૪. ગૌતમના સમયની સામાજિક અવસ્થા
June 2, 2022 Leave a comment
ગૌતમના સમયની સામાજિક અવસ્થા
મહાત્મા ગૌતમ બુદ્ધના સમયે ભારતીય સમાજની દશા બહુ શોચનીય થઈ ગઈ હતી અને મોટા ભાગની જનતા હીન શ્રેણીનું જીવન વિતાવી રહી હતી. સમાજના અગ્રણી અને પૂજ્ય મનાતા બ્રાહ્મણ, જેમણે કોઈક સમયે પોતાના ત્યાગ અને તપસ્યાના બળે આ દેશમાં રહેનારાને જ નહિ, પરંતુ સંસારના અનેક દેશોને કર્તવ્યપરાયણતા, પરોપકાર, સેવા-ધર્મ, અનાસક્તિ વગેરે સદ્ગુણોનું શિક્ષણ આપ્યું હતું અને જન-સમુદાયને બૂરાઈઓ છોડીને સાચું ધાર્મિક જીવન વિતાવવાની પ્રેરણા આપી હતી, તેઓ જ અત્યારે તુચ્છ સ્વાર્થને વશીભૂત થઈને ફક્ત ખાવા – કમાવામાં તલ્લીન થઈ ગયા હતા. પોતાનો સ્વાર્થ સાધવા માટે તેમણે યજ્ઞીય કર્મકાંડો બહુ વધારી દીધા હતા અને તેમાં વધુમાં વધુ પશુઓની હિંસા કરાવીને બીભત્સતાનું વાતાવરણ ઉત્પન્ન કરી દીધું હતું, તેઓ પોતાની જૂની પદવીને કારણે સમાજ પર અનુચિત દબાણ નાંખીને સમાજમાં અસમાનતા અને અવ્યવસ્થાનો વધારો કરી રહ્યા હતા, જેના પરિણામે સમસ્ત દેશનું પતન થવા લાગ્યું હતું.
આ રીતે સમાજની પ્રગતિ માટે કોઈ પણ પ્રકારનું ઉપયોગી કાર્ય ન કરવા છતાં પણ, ફક્ત ઢોંગ અને જનતાના અજ્ઞાનના આધારે તેઓ પોતાનો સ્વાર્થ સાધી રહ્યા હતા. જ્યારે સમાજના અગ્રણીઓની આ દશા હતી તો બીજા લોકો પાસે પોતાનાં ધર્મ – કર્તવ્યોનું ઉચિતપણે પાલન કરવાની આશા કેવી રીતે રાખી શકાય ?
આનું પરિણામ એ આવ્યું કે “યજ્ઞ” જેવા મહાન આધ્યાત્મિક અને ત્યાગ-મૂલક ધર્મ-કાર્યએ એક વ્યવસાયનું રૂપ ધારણ કરી લીધું હતું. તેનાથી લાભ ઉઠાવનાર બ્રાહ્મણો જુદી જુદી રીતે રાજાઓ અને મોટા લોકોને બહેકાવીને, તેમનામાં હરીફાઈની ભાવના ઉત્પન્ન કરીને, મોટા-મોટા યજ્ઞ-ઉત્સવોનું આયોજન કરાવતા હતા અને તેમાં ગરીબ પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા બરબાદ કરાવી દેતા હતા. સૌથી ખરાબ વાત એ હતી કે તેમણે બલિદાનની પ્રથાને એટલી બધી વધારી દીધી હતી કે “યજ્ઞ – ઉત્સવ’ ધર્મ ભાવનાની વૃદ્ધિને બદલે એક રીતે કસાઇખાનાં બની ગયા હતા. એક એક યજ્ઞમાં જ્યારે ચારસો-પાંચસો ઘેટાં-બકરાં ખુલ્લેઆમ કાપવામાં આવતાં હશે ત્યારે ત્યાં કેવું નરક જેવું દૃશ્ય ઉદ્ભવતું હશે અને તેનો ત્યાં ઉપસ્થિત જનસમૂહ પર કેવો હાનિકારક પ્રભાવ પડતો હશે? તેની કલ્પના સહેજે કરી શકાય છે.
ધર્મનું પતન અને ભ્રષ્ટતાની સાથે જ તેનું એક દુષ્પરિણામ એ પણ થયું કે સમાજના નિમ્ન વર્ગ શૂદ્ર અને કૃષિ કાર્ય કરનારા લોકોનો જીવનનિર્વાહ મુશ્કેલ થતો જતો હતો, યજ્ઞોનું ખર્ચ ખૂબ વધી ગયું હતું તથા તેનું પ્રદર્શન અને નિરર્થક રૂઢિઓ પૂરી કરવા માટે લાખો લોકોનો સમય અને સામગ્રીને નષ્ટ કરવામાં આવતાં હતાં. આ બધાનો ભાર નીચલાં વર્ગના લોકો પર જ પડતો હતો. બ્રાહ્મણોના દંભ અને રાજાઓના શસ્ત્રબળના ભયથી તેમણે બધા પ્રકારના અન્યાય સહન કરીને પણ “યજ્ઞો”ના વ્યર્થ પણ મોંઘા ઉત્સવોની પૂર્તિ કરવી પડતી હતી, પછી ભલે તેના લીધે તેમને તથા તેમનાં બાળકોને અડધા ભૂખ્યા કેમ ન રહેવું પડે. આનાથી એ લોકોમાં એક અસંતોષ તથા વિદ્રોહની ભાવના પણ ઉત્પન્ન થઈ રહી હતી, જો કે કોઈ યોગ્ય તકના અભાવે તે હજી અપ્રકટ જ હતી.
સમાજની આવી સંકટપૂર્ણ અને પડતી દશાએ ગૌતમ અને તેમના જેવા મનસ્વી કેટલીક અન્ય વ્યક્તિઓનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. દેશમાં ઠેકઠેકાણે તેનો વિરોધ કરનાર કેટલીક વ્યક્તિ અને નાના-નાના સમુદાય ઉત્પન્ન થઈ રહ્યા હતા. જો કે તત્કાલીન સામાજિક વ્યવસ્થાને કારણે આવા લોકો સાધુ, સંન્યાસી, તપસ્વીઓ રૂપે રહેતા હતા, પણ વાસ્તવમાં તેઓ તે સમયના આંદોલનકારી જ હતા. તેમની માન્યતા હતી કે કોરા કર્મકાંડ અને યજ્ઞાદિથી કોઈ મનુષ્યની આત્મોન્નતિ થઈ શકતી નથી અને જ્યાં સુધી મનુષ્યનો આત્મા જાગૃત થતો નથી; તે આત્મતત્ત્વને સમજીને બધાં પ્રાણીઓમાં એક જ પરમાત્માનાં દર્શન કરવા લાગતો નથી, ત્યાં સુધી તે મુક્તિનો અધિકારી બની શકતો નથી. આ લોકો પોતાના સિદ્ધાંતનો પ્રચાર પણ કરતા હતા, પણ બ્રાહ્મણોના પ્રભાવ સામે તેમના પ્રયત્નોનું કોઈ પરિણામ આવતું ન હતું. પરંતુ જ્યારે ગૌતમ જેવા ઉચ્ચ શ્રેણીના અને લોકકલ્યાણના વ્રતધારી આ માર્ગ પર આગળ વધ્યા અને આ ઉદેશ્યની પૂર્તિ માટે પ્રાણાર્પણ કરવા તૈયાર થઈ ગયા તો પછી તેમણે સમાજનો નકશો જ બદલી નાંખ્યો.
પ્રતિભાવો