૬. ગૌતમ બુદ્ધના સિદ્ધાંત
June 2, 2022 Leave a comment
ગૌતમ બુદ્ધના સિદ્ધાંત
સાચો આત્મબોધ પ્રાપ્ત કરી લેવાથી તેમનું નામ “બુદ્ધ’ પડી ગયું અને તેમણે સંસારમાં તેનો પ્રચાર કરીને લોકોને કલ્યાણકારી ધર્મની પ્રેરણા આપવાની ઇચ્છા રાખી. એટલાં માટે ગયાથી ચાલતાં તેઓ કાશીપુરી આવ્યા, જે તે વખતે પણ વિદ્યા અને ધર્મ ચર્ચાનું એક મુખ્ય સ્થાન હતું. અહીં સારનાથ નામના સ્થાનમાં રહીને તેમણે તપસ્યા કરતી વ્યક્તિઓ અને અન્ય જિજ્ઞાસુ લોકોને જે ઉપદેશ આપ્યો તેનું વર્ણન બૌદ્ધ ધર્મગ્રંથોમાં આ પ્રમાણે મળે છે.
(૧) જન્મ દુઃખદાયી હોય છે. ઘડપણ દુઃખદાયી હોય છે. બીમારી દુઃખદાયક હોય છે. મૃત્યુ દુ:ખદાયક હોય છે. વેદના, રુદન, ચિત્તની ઉદાસીનતા તથા નિરાશા એ બધું દુઃખદાયક હોય છે. ખરાબ ચીજોનો સંબંધ પણ દુઃખ આપે છે. માણસ જે ઇચ્છે છે, તે મળી શકે તે પણ દુઃખ આપે છે. ટૂંકમાં લગ્નના પાંચેય ખંડ જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ અને અભિલાષાની અપૂર્ણતા દુઃખદાયક છે.
(૨) હે સાધુઓ ! પીડાનું કારણ આ જ “ઉદાર સત્યમાં સમાયેલું છે. કામના – જેનાથી દુનિયામાં ફરી જન્મ થાય છે, જેમાં આમ-તેમ થોડો આનંદ મળી જાય છે, જેમ કે ભોગની કામના, દુનિયામાં રહેવાની કામના વગેરે પણ અંતે દુઃખદાયક જ હોય છે.
(૩) હે સાધુઓ ! દુઃખને દૂર કરવાનો ઉપાય એ જ છે કે કામનાને નિરંતર સંયમિત અને ઓછી કરવામાં આવે. જ્યાં સુધી વ્યક્તિ કામનાથી સ્વતંત્ર થઈ ન જાય એટલે કે અનાસક્ત ભાવનાથી સંસારનાં બધાં કાર્યો કરવા ન લાગે, ત્યાં સુધી વાસ્તવિક સુખ મળી શકતું નથી.
(૪) પીડાને દૂર કરવાનાં આઠ ઉદાર સત્ય આ પ્રમાણે છે – સમ્યક્ વિચાર, સમ્યક્ ઉદેશ્ય, સમ્યક્ ભાષણ, સમ્યક્ કાર્ય, સમ્યક્ જીવિકા, સમ્યક્ પ્રયત્ન, સમ્યક્ ચિત્ત તથા સમ્યક્ એકાગ્રતા. સમ્યક્ નો આશય એ જ છે કે એ બાબત દેશ, કાળ, પાત્રને અનુકૂળ અને કલ્યાણકારી હોય.
આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બુદ્ધ ત્રણ મૂળ વાતો જાણી લેવાની આવશ્યકતા બતાવી –
(૧) સંસારમાં જે કાંઈ પણ દેખાય છે, તે બધું અસ્થાયી અને તરત નષ્ટ થનારું છે.
(૨) જે કાંઈ દેખાય છે, તેમાં દુઃખ છુપાયેલું છે.
(૩) એમાંથી કોઈમાં સ્થાયી આત્મા નથી, બધા જ નષ્ટ થશે.
જ્યારે બધી ચીજો નષ્ટ થનારી છે, તો પછી તેના ફંદામાં શું કામ ફસાવું ? તપસ્યા અને ઉપવાસ કરવાથી તેમાંથી છુટકારો નથી મળી શકતો. છુટકારાનું મૂળ તો મન છે. મન જ મૂળ અને મહામંત્ર છે. તેને આ સાંસારિક વિષયોમાંથી ખેંચીને સાફ અને નિર્મળ કરી દો તો માર્ગ સ્વયં સ્પષ્ટ થઈ જશે. રાગ અને કામના (જૂઠો પ્રેમ અને લાલચ) ન રહેવાથી તમારાં બંધન આપોઆપ તૂટી જશે.
ધર્મનો સીધો રસ્તો એ જ છે કે શુદ્ધ મનથી કામ કરવું, શુદ્ધ હ્રદયથી બોલવું, શુદ્ધ ચિત્ત રાખવું. કાર્ય, વચન તથા વિચારની શુદ્ધતા માટે દસ આજ્ઞાઓ માનવી જોઈએ
(૧) કોઈની હત્યા ન કરવી, (૨) ચોરી ન કરવી, (૩) દુરાચાર ન કરવો, (૪) ખોટું ન બોલવું, (પ) બીજાની નિંદા ન કરવી, (૬) બીજાના દોલ ન કાઢવા, (૭) અપવિત્ર ભાષણ ન કરવું, (૮) લાલચ ન રાખવી, (૯) બીજાની ધૃણા ન કરવી, (૧૦) અજ્ઞાનથી બચવું.
ભગવાન બુદ્ધ સમજાવ્યું કે – જે સંસારમાં રહીને આ નિયમોનું પાલન કરશે અને બધા સાથે પ્રેમભાવ રાખવા છતાં પણ રાગ-દ્વેષથી પોતાને અલગ રાખશે, તે પોતાના જીવન-કાળમાં અને શરીરના અંત પછી પણ બધા પ્રકારનાં અશુભ પરિણામોથી મુક્ત રહેશે. મનુષ્ય જંગલોમાં જઈને તપસ્યા કરે અને ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરેનું કષ્ટ સહન કરે એવી કોઈ જરૂર નથી. મુખ્ય આવશ્યક્તા એ વાતની છે કે, પોતાના ચિત્તને સંતુલિત રાખીને કોઈના પ્રત્યે કોઈ પ્રકારનો દુર્વ્યવહાર ન કરે. પ્રકટપણે મીઠીમીઠી વાતો કરીને પરોક્ષ રીતે બીજાના અહિતની ચેષ્ટા કરવી એ જ ધન્ય કાર્ય છે. એટલે સાચો ધાર્મિક એ જ કહેવાઈ શકે હ્રદયમાં પ્રાણીમાત્ર પ્રત્યે સદ્દભાવના રાખે અને તેની કલ્યાણ-કામના કરે. જે કોઈનો દ્વેષ ન રાખે, જરૂર પડ્યે પીડિતો અને અભાવગ્રસ્તોની સેવા સહાયતાથી મોં ન ફેરવે, કુમાર્ગ અથવા ગહ્રિત આચરણથી બચતો રહે, તેને જ જીવન્મુક્ત સમજવો જોઈએ. આવી વ્યક્તિ ક્યારેય ભવબંધનોમાં ફસાઈ શકતી નથી.
મગધમાં “કસ્સપ’ અને “નાદિકસ્સા’ નામના બે અત્યંત પ્રસિદ્ધ મહાત્મા રહેતા હતા, જેમાંના પ્રત્યેકને ત્યાં ૫૦૦ શિષ્યો રહેતા હતા. થોડા સમય બાદ ભ્રમણ કરતાં કરતાં બુદ્ધ ત્યાં પહોંચ્યા અને વાતચીતમાં તેમણે એ મહાત્માઓને જણાવ્યું કે તેઓ જેવી રીતે તપસ્યા કરી રહ્યા છે, તેનાથી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી. જે તપસ્યા કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા રાખીને કરવામાં આવે છે, તેનાથી કામનાનો નાશ થતો નથી અને કામના પૂરી થયા વિના ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થઈ શકતી નથી. જો ચિત્ત નિર્મળ ન થયું તો બધું જ નકામું છે. એ મહાત્માઓ પર ગૌતમના ઉપદેશની બહુ અસર પડી અને તેઓ પોતાના એક હજાર શિષ્યો સહિત બુદ્ધના ચેલા બની ગયા.
ત્યાંથી આગળ જતાં બુદ્ધ રાજગૃહ પહોચ્યા, જે તે સમયે મગધ દેશની રાજધાની હતી. તેનો રાજ બિંબિસાર પહેલેથી તેમનો પરિચિત હતો. જ્યારે તેણે સાંભળ્યું કે બંને કસ્સ્ય બંધુ બુદ્ધના શિષ્ય થઈ ગયા છે તો તેને એકદમ તો વિશ્વાસ જ ન થયો કે આટલા મોટા મહાત્મા નાની ઉંમરના બુદ્ધજીના અનુયાયી કેવી રીતે બની ગયા ! એટલાં માટે તેણે પોતાના એક દૂતને એ મહાત્માઓના આશ્રમમાં એ જાણવા માટે મોકલ્યો કે તેઓ બુદ્ધના શિષ્ય બન્યા છે ? અથવા તો બુદ્ધ તેમના શિષ્યત્વનો સ્વીકાર કર્યો છે ? જ્યારે દૂતે આ બાબતમાં જિજ્ઞાસા દર્શાવી તો કસ્સપે કહ્યું
નિર્મલ અકથ અનાદિ જ્ઞાન જિસને હૈ પાયા |
ઉસી જ્યોતિ ભગવાન્ બુદ્ધ કો ગુરુ બનાયા ||
વાસ્તવમાં સત્ય જ્ઞાન અને સત્ય વ્યવહારનો એવો મહિમા છે કે જેના આધારે એક બાળક પણ વૃદ્ધોનો ગુરુ બની શકે છે. બુદ્ધે પોતે પણ પ્રસંગ આવ્યે ઘણી વાર પોતાના શિષ્યોને એ જણાવ્યું હતું કે “વાળ સફેદ થઈ જવાથી કોઈ પૂજનીય અને માનનીય થઈ જતું નથી, પણ જે જ્ઞાન-વૃદ્ધ છે, અને તદનુસાર આચરણ કરે છે તેને જ પૂજ્ય માનવો જોઈએ.”
બિંબિસારે બુદ્ધનું બહુ સ્વાગત સન્માન કર્યું અને પોતે પણ તેમનો શિષ્ય બની ગયો. મોટો શાસક આ રીતે સહાયક બની જતાં બુદ્ધનું પ્રચાર કાર્ય ઝડપથી આગળ વધવા લાગ્યું અને ધાર્યા કરતાં થોડાક જ સમયમાં તેમને નોંધપાત્ર સફળતા મળી ગઈ. બિંબિસારનું ઉદાહરણ જોઈને અન્ય કેટલાય રાજાઓ પણ બુદ્ધના કાર્યમાં સહયોગી બની ગયા. રાજાઓના પ્રભાવથી બીજા અનેક નાના-મોટા લોકો આ કાર્યમાં ભાગ લેવા લાગ્યા અને બુદ્ધના જીવનકાળમાં તેમનો ધર્મદેશ વ્યાપી બની ગયો. આ એક બહુ મહત્ત્વપૂર્ણ વાત હતી, કારણ કે મોટા ભાગના મહાપુરુષોના જીવનકાળમાં તેમનો વિરોધ જ વધારે થયો છે અને તેમના સિદ્ધાંતોનો પ્રચાર ઘણુંખરું તેમના અવસાન પછી થયો છે. ગૌતમ બુદ્ધની સાથે બિહારના જ એક રાજપુત્ર મહાવીર સ્વામીએ જૈન ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. તેઓ તપસ્યા અને ત્યાગની દૃષ્ટિએ બુદ્ધથી પણ અધિક ચઢિયાતાં હતા. તેમના સિદ્ધાંત પણ દાર્શનિક દૃષ્ટિએ બહુ ઉચ્ચ કોટિના હતા, પણ તેમ છતાં તેમને ઝાઝી સફળતા ન મળી શકે અને આજે પણ બૌદ્ધોની સરખામણીમાં જૈનોની સંખ્યા ન ગણ્ય જ છે. કારણ એ જ હતું કે મોટા તપસ્વી અને ત્યાગી હોવા છતાંય મહાવીર સ્વામી બુદ્ધ જેવા વ્યાવહારિક ન હતા અને તેમની જેમ સમયાનુકૂળ પરિવર્તન કરીને પોતાના કાર્યને નિરંતર અગ્રેસર ન કરી શક્યા. બુદ્ધની વ્યાવહારિક અને સમન્વય કરી શકનારી બુદ્ધિ તમામ ધર્મ પ્રચારકો માટે અનુકરણ કરવા જેવી છે. જો તેઓ કટ્ટરતાને બદલે ઉદારતા, સમજૂતી, સમન્વયની ભાવનાથી કામ લેતો નિઃસંદેહ પોતાનું અને બીજાનું ક્યાંય વધારે હિત સાધી શકશે.
પ્રતિભાવો