત બાણ મારીને ઊડતા હંસને ઘાયલ કરી દીધો અને એ હંસ પાંખો ફફડાવતો ગૌતમની પાસે જ આવીને પડ્યો. તેને જોઈને તેમના મનમાં કરુણા ભાવ ઉત્પન્ન થયો અને તેઓ તરત જ તેને ઉપાડીને તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. એટલામાં દેવદત્ત આવી પહોંચ્યો અને તેણે મારેલો હંસ માગ્યો, પણ ગૌતમે તેને આપવાનો ઇનકાર કરી દીધો. અંતે આ વિવાદ રાજા શુદ્ધોધન સુધી પહોંચ્યો. ત્યાં ગૌતમે એવી દલીલ કરી કે મારનાર કરતાં બચાવનાર સદાય મોટો હોય છે, એટલાં માટે આ હંસ પર દેવદત્તનો નહિ, મારો અધિકાર છે અને હું તેના પ્રાણનું રક્ષણ કરીશ. તેમનું આ કથન બધાએ વાજબી ગણાવ્યું અને એ પણ અનુભવ કર્યો કે આ જ્યારે એક પક્ષી માટે આટલો આત્મીય ભાવ રાખે છે તો સંસારમાં પીડિત માનવતા પ્રત્યે કલ્યાણ-ભાવના શું કામ નહિ રાખે ?
તેમના પિતાએ તેમની ગંભીર મનોવૃત્તિ જોઈને તરત જ તેમનું લગ્ન યશોધરા નામની રાજકુમારી સાથે કરી દીધું હતું, જે ખૂબ સુંદર અને પતિપરાયણ હતી. તે પણ સદાય તેમને રાજમહેલોના વૈભવશાળી અને આમોદયુક્ત જીવનમાં લોભાવી રાખવાની ચેષ્ટા કર્યા કરતી હતી, તો પણ જેમ જેમ બુદ્ધને નિરીક્ષણ અને મનન દ્વારા સંસારની વાસ્તવિક અવસ્થાનું જ્ઞાન થતું ગયું, તેમ તેમ તેમને એ રાજસી જીવન પ્રત્યે વિરક્તિ થતી ગઈ. તેઓ પોતાના મનમાં એમ જ વિચાર્યા કરતા હતા કે -જ્યારે સંસારમાં આપણી આસપાસનાં સ્થાનોમાં આટલા બધા માણસો ભોજન, વસ્ત્ર, મકાન, દવાદારૂ, પરિચર્યા વિના કષ્ટ સહન કરી રહ્યા છે તો મને આ સુરમ્ય મહેલોમાં રંગરેલી મનાવવાનો શો અધિકાર છે ? આ ક્યાંની માનવતા છે કે એક તરફ તો અનેક નર-નારી ભૂખ્યાં-નાનાં, રોગી, પીડિત પડીને ક્સસી રહ્યાં હોય અને દસ-બાર રાજવંશીય વ્યક્તિ સુરા-સુંદરીનું આસ્વાદન કરતા કરતા ધન અને માનવ શ્રમની બરબાદી કરી રહ્યા હોય ? ના, આ સ્પષ્ટ અન્યાય છે. જ્યાં સુધી બધાને સાધારણ જીવન નિર્વાહની સુવિધા ન મળી જાય, ત્યાં સુધી કોઈને એ અધિકાર નથી કે તે સાર્વજનિક ધન અને જીવનોપયોગી સામગ્રીનો આવો દુરુપયોગ કરે.
પ્રતિભાવો