૫. ગૃહત્યાગ અને તપસ્યા
June 2, 2022 Leave a comment
ગૃહત્યાગ અને તપસ્યા
ગૌતમના ગૃહત્યાગનું વર્ણન બૌદ્ધ ગ્રંથોમાં ખૂબ વિસ્તારપૂર્વક અને પ્રભાવશાળી રીતે કરવામાં આવ્યું છે. આધુનિક યુરોપિયન વિદ્વાનોએ પણ તેમની બાબતમાં ખૂબ પ્રશંસનીય રીતે પોતાની સંમતિ પ્રકટ કરી છે. વાસ્તવમાં એમનું એ કાર્ય હતું પણ એવું જ. આ જ કારણસર આજ ૨૫૦૦થી પણ વધારે વર્ષો વીતી જવા છતાં કરોડો વ્યક્તિ તેમનામાંથી પ્રેરણા ગ્રહણ કરતા રહે છે. તેમના જીવન ચરિત્રમાં આ ઘટનાનો માર્મિક ઉલ્લેખ આવે છે.
જ્યારે રાહુલ સાત દિવસનો થઈ ગયો, તે દિવસે ગૌતમનું હૃદય અત્યંત ચંચળ થઈ ઊડ્યું. સંસારનું સમસ્ત સુખ તેને કરડતું હતું. ચારે બાજુ આધિ-વ્યાધિ પુષ્કળ દેખાતી હતી. તે દિવસે અડધી રાત્રે તેઓ ઊઠી ગયા. તે વખતે તેમની સેવિકાઓ અર્ધનગ્ન અવસ્થામાં સૂઈ રહી હતી, જેમને જોઈને તેમને વધારે વિરક્તિ આવી ગઈ. ગૌતમ હવે ઘરમાં ન રહી શક્યા. તેમણે ચૂપચાપ પોતાના સારથિ ચંડક છિન્નક)ને જગાડ્યો અને પોતાનો પ્રિય ઘોડો કેતક’ લાવવાની આજ્ઞા આપી. સારથિ આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. તેમણે ગૌતમને આ સમયે ફરવા જવાની ના પાડી, પણ રાજકુમાર ન માન્યા. રાજમહેલ છોડતાં પહેલાં એક વાર ગૌતમ પોતાની પત્નીના શયનખંડમાં ગયા, પરંતુ તે વખતે તેમની પત્ની પુત્રના મુખ પર હાથ રાખીને સૂઈ રહી હતી. જાગી જવાના ભયથી તેમણે તેનો હાથ દૂરના કર્યો. તે વખતે યશોધરા પણ અપાર રૂપવતી દેખાઈ રહી હતી. પરંતુ ગૌતમ પોતાના હ્રદયને કઠણ કરીને પત્ની અને પુત્રની મમતાનો ત્યાગ કરીને બહાર નીકળી ગયા અને જંગલ તરફ રવાના થઈ ગયા.
જંગલમાં પહોંચીને તેઓ ઘોડા પરથી ઊતર્યા અને ચંડકને કહ્યું, – “હવે તમે આ લઈને નગર પાછાં વળો.” ચંડકે પણ ગૌતમને ખૂબ વિનવણી – આજીજી કરી કે તેઓ તેને આવી કઠિન પરીક્ષામાં ન નાંખે અને રાજમહેલ પાછાં આવે, પણ તેઓ પોતાના નિશ્ચયમાંથી ટસના મસ ન થયા અને જંગલમાં આગળ ને આગળ ચાલતા ગયા, પ્રાત:કાળે તેમણે એક ભિખારી સાથે પોતાનાં વસ્ત્રની અદલાબદલી કરી લીધી અને તલવારથી પોતાના લાંબા વાંકડિયા વાળ કાપી નાંખ્યા. ત્યાર બાદ ધર્મનો નિશ્ચય કરવા માટે પાગલની જેમ આમ-તેમ ફરવા લાગ્યા. એક જગ્યાએ તેમણે યજ્ઞ થતો જોયો, જેમાં વેદીની નજીક ઘણાં બધાં પશુઓનું બલિદાન આપવામાં આવી રહ્યું હતું અને ચારે બાજુ લોહી દેખાઈ રહ્યું હતું. આ દૃશ્ય જોઈને તેમને ખૂબ વેદના થઈ અને તેઓ મનોમન વિચાર કરવા લાગ્યા.
આ લોકો વિચારતા હશે કે અમે ધર્મ કરી રહ્યા છીએ, પણ તેઓ જાણતા નથી કે તેઓ અત્યારે મહાન નીચતાનું કાર્ય કરી રહ્યા છે. ક્યાંય આવા ધર્મથી મનને શાંતિ મળી શકે? ચિત્ત નિર્મળ થઈ શકે ? આ બધી પેટ ભરવાની કલા છે.”
ગૌતમ પછી જંગલમાં પહોંચી ગયા તથા બે તપસ્વી બ્રાહ્મણો પાસે રહીને વેદાદિ ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા, પણ જ્યારે એક વર્ષ સુધી વેદોનું અધ્યયન કરવાથી પણ તેમને શાંતિ મળવાનાં કોઈ લક્ષણ ન દેખાય તો તેઓ બીજી પાંચ વ્યક્તિઓ સાથે ઘોર તપશ્ચર્યા કરવાના નિમિત્તે બીજા ગાઢ વનમાં ચાલ્યા ગયા.
આ રીતે તેઓ જુદાજુદા સિદ્ધાંતોના અનુયાયી સાધુઓ પાસે રહીને કેટલાંય વર્ષો સુધી તપ કરતા રહ્યા, જેનાથી તેમનું શરીર ખૂબ દુર્બળ થઈ ગયું હતું અને કાર્યશક્તિ પણ ખૂબ ઘટી ગઈ હતી, પણ તેનાથી તેમના મનની સમસ્યાઓનું સમાધાન થયું નહિ કે તેમને આત્મિક શાંતિ મળી શકી નહિ. અંતે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ફક્ત ગૃહત્યાગ કરીને વનમાં નિવાસ કરવાથી અને સ્વેચ્છાએ શારીરિક કષ્ટ સહન કરવાથી જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેના માટે જરૂરી છે કે પૂર્વગ્રહોની ચિંતા ન કરીને સંસારની સ્થિતિ અને સમસ્યાઓ પર ઉદાર ભાવે વિચાર કરવામાં આવે અને બુદ્ધિ સંગત તથા તર્કયુક્ત નિર્ણયને સ્વીકારવામાં આવે. આ માર્ગ પર ચાલવાથી તેમના હ્રદયમાં સત્ય જ્ઞાનનો ઉદય થયો. કહેવાય છે કે આ જ્ઞાન તેમને હાલના ગયા નગરની નજીક એક વડના ઝાડ નીચે નિવાસ કરતાં પ્રાપ્ત થયું, જેનાથી તેનું નામ “બોધિવૃક્ષ’ પડી ગયું. આગળ જતાં તે સ્થાન બૌદ્ધમતવાળાનું મુખ્ય તીર્થસ્થાન બની ગયું.
પ્રતિભાવો