૩. રાજકીય બંધનોનો ત્યાગ
June 2, 2022 Leave a comment
રાજકીય બંધનોનો ત્યાગ
ગૌતમની આ વિચાર ધારા ધીમેધીમે પરિપક્વ થતી ગઈ. જોકે તેમના પિતા રાજા શુદ્ધોધને એ વાતનો ભરપૂર પ્રયત્ન કર્યું કે રાજકુમાર સામે સંસારની દુર્દશાનું કોઈ ચિત્ર આવવા ન પામે, તેમને જ્ઞાન વૈરાગ્યની વાતો સાંભળવાનો મોકો આપવામાં આવે તો પણ ગૌતમે બેચાર વખત સંયોગ વશ જે દીન-દુઃખી, રોગી અને મૃત વ્યક્તિઓને જોઈ લીધી તેનાથી તેમની ભીતર વિચારમંથન શરૂ થઈ ગયું અને પોતાની તર્ક બુદ્ધિ તથા ન્યાય-પથ પર ચાલનારી મનોભાવના દ્વારા તેમણે તરત જ એ સમજી લીધું કે જો સંસારમાં આ અન્યાય અને દુરાવસ્થાને મિટાવવી હોય તો તેના માટે સૌથી પહેલી જરૂર એ છે કે આ રાજપાટની ઝંઝટ અને બંધનને દૂર કરવા, કારણ કે જ્યાં સુધી આની અંદર રહેવામાં આવશે ત્યાં સુધી પીડિત માનવતાની સેવા સહાયતા કરવાનું તો દૂર, તેમની નજીક જઈ શકવાનું પણ સંભવ બની શકશે નહિ.
એટલાં માટે તેમણે મહેલમાં રહીને પણ પોતાનું જીવન સાદું બનાવવાનું શરૂ કરી દીધું અને રાજ્યનાં બંધનોને તોડીને સ્વતંત્ર થવાનો નિશ્ચય કરી લીધો.
થોડા સમય પછી જ્યારે યશોધરાએ એક પુત્રને જન્મ આપ્યો, ત્યારે તે અંગે ગૌતમની પ્રતિક્રિયા જુદી રીતે થઈ. એક બાજુ સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ અને માંગલિક ઉત્સવોની ધૂમ મચી ગઈ હતી અને બીજી બાજુ ગૌતમ આને એક નવા બંધન રૂપે અનુભવી રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે અત્યાર સુધી તો હું પત્ની અને પિતાના કારણે ઘર ન છોડી શક્યો, હવે તો આ પુત્રનો પ્રેમ પણ વધી ગયો તો ગૃહત્યાગ કરીને ખુદને વિશ્વ કલ્યાણના કાર્ય માટે સમર્પિત કરી દેવાનું વધુ મુશ્કેલ થઈ જશે. એટલે તેમણે જેમ બને એમ જલદી રાજસી જીવનનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો અને જે દિવસે તેમનો પુત્ર સાત દિવસનો જ હતો, તે દિવસે અડધી રાત્રે ચૂપચાપ ઘર છોડીને ચાલી નીકળ્યા.
આ માર્ગ તેમણે એટલાં માટે અપનાવવો પડ્યો, કારણ કે તેમના પિતા રાજ્યની મર્યાદાના ખ્યાલથી આ બાબતની અનુમતિ આપવા ક્યારેય તૈયાર ન હતા અને બધી બાજુથી એવો પ્રયત્ન કરી રહ્યા હતા કે ગૌતમ રાજભવનમાંથી બહાર ન જઈ શકે. આ બાજુ ગૌતમના મનમાં પ્રતિદિન એ ધારણા બળવત્તર થતી જતી હતી કે –જો હું બીજા લોકોની જેમ વિષય-ભોગમાં જ લાગી રહ્યો અને મારી ઈશ્વપ્રદત્ત શક્તિઓને લોકકલ્યાણ માટે ઉપયોગમાં ન લાવી શક્યો તો આ એક બહુ મોટો પ્રમાદ કે અપરાધ હશે.
પ્રતિભાવો