૭. પરિવારજનોને ધર્મપ્રચારક બનાવવા
June 3, 2022 Leave a comment
પરિવારજનોને ધર્મપ્રચારક બનાવવા
બુદ્ધ ક્રમશઃ દેશના જુદાજુદા ભાગોમાં પ્રચાર કરતાં કરતાં પોતાના રાજ્યમાં પણ જઈ પહોંચ્યા. મહારાજા શુદ્ધોધન પોતાના પુત્રની મહાન કીર્તિ સાંભળીને પોતાને પરમ કૃતકૃત્ય અને સૌભાગ્યશાળી સમજવા લાગ્યા અને તેમણે બુદ્ધનું ચિરસ્મરણીય ભવ્ય સ્વાગત કર્યું. બુદ્ધ આ પ્રસંગે કોઈ પ્રેમ અને સ્નેહની ભાવના ન બતાવતાં એ જ ભાવ પ્રદર્શિત કર્યો, જે તેઓ અન્ય અપરિચિત લોકોમાં પ્રકટ કરતા રહેતા હતા. એમણે સૌથી પહેલું કાર્ય તો એ કર્યું કે પોતાના નિયમાનુસાર નગરની બહાર મેદાનમાં રોકાયા અને ભોજનનો સમય થતાં અન્ય ભિક્ષુઓ સાથે ભિક્ષા માગવા નીકળ્યા. રાજા શુદ્ધોધન ખૂબ દુઃખી થઈને તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “શું મારામાં આપને તથા આપના ભિક્ષુઓને ભોજન કરાવવાનું સામર્થ્ય નથી, કે આપ ઘરે ઘરે ભિક્ષા માગી રહ્યા છો ?”
બુદ્ધે કહ્યું, “મહારાજ! અમારા વંશનો આ જ ધર્મ છે.”
રાજા – “ભંતે ! આપણો વંશ ક્ષત્રિય વેશ છે. આપણા વંશમાં ક્યારેય કોઈએ આજ સુધી ભિક્ષા માગી નથી.”
બુદ્ધ – “મહારાજ ! આપનો વંશ ક્ષત્રિય વંશ હશે, અમારો વંશ તો “બુદ્ધો”નો વંશ છે.”
કપિવસ્તુમાં બુદ્ધે પોતાના પુત્ર રાહુલ, પત્ની યશોધરા અને ભાઈ નંદને પણ દીક્ષા આપીને સંન્યાસી બનાવી દીધા. આ રીતે એકદષ્ટિએ તેમના રાજ્ય વંશનો અંત જ આવી ગયો. તેમણે જે વાતને બીજા માટે કલ્યાણકારી સમજી, તે પોતાના પરિવારને પણ પૂરેપૂરી લાગુ પાડી. પરંતુ આજકાલ ઘણું ખરું આનાથી વિપરીત બાબત જોવા મળે છે. લોકો બીજાને પરોપકાર, સ્વાર્થ, ત્યાગ, સેવા ધર્મનો ઉપદેશ આપવામાં બહુ નિપુણ હોય છે; પણ પોતે વિપરીત માર્ગ પર ચાલે છે. આ જ કારણસર પહેલાં કોઈક રીતે યાત્રા – સાધનો અને પ્રેસ, અખબાર વગેરે વિના પણ ઉપદેશકોને જેટલી સફળતા મળી જતી હતી, તેટલી અત્યારે પ્રચારનાં ઘણાં બધાં સાધનો વધી જવા છતાં પણ મળતી નથી.
પ્રતિભાવો